કંટેન્ટ પર જાઓ

સ્ત્રી-રત્ન ભાગીરથી મહેતા- સરયૂ મહેતા-પરીખ

જૂન 4, 2017

કવયિત્રી ભાગીરથી, ‘જાહ્‍નવી’; એક પ્રેરણાદાયી પાત્ર,

                                    લેખિકાઃ દીકરી, સરયૂ મહેતા-પરીખ

મારી નજરે મારા બા, એક પ્રભાવશાળી વ્યક્તિ હતા. એમના હાથથી કાગળ, પેન અને પુસ્તકો દૂર ન હોય. રસોઈ, ઘરકામ અને નોકરી ઉપરાંત, સાંજે જાણીતા સાહિત્યકારો ઘેર આવીને બેઠા હોય અથવા એમને કોઈ કવિઓને મળવાનુ હોય. ઘણી વખત કવિ સંમેલનમાં કવિઓની વચ્ચે આ એક જ કવયિત્રી મંચ પર ઉપસ્થિત હોય. વહેલી સવારે ઘણીવાર બત્તી જલે ત્યારે ખબર પડે કે બાને કોઈ કવિતાએ જગાડી દીધા.

બ્રીટીશ હકુમતમાં ૧૯૧૭માં ભાગીરથીનો જન્મ ભુવા નામનાં ગામમાં થયેલ. એક વર્ષની બાળકીની માતા, કસ્તુરબેનનો, બે દિવસની માંદગીમાં સ્વર્ગવાસ થયેલો. સંયુક્ત પરિવારમાં બાળકો વચ્ચે સૌથી નાની ભાગીરથી સચવાઈ ગઈ. ભુવાની ધૂડી નિશાળમાં કોઈક સાથે વાંધો પડતા, “મારે નિશાળે નથી જઉં” તેવી જીદ પકડી. ચોથી ચોપડી મ્હાંણ ભણી, એવું એમના કાકીમા કહેતા. છોકરીને લખતાં વાંચતાં આવડ્યું એટલે બસ, એવા સમાજિક વિચારોના પ્રોત્સાહન સાથે ઘરકામ શીખવામાં પળોટાઈ ગયા. માટીનો ઘડૂલો લઈને ખારી-નદીએ પાણી ભરવા જતી છોકરીની યાદમાં ‘જાહ્‍નવી’ની રચના, “અભિલાષા” કાવ્યસંગ્રહ.

                                                                                                                      વાદળીનો વાંક

ડાબી બાજુ ખેતરાં ને જમણી બાજુ નહેર કેડી  નાની   સાંકડી   ને  કાંટા   વાગે  કેર

                        પાણી ગ્યાં’તાં ખારી પેર ……….

ઘડૂલો મૂક્યો કમ્મરે  ઇંઢોણી  લીધી  હાથ સીમુ સુંદર શોભતી, આંખડીએ આંજી નેહ

                            પાણી ગ્યાં’તાં ખારી પેર ……..

મોટાં મોટાં વાદળાંનો  ઊંટ સમો આકાર ખેલે  મોટાં  માંકડાં  ને  ઢોલ   બજાવે  ઘેર

પાણી ગ્યાં’તાં ખારી પેર

……….

ઊંચું જોયું આભમાં ત્યાં વાંકી થઈ ગઈ ડોક

ઘડો પડી ગ્યો વાટમાં, ઠીકરીએ કીધો  કેર

                         પાણી ગ્યાં’તાં ખારી પેર

……… વઢે મને બહુ માવડી પણ મારો ન્હોતો વાંક અનેક  ધારી અંગ  એ  વાદળીએ  લીધાં વેર                       પાણી ગ્યાં’તાં ખારી પેર

કાકીમાએ ઘડો તૂટ્યો તેમાં ‘વાદળીનો વાંક,’ એ કારણ સ્વીકાર્યું નહીં જ હોય.

ભાગીરથીના પિતા, વૈદ ભાણજી દવેએ બ્રાહ્મણ કુટુંબના લોટ માંગવાના અને ક્રિયાકાંડ કરવાના ચીલાચાલુ વ્યવસાયને તજી, વૈદ તરિકે ભુવા અને આસપાસના ગામોમાં આદરણિય પ્રતિષ્ટા મેળવી હતી. ભાઈઓને ભાવનગર ભણવા મૂક્યાં ત્યારે ભા’દેવાની શેરીમાં દસેક્ વર્ષની ભાગીરથી રસોઈ અને ઘરકામ કરવા માટે ભાવનગર આવીને રહી. પણ દીકરીને આગળ ભણાવીએ એવો કોઈ વડીલને વિચાર નહીં આવ્યો હોય.

પિતાશ્રી તેર વર્ષની દીકરીને આવીને કહે કે “તારા લગ્ન કોટડા ગામમાં નક્કી કર્યા છે.” મોટાભાઈ નાથાલાલનાં વેવિશાળ માટે કોટડા ગામે ગયેલા અને ભાગીરથીનું લગ્ન હરિશંકર મહેતા સાથે નક્કી કરીને આવ્યા. એ વખતે રીવાજોની ક્રુરતાનો સત્ય અનુભવ થયો. જ્યારે સાસરે ગયા તો ત્યાંની રહેવાની રીત અને વહુને રાખવાની રીતથી થતી માનહાની સામે એમનો આત્મા બળવો ઉઠાવતો રહ્યો.

હરિશંકરભાઈ પ્ર્રથમિક શાળામાં શિક્ષક તરિકે ગામડામાં નોકરી કરતા અને ભાગીરથી ઘર સંભાળતા. ગરીબી અને અપમાનજનક રહેણી કરણીથી ભાગીરથીને અત્યંત સંતાપ થતો. પાંચ વરસના મનોમંથન અને ભાઈ નાથાલાલ દવે દ્વારા મળતા પુસ્તકોના અભ્યાસથી, એમને સમજાયું કે મારું ભવિષ્ય મારે જ બનાવવાનુ છે. એ સમયે સ્વામિ વિવેકાનંદના વિચારોનો પ્રભાવ તેમને માટે શક્તિ પ્રેરક બની રહ્યો. દરેક પ્રયત્નોમાં બન્ને કુટુંબોના વિરોધોનો સામનો કરતા, અઢાર વર્ષની ઉંમરે, ભાવનગરમાં રહીને ભણવાનો નિશ્ચય કર્યો. પ્રવેશ પરીક્ષા માટે એક નિબંધ લખવાનો હતો. પરિણામે એમને દસમાં ધોરણમાં સીધા મુકવામાં આવ્યાં. પોતાના સદગુણોને લીધે ઘણા ઉત્તમ લોકોના સંસર્ગમાં આવ્યા. તેમની મનો જાગૃતિ અને સંકલ્પ સામે રોજની તકલિફો ગૌણ બની ગઈ. હાઈસ્કુલમાંથી ઉત્તીર્ણ થયાં પછી, પાંચ વિદ્યાર્થીનીઓ સાથે શરૂ થતાં કર્વે કોલેજના વર્ગમાં ભણવાનુ ચાલુ રાખ્યું. શેરીમાંથી નીકળી ક્લાસમાં જતાં હોય ત્યારે ઓટલે બેઠેલી બહેનો સંભળાવે, “એવો જમાનો આવશે કે ધન કમાશે બાયડી ને…”  એ જ બહેનોને લાચાર પરિસ્થિતિ આવતી ત્યારે ભાગીરથીની મદદ લેવા જઉં પડતું.

ગાંધીયુગની અસર તળે જ્યારે ભાગીરથીએ કહ્યું કે, “હવે હું ખાદીના જ કપડા પહેરીશ. મારા માટે રંગબેરંગી મીલના કપડાં ન લાવશો.” ત્યારે એમના પિતાશ્રીની અસંમતિઓમાં એક વધારે કારણનો ઊમેરો થયો અને નારાજગીની માત્રા વધતી ગઈ. પણ મોટી ઉંમરે જ્યારે ભાગીરથીના વિચારોને સમજ્યા ત્યારે પિતા-પુત્રીમાં ભલો સુમેળ થયો.

ભાગીરથીને ભાવનગરમાં પિયરમાં રહીને ભણવાનું, પણ રજાઓ પડતાં કોટડામાં લાજ કાઢી સામાન્ય વહુવારૂઓ સાથે હળીમળી રહેવાનું બનતું. જુનીઅર બી.એ. ની પરિક્ષા પછી પંદર દિવસમાં મુનિભાઈનો જન્મ થયો. માતા કે સાસુનો ઓથાર ન હોવાથી જવાબદારીઓ ઘણી વધી ગઈ. બાળકને સંભાળતાં બી.એ. થયા. માજીરાજ કન્યાશાળામાં નોકરી તરત શરુ કરી દીધી. પતિ હરિશંકરની બદલી ગામડેથી ભાવનગરની પ્રાથમિક શાળામાં એ અરસામાં થઈ શકી હતી. ચાર વર્ષના મુનિ અને નવજાત સરયૂને ઉછેરતાં, શાળા અને ઘરકામની ઘટમાળ શરૂ થઈ, પરંતુ પોતાનું કહી શકાય એવું રહેઠાણ બંધાતા વર્ષો વહી ગયા. ત્રીજી બાળકી ઉર્વશીના આગમન સાથે ભાગીરથીના જીવનમાં સંતોષ,  સ્થિરતા અને આવક વધી. હોંશે આંબાવાડી પાંસે ‘ગંગોત્રી’ નામનો બંગલો બંધાઈ ગયો. પણ રહેવા જતાં પહેલાં જ પાંચ વર્ષની ઉર્વશી અમને છોડી ચાલી ગઈ. એ આખાત અસહ્ય હતો.

ભાગીરથીની માનસિક અને સાંસ્કારિક પ્રગતિની ઝડપ સાથે જીવનસાથી કદમ મીલાવી ન શકતા અમુક અંતરનો અનુભવ અને એકલતાની લાગણી એ કવિ હ્રદયને સતત લાગતી. પણ જીવનના દરેક માઠાં અનુભવોને, “મારા માટે એ જરૂરી હશે” એમ સમજી અંતરગત બનતા રહ્યાં. આમ જ લાગણીઓને શબ્દોનો આકાર આપી, તટસ્થભાવે સ્વીકારી, ભાવુક ગૃહિણી સાથ સાથ કવયિત્રી બની રહ્યાં. ભાગીરથીનું ખાસ ગમતું ગીત…

                                             કાંટે ગુલાબ

                 જાણીને ઝેર્ પી લેવાં મનવાજી મારાં, કાંટે ગુલાબ થઈ રહેવાં.

                                તપસી તપેશ્વર ને જોગી જોગેશ્વર, સૌએ પીધાં છે ઝેર એવાં     …મનવાજી

             ગામડાની, મા વગર ઊછરેલી છોકરી, જે સુંદર હોવાથી “ડોળા ફોડામણી” કહેવાતી, અને આને વખાણ સમજવાં કે નહીં તે આ છોકરીને સમજ નહોતી પડતી. તેણે પોતાના અંતર ઉજાસથી પોતાનું અને આખા મહેતા કુટુંબનું ભવિષ્ય ઉજ્વલ કર્યું. તેર વર્ષની ઉંમરથી શરૂ કરેલ લાજ કાઢવાની પ્રથા સામે વિરોધ કરતાં, લગભગ ત્રીસની ઉંમરે તેમણે હિંમતથી, તેમના જ્યેષ્ઠને માનપૂર્વક કહ્યું, “મોટાભાઈ, હવેથી હું લાજ નહીં કાઢું, પરંતુ તમારા માટેના સન્માનમાં જરા પણ કસર નહીં છોડું.” આખા પરિવારમાં આશ્ચર્ય અને અણગમો ફેલાઈ ગયો. પણ પછી ઘેર ઘેર ઘૂંમટા તણાતા બંધ થયાં. એ જ રીતે નાક-કાન વિંધાવવા જ પડે, અને પતિની હયાતીના શણગાર પહેરવા જ પડે, એ નિયમો પણ એમણે તોડ્યાં. સમાજમાં ઊંડા મૂળ ખોતરેલા નિયમો સામે બળવો કરી અને સ્વજનોના ગુસ્સાનું નિશાન બની પોતાના વિચારોમાં અડગ રહ્યાં. તેમની અનન્ય પ્રતિભાની અનેક બહેનો અને ખાસ કરીને, ખીલતી કળી સમી વિદ્યાર્થીનીઓ પર અસાધારણ અને અદ્‍ભૂત અસર જોવા મળી હતી.

ભુવા અને કોટડા ગામમાંથી પ્રથમ કોલેજ ગ્રેજ્યુએટ નારીનું માન તો વધી ગયું, પરંતુ સમાજમાં અને ઘરમાં સ્ત્રીનું સ્થાન નિયત છે, એ જ રહ્યું. સમાજમાં સગા સંબંધીઓનું વર્તન તેમજ શાળા, કોલેજ કે લગ્નની વાતચીતમાં અમને હંમેશા અનુભવ થતો કે અમે પ્રાથમિક શાળાના શિક્ષકના પરિવારના છીએ. એ સ્થાને જો પિતા હાઈસ્કુલના આચાર્ય હોત તો અમારી સાથેના વ્યવહારમાં ઘણો તફાવત હોત. ઘણી અવગણના વચ્ચે પણ બાનું રક્ષા કવચ બાળકોને છાવરી રહ્યું અને અસામાન્ય પુત્ર, પદ્મશ્રી મુનિભાઈ અને સરયૂ જેવા સફળ અને સાલસ બાળકો ઉછેર્યાં.

જાણ્યું’તું મેં દવ જીવનના, હોય છે દુઃખકારી,

એ તો મારા અબુજ ઉરની, માનવી ભૂલ ભારી.

તાપે તાપી અમ જીવનની, સુપ્ત તાકાત જાગે,

ત્યારે દુઃખો જગતભરનાં, અલ્પ તાકાત લાગે. –‘જાહ્‍નવી’

       ભાગીરથીનાં વિવિધ સ્વરૂપોમાંનું એક આગવું, મધુરું, સ્વરૂપ હતું તે, કવયિત્રી જાહ્‍નવી. જેના લીધે સુજ્ઞ કવિઓ અને સંતોનો સત્સંગ થતો રહેતો. એક માતા, શિક્ષક અને આચાર્યા તરિકે એમની હિંમત, મક્કમતા અને સમજણ વિશિષ્ટ હતાં. અમે ભાઈ બહેન હાઈસ્કુલમાં હતાં એ સમયે બાને આચાર્યાના પદ માટે બહારગામ જવાની તક ઊભી થઈ. એ અરસામાં ભાવનગર છોડી, ઘણા વિરોધો અને વાતો વચ્ચે દૂરના ગામમાં નોકરી લેવી તે આ ગૃહિણી માટે ગુંચવણ ભરી સમસ્યા હતી. બધાં અમારા પિતા તરફ સહાનુભૂતિ દર્શાવે અને બા તરફ આશંકા બતાવે, “તમે આમ ઘર છોડી જાવ છો તે ઠીક નહીં…. અમે તો એવું ન કરીએ.” પરંતુ બાનું વ્યક્તિત્વ એવું હતું કે કોઈ એમને વિચલિત નહોતા કરી શકતાં. અકળાય, મુંજાય પણ અંતે તો આત્મશ્રધ્ધાનો વિજય થતો.

       તેઓ ધોરાજી ગામમાં આચાર્યા તરિકે ગયેલા. તે સમયે, એ ગામ જોખમ ભરેલું ગણાંતુ. મને યાદ છે કે અરધી રાતે ગાડી પહોંચી અને બા સાથે અમે, પંદર અને બાર વર્ષના ભાઈ-બહેન, અજાણ્યા કુટુંબ સાથે રોકાયા હતા. ધોરાજીમાં ભાડેના ઘરમાં રહેવા ગયા ત્યાર બાદ બે દિવસ પછી મુનિભાઈ ફીલ્મ જોવા ઉપડી ગયા, અને મોડું થતાં અનેક શંકાસ્પદ વિચારો સાથે અમે ચિંતિત થઈ ગયા. બા અજાણ્યા યુવકોની મદદ લઈ શોધવા નીકળી પડ્યા હતાં. અજાણ્યા ગામમાં એ સમયે ડર કે લાચારીનો કોઈ ભાવ એમનામાં જોવા નહોતો મળ્યો. અનેક વખત તેઓ ધોરાજીથી આવતી ટ્રેઈનમાં, રાતના બે વાગે ભાવનગર સ્ટેશનેથી એકલાં ઘેર આવતાં. કોઈ લેવા મુકવા આવે તેવી માંગણી કરવાનું તેમના સ્વભાવમાં નહોતું. બે વર્ષ પછી સંજોગોને વશ ભાવનગરની માજીરાજ શાળામાં પાછાં આવ્યાં.

       ચારેક વર્ષ પછી, ૧૯૬૦માં ફરી તક મળતાં, બા સૂરેન્દ્રનગરમાં આચાર્યા તરિકે ગયા અને હું એમની સાથે રહી. મુનિભાઈ આઇ.આઇ.ટી મુંબઈની અગ્રગણ્ય કોલેજમાં ભણતા હતા. સૂરન્દ્રનગરની શાળામાં જાજરમાન અને પ્રગતિવાદી આચાર્યા તરિકે નાની વિદ્યાર્થિનીઓથી માંડી ઊપરી અધિકારીઓનું સન્માન ઘણા જ ઓછા સમયમાં પ્રાપ્ત કર્યું. એક ઘટના બની જેનાથી ભાગીરથી મહેતાની આંતરિક શક્તિનો પરિચય થયો. એમની શાળા માટે નવું મકાન મહિનાઓથી તૈયાર થઈ ગયું હતું. જે દાતાએ બંધાવી આપ્યુ હતું એ વૃધ્ધ મહાનુભાવની જીદ હતી કે કોઈ પ્રધાનમંત્રી આવી ઉદ્‍ઘાટન કરે પછી જ તે મકાનનો ઉપયોગ કરવો. મહિનાઓથી શિક્ષકો અને અધિકારીઓ પ્રયત્ન કરતાં હતાં. બા તે મુરબ્બીને મળ્યા અને વાત કરી, પણ તેઓ જીદ છોડવા તૈયાર ન હતા. બાએ બે ચાર અનુભવી, સ્થાનિક વ્યક્તિઓને વિશ્વાસમાં લઈ, ૨૬ જાનુઆરીએ શાળાના નવા મકાનમાં ધ્વજવંદન માટે ભવ્ય કાર્યક્રમ રાખી ગામના લોકોને આમંત્રિત કર્યા. તેમાં પેલા દાતા તેમની પ્યારી પૌત્રી, જે શાળાની વિદ્યાર્થિની હતી, તેની સાથે હાજર હતાં. ધ્વજ વંદન પછી બાએ દાતાની પૌત્રીને બોલાવીને કંઈક સમજાવીને કહ્યું. તેણી બાને પ્રણામ કરી, પૂજાની થાળી લઈ, નવા મકાનના દ્વાર પર ચાંદલો કરી, રેશમી રિબન ખોલી, બારણા ખોલી બધાને આમંત્રણ આપતી ઊભી રહી. બધા લોકો ગભરાઈને દાદાની સામે જોઈ રહ્યા. પરંતુ દાદાએ આગળ આવી વ્હાલી પૌત્રીને આશિષ આપ્યા અને બાને અભિનંદન આપ્યા. જોનારાના ચિંતાભર્યા ચહેરા ખીલી ઊઠયાં. મહિનાઓ સુધી સૂરેન્દ્રનગરમાં નવાં આચાર્યાએ કરેલા ચમત્કારની ચર્ચા ચાલતી રહી.

       જીવનમાં બાને પોતાના સિધ્ધાંતો માટે લડી લેતા ઘણીવાર જોયા છે, અને પોતાના અને પારકાને પ્રેમથી હિંમત આપતાં પણ જોયા છે. એમના લાગણીભર્યા કવિ હ્રદયમાં અજબની દ્રઢતા હતી. મુનિભાઈના લગ્ન શીશુવિહારના શ્રી માનશંકર ભટ્ટની પુત્રી ઈલા સાથે થઈ ગયા. પરંતુ જ્યારે સરયૂએ વણિક કુટુંબના દિલીપ સાથે લગ્ન કરવાની ઈચ્છા જાહેર કરી ત્યારે, પતિના સખ્ત વિરોધ છતાં, સરયૂને બાએ સાથ આપ્યો. તેમનું માનવું હતું કે જાતિધર્મ કરતાં ઘણો ઊંચો માનવ ધર્મ છે, અને પાત્રની યોગ્યતા પ્રથમ જોવાની અને ત્યાર બાદ નાતજાત. એ સમયે તેમને પતિનો ઊગ્ર ઉપાલંભ સહેવો પડ્યો. ઉપરાંત સરયૂનું અમેરિકા પ્રયાણ તેમને બહુ આકરું પડ્યું.

ગુરુની શોધમાં હંમેશા વ્યાકુળ રહેતા. જ્યારે તપસ્વિની વિમલાતાઈને મળ્યા એ સમયે ભાગીરથીની તપસ્યા પરિપક્વ થયેલી હતી. વિમલાતાઈનુ પ્રવચન સાંભળી, બીજે દિવસે વહેલી સવારે એમના આવાસ પર પંહોચી ગયા. “અત્યારે નહીં મળે.” જવાબ સાંભળી પાછા ફર્યા, પણ બીજે દિવસે ફરી ગયા. જોગાનુજોગ, પૂજ્ય વિમલાતાઈ એ સમયે બહાર હતા. વાર્તાલાપ દરમ્યાન બાની બુદ્ધિકક્ષા જોઈ શક્યા. થોડા વાર્તાલાપ પછી તેમણે સ્નેહપૂર્વક સૂચન કર્યું, ‘આબુ આવો’. બાએ નોકરી અને ઘરની ચિંતા બતાવી. ત્યારે તાઈના કહેલા શબ્દો, ‘ઈચ્છા હોય તો શક્ય હોઈ શકે’. એ શબ્દોની સચોટ અસર થઈ. તેમણે જોયું કે પોતે નિશ્ચય કરર્યા પછી પતિ અને પરિવારનો સહયોગ સહેજે મળી ગયો. અનેક કષ્ટો વેઠી આબુ જઈને રહ્યાં. એમની માનસિક આતુરતા અને કરુણતા આંખ ભીની કરી દેતી. ભાગીરથીના સમર્પણની સત્યતા જોઈ પૂજ્ય વિમલાતાઈએ પોતાના નાના સમુહમાં કવયિત્રી તરિકે સ્વીકાર્યા અને મારા ખ્યાલ પ્રમાણે પૂ. વિમલાતાઈએ “જાહન્વી” તખલ્લુસ આપ્યું. તે પહેલા ‘અખંડ આનંદ’ વગેરે સામાયિકોમાં કવયિત્રી ભાગીરથીના કાવ્યો અને બોધ કથાઓ “સાધના” ઉપનામથી પ્રકાશિત થતાં.

 સ્વજનોનો સાથ હોય કે અસહકાર, મનમાં ઊગે એને પ્રકાશમાં લાવનાર એ વ્યક્તિત્વને ચાહવાવાળા અને વિરોધ કરવાવાળા સમુદાય સાથે સમતોલન કરી શકે તેવું તેમનું ઉદાર દિલ હતું. અનેક બહેનોમાં સાહિત્યપ્રેમ અંકુરિત કરે છે તે, “જાહ્‍નવી સ્મૃતિ” કવયિત્રી સંમેલન, શિશુવિહાર સંસ્થા, ભાવનગરમાં દર વર્ષે યોજાય છે જેમા કોઈ પણ બહેન ભાગ લઈ શકે છે. ૧૯૯૪ની સાલથી શરૂ થયેલ ભાગીરથીના સ્નેહનું ઝરણું હજુ પણ અસ્ખલિત વહે છે. આજે બાને યાદ કરતા કલારસિકોને જોઉં છું, ત્યારે મને એ દિવસોની યાદ આપે છે જ્યારે  કવિતાની રજુઆત કરવા, બધી હિંમત ભેગી કરીને, સફેદ ખાદીની સાડી પહેરેલા, જાજરમાન બહેન ભાગીરથી બોલવા ઉભા થતા……

        ભાગીરથી મહેતાના પુસ્તકોઃ

  “અભિલાષા”.  “સંજીવની”.  “ભગવાન બુધ્ધ”,

“સ્ત્રી સંત રત્નો”. સંત સ્ત્રીઓના જીવન ચરિત્ર.

  “આત્મદીપ.”  “સહજ સમાધિ ભલી.”  પુ. વિમલાતાઈ ઠકારના,

તથા “આનંદલહર.” હનુમાનપ્રસાદ પોદારના, પુસ્તકોનો અનુવાદ.

——-                               

 

                     હળવેથી હાથ મારો હોઠે લગાડતી, મીઠી ચૂમીમાં મર્મજ્ઞતા;

આવકાર, આભાર, ગદગદ એ વ્હાલથી, કહી દીધું સર્વ હાથ ચૂમતા.

              અરવા આ બંધનને અશ્રૂની અંજલી, સ્મરણો અસ્તિત્વને હસાવતા,

                 છલછલ રે છલકે મમ જીવન સરોવર, મા મધુ બિંદુ રહ્યાં સિંચતા.

સરયૂ મહેતા-પરીખ,   “એક ચૂમી” કાવ્યમાંથી.

 Saryu Dilip Parikh   http://www.saryu.wordpress.com     ‘ગંગોત્રી’ વેબસાઈટ

પ્રકાશિત પુસ્તકોઃ

1.  “Essence of Eve નીતરતી સાંજ“ Poems and true stories    in Gujarati and English by Saryu,… Paintings by Dilip Parikh. 2011

Smile in Tears આંસુમાં સ્મિત“

3. “Moist Petals”     4. “Flutter of Wings”   two poetic novel in English.

saryuparikh@yahoo.com   ( Austin, Texas)

One Comment leave one →
 1. SARYU PARIKH permalink
  જૂન 13, 2017 2:37 એ એમ (am)

  પ્રિય વિજયભાઈ,
  આટલી સુંદર રીતે રજુઆત કરવા માટે આનંદ સાથ આભાર.
  વર્ષોથી તમારા તરફથી મળેલ પ્રોત્સાહનથી મારા લખાણને સરળ, સહજ વેગ મળ્યો છે.
  શુભેચ્છા સાથ. સરયૂ પરીખ.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: