વિખ્યાત લેખક અને જાણીતા વૈદ્યરાજ લાભશંકર ઠાકર-રમેશ તન્ના
14મી જાન્યુઆરી, 1935ના રોજ પાટડીમાં જન્મેલા વિખ્યાત લેખક અને જાણીતા વૈદ્યરાજ લાભશંકર ઠાકરનું છઠ્ઠી જાન્યુઆરી, 2016ના રોજ અમદાવાદમાં નિધન થયું. (આ 14મી જાન્યુઆરીના રોજ તેઓ 83મા વર્ષમાં પ્રવેશ કરવાના હતા.)
લાઠા તરીકે જાણીતા લાભશંકર ઠાકર ગુજરાતી ભાષાના બળુકા, આગવો મિજાજ ધરાવતા ગદ્યના લેખક હતા. તેમનો પોતાનો મિજાજ અને તેમના સાહિત્યનો મિજાજ પરંપરાગત નહોતા. તેમણે ભાષાને ખૂબ નજીકથી તરાસી હતી, તપાસી હતી. ઘણાં વર્ષોથી તેમનું હૃદય માંડ 20 ટકા જ કામ કરતું હતું. તેમના સહકર્મી અને મિત્ર ઋતુરાજ રાઠોડ પાસેથી અવાર-નવાર તેમના ખબરઅંતર જાણવા મળતા. ઋતુરાજ માટે તો આ બીજો ઘા છે. હમણાં જ થોડા દિવસ પહેલા તેમણે અણધારી રીતે પોતાના પિતા (માનવેન્દ્ર રાઠોડ)ને ગૂમાવ્યા અને હવે ખૂબ નજીકના બીજા વડીલની વિદાય.
લાઠાદાદાએ શબ્દ અને શબ્દપ્રવૃત્તિ બંને દ્વારા ગુજરાતી સાહિત્ય-નાટ્ય-કવિતાને વળાંક આપવાનુ કામ કર્યુ. તેમને પરંપરાઓ સામે ચીડ હતી. ઘરેડ અને ચીલાના તેઓ માણસ કે સર્જક જ નહોતા. નાટકમાં તેમણે વ્યાપક અને ગહન કામ કર્યું. તેમના લખેલા નાટકો ભણવાની અને જોવાની પણ તક મળી છે. કળજેલાં નાટક તો આજે પણ યાદ આવે છે. બાપા વિશે પુસ્તક ઘણા લોકો સમજવા માટે વધુ વાર વાંચે તો મારા જેવા માણવા માટે વારંવાર વાંચે.
રણજીતરામ સુવર્ણચંદ્રક તેમણે સ્વીકારવાની ના પાડી હતી. વિનોદ ભટ્ટના આગ્રહથી છેવટે સ્વીકાર્યો. અમદાવાદના ઠાકોરભાઈ દેસાઈ હોલમાં તેનો સમારંભ હતો. એ વખતે રઘુવીર ચૌધરીએ પ્રાસંગિક પ્રવચનમાં કહ્યું હતું કે તેમણે આ એવોર્ડ નહોતો સ્વીકાર્યો ત્યારે મને નવાઈ નહોતી લાગી અને આજે એ સ્વીકારી રહ્યા છે ત્યારે પણ મને આશ્ચર્ય નથી થતું. એ વખતે લાઠા દાદાએ કહેલું કે મેં એવોર્ડ ન સ્વીકાર્યો તેથી એક મૂલ્ય ઊભું થયું, આજે એવોર્ડ સ્વીકારીને એ મૂલ્યને પણ હું તોડી રહ્યો છું.
મને યાદ છે કે એ વખતે પોતાના અભ્યાસી વ્યાખ્યાનમાં તેમણે એમ પણ કહ્યું હતું કે, ઈનામો અને સજા આ બે બાબતો માનવજાતના વિકાસ માટે ઘાતક છે. તે બંને પ્રથા બંધ કરવી જોઈએ.
‘રે મઠ’ની પ્રવૃત્તિ હોય કે ‘આકંઠ સાબરમતી’ની હલચલ હોય. લાઠાદાદા પોતાની ટીમ સાથે સતત સક્રિય હોય. આદિલ મનસૂરી, મનહર મોદી, ચીનુ મોદી, મધુ રાય, ઈન્દુ પુવાર, સુભાષ શાહ વગેરે સાથે મળીને તેમણે કરેલાં તોફાનો ગુજરાતી સાહિત્યનું એક રસપ્રદ અને મહત્વનું પ્રકરણ છે.
તેઓ સિદ્ધહસ્ત લેખક-કવિ હતા તે રીતે જ નિષ્ણાત વૈદ્યરાજ હતા. તેમણે અનેક લોકોને સાજા કર્યા, નવજીવન આપ્યું, પરંતુ પોતાના સ્વભાવગત સળવળવાટને કારણે તેમણે શરીરને વૈદ્યરાજ જે રીતે સાચવે તે રીતે ન સાચવ્યું. જેમ સાહિત્યમાં પ્રયોગ કરતા તેમ ખાણી-પીણીમાં પણ પ્રયોગ કરતા.
લાઠાદાદાનું બાળસાહિત્ય પણ બળવાળું. મેં એમની અનેક વાર્તાઓ વારંવાર વાંચી છે અને બાળકોને કહી છે. અત્યારે શિયાળો ચાલી રહ્યો છે, ત્યારે મને શિયાળાના તડકાનાં પાપડની વાર્તા યાદ આવે છે.
આવા લાઠાદાદાની વિદાય ગુજરાતી સાહિત્ય માટે વસમી છે. મારા અને અનિતાના તેઓ વડીલ હતા. અમે અનેક વખત તેમને મળવા જતાં.
હું ગુજરાત ટાઈમ્સમાં સંપાદક હતો ત્યારે થોડો સમય તેમની પાસે કોલમ પણ લખાવી હતી. એ વખતે તેમની સાથે વાતો કરવાની ખૂબ મજા આવતી. તેમનો સ્પષ્ટ ઉચ્ચાર સાથેનો મીઠો અવાજ વારંવાર સાંભળવો ગમતો. તેઓ શબ્દોની પસંદગી એવી સરસ કરતા કે તેમાંથી આપણને આપોઆપ શીખવાનું મળી જતું.
મિત્ર અને વૈદ્યરાજ ઋતુરાજ રાઠોડનાં પુસ્તકોનું પ્રકાશન કર્યું ત્યારે તેનું લોકાર્પણ અમે લાઠાદાદા પાસે કરાવ્યું હતું. ખૂબ પ્રેમથી આવ્યા હતા અને છેક સુધી રોકાયા પણ હતા.
લાઠાદાદાનું એક જાણીતું પુસ્તક છેઃ ‘ટોળાં, અવાજ અને ઘોંઘાટ’.
કોઈને થશે કે લાઠાદાદની વિદાય વખતે ગુજરાતી સાહિત્યમાં ટોળાં વધી રહ્યા છે, સાહિત્યનો અવાજ વક્તાઓના અવાજમાં દબાઈ રહ્યો છે અને આધુનિકતાનો ઘોંઘાટ એટલો વધી રહ્યો છે કે તેમાં સાહિત્યનો શબ્દ સાંભળવાનો કોઈને સમય નથી.
લાઠાદાદાને શબ્દાંજલિ.


અવાજને ખોદી શકાતો નથી
ને ઊંચકી શકાતું નથી મૌન.
હે વિપ્લવખોર મિત્રો !
આપણી રઝળતી ખોપરીઓને
આપણે દાટી શકતા નથી
અને આપણી ભૂખરી ચિંતાઓને
આપણે સાંધી શકતા નથી.
તોસફેદ હંસ જેવા આપણા સપનાઓને
તરતાં મૂકવા માટે. ક્યાં સુધી કાલાવાલા કરીશું
આ ઊષરભૂમિની કાંટાળી વાડને ?
આપણી આંખોની ઝાંખાશનો લાભ લઈ
વૃક્ષોએ ઊડવા માંડયું છે એ ખરું.પણ એ શું સાચું નથી
કે આંખો આપીને આપણને
છેતરવામાં આવ્યા છે ? વાગીશ્વરીના નેત્રસરોવરમાંથી
ખોબોક પાણી પી ફરી કામે વળગતા
થાકી ગયેલા મિત્રો !
સાચે જ અવાજને ખોદી શકાતો નથી ને ઊંચકી શકાતું નથી મૌન.
– લાભશંકર ઠાકરને તેમના જ કાવ્ય સાથે શ્રધ્ધાંજલી
લાઠાનું દવાખાનું અમારા સારંગપુર ચકલાની નજીક જ.
ઋષિકવિ રાશુના ખાસ મિત્ર – ‘લઘરો’ -એમના જેવા જ સાવ અલગારી માણસ.
એમના જેવા કવિ આંગળીના વેઢે ગણાય એટલા જ છે.
એમને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ.
માહિતી માટે ફરીથી આભાર. ગુજરાતી પ્રતિભા પરિચય પર ૧૦ વર્ષ પહેલાં તેમનો પરિચય શ્રી. હરીશ ભાઈ દવેએ બનાવેલો. એમાં ઘણા સુધારા જરૂરી હતા. આજે ફરીથી એ મઠારીને પુનઃ પ્રકાશિત કર્યો છે –
https://sureshbjani.wordpress.com/2016/01/07/labhashankar_thaker/
Reblogged this on શબ્દોનુંસર્જન.