ફુલવાડી અને બાળવાડીનાં સદા પ્રસન્ન વનમાળી – વિશ્વદીપ બારડ “દીપ”
મને હજી પણ યાદ છે ૧૯૯૮ માં ગુજરlતી સમાજે આદીલ મનસુરી અને અદમ ટંકારવીને બોલાવ્યા હતા ત્યારે જ્યોતિ પટેલ નાં પ્રમુખ પદે અદમભાઈએ ૩ કલાક સાહિત્યની અજબ મસ્તી અને રમુજ થી તરબતર કર્યા હતા ત્યારે પ્રોગ્રામનાં એક ભાવ વિભોર દંપતિ મને મળવા આવ્યું વિજય ભાઈ આવો ફરી જ્યારે પણ પ્રોગ્રામ તમે કરો ત્યારે મને જરુરથી તમારી સાથે રાખજો..મને ગુજરાતી ભાષા માટે બહુ માન છે અને તેમનુ કાર્ડ આપ્યું અને વીસ ડોલરનો સ્વૈચ્છીક ફાળો પણ આપ્યો.
સાહિત્ય પરિચય ગુજરાતી સાહિત્ય સરિતામાં પરિવર્તીત થયા પછી ૨૦૦૧નાં ડીસેમ્બરમાં વિરાટભાઈને ત્યાં ફરીથી મળ્યા અને ત્યારથી ગુજરાતી સાહિત્ય સરિતાનાં સંચાલનમાં રુડુ ઉંજણ બન્યું તે આ દંપતી એટલે વિશ્વદીપભાઇ અને રેખાબેન બારડ.
તેઓ ગુજરાતી સાહિત્ય સરિતા નાં પુરાણા બ્લોગ www.gujaratisahityasarita.wordpress.com નાં સંપાદક અને વેબ માસ્ટર પણ.. છે
આવો તેમના બે બ્લોગની વાત કરીયે
(શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી )
http://vishwadeep.wordpress.com
બ્લોગ્ને જોનારી નજરો ૬૪૦૦૦ જેટલી
કેટેગરી કાવ્ય(૩૫), ગઝલ અને ગીત, ગદ્ય-પદ્ય કવિતા, ટુંકી વાર્તા(૨૦), સ્વ રચિત રચના (૪૯) ગમતી ગઝલ (૨૨૨) અને મને ગમતી રચના (૯૧) રોજની એક સરસ ગઝલ આપવાની તેમની નેમ તેમની નિવૃત્ત જીવનની પ્રવૃત્ત સાહિત્ય સાધના ભરી સવારનું પરિણામ છે. તેમના બ્લોગનાં સાહિત્ય ઉપરાંત તેમની બ્લોગ ઉપરનાં ચિત્રોની માવજત સ્તુત્ય અને પ્રસંશનીય હોય છે.
તેમનો પરિચય આપતા તેમણે લખ્યું છે કે
“આવો, આવો તો મારી આંખો ઠરે,
ને નહિ આવો તો મુખ નહિ મોડું”
જન્મભુમિ અને ઊછેરઃ ભાવનગર
પ્રથમ આપ સૌ નું ભાવભીનું સ્વાગત છે. આપ સૌ ની પ્રેરણા મારા માટે ઘણીજ મહત્વની છે.આપ સૌ નો અભિપ્રાય અને સુચન ” ફૂલવાડી ” ને સિંચન કરવા સમાન છે.
કવિતા સાથે લાગણીશીલ હૈયાનો પરિચય , નિકટતા શિશુવયથી છે એ કહું તો અતિશયોક્તિ નહી થાય. “મંગળ મંદીર ખોલો “, “આભમાં ઊગેલ ચાંદલો”, અને “આ પસ્તાવો વિપુલ ઝરણું “જેવા પ્રિય કાવ્યો મન,તન અને હૈયા ને હરી લેતા.
આજ ભાવના ના બીજ ૧૯૬૭માં, કોલેજકાળ દરમ્યાન “અદયભીંત્” કોઈ બિચારી,(”સ્ત્રી” મેગેઝીનમાં)અને કહેશો નહી, હસતો રહ્યો, કાવ્યનો પ્રવાહ શરૂ થયો.
૧૯૭૫માં ફેમીલી સાથે અમેરિકા આવ્યો. નવો દેશ તેમજ સ્થાયી થવાની ચિંતા. બાળકો ના આભ્યાસ, આ બધી કૌટુંબિક જવાબદારીની વણઝાર માં કાવ્ય-સુંદરી થી આળગો થઈ ગયો.૧૯૭૯માં હ્યુસ્ટ્નમાં આવી સ્થાઈ થયો , હ્યુસ્ટ્નમાં ચાલતી ગુજરાતી સાહિત્ય સરિતાએ આવેગ આપ્યો. ” કાવ્ય-સુંદરીની સાથે સાથે ” મારો પ્રથમ સંગ્રહ ગઝલ સમ્રાટ શ્રી આદિલ મનસૂરીને હસ્તે પ્રગટ થયો(૨૦૦૨). પરદેશમાં આપણી માતૃભાષા ગુજરાતી ધીરે ધીરે ભુલાતી જાય છે. આપણાં બાળકો ગુજરાતી બોલી શકે છે, પણ લખી કે વાંચી શકતા નથી તો પછી આપણાં બાળકોની પેઢીમાં આપણી માતૃભાષા તદ્દન ન બોલાય એવું પણ બને ! ચાલો આપણે સયુંકત પ્રયાસ કરીએ અને પરદેશમા એક પ્રકટતા દીપ ને તેલ ની ધાર સતત આપ્યા કરીએ.આશા રાખીએ કે આપણી માતૃભાષા પરદેશમાં પણ અમર રહે.
બાળવાડી http://vishvadeep.gujaratisahityasarita.org
બ્લોગનાં નામ પ્રમાણે આ બ્લોગ નાના બાળકો માટે નો છે.પણ તેમને રમાડતા માતા પિતા અને દાદા દાદી કહી શકે તેવી ઘણી બધી વાતો આ બ્લોગમાં છે.
વિશ્વભરમાં જાણીતl રુજુમિજાજ આ શાયરનાં હાથે ભાવનગરી લાડવા કે છોલે પુરી ખાવાની મઝા ગુજરાતી સાહિત્ય સરિતાનાં સભ્યોને દરેક ઉજાણીમાં મળે છે. તેમનો સંપર્ક છે malibarad@yahoo.com
એમના બ્લોગ ને જોયા પછી તેમણે જે પ્રતિભાવ આપ્યો તે અત્રે શબ્દસઃ મુકુ છું.
“અમેરિકન ધરતી પર સ્કુલ ડ્રીસ્ટ્રિકમાં ૨૫ વરસ સર્વિસ કર્યા બાદ, નિવૃત થવાનું વિચાર્યું, ધ્યેય અને લક્ષ્યતો નક્કીજ હતાં એમાં જીવનસાથી અને સાથો સાથ બાળકો એ મને ઉત્સાહ આપ્યો..તેઓ મારા ધ્યેયને જાણતા હતાં..ગુજરાતી ભાષાની લગન..કાવ્ય સુંદરી સાથેનો સંગાથ..બસ કુટુંબના ઉત્સાહ..દોડતાને ઢાળ મળે! મારું ધ્યેય હતું કે મારી માતૃભાષા,ગુજરાતી સાહિત્ય પરદેશમાં સદાય જીવંત રહે. હ્યુસ્ટનમાં ચાલતી પ્રવૃતી, “ગુજરાતી સાહિત્ય સરિતા” જેમાં ચીમન પટેલ, વિજય શાહ,સરયુ પરીખ,દેવિકા ધ્રુવ,રસિક મેઘાણી, સુમન અજમેરી અને અન્ય સાહિત્યકારો સાથે મળી જે સાહિત્ય પ્રવૃતીમાં સંકળાઇ ,ધ્યેયને સારો એવો આવેગ મળ્યો છે. ગુજરાતમાંથી સાહિત્યકારોનો ભવ્ય કાર્યક્રમો હ્યુસ્ટ્નને આંગણે થયા, હ્યુસ્ટ્નની સાહિત્ય પ્રેમી પ્રજા ઉમળકાભેર સાથ સહકાર આપી અમારા ઉત્સાહને વધાર્યો છે.સાથો સાથ “ગુજરાતી બ્લોગ જગત”ની પ્રવૃતી મહાન અને ભવ્ય છે જે જગતના ખુણ ખુણે પહોંચી ગુજરાતી સાહિત્યને જીવંત રાખવામાં મહત્વનો ભાગ ભજવી રહી છે.મારો “ફૂલવાડી” બ્લોગ બે વરસમાં ૬૦,૦૦૦ ઉપરના સાહિત્યપ્રેમી વાચકો વાંચી, મારા ઉત્સાહમાં ચાર ચાંદ લગાવવાનું કામ કરેલ છે..હું રહુ કે ના રહું પણ મારી માતૃભાષા પરદેશમાં સદા અમર રહે, મારું ગુજરાતી સાહિત્ય સદા સદાબહાર રહે એજ અપેક્ષા સહ અહી વિરમું.”