કંટેન્ટ પર જાઓ

વનપ્રવેશ- રમેશ તન્ના

ઓક્ટોબર 14, 2017

51મા વર્ષે આર્થિક ઉપાર્જનમાંથી હાસ્યકાર, હાસ્ય લેખક અને

લોકશિક્ષક ડો. જગદીશ ત્રિવેદી લઈ રહ્યા છે નિવૃત્તિ

આવતી કાલે 15મી ઓક્ટોબર, 2017ના રોજ સુરેન્દ્રનગરમાં એક અનોખો કાર્યક્રમ યોજાઈ

રહ્યો છે. જાણીતા હાસ્યકાર, હાસ્યલેખક અને લોકશિક્ષક, ત્રણ ત્રણ વિષયમાં પીએચડી

કરનારા જગદીશ ત્રિવેદી પોતાના એકાવનમા જન્મદિવસે વ્યવસાયમાંથી નિવૃત્તિ લઈ

રહ્યા છે. હવે તેઓ પોતાના કે પોતાના પરિવારના આર્થિક ઉપાર્જન માટે કોઈ પણ પ્રકારની

પ્રવૃત્તિ નહીં કરે.

આવતી કાલે પૂ. મોરારી બાપુ, ગુણવંત શાહ, શાહબુદ્દીન રાઠોડ, રઘુવીર ચૌધરી સહિત

અનેક દિગ્ગજો આ કાર્યક્ર્મમાં હાજર રહેવાના છે. માત્ર ગુજરાતમાંથી જ નહીં મુંબઈ,

અમેરિકા, દુબઈ એમ ઠેર ઠેરથી તેમના ચાહકો અને સ્વજનો આ ઐતિહાસિક અને અદ્વિતિય

અવસરે હાજરી આપવા આવી રહ્યા છે. 150થી વધુ તો સાહિત્યકારો, કવિઓ, લેખકો કે

કળાકારો કાર્યક્રમની શોભા વધારવાના છે. આશરે 2000થી વધુ લોકોની ઉપસ્થિતિમાં

જગદીશ ત્રિવેદીનાં ચાર પુસ્તકોનું લોકાર્પણ પણ આવતી કાલે થશે.

સ્વૈચ્છિક નિવૃત્તિ એ ગુજરાતના શબ્દવિશ્વમાં નવી ઘટના નથી. નોકરી છોડીને નર્મદે કલમના

ખોળે માથું મૂક્યું હતું. (જો કે પછી તેમને નોકરી કરવી પડી હતી.) ગોવર્ધનરામ ત્રિપાઠીએ માત્ર

48 વર્ષની વયે મુંબઈની ધીખતી વકીલાત છોડીને નડિયાદ આવીને સાહિત્ય સાધના કરી હતી.

જયભિખ્ખુએ તો માત્ર 21 વર્ષની વયે નોકરી નહીં કરવાની પ્રતિજ્ઞા કરી હતી. જાણીતા ચિંતક

ગુણવંત શાહે પ્રોફેસર તરીકેની નોકરી માત્ર 50 વર્ષની વયે છોડી દીધી હતી.

અમે જગદીશ ત્રિવેદીને પૂછ્યું કે 51મા વર્ષે આવો આકરો નિર્ણય કરવાનું કારણ શું ? તેમણે

જવાબમાં કહ્યું કે એક નહીં પાંચ કારણો છે. પહેલું કારણ છે એક સ્વામિનારાયણ સંત. હવે તેઓ

બ્રહ્મલીન થયા છે, પરંતુ તેમણે મને વિદુર નીતિની વાતો કરી હતી. એ વખતે મને જાણ થઈ હતી

કે યુવાનીમાં કમાઈ લેવાનું. એ વખતે જ મારા મનમાં નિવૃત્તિનો વિચાર રોપાઈ ગયો હતો.

બીજું કારણ છે સુરેન્દ્રનગરના એક ડોક્ટર દંપતિ. ડો. શકુંતલા શાહ અને ડો. પી.સી. શાહે 2003માં

તબીબી પ્રેક્ટિસમાંથી આર્થિક રીતે નિવૃત્તિ લઈ લીધી હતી. ડોક્ટરો તરીકે તેમણે તબીબી પ્રેક્ટિસ

ચાલુ રાખી, પરંતુ પૈસા લેવાનું બંધ કર્યું. તેમનામાંથી મને પ્રેરણા મળી.

ત્રીજું કારણ છે, મારા મોટાં માતા-પિતા સરોજબહેન અને અને હિંમતલાલ બંને શિક્ષકો હતાં.

મારા મોટા પિતાએ 48 વર્ષની વયે અને મારાં મોટાં માતાએ 43 વર્ષની વયે, માત્ર ભક્તિ

કરવાના હેતુથી નિવૃત્તિ લઈ લીધી હતી. આ ઉપરાંત મારી માતાના એક કાકાએ પણ સન્યાસ

લીધો હતો. હવે તે બ્રહ્મલીન થયા છે. આ ઉપરાંત અન્ય એક કારણ છે,

મોરારી બાપુ. 2005માં મોરારી બાપુએ કહ્યું હતું કે આર્થિક આવકના 10 ટકા સમાજને દાન કરી દેવા.

21મી ફેબ્રુઆરી, 2005થી હું તેમના આ સૂચન પ્રમાણે મારી આવકના 10 ટકા સમાજને આપું છું.

આવતી કાલે હું એ 10 ટકાની પાછળ માત્ર એક મીંડું ઉમેરવાનો છું.

જગદીશભાઈ ત્રિવેદીના પરિવારમાં છોડવાની વૃત્તિ સહજ છે. તેમનાં માતા-પિતાએ પણ

માત્ર ભક્તિ કરવા માટે 43-48 વર્ષે નોકરી છોડી હતી. આમ સંસાર છોડવાનો વિતરાગ અને

સંપત્તિ છોડવાનો વૈરાગ્ય જગદીશભાઈને વારસામાં મળ્યો છે.

જગદીશભાઈએ 50 વર્ષની વયમાં ચાર-પાંચ જિંદગીમાં માંડ-માંડ કરી શકાય તેટલું કામ

કર્યું છે. તેઓ એક નહીં ત્રણ ત્રણ વખત પીએચડી થયા છે. (જેમ ઘણા પોતાના નામની

આગળ બે-બે વખત શ્રી લગાડે છે તેમ જગદીશભાઈ ધારે તો પોતાના નામની આગળ

ત્રણ વખત ડોક્ટર લગાવી શકે છે. ડો. ડો. ડો. જગદીશ ત્રિવેદી એમ લખે તો કોઈ

તેમને રોકી કે ટોકી ના શકે.) જગદીશભાઈએ પહેલું પીએચડી કર્યું તેમના નાના અને

સાહિત્ય ગુરુ દેવશંકર મહેતાની નવલકથાઓ પર. એ પછી તેમણે પોતાના કલાગુરુ

શાહબુદ્દીન રાઠોડના હાસ્ય સાહિત્ય પર બીજું પીએચડી કર્યું. એ પછી પોતાના ધર્મ ગુરુ

મોરારી બાપુ પર તેમણે સુરેન્દ્રનગરની સી.યુ.શાહ યુનિવર્સિટીમાંથી પીએચડી કર્યું. આમ

ત્રણ ત્રણ વખત તેઓ પીએચડી થયા છે. તેમના નામે અન્ય એક વિક્રમ પણ જોડી શકાય

તેમ છે. ડો. જગદીશ ત્રિવેદીના સાહિત્ય ઉપર પણ પીએચડી થયું છે. તેમના અનુજે તેમના

સાહિત્ય પર પીએચડી કર્યું છે.

12મી ઓક્ટોબર, 1967ના રોજ વઢવાણમાં જન્મેલા જગદીશભાઈએ માત્ર સાત વર્ષની

ઉંમરે ધાંગધ્રા તાલુકાના ગુજરવધી ગામમાં પહેલો જાહેર કાર્યક્રમ રામલીલામાં આપ્યો હતો.

હાસ્ય કલાકાર તરીકે 31મી ડિસેમ્બર, 1993ના રોજ તેમણે શુભારંભ કર્યો.

અત્યાર સુધી 26 દેશોમાં તેમણે 68 વિદેશ યાત્રા કરી છે. પાકિસ્તાન જનારા તેઓ એક માત્ર

અને પહેલા હાસ્ય કલાકાર છે. અત્યાર સુધી તેમના 76 હાસ્ય આલબમ રજૂ થયા છે.

51 પુસ્તકોમાં આવતી કાલે ચારનો ઉમેરો થતાં તેમનાં પુસ્તકોની સંખ્યા થશે 55 !

અમે પૂછ્યું કે હજી દીકરો મૌલિક ભણી રહ્યો છે તો આર્થિક ઉપાર્જન પર પૂર્ણવિરામ મૂકી દેવાનો

આ નિર્ણય યોગ્ય છે ? તેમણે હસતાં હસતાં કહ્યું કે વાણિયાના ગામમાં રહું છું એટલે મારું

આયોજન પાકું હોય. દીકરો મૌલિક, પત્ની તથા માતા-પિતા બધાની જવાબદારી મારા પર છે.

મેં એવું આયોજન કર્યું છે કે તેમને બિલકુલ તકલીફ ન પડે. દીકરો ડાહ્યો છે અને પોતે કમાશે,

પરંતુ ના કમાય તો પણ તેને આખી જિંદગી કશું ના કરવું પડે તેવું આયોજન મેં કર્યું છે. નર્મદે

નોકરી છોડીને કહ્યું હતું કે કલમ તારા ખોળે છઉં… જો કે એ પછી તેમને નોકરી કરવી પડી હતી

અને તેઓ કદી હસી શક્યા નહોતા. હું નર્મદ જેવી ભૂલ ના કરું.

જગદીશભાઈ બોલવા લખવાનું બંધ કરવાના નથી. માત્ર આર્થિક ઉપાર્જનની દિશા બદલાશે.

હવે તેઓ જે કાર્યક્રમ આપશે તેની ધનરાશિ સીધી સમાજને જશે. તેમણે આરોગ્ય અને શિક્ષણના

ક્ષેત્રો પસંદ કર્યાં છે. આયોજકો આ બે ક્ષેત્રોમાં તેમના પુરસ્કારની રકમ જમા કરાવી શકશે.

પિતાનો આટલો મોટો ભવ્ય અને ઐતિહાસિક કાર્યક્રમ યોજાઈ રહ્યો છે, પરંતુ મૌલિક તેમાં હાજર

રહી શકવાનો નથી. મૌલિક કેનેડામાં ભણી રહ્યો છે. મૌલિકે હમણાં આપઘાત પર ખૂબ જ સુંદર

પુસ્તક સંપાદિત કર્યું છે. વિદ્યાર્થીઓ આપઘાતની વૃત્તિ અને પ્રવૃત્તિમાંથી પાછા આવે તેવા

ભલા અને ઉમદા ઈરાદાથી તેણે આ પુસ્તકનું સંપાદન કર્યું હતું. આ પુસ્તક ગુજરાતી અને

અંગ્રેજી એમ બે ભાષામાં પ્રકાશિત થયું છે અને ખૂબ પ્રશંસા પામ્યું છે.

સમાજમાં એક બાજુ ભૌતિકવાદ વધી રહ્યો છે. લોકો સંપત્તિ પાછળ ગાંડાતુર થઈને પડ્યા છે.

લોકો શરીરના ભોગે સતત કામ કરી રહ્યા છે. ઘણા લોકો 75-80 વર્ષે પણ પૈસા છોડવા માગતા નથી

, ત્યારે જગદીશભાઈ ત્રિવેદીનાે આ નિર્ણય નોખો અને અનોખો લાગે છે. માત્ર 51 વર્ષની ઉંમરે આર્થિક

ઉપાર્જનમાંથી મુક્તિ લઈ લેવી એ ઘટના સાહસિક છે. સંવેદનશીલ વ્યક્તિ જ આવો નિર્ણય કરી શકે છે

. જગદીશભાઈ ત્રિવેદીને આ નિર્ણય માટે અઢળક અભિનંદન આપીને પરમાત્માને પ્રાર્થના કરીએ કે

તેમને નિરામય દીર્ઘાયુ આપે. તેઓ સમાજને સતત હસાવતા રહે અને સ્વસ્થ સમાજની દિશામાં

લોકોને આગળ ધપાવતા રહે.

ગ્રાફિક ડિઝાઈન : રણમલ સિંધવ

Coutsey: Facebook

One Comment leave one →
  1. ઓક્ટોબર 15, 2017 4:58 એ એમ (am)

    માત્ર પચાસ જ વર્ષની ઉમરે નિવૃત્તિ લેનાર ને ભડનો દીકરો જ કહેવો પડે.
    તેમને હાર્દિક અભિનંદન અને હવે મળનાર નવરાશમાં બહુ અમૂલ્ય સર્જનો અને સેવાકાર્યો ગુજરાતને મળશે – એ હરખ.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: