કંટેન્ટ પર જાઓ

ગુર્જરી ડાઈજેસ્ટના સંપાદક કિશોર દેસાઈ.-વિજય ઠક્કર

ઓગસ્ટ 4, 2018

Image may contain: Kishore D. Desai, eyeglasses and closeup Image may contain: 2 people, including Kishore D. Desai, people smiling

રેડિયો દિલનો આ સ્ટુડિયો દરેક નવા શનિવારે એક નવા અતિથિને આવકારવા આતુર હોય છે અને રેડિયો દિલનો શ્રોતા પણ એટલાં જ કૌતુક થી રાહ જુએ છે કે કોણ હશે નવા અતિથિ…!!!
હા, અમારો એક ઉપક્રમ રહ્યો કે દર શનિવારે એક કોઈક વિશિષ્ટ વ્યક્તિત્વને અમારા છેલ છબીલો ગુજરાતી કાર્યક્રમમાં બોલાવવા અને એજ શિરસ્તો બરકરાર રાખીને આ વખતે અમે આમંત્રિત કર્યા એક ગરવા ગુજરાતીને…. હા, નામ છે એમનું કિશોર દેસાઈ..
આમ તો અમેરિકામાં આવી વસેલો કોઇપણ સંવેદનશીલ ગુજરાતી આ નામ થી અપરિચિત હોવાની શક્યતા નહિવત્ છે. ગુર્જર ધરાના જે સપૂતને પોતાની મા અને પોતાની માતૃભાષા પરત્વે આદર હોય અને સ્નેહ હોય સન્માન હોય એવો કોઇપણ ગુજરાતી કિશોર દેસાઈ ના નામથી અને એમના કામથી અજાણ્યો હોય એવું માની ના શકાય.
ત્યારે અજાણ્યાનેય કુતૂહલ થાય કે આ છે કોણ કિશોર દેસાઈ..!!!
સત્ય તો એ પણ છે કે થોડા વખત પૂર્વે સુધી તો હું પણ કિશોરભાઈને ફક્ત નામથી અને તે પણ ગુર્જરી ડાઈજેસ્ટના સંપાદક તરીકે જ ઓળખતો હતો…. પણ ત્યારે પણ એક વાત તો મનમાં દ્રઢ હતી જ કે જે વ્યક્તિ પોતાની માતૃભાષાનું ઋણ ફેડવા અમેરિકા જેવા દેશમાંય છેક એ કાળથી કાર્યરત છે કે જ્યારે ગુજરાતી સમુદાય અહીં પ્રમાણમાં ખૂબ નાનો હતો અને સૌ કોઈ ડોલરનો દલ્લો એકત્ર કરવાની જ માત્ર પળોજણમાં રમમાણ હતાં ત્યારે આ એક દૂરંદેશી વ્યક્તિ ભાવિને જોઈ લે છે અને પારખી લે છે. અમેરિકા જેવા દુનિયાભરના લોકોના આકર્ષણનાં પ્રદેશમાં જ્યાં માત્ર અને માત્ર અંગ્રેજી અને અન્ય વિદેશી ભાષાઓનું જ પ્રભુત્વ હોય અને એમાં પણ પોતાનો ખૂબ નાનો ગુજરાતી સમુદાય આવી વસ્યો હોય ત્યારે એ પોતાનો ગુર્જરજનની ભવિષ્યમાં જ્યારે ડોલર કમાવવાની ઘેલછાની સાથોસાથ પોતાનું કશુંક અહીં હોવા બાબત સભાન થશે, પોતાની ભાષા માટે વલખશે, એની વાંચનક્ષુધા પ્રદીપ્ત થશે ત્યારે એને કશુંક પોતાનું મળશે કે પોતાની ભાષાની વાંચનસામગ્રી મળશે તો એ રાજીનો રેડ થઈ જાશે.
કિશોર દેસાઈ જેવા સુજ્ઞ પુરુષને એ અભિપ્રેત હતું…તેઓ એ કટુ વાસ્તવિકતા જોઈ શકવા જેટલા સમર્થ હોવાને લીધે તેઓ એ પણ જાણતા હતા કે અહીં સ્વભાષાના અભાવે નવી પેઢી તો અંગ્રેજીના મોહપાશમાં જ જકડાઈ જશે… પરિવારમાંથી માતૃભાષા ભૂંસાતી જશે અને પ્રત્યાયનની ભાષા પણ અંગ્રેજી જ બની જશે. કિશોર દેસાઈની અનુભવી આંખ એ પણ જોઈ શકતી હતી કે સ્વભાષાના અભાવે આવનારા સમયમાં અહીં વસેલો ગુજરાતી પોતાની આગવી અસ્મિતા પણ વિસરી જશે. પોતાની ભાષા અને પોતાની સંસ્કૃતિને અપાર સ્નેહ કરતા કિશોર દેસાઈ જેવા સંવેદનશીલ વ્યક્તિ એ દ્રઢપણે માનતા હોય અને જાણતા હોય કે ભાષા એ તો સંસ્કૃતિની ધરોહર છે. ભાષા એ સંસ્કાર અને સંસ્કૃતિની વાહક છે અને ભાષા એ માનવ માનવ વચ્ચેના આદાનપ્રદાનનો એક સેતુ છે. જો પોતાના જ ગુજરાતી ભાંડુઓ વચ્ચે એ સેતુનું નિર્માણ નહિ થાય અથવા એ સેતુ તૂટી જશે તો અમેરિકામાં આવી વસેલા ગુજરાતીઓની એક આખી નવી પેઢી એક મહામૂલી ભાષા અને સંસ્કૃતિથી વિમુખ થઈ જશે.
કિશોર દેસાઈનો સ્વજાતિ અને સ્વભાષા માટેનો અપાર પ્રેમ એમને ખૂદને એવું કશુંક નક્કર કામ કરવા સતત પ્રેરે છે અને બસ આવી ગઈ એ ઘડી…. વર્ષ 1988ના એક શુભ દિવસે પોતાના એ શુભ સંકલ્પ ને ચરિતાર્થ કરવા માટે કાર્યરત બને છે અને આદરે છે અહીંના ગુજરાતીઓને એક તાંતણે બાંધવાનું અભિયાન. ગુજરાતીઓને માટે અભિવ્યક્તિ માટેના સેતુ નિર્માણનો એક પ્રકલ્પ હાથ ધરે છે અને ગુર્જરી નામના એક ત્રૈમાસિક સામયિકનો છેક ૧૯૮૮માં પ્રારંભ કરે છે.
ભારતીય સંસ્કૃતિ અને સંસ્કારના જતન માટે અહીં અમેરિકામાં કાર્યરત અનેક ધાર્મિક સામાજિક સંસ્થાઓતો ધનધાન્યથી અને અનુયાયીઓથી ભરીભરી હોય અને પાછા ધર્મગુરુઓનાં શબ્દોના પ્રભાવમાં તલ્લીન ધર્મભીરુ પ્રજા હોય ત્યારે મહદંશે ધાર્મિક અને સામાજિક પ્રવૃત્તિઓ કરવી એમના માટે અતિ સુગમ હોય….. પણ ત્યારે એ બધાની વચ્ચે આ એકલવીર યોદ્ધો કિશોર દેસાઈ ગુજરાતીઓની અભિવ્યક્તિ માટેના સેતુ નિર્માણનું કામ આદરે છે.
પ્રારંભ થાય છે ગુર્જરી નામના એક ત્રૈમાસિક સામયિકનો….
અમેરિકામાં સ્થાયી થયેલા સમાજની જરૂરિયાત હતી એક શિષ્ટ અને સંસ્કારી સામયિકની. અહીંનો ગુજરાતી જેને પોતાનું કહી શકે અને જેમાં એ પોતાના આર્થિક, સામાજિક, સાંસ્કૃતિક અને રોજબરોજના પ્રશ્નોની મુક્ત મને ચર્ચા કરી શકે એવા એક પોતાના સામયિકની….
જેમાં એ પોતાની સંઘર્ષગાથાનું વર્ણન કરીને આવનારી પેઢીને એ અનુભવનું ભાથું આપી શકે…જેમાં એ પોતાના સમાજ અને વ્યક્તિગત ચારિત્ર્ય અને સંસ્કાર ઘડતરના પ્રશ્નો ની ચર્ચા કરી શકે.
કિશોર દેસાઈ અને એમના પત્ની હંસાબહેન અને ત્રણેય દીકરીઓ જોતરાઈ જાય છે પોતાની માતૃભાષાનું ઋણ ફેડવા. કિશોરભાઈ એમની નિયમિત આર્થિક ઉપાર્જનની પ્રવૃત્તિ ઉપરાંતનાં સમયમાં ગુર્જરીને લોકો સુધી પહોંચાડવા અથાક મહેનત કરે છે…એને માટે ઠેરઠેર સભાઓમાં મેળાવડામાં, સાંસ્કૃતિક કાર્યક્રમોમાં અને જ્ઞાતિઓના સમારંભો સુધી એ પતિપત્ની એમની સાથે એક ટેબલ, બે ખુરશીઓ અને ગુર્જરીના અંકો લઈને પહોંચી જાય અને લોકો સુધી પોતાની વાત પહોંચાડે. ઘણેભાગે તો નિરાશાજ મળતી… પણ તો એવા કેટલાય સદ્ગૃહસ્થો- શ્રેષ્ઠીઓ પણ મળ્યા કે જેમણે ગુર્જરીને પોતાનો ખભો આપી ઊભું રાખ્યું એટલુંજ નહિ ગુર્જરી સ્વનિર્ભર બની રહે અને સતત માતૃભાષાની સેવામાં કાર્યરત રહે એટલો આર્થિક સહયોગ આપ્યો.
ગુર્જરી ડાઇજેસ્ટ એના પૂર્વનીર્ધારિત બધાં હેતુઓને પૂર્ણપણે સંતોષતું આ સામયિક પડતું આખડતું હવે ભરીભાદરી યુવાનીની ઉંમરે પહોંચ્યું છે અને એ વાતને પણ આજે થયા છે ૩૦-૩૦ વર્ષ અને ત્યારે થાય કે આ “ગુર્જરી” વૈવિધ્યપૂર્ણ વાંચન સામગ્રીથી તો વાંચનસમૃદ્ધ બન્યું છે તો શું એ વાચકસમૃદ્ધ પણ બન્યું છે ..!!! ધનધાન્યથી પણ સમૃદ્ધ થયું છે..!!
કિશોર દેસાઈ અભ્યાસે અને વ્યવસાયે એન્જિનિયર છે તો કિશોર દેસાઈ શબ્દના પણ મરમી છે… સાહિત્યિક સર્જનોની ઉત્કૃષ્ટતાની એમની આગવી પરખ છે અને એટલેજ ગુર્જરી ડાઈજેસ્ટમાં કૃતિની પસંદ અને પરખના એમના ચુસ્ત ધોરણો છે. ઓછું છપાય પણ ઉત્કૃષ્ટ છપાય એવો એમનો આગ્રહ જ નહિ દુરાગ્રહ છે. ગુર્જરી ડાઈજેસ્ટને સર્વગ્રાહી બનાવવા માટે સદાય પ્રયત્નશીલ કિશોરભાઈ એ બાબતે સચેત છે કે એમાં ફક્ત કવિતા જ કે ફક્ત વાર્તા જ ના છપાય પરંતુ સાહિત્યનાં સર્વ પાસાઓને એમાં સમાવાય એ તેઓ સુનિશ્ચિત કરે છે. ગુર્જરી ડાયજેસ્ટમાં પ્રસ્થાપિત અને નવોદિત એમ તમામ સર્જકોને ઉમળકાભેર આવકારો દેવાય છે અને એમનાં સર્જનોને પ્રકાશિત કરવાની મોકળાશ કરી અપાય છે પણ શરત એટલી કે એમાં સાહિત્યિક મૂલ્ય હોવું ઘટે, એમાં સંસ્કારિતાનું સ્તર જાળવવું ઘટે, અને એમાં કશુંક વિચારપ્રેરક અને સામાજિક ચારિત્ર્ય નિર્માણ માટેનું તત્વ અને સત્વ હોવું ઘટે.
કિશોર દેસાઈ માઓત્સે તુંગની એ ઉક્તિને યથાર્થ ઠેરવે છે કે નિષ્ઠા હશે તો સાધના આવશે અને સાધનાને રસ્તે નિપૂર્ણતાતો પ્રગટશેજ ….અને હા કિશોર દેસાઈની સ્વભાષા અને સંસ્કાર પ્રત્યેની સંશય વિહીન નિષ્ઠાએ કરીને જ ગુર્જરીનું સર્જન થયું….અને ગુર્જરી ડાઈજેસ્ટને તેઓ એકલે હાથે એક સંસ્થા માનીને એનું સતત નિર્વહણ કરે છે.
ગુર્જરી ડાઇજેસ્ટ એ કિશોર દેસાઈ માટે ફક્ત સાહિત્યિક સામયિક જ નથી એ એમના માટે એક મિશન છે.
કિશોર દેસાઈ, તમને સર્વ ગુજરાતીઓ વતી અમારા સલામ

લખ્યા તારીખ : ઓગસ્ટ ૪,૨૦૧૮

અમેરિકાવાસી લેખિકા રેખા પટેલ “વિનોદિની”ની શબ્દ સફર રમેશ તન્ના

જાન્યુઆરી 27, 2018

અમેરિકાવાસી લેખિકા રેખા પટેલ “વિનોદિની”ની શબ્દ સફર તેમની માતૃભાષા ગુજરાતી માટેની પ્રીતિ અને પ્રતિબદ્ધતા રજૂ કરે છે….

આલેખન.. રમેશ તન્ના

આજે અમદાવાદમાં રેખા પટેલ “વિનોદિની”નાં ત્રણ પુસ્તકોનું લોકાર્પણ થવાનું છે. દરિયાપાર જે કેટલીક કલમ પ્રતિબદ્ધતાથી સાહિત્ય સર્જન તરફ અભિમુખ થઈ છે તેમાં રેખાબહેનનો સમાવેશ થાય છે.
રેખાબહેનનું વતન ભાદરણની બાજુમાં આવેલું વાલવોડ ગામ. પિતા નવનીતભાઈને ખેતી ઉપરાંત વેપાર પણ હતો. માતા પ્રેમીબહેન ગૃહિણી હતાં. રેખાબહેનને નાનપણથી જ વાચન અને લેખનનો શોખ. એ શોખને પોષવામાં ભાદરણના કંકુબા પુસ્તકાલયે પણ ઘણો સહયોગ આપ્યો. પિતાને વાચનનો શોખ એટલે તેઓ પણ પુસ્તકાલયમાંથી ઘણાં પુસ્તકો લઈ આવતા. પિતા પુસ્તકો વાંચી લે એટલે રેખાબહેન રાત્રે જાગરણ કરીને પણ એ પુસ્તકો વાંચે. વ્રતનાં જાગરણ ઉપરાંત રેખાબહેને પુસ્તકો વાંચવા માટેનાં જાગરણ કર્યાં છે. (વર સારો જ નહિં, સાહિત્યસર્જન માટે સતત પ્રોત્સાહન આપે તેવો મળ્યો.)
એ વખતે તો તેમને કલ્પના પણ નહીં હોય કે ધીમે ધીમે ભરાતો વાચનનો આ કૂવો આગળ જતાં સાહિત્ય આલેખનનો હવાડો છલકાવવાનો હતો.
રેખાબહેન સાયન્સનાં વિદ્યાર્થીની. તેમણે કેમિસ્ટ્રી સાથે ગ્રેજ્યુએશન કર્યું. એમાં પિતા વિનોદ નામનો એક યુવક શોધી લાવ્યા. તેમણે લાડકી દીકરીને કહ્યું પણ ખરું કે આવો સારો અને સમજુ છોકરો બીજો નહીં મળે. રેખાબહેને વાત માની અને એક સમજદાર જીવનસાથી પામ્યાં જેમણે તેમને સાહિત્યલેખન તરફ જવામાં ઉદીપક તરીકેનું મોટું કામ કર્યું.

વિનોદભાઈ અમેરિકા ગયા. (તેમની વળી એક અલાયદી, મસ્ત, રોમાંચક અને રસપ્રદ પોઝિટિવ સ્ટોરી છે.) પરણીને રેખાબહેન પણ ગયાં. એ વર્ષ હતું 1992નું. જોકે તેમણે શબ્દ સફર શરૃ કરી છેક 2013માં. તેનો યશ જાય ફેસબુકને. રેખાબહેન ફેસબુકનાં સભ્ય બન્યાં અને હૃદયમાં પડેલું પોસ્ટ બનીને મિત્રોમાં વહેંચવા લાગ્યાં. મિત્રોના હૂંફાળો પ્રતિસાદ મળ્યો. અચાનક એક દિવસ મુંબઈથી ચિત્રલેખાના તંત્રી ભરત ઘેલાણીનો ઈ મેઈલ આવ્યો. એ આમંત્રણ હતું વાર્તા મોકલવાનું. રેખાબહેને પોતાના જીવનની ત્રીજી વાર્તા ( ખરો ગૃહપ્રવેશ) તેમને મોકલાવી. વાર્તા મોકલીને તેઓ તો ભૂલી જ ગયાં. ફરી એક દિવસ ચિત્રલેખામાંથી ફોન આવ્યો. આ વખતે ફોન એડિટોરિયલ વિભાગમાંથી નહીં એકાઉન્ટ વિભાગમાંથી હતો. વાર્તાનો પુરસ્કાર જમા કરાવવા તેમનો બેન્ક એકાઉન્ટ નંબર જોઈતો હતો.
રેખાબહેન માટે જીવનનો આ એક મોટો વળાંક હતો અને સરપ્રાઈઝ પણ હતી. ચિત્રલેખામાં તેમની વાર્તા પ્રકાશિત થઈ હતી. બસ, એ પછી તો તેમની સાહિત્ય સાધના સતત ચાલતી જ રહી છે.
તેઓ લઘુકથાઓ લખે છે અને ટૂંકી વાર્તાઓ પણ સર્જે છે. નિંબધો લખે છે અને કવિતાઓ પણ લખે છે.
અત્યાર સુધી તેમણે એકસોથી વધુ વાર્તાઓ લખી છે. બે નવલકથાઓ લખી છે. 2013થી અત્યાર સુધી 6 પુસ્તકો પ્રકાશિત થઈ ચૂક્યાં છે અને બે પુસ્તકો પ્રકાશ્ય છે. સુધા મૂર્તિએ એક વખત કહ્યું હતું કે સફળ પુરુષની સફળતામાં એક સ્ત્રીનો હાથ હોય છે અને સફળ સ્ત્રીની પાછળ એક સમજદાર પુરુષનો હાથ હોય છે. રેખાબહેનના જીવનસાથી વિનોદભાઈએ રેખાબહેનને સાહિત્યલેખન માટે પ્રેરિત તો કર્યાં જ, પરંતુ સતત સહયોગ પણ આપ્યો. રેખાબહેનનું પ્રકાશિત થતું દરેક નવું પુસ્તક તેમના માટે નવો આનંદ લઈને આવે છે. દીકરીઓ નીલિમા અને શીખા ગુજરાતી વાંચી શકતી નથી પણ પોતાના મિત્રોમાં ગાૈરવથી કહે છે કે મારી મોમ રાઈટર છે.
રેખાબહેનની કલમ ચિત્રલેખા ઉપરાંત અભિયાન, ફિલિંગ્સ, ગુજરાત ટાઈમ્સ વગેરેમાં ચાલતી રહી છે. તેમણે અમેરિકાના ખતખબર જેવી નિયમિત કોલમો પણ લખી છે. રેખાબહેનના સર્જનની વિશેષતા છે સંવેદનાનું નિરૃપણ. તેઓ સહજ રીતે સંવેદના લઈ આવે છે. તેઓ કહે છે કે હું કલમ ઉપાડું કે તરત શાહીની સાથે સંવેદના પણ વહેવા લાગે છે.
તેઓ સરળ અને પરિશ્રમી લેખિકા છે. મોટાભાગે સ્ત્રી લેખિકાઓને સહેજ પ્રસિદ્ધિ મળે કે તેઓ તેમાં તણાઈ જાય છે. રેખાબહેન સભાન છે અને પોતાના ગદ્યને સતત ઘૂંટી રહ્યાં છે. ફેસબુક જેવા માધ્યમથી લખતાં થયેલાં રેખાબહેન સાહિત્યના સ્તર અને ગુણવત્તાને જાણે છે અને પોતાના સર્જનની દિશા એ તરફની રાખીને શબ્દકર્મ કરે છે તે ઉત્તમ અને જરૃરી વાત છે.
તેમની કૃતિઓમાં આપણને અત્યાર સુધી અહીંના ગુજરાતી અને ભારતીય સમાજના મનોભાવ જાણવા મળ્યા છે. હવેની પોતાની કૃતિઓમાં તેઓ અમેરિકન ડાસ્પોરિક સમાજને આવરી લેશે.
ગયા વર્ષે અમને, ગ્લોબલ ગુજરાતી ફેડરેશનના ઉપક્રમે તેમના એક પુસ્તકનું લોકાર્પણ કરાવવાની તક મળી હતી. હજારો કિલોમીટર દૂર બેસીને મા ગુર્જરીના ભાલ પર તિલક કરતી કોઈ પણ વ્યક્તિને વંદન કરવાનું જ મન થાય.
ગઈ કાલે પોતાના જીવનસાથી સાથે પોઝિટિવ મિડિયાના કાર્યાલયે તેઓ આવ્યાં. તેમની સરળતા સ્પર્શી જાય તેવી છે.
શબ્દએ આપેલી સફળતાને તેમણે પચાવી છે. જાણે તેમને ખબર છે કે સફળતા પછી પણ
એક સાર્થકતા નામનું સ્ટેશન હોય છે, અને સાચા સર્જકે તો ત્યાં જ પહોંચવાનું હોય છે.
રેખાબહેનને 11 દરિયા ભરીને અભિનંદન.
વય અને વર, બન્ને ફેવરમાં છે, હજી તમે સાહિત્યમાં ઘણું પ્રદાન કરી શકશો.
(પોઝિટિવ મિડિયા માટે આલેખન… રમેશ તન્ના)

સતીશ કલૈયા -ઉગતા ગુજરાતીનાં સાહિત્યકાર

ઓક્ટોબર 15, 2017

વનપ્રવેશ- રમેશ તન્ના

ઓક્ટોબર 14, 2017

51મા વર્ષે આર્થિક ઉપાર્જનમાંથી હાસ્યકાર, હાસ્ય લેખક અને

લોકશિક્ષક ડો. જગદીશ ત્રિવેદી લઈ રહ્યા છે નિવૃત્તિ

આવતી કાલે 15મી ઓક્ટોબર, 2017ના રોજ સુરેન્દ્રનગરમાં એક અનોખો કાર્યક્રમ યોજાઈ

રહ્યો છે. જાણીતા હાસ્યકાર, હાસ્યલેખક અને લોકશિક્ષક, ત્રણ ત્રણ વિષયમાં પીએચડી

કરનારા જગદીશ ત્રિવેદી પોતાના એકાવનમા જન્મદિવસે વ્યવસાયમાંથી નિવૃત્તિ લઈ

રહ્યા છે. હવે તેઓ પોતાના કે પોતાના પરિવારના આર્થિક ઉપાર્જન માટે કોઈ પણ પ્રકારની

પ્રવૃત્તિ નહીં કરે.

આવતી કાલે પૂ. મોરારી બાપુ, ગુણવંત શાહ, શાહબુદ્દીન રાઠોડ, રઘુવીર ચૌધરી સહિત

અનેક દિગ્ગજો આ કાર્યક્ર્મમાં હાજર રહેવાના છે. માત્ર ગુજરાતમાંથી જ નહીં મુંબઈ,

અમેરિકા, દુબઈ એમ ઠેર ઠેરથી તેમના ચાહકો અને સ્વજનો આ ઐતિહાસિક અને અદ્વિતિય

અવસરે હાજરી આપવા આવી રહ્યા છે. 150થી વધુ તો સાહિત્યકારો, કવિઓ, લેખકો કે

કળાકારો કાર્યક્રમની શોભા વધારવાના છે. આશરે 2000થી વધુ લોકોની ઉપસ્થિતિમાં

જગદીશ ત્રિવેદીનાં ચાર પુસ્તકોનું લોકાર્પણ પણ આવતી કાલે થશે.

સ્વૈચ્છિક નિવૃત્તિ એ ગુજરાતના શબ્દવિશ્વમાં નવી ઘટના નથી. નોકરી છોડીને નર્મદે કલમના

ખોળે માથું મૂક્યું હતું. (જો કે પછી તેમને નોકરી કરવી પડી હતી.) ગોવર્ધનરામ ત્રિપાઠીએ માત્ર

48 વર્ષની વયે મુંબઈની ધીખતી વકીલાત છોડીને નડિયાદ આવીને સાહિત્ય સાધના કરી હતી.

જયભિખ્ખુએ તો માત્ર 21 વર્ષની વયે નોકરી નહીં કરવાની પ્રતિજ્ઞા કરી હતી. જાણીતા ચિંતક

ગુણવંત શાહે પ્રોફેસર તરીકેની નોકરી માત્ર 50 વર્ષની વયે છોડી દીધી હતી.

અમે જગદીશ ત્રિવેદીને પૂછ્યું કે 51મા વર્ષે આવો આકરો નિર્ણય કરવાનું કારણ શું ? તેમણે

જવાબમાં કહ્યું કે એક નહીં પાંચ કારણો છે. પહેલું કારણ છે એક સ્વામિનારાયણ સંત. હવે તેઓ

બ્રહ્મલીન થયા છે, પરંતુ તેમણે મને વિદુર નીતિની વાતો કરી હતી. એ વખતે મને જાણ થઈ હતી

કે યુવાનીમાં કમાઈ લેવાનું. એ વખતે જ મારા મનમાં નિવૃત્તિનો વિચાર રોપાઈ ગયો હતો.

બીજું કારણ છે સુરેન્દ્રનગરના એક ડોક્ટર દંપતિ. ડો. શકુંતલા શાહ અને ડો. પી.સી. શાહે 2003માં

તબીબી પ્રેક્ટિસમાંથી આર્થિક રીતે નિવૃત્તિ લઈ લીધી હતી. ડોક્ટરો તરીકે તેમણે તબીબી પ્રેક્ટિસ

ચાલુ રાખી, પરંતુ પૈસા લેવાનું બંધ કર્યું. તેમનામાંથી મને પ્રેરણા મળી.

ત્રીજું કારણ છે, મારા મોટાં માતા-પિતા સરોજબહેન અને અને હિંમતલાલ બંને શિક્ષકો હતાં.

મારા મોટા પિતાએ 48 વર્ષની વયે અને મારાં મોટાં માતાએ 43 વર્ષની વયે, માત્ર ભક્તિ

કરવાના હેતુથી નિવૃત્તિ લઈ લીધી હતી. આ ઉપરાંત મારી માતાના એક કાકાએ પણ સન્યાસ

લીધો હતો. હવે તે બ્રહ્મલીન થયા છે. આ ઉપરાંત અન્ય એક કારણ છે,

મોરારી બાપુ. 2005માં મોરારી બાપુએ કહ્યું હતું કે આર્થિક આવકના 10 ટકા સમાજને દાન કરી દેવા.

21મી ફેબ્રુઆરી, 2005થી હું તેમના આ સૂચન પ્રમાણે મારી આવકના 10 ટકા સમાજને આપું છું.

આવતી કાલે હું એ 10 ટકાની પાછળ માત્ર એક મીંડું ઉમેરવાનો છું.

જગદીશભાઈ ત્રિવેદીના પરિવારમાં છોડવાની વૃત્તિ સહજ છે. તેમનાં માતા-પિતાએ પણ

માત્ર ભક્તિ કરવા માટે 43-48 વર્ષે નોકરી છોડી હતી. આમ સંસાર છોડવાનો વિતરાગ અને

સંપત્તિ છોડવાનો વૈરાગ્ય જગદીશભાઈને વારસામાં મળ્યો છે.

જગદીશભાઈએ 50 વર્ષની વયમાં ચાર-પાંચ જિંદગીમાં માંડ-માંડ કરી શકાય તેટલું કામ

કર્યું છે. તેઓ એક નહીં ત્રણ ત્રણ વખત પીએચડી થયા છે. (જેમ ઘણા પોતાના નામની

આગળ બે-બે વખત શ્રી લગાડે છે તેમ જગદીશભાઈ ધારે તો પોતાના નામની આગળ

ત્રણ વખત ડોક્ટર લગાવી શકે છે. ડો. ડો. ડો. જગદીશ ત્રિવેદી એમ લખે તો કોઈ

તેમને રોકી કે ટોકી ના શકે.) જગદીશભાઈએ પહેલું પીએચડી કર્યું તેમના નાના અને

સાહિત્ય ગુરુ દેવશંકર મહેતાની નવલકથાઓ પર. એ પછી તેમણે પોતાના કલાગુરુ

શાહબુદ્દીન રાઠોડના હાસ્ય સાહિત્ય પર બીજું પીએચડી કર્યું. એ પછી પોતાના ધર્મ ગુરુ

મોરારી બાપુ પર તેમણે સુરેન્દ્રનગરની સી.યુ.શાહ યુનિવર્સિટીમાંથી પીએચડી કર્યું. આમ

ત્રણ ત્રણ વખત તેઓ પીએચડી થયા છે. તેમના નામે અન્ય એક વિક્રમ પણ જોડી શકાય

તેમ છે. ડો. જગદીશ ત્રિવેદીના સાહિત્ય ઉપર પણ પીએચડી થયું છે. તેમના અનુજે તેમના

સાહિત્ય પર પીએચડી કર્યું છે.

12મી ઓક્ટોબર, 1967ના રોજ વઢવાણમાં જન્મેલા જગદીશભાઈએ માત્ર સાત વર્ષની

ઉંમરે ધાંગધ્રા તાલુકાના ગુજરવધી ગામમાં પહેલો જાહેર કાર્યક્રમ રામલીલામાં આપ્યો હતો.

હાસ્ય કલાકાર તરીકે 31મી ડિસેમ્બર, 1993ના રોજ તેમણે શુભારંભ કર્યો.

અત્યાર સુધી 26 દેશોમાં તેમણે 68 વિદેશ યાત્રા કરી છે. પાકિસ્તાન જનારા તેઓ એક માત્ર

અને પહેલા હાસ્ય કલાકાર છે. અત્યાર સુધી તેમના 76 હાસ્ય આલબમ રજૂ થયા છે.

51 પુસ્તકોમાં આવતી કાલે ચારનો ઉમેરો થતાં તેમનાં પુસ્તકોની સંખ્યા થશે 55 !

અમે પૂછ્યું કે હજી દીકરો મૌલિક ભણી રહ્યો છે તો આર્થિક ઉપાર્જન પર પૂર્ણવિરામ મૂકી દેવાનો

આ નિર્ણય યોગ્ય છે ? તેમણે હસતાં હસતાં કહ્યું કે વાણિયાના ગામમાં રહું છું એટલે મારું

આયોજન પાકું હોય. દીકરો મૌલિક, પત્ની તથા માતા-પિતા બધાની જવાબદારી મારા પર છે.

મેં એવું આયોજન કર્યું છે કે તેમને બિલકુલ તકલીફ ન પડે. દીકરો ડાહ્યો છે અને પોતે કમાશે,

પરંતુ ના કમાય તો પણ તેને આખી જિંદગી કશું ના કરવું પડે તેવું આયોજન મેં કર્યું છે. નર્મદે

નોકરી છોડીને કહ્યું હતું કે કલમ તારા ખોળે છઉં… જો કે એ પછી તેમને નોકરી કરવી પડી હતી

અને તેઓ કદી હસી શક્યા નહોતા. હું નર્મદ જેવી ભૂલ ના કરું.

જગદીશભાઈ બોલવા લખવાનું બંધ કરવાના નથી. માત્ર આર્થિક ઉપાર્જનની દિશા બદલાશે.

હવે તેઓ જે કાર્યક્રમ આપશે તેની ધનરાશિ સીધી સમાજને જશે. તેમણે આરોગ્ય અને શિક્ષણના

ક્ષેત્રો પસંદ કર્યાં છે. આયોજકો આ બે ક્ષેત્રોમાં તેમના પુરસ્કારની રકમ જમા કરાવી શકશે.

પિતાનો આટલો મોટો ભવ્ય અને ઐતિહાસિક કાર્યક્રમ યોજાઈ રહ્યો છે, પરંતુ મૌલિક તેમાં હાજર

રહી શકવાનો નથી. મૌલિક કેનેડામાં ભણી રહ્યો છે. મૌલિકે હમણાં આપઘાત પર ખૂબ જ સુંદર

પુસ્તક સંપાદિત કર્યું છે. વિદ્યાર્થીઓ આપઘાતની વૃત્તિ અને પ્રવૃત્તિમાંથી પાછા આવે તેવા

ભલા અને ઉમદા ઈરાદાથી તેણે આ પુસ્તકનું સંપાદન કર્યું હતું. આ પુસ્તક ગુજરાતી અને

અંગ્રેજી એમ બે ભાષામાં પ્રકાશિત થયું છે અને ખૂબ પ્રશંસા પામ્યું છે.

સમાજમાં એક બાજુ ભૌતિકવાદ વધી રહ્યો છે. લોકો સંપત્તિ પાછળ ગાંડાતુર થઈને પડ્યા છે.

લોકો શરીરના ભોગે સતત કામ કરી રહ્યા છે. ઘણા લોકો 75-80 વર્ષે પણ પૈસા છોડવા માગતા નથી

, ત્યારે જગદીશભાઈ ત્રિવેદીનાે આ નિર્ણય નોખો અને અનોખો લાગે છે. માત્ર 51 વર્ષની ઉંમરે આર્થિક

ઉપાર્જનમાંથી મુક્તિ લઈ લેવી એ ઘટના સાહસિક છે. સંવેદનશીલ વ્યક્તિ જ આવો નિર્ણય કરી શકે છે

. જગદીશભાઈ ત્રિવેદીને આ નિર્ણય માટે અઢળક અભિનંદન આપીને પરમાત્માને પ્રાર્થના કરીએ કે

તેમને નિરામય દીર્ઘાયુ આપે. તેઓ સમાજને સતત હસાવતા રહે અને સ્વસ્થ સમાજની દિશામાં

લોકોને આગળ ધપાવતા રહે.

ગ્રાફિક ડિઝાઈન : રણમલ સિંધવ

Coutsey: Facebook

નીતાબહેન મહેતા- સંસ્મરણ અને શ્રધ્ધાંજલિ 

ઓક્ટોબર 13, 2017
(જન્મ– ૨૯ ડીસેમ્બર ૧૯૨૯ (અવસાન૧૧ ઓક્ટોબર ૨૦૧૭)
Inline image 1
  ચહેરો કાયા ફરે છે નજરમાં,
પ્રસંગોનાં પર્ણો ઝરે છે નજરમાં.     ( આદિલ મન્સૂરિ)
કાળગંગાનાં પાણી ખુબ દૂર સુધી વહી ગયા છે.અને એમાં મૂકેલા સ્મૃતિનાં દીવડા ઘડીભર ઝળહળીડૂબી રહ્યા છેએક પછી એક સ્વજનો વિદાય લઈ રહ્યા છે.
નીતાબેન મહેતા એવું  એક આદરણિય નામ છેછેક ૨૦૦૦ની સાલથીનીતાબેન અમારા ઇન્ડીયનસિનિયર સીટીઝન્સ એસોસિયેશનના  સિનિયર ટ્રસ્ટીરહ્યા છે૫૦ વર્ષની વયે૧૯૯૧માંહું  ISCAનો સભ્ય બન્યો ત્યારથીમારે  સંસ્થાના બધા હોદ્દેદારો– ટ્રસ્ટીઓપ્રેસિડેન્ટોટ્રેઝરર્સ વગેરે સાથેસંપર્ક રહ્યો છેસ્વ.શ્રીમથુરભાઇ કોઠારીસ્વશ્રી રોશનઅલી મરચંટસ્વપદ્મકાંત મહેતાસ્વ.નીતાબેન મહેતાથી માંડીને આજના સુધાબેન ત્રિવેદીરવિન્દ્ર ત્રિવદીરમણભાઇ પારેખપ્રફુલ્લગાંધીલલિત ચિનોય.વગેરેવગેરે..
નીતાબેન સરળસ્નેહાળ અને મળતાવડા સ્વભાવનાએમનો અભિગમ હંમેશાં પોઝીટીવ રહેતો.સિનિયર્સની મીટીંગમાં સંગીતનો કાર્યક્રમ આપવા માટે જ્યારે પણ  કોઇ સ્થાનિક ગાયકોકલાકારોને વિનંતિ કરે ત્યારે  કલાકારો એમની વિનંતિને સહર્ષ સ્વીકારે  કલાકારોનો પરિચયપણ નીતાબેન એમની લાક્ષણિક શૈલિમાં કરાવેશેખર પાઠકસ્મિતાબેન વસાવડાહેમંત ભાવસારજેવા કલાકારોનો પરિચય તો અમારા સભ્યોને યાદ રહી જતો.
મેં એમની કાબેલિયત જોઇ છેએમના ગમાઅણગમાને પણ હું ઓળખતો થઈ ગયો હતોતેમનીગાઈડન્સ ( રાહબરીહેઠળ સંસ્થાએ ઘણાં સારા કાર્યક્રમો કર્યા છેઅમારે વચ્ચે સમાન કહી શકાયએવી કોઇ ભૂમિકા હતી  નહીં– ઉંમરમાંમારાથી બાર વર્ષે મોટાઅમારા વિચારોજીવનમુલ્યો વચ્ચેપણ તફાવતછતાં એમના મતાંતરક્ષમાના સ્વભાવને કારણે ક્યારેય મનઃદુખ થયેલું નહીં.
એમનું લગ્ન નાગર જ્ઞાતિમાં જ્ઞાતિની વિશેષતાને અનુરૂપ રૂપરંગઉંચાઇ બધું નાગરીદક્ષતા પણ ખરી એમના વ્યક્તિત્વમાંથી એક પ્રસન્નસ્વસ્થ અને કર્મશીલ વ્યક્તિ તરીકેની છાપઉપસતી. 
ઉષ્માસભર વ્યક્તિત્વલાગણી એમની આંખોમાંથી છલકાયપોતે ઇન્ડિયામાં આયુર્વેદીક ડોક્ટર હતા.હ્યુસ્ટનમાં એમ.ડીએન્ડરસન કેન્સર હોસ્પિટલમાં ક્રીટીકલ કેર કોઓર્ડિનેટર તરીકે સેવા આપેલી.
 લગનજીવનની ૫૦મી એનિવર્સરિ પણ ઉજવેલી.
તેમના પતિ પદ્મકાંતભાઇ ચંદ્રશંકર મહેતા (૧૯૨૫– ૨૦૦૯ પણ  એવા  ઉમદા સ્વભાવના,સંસ્કૃતના વિદ્વાનહ્યુસ્ટન નાગર એસોસિયેશનના સ્થાપક અને ૧૯૯૮૧૯૯૯ માં સંસ્થાના પ્રેસિડેન્ટરહી ચુકેલાહિન્દુવર્શીપ સોસાઈટીનામુર્તિસ્થાપના  ( કે પ્રતિષ્ઠાન પ્રસંગે પ્રીસ્ટ તરીકે સંસ્ક્રુત શ્લોકોબોલતા જોઇને એમના પ્રત્યે અહોભાવ થતોતે પણ મ્રુત્યુપર્યંત ટ્રસ્ટી રહેલા.
એમનીગુજરાતી ભાષા અને સાહિત્ય પ્રત્યેના પ્રેમને કારણેહ્યુસ્ટન ગુજરાતી સાહિત્ય સરિતાના પણસભ્ય થયેલાઅને મીટીંગોમાં  હાજરી આપતા.
જીવનનું આરંભબિંદુ જન્મ છે અને અંતિમબિંદુ મૃત્યુજીવન અને મરણનાં ખેલ ન્યારા છેજેનું જીવનછે તેનું મરણ પણ છે.
નીતાબેનેતારીખ ૧૧ ઓક્ટોબર ૨૦૧૭ના રોજ પોતાની જીવનલીલા સંકેલી લીધી.
 
પરમકૃપાળુ પરમાત્મા તેમના આત્માને ચિરશાંતિ અર્પે એ જ પ્રાર્થના.
 
નવીન બેન્કર
****************************** ****************************** **

પુસ્તક પરબના પ્રણેતા-શ્રી પ્રતાપભાઈ પ્રતાપભાઈ પંડ્યા-

જુલાઇ 13, 2017

“પુસ્તક પરબ” એટલે જ્ઞાનપિપાસા

 

11013551_843127265725335_3903239955369902620_n

પુસ્તક થકી માણસ પોતાની જ્ઞાાન પ્રાપ્ત કરવાની ઈચ્છા પુરી કરી શકે છે..પુસ્તક ને પરમેશ્વર માની પુસ્તક મારફતે માનવ જાતની સેવા આપતા દંપતી ડો પ્રતાપભાઈ પંડ્યા અને રમાબેન પંડ્યા ગુજરાતના ૧૨૦ પુસ્તકાલય ખોલીને હવે અમેરિકામાં વસતા ગુજરાતી ઓની વાંચનની ભૂખસંતોષવા પુસ્તકાલયો શરુ કરી રહ્યા છે .સૌ પ્રાથમ સાનફ્રાન્સિસ્કો બે એરિયામાં આઈ સી સી ,અને ફ્રિમોન્ટ માં ખોલી ને સમગ્ર ગુજરાતીઓ માટે જ્ઞાન ને વહેતું મુક્યું છે.માતૃભાષા ગુજરાતી ના હિમાયતી અને ઉતમ ગુજરાતી સાહિત્ય ના પ્રેમી શ્રી પ્રતાપભાઈ પ્રતાપભાઈ પંડ્યાએ ગુજરાતીમાં પી.એચ.ડી. કર્યું છે, અને સૌરાષ્ટ્રમાં એ વિદ્યાધિકારી (એજ્યુકેશન ઓફિસર) રહી ચૂકયા છે. અને સ્વય પુસ્તકો પણ લખ્યાં છે. હાલ એ વડોદરાના ગુજરાત પુસ્તકાલયના પ્રમુખ છે. એ ઉપરાંત અન્ય સેવાકીય સંસ્થાઓં માં ત્રષ્ટિ સભ્ય રહીને ૧૦ વરસ તન મન ધન થી કોઈ અપેક્ષા વિના કામ કરી સેવા આપી છે.આદર્શ નમ્રતા સરળતા જેવા ગુણોને લીધે લોકોનો પ્રેમ મેળવીને સૌના વ્હલા “પંડ્યા કાકા”સર્વત્ર સૌના સ્વજન બની ગયા છે.

એમણે જીવન ગ્રામ શિક્ષણનો તથા ગુજરાતી વાંચનનો પ્રસાર કરવામાં સમર્પીત કર્યું છે.પ્રતાપભાઈએ એમના નિવૃત્તિ-ફંડનો સદુપયોગ કરી ‘પુસ્તક પરબ’. ચલાવે છે.સમસ્ત ગુજરાતનો પ્રવાસ કરી ૫૦૦ ઉપરાંત ખાનગી પુસ્તકાલય ની જાતે મુલાકાત લઇ બંધ પડેલા પુસ્ત્કાલને પોતાના ખર્ચે મદદ કરી પુસ્તકાલય પ્રવૃત્તિ ધમ ધમતી કરી છે અને “પુસ્તક પરબ” નામની સંસ્થા સ્થાપી ગુજરાતમાં ૧૨૦ ઘર પુસ્તકાલયો પાંચ વરસથી ચલાવે છે.દરેક વાંચકોને સરળતાથી પુસ્તકમળે એવી વ્યવસ્થા કરી સરળ સંચાલન કરે છે .પ્રતાપભાઈ પુસ્તકોનું દાન કરે છે, એટલુંજ નહિ,લોકોને પુસ્તક પરબો શરૂ કરવામાં મદદ કરી એમનું સંચાલન કરવાનું માર્ગદર્શનપણ આપે છે. અને તેથી જ એમના કાર્ય માટે પૂજ્ય મોરારી બાપુએ અસ્મિતા પર્વમાં પ્રતાપભાઈનું સન્માન કર્યું હતું. તેમના ધર્મ પત્ની શ્રીમતી રમાબેન માતા પિતાના ઉત્તમ સંસકારો સાથે જીવે છે જેણે પ્રસિદ્ધ કેળવણીકાર નાનાભાઈ ભટ્ટ અને ઉતમ ચિંતક સર્જક સાહિત્યકાર મુશ્રી મનુભાઈ પંચોલી પાસેથી મેળવી પ્રમાણિક નિષ્ઠાવાન શિક્ષક તરીકે રાજ્ય અને રાષ્ટ્ર કક્ષા ના એવોડ વિજેતા બની સમગ્ર ગુજરાતમાં આદર્શ શિક્ષક દંપતી તરીકે પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી છે પણ બન્ને પતિ પત્ની નો ધ્યેય એક જ છે આપણી માતૃભાષા ગુજરાતીને આપણા દેશ અને પરદેશમાં પણ જીવંત રાખવી અને સમૃધ્ધ કરવી તેમજ લોકોને સારાં સંસ્કાર સાહિત્ય સભર પુસ્તકો આપવાં અને પુસ્તકો દ્વારા વાંચનની સંવેદના ખીલવવી અને નવા વિચારો સમાજને આપવા .તરસ્યાને પાણી પાવા માટે પરબનું આયોજન એ ભારતની સંસ્કૃતિમાં હજાર વર્ષ જૂની પરંપરા છે, પણ જ્ઞાનના તરસ્યા લોકોને જ્ઞાન મેળવવા વિનામૂલ્ય સગવડ કરી આપવી, એ પ્રતાપભાઈ જેવા વિરલા જ વિચારી શકે.

 

 

રમેશ જાદવનું અવસાન

જુલાઇ 12, 2017

કાજલ ઓઝા-વૈદ્ય- શ્રેષ્ઠ ગુજરાતી તેજાબી લેખિકા-નવીન બેન્કર

જુલાઇ 12, 2017
 
 
૧૪મી એપ્રિલને ગુરૂવારે, સાંજે સાડાસાત વાગ્યે ગુજરાતની આ શ્રેષ્ઠ તેજાબી કલમ ધરાવતી લેખિકાનો એક કાર્યક્રમ, આપણા જુના ને જાણીતા સ્ટેફોર્ડ સીવીક સેન્ટરમાં રાખવામાં આવ્યો છે. જાણીતા પત્રકાર અને લેખક સ્વ. શ્રી. દિગંત ઓઝાની આ તેજસ્વી દીકરી, આજના ગુજરાતી સાહિત્યની એક તેજસ્વી અને યશસ્વી લેખિકા છે, નાટ્ય-અભિનેત્રી છે, કોલમ લેખિકા છે.
સાત વર્ષમાં,  તેમના ૪૫ થી વધુ પુસ્તકો પ્રસિધ્ધ થાયા છે. તમામ પુસ્તકોની ચારથી વધુ આવૃત્તિઓ થઈ છે. તેમની ‘કૃષ્ણાયન’ નવલકથા  તો અંગ્રેજી સહિત ચાર ભાષાઓમાં અનુવાદિત થઈ ચૂકી છે. ગુજરાતના અનેક અખબારોમાં તેમની કોલમો નિયમિત છપાય છે. તેમની કોલમો ‘મોસમ એકબીજાની’, ‘સમજણ એકબીજાની’ , ‘એકબીજાને ગમતા રહીએ’ ના પુસ્તકાકારે સંગ્રહો પણ છપાયેલા છે. કાજલબહેને સંબંધોની આરપાર નીકળીને, સંબંધોને સમજવાનો પ્રયાસ કર્યો છે. દરેક સંબંધમાં રહેલી પીડા, આનંદ, સુખ, સમજદારી અને સમસ્યાઓને સ્વીકાર્યા છે.
તેમણે નવલકથાઓ, નવલિકાઓ, કવિતાઓ, નાટકો, નિબંધો, લેખો, અનુવાદો, ઘણું ઘણું લખ્યું છે.
સ્ત્રીપુરૂષોના સંબંધો જેવા વિષય પર તો તેમની માસ્ટરી છે.
સૌથી અગત્યની કે વાત. તમને બધાને ગમે અને રસ પડે તેવી
.

 તમે ‘ટ્રાન્સ સેક્સ્યુઅલ’ શબ્દ સાંભળ્યો છે ?  ગુજરાતી ભાષાની પહેલી ટ્રાન્સ સેક્સ્યુઅલ જેવા વિવાદાસ્પદ વિષયને રજૂ કરતી અને ચિત્રલેખા માં હપ્તે હપ્તે પ્રસિધ્ધ થયા પછી, નવભારત સાહિત્ય મંદીરે પુસ્તકાકારે પ્રસિધ્ધ કરેલી, ૮૦૦ પાનામાં લખાયેલી નવલકથા ‘પૂર્ણ-અપૂર્ણ’ માં આ વિષયને ગુજરાતી ભાષામાં રજૂ કરાયો છે. ઉંડા રીસર્ચ અને માહિતીપુર્ણ વિગતો સાથે રસપ્રદ વળાંકો લેતી આ નવલકથાએ ૭૬ હપ્તા સુધી ‘ચિત્રલેખા’ના વાંચકોને જકડી રાખ્યા હતા.  એક ટ્રાન્સ સેક્સ્યુઅલ વ્યક્તિના મન અને શરીર સાથે સર્જાતી ઘટનાઓનો રસપ્રદ ચિતાર કોઇ સ્ત્રી લેખિકા લખી શકે એ તો આપણું રૂઢિચુસ્ત-જડ ગુજરાતી માનસ વિચારી પણ ના શકે.

આપણી પોતાની ગુજરાતી ભાષાની આવી મહાન લેખિકાને મળવાની, એને સાંભળવાની તક આપણે ગુમાવી દઈએ તો એ આપણું જ કમભાગ્ય ગણાશે.
ગુરૂવાર જેવો વર્કીંગ ડે…ખુબ ટૂંકો સમય… ટીકીટો છપાવવા ના સમયનો યે અભાવ.. જેવા વિપરિત પરિબળો વચ્ચે પણ અજીત પટેલ અને નિશાબેન મીરાણી આ કાર્યક્રમ કરી રહ્યા છે એ, ગુજરાતી ભાષાની સેવા છે. હોલના ભાડા જેવો ખર્ચ કાઢવા માટે માત્ર પાંચ અને દશ ડોલર જેવી ટીકીટ રાખીને તેઓ આ કાર્યક્રમ કરી રહ્યા છે ત્યારે સાહિત્ય અને ગુજરાતી ભાષા પ્રત્યે પ્રીતિ ધરાવનાર દરેકે દરેક ગુજરાતીની એ પવિત્ર ફરજ બની રહે છે કે આપસી મતભેદો ભુલી જઈને આ કાર્યક્રમને સફળ બનાવીએ જેથી તેઓ આવા સારા કાર્યક્રમો વધુ ને વધુ લાવે.

રેડીઓ “દીલ”ઉપર કવિ ભાગ્યેશ જહા-વિજય ઠક્કર.

જૂન 24, 2017

  

રેડિયો દિલ પર છેલ છબીલો ગુજરાતી કાર્યક્રમ સામાન્ય રીતે દર શનિવારે લાઈવ બ્રોડકાસ્ટ થતો હોય છે પરંતુ આજે એ શિરસ્તો તોડીને રેડિયો દિલ પરના temporary ખાલી સ્લોટમાં ગુજરાત સાહિત્ય અકાદમીના પૂર્વ અધ્યક્ષ ગુજરાત સરકારના રિટાયર્ડ IAS OFFICER અને કવિ શ્રી ભાગ્યેશ જહાનો લાઈવ ઇન્ટરવ્યૂ કર્યો જેનું આ શનિવારે રીપીટ બ્રોડકાસ્ટ રેડિયો દિલ પર થશે જે radiodil.com પર સાંભળી શકાશે.
શ્રી ભાગ્યેશ જહા હાલમાં ન્યૂ જર્સી માં છે. છેલ છબીલો ગુજરાતી કાર્યક્રમમાં આવવાનું અમારું એમને Long Pending Invitation હતું. એમની અત્યંત વ્યસ્તતાઓ વચ્ચે પણ તેમણે અમારું આમંત્રણ સ્વીકારીને રેડિયો દિલના સ્ટુડીયોમાં તેઓઆવ્યા. કૌશિક અમીન અને મારી સાથે ગુજરાત અને ગુજરાતીને સ્પર્શતા જુદાજુદા વિષયો ઉપરાંત એમના વ્યક્તિત્વના જુદાજુદા પહેલુ અંગે, એમની કવિતા એમના નિબંધ અને વિશેષતો એમના કૃષ્ણપ્રેમ વિષે લગભગ ૧ કલાક અને ૩૫ મિનિટ સુધી દિલ ખોલીને અત્યંત પ્રસન્ન ચિત્તે અને મોકળાશથી અમારું અને અમારા શ્રોતાઓનું મન ભરાય ત્યાં સુધી ખૂબ વાતો કરી.
શ્રી ભાગ્યેશ જહા એક અત્યંત સંવેદનશીલ વિદ્વાન સરકારી ઉચ્ચાધિકારી, કુશળ વહીવટકર્તા, સંસ્કૃતના પ્રખર અભ્યાસી, કૃષ્ણભક્ત અને કૃષ્ણપ્રેમી વ્યક્તિ છે. અત્યંત વ્યસ્ત સરકારી અધિકારી અને ખૂબજ સંવેદનશીલ વ્યક્તિ અને એ બેનો સમન્વય જો એક જ વ્યક્તિમાં હોય તો તે શ્રી ભાગ્યેશ જહામાં જ જોવા મળે. સરકારી વહીવટમાં સંવેદનશીલતા અને સાહિત્ય સર્જનમાં કુશળ વહીવટી ક્ષમતાને પ્રયોજી જાણે અને તેમાંથી નીપજે ઉત્કૃષ્ટ સાહિત્ય અને તે શ્રી ભાગ્યેશ જહા જ કરી શકે. વહીવટી વ્યસ્તતા અને તાણયુક્ત મન:સ્થિતિ નું નિર્માણ કરતી તો વળી ક્યારેક અંગતતામાં પણ ખલેલ પાડતી કામગીરીના કોલાહલ વચ્ચેય સાહિત્ય અને માનવીયતાની નિરવ શાંતિને આત્મસાત કરી શકે એવા ભાગ્યેશ જહા નિબંધકાર છે, કવી છે અને અત્યંત ઋજુ હૃદયના વ્યક્તિ છે.

હું એમને સંસ્કૃત અને સંસ્ક્રુતિના માણસ તરીકે જોઉં.

સંસ્કૃત ભાષા પરનું એમનું પ્રભુત્વ અને ભારતીય સંસ્કૃતિ સાથેનો એમનો લગાવ એ બે નો સમન્વય એ ભાગ્યેશ જહામાં જોવા મળે. હું તો એનાથી આગળ વધીને કહું કે શ્રી ભાગ્યેશ જહાનો કૃષ્ણપ્રેમ એમનો કૃષ્ણ સાથેનો સખાભાવ અને એ જ કારણે એમનું કૃષ્ણમય થવું, અને એજ તો કારણ છે કે શ્રી ભાગ્યેશ જહા સમગ્ર ભારતમાં પ્રવર્તતી બીનસાધુ અને બીનમહારાજોની વક્તાઓની શ્રેણીમાં કૃષ્ણ વિષે અધિકારિતાથી વાત કરી શકે છે, અરે અસ્ખલિત રીતે કલાકો સુધી એ કૃષ્ણને કેન્દ્રમાં રાખીને વક્તવ્ય આપી શકે છે. સંસ્કૃતમાં પણ અસ્ખલિત રીતે વહેતો એમનો વાણીપ્રવાહ અત્યંત પ્રભાવક છે.

ભાગ્યેશ જહા કૃષ્ણ, કલમ અને કવિતાના માણસ છે.

ભાગ્યેશ જહાએ અમારી સાથે વાતચીતની શરૂઆત કરતા કહ્યું કે આપણે રેડિયો દિલ પર છીએ અને દિલ ની જ્યારે વાત આવે છે ત્યારે એ હૃદયની વાત છે અને એટલે વાતચીતના પ્રારંભે એનાજ સમર્થનમાં મારી એક કાવ્યપંક્તિ શ્રોતાઓને સંભળાવવાનું ગમશે :

“આ હૃદય ગજવું નથી જ્યાં પેન ને ચશ્મા રહે
આ તો અમારો મહેલ છે, જે જે ચહે તે સૌ રહે.”

ગુજરાતીઓની વિશેષતા છે કે ગુજરાતીને વિશાળતા સાથે સંબંધ છે અને સમગ્ર વિશ્વમાં વ્યાપ્ત આપણા ગુજરાતીઓને જ્યારે આ ટેકનોલોજી થકી આપણે મળી રહ્યા છીએ, એમના સુધી અવાજના માધ્યમે આપણો સંવાદ પહોંચાડી રહ્યા છીએ ત્યારે એનો બહુ આનંદ છે. મેં એમને ટેકનોલોજીને સાહિત્ય સાથે સાંકળીને લખાયેલા એમના પુસ્તક “ ટેબલેટને અજવાળે પાનબાઈ “ વિષે પૂછ્યું ત્યારે એમણે જણાવ્યું કે હા, સાહિત્ય એ મનુષ્યની ચેતના સાથે કામ કરે છે…. ઓડેને કહ્યું કે “પ્રત્યેક કવિ એક રીતે જોઈએ તો કોલંબસ છે અને જ્યાં એને મનુષ્યની ચેતનાનો ચમત્કાર જોવા મળે ત્યાં એ પોતાનું વહાણ લાંગરે છે.” પહેલાં થોડા નાસીપાસ થવાતું હતું પણ હવે એ આશ્વાસન છે કે આ ટેકનોલોજી થકી આપણી ગુજરાતી ભાષા લાંબુ જીવશે કારણકે રેડિયોના માધ્યમે રેડિયો દિલની જેમજ દેશમાં અને પરદેશમાં ઠેરઠેર ગુજરાતી કાર્યક્રમો પ્રસારિત થઈ રહ્યા છે અને એમ રેડિયો પર તો ગુજરાતી જીવતી થઇ છે.
ભાગ્યેશ જહા સાથે ઘણાં બધાં વિષય પર વાતચીત થઇ. ગુજરાતી ભાષામાં ગુજરાતમાં સર્જાતા અને ડાયસ્પોરા સાહિત્ય અંગે એમણે સંતોષ વ્યક્ત કર્યો.
ગુજરાતી ભાષાની જ્યારે ચર્ચા થતી હતી ત્યારે વાતચીત દરમ્યાન ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષપદે એમની થયેલી વરણી બાદ અકાદમીની સ્વાયત્તતાના મુદ્દે એમના નામ સાથે જોડાયેલા વિવાદ અંગે પૂછ્યું ત્યારે એમણે કહ્યું “ એક અપપ્રચાર થઇ રહ્યો છે કે સનદી અધિકારીની નિમણુંક કરવામાં આવી છે પણ એ બાબતમાં તથ્ય નથી કારણકે ગુજરાત સરકારના સનદી અધિકારી તરીકે હું ફેબ્રુઆરીમાં નિવૃત્ત થયો અને ત્યારપછી એક મહિનો નિવૃત્તિ ગાળ્યા પછી ૮મી એપ્રિલના રોજ અકાદમીના અધ્યક્ષપદે મારી વરણી થઇ…એટલે હું સાહિત્યકાર તરીકે અકાદમીમાં જોડાયેલો અને નહી કે સનદી અધિકારી તરીકે એ પહેલી વાત અને બીજી વાત એ કે સ્વાયત્તતા એટલે શું ? તો સ્વાયત્તતાની વ્યાખ્યામાં એવું છે કે Autonomy means there is no interference from outside agency. External agency should not interfere. અકાદમીના વહીવટમાં કોઈજ સરકારી હસ્તક્ષેપ થયો નથી. અકાદમી દ્વારા પણ સત્તાપક્ષ તરફી કોઈ નિર્ણયો કે એવું કશુંજ સાહિત્ય પ્રસિદ્ધ કરવામાં આવ્યું નથી. હું સ્પષ્ટપણે માનું છું કે સાહિત્ય એ સરકાર પુરસ્કૃત હોવું જોઈએ રાજ્યાશ્રિત ના હોવું જોઈએ. સ્વાયત્તતાના મુદ્દે બેવડાં ધોરણો કેવી રીતે રાખી શકાય..? અકાદમીમાં ચૂંટણી નથી થતી એ મુદ્દો આગળ કરવામાં આવે છે તો એવી તો અન્ય ઘણી બધી સંસ્થાઓ છે જ્યાં ચૂંટણી નથી થતી. કોઈ સંસ્થાનું નિર્માણ કઈ રીતે થયું એ અગત્યનું નથી એ સંસ્થાની કાર્યશૈલી શું છે એનું સ્વરૂપ સાહિત્યિક છે કે નહિ. અકાદમીમાં માત્રને માત્ર સાહિત્ય અને તે સિવાયનીકોઈ જ વાત નહી એવું અમે સ્પષ્ટ અંતર રાખ્યું. અકાદમીમાં મારા થકી ફક્ત સાહિત્યનુ જ કામ થયું છે. અમે કોઈ વિવાદમાં પડ્યા નથી કે કોઈજ જવાબ આપ્યો નથી કે કોઈ પણ ફોરમમાં પરિષદ વિરુદ્ધ કોઈજ વિધાન કર્યું નથી. એની સામે પરિષદે અમારો બહિષ્કાર કર્યો, ફતવો બહાર પાડ્યો, મારી વિરુદ્ધ કોર્ટમાં ગયા પરંતુ અમારા તરફે કોઈજ દ્વેષ કે તિરસ્કારનો જરા સરખો પણ ભાવ લાવ્યા વગર અને સૌને સાથે રાખીને અમે ફક્ત સાહિત્યના કામ પરજ લક્ષ કેન્દ્રિત કર્યું. બે વર્ષના મારા કાર્યકાળમાં ૨૩૨ જેટલા કાર્યક્રમો અમે કર્યા જે ભારતની કોઈ પણ સાહિત્યની સંસ્થાએ ના કર્યા હોય એટલા કાર્યક્રમો અમે કર્યા છે.
ભાગ્યેશ જહાને પૂછ્યું કે આપ કૃષ્ણપ્રેમી છો અને કૃષ્ણમય છો અને કૃષ્ણ પર અને ભગવદ ગીતા પર આપ વક્તવ્ય આપવા માટે authority ગણાવ છો ત્યારે આપના જીવનમાં એવાં કોઈ પ્રસંગ બન્યા કે જ્યારે આપને લાગ્યું હોય કે કૃષ્ણ આપની પડખે આવીને ઉભા રહ્યા હોય…??
હા…એ ભગવદ ગીતાની તાકાત અને કવિતાની તાકાત નો પ્રસંગ છે હું યાદ કરીશ વર્ષ 2002 અને ગોધરાના રાયટ્સ પછી બેસ્ટ બેકરીની બનેલી ઘટના પછી જ્યારે ચીફ ઇલેક્શન કમિશનરે સરાજાહેર મારું અપમાન કર્યું હતું દુનિયાભરના અખબાર નવેશો અને ટી વી કેમેરાઓની સામે મારી બહુ ખરાબ છાપ ઉપસી રહી હતી. ગુજરાતનાં જ નહિ પણ ભારતના કોઈ IAS ઓફિસરનું ના થયું હોય એવું અપમાન મારું થયેલું. મારા માટે જીવનનો સૌથી હતાશાજનક દિવસ હતો ત્યારે મારા મિત્રો અને હિતેચ્છુઓ મારી સાથે હતા અને જાતજાતની સલાહો મળતી હતી ત્યારે મેં મારા પિતાજીને ફોન કર્યો અને પરિસ્થિતિ સમજાવી ત્યારે એમણે કહ્યુ કે હું તો શિક્ષક છું અને સરઢવમાં રહ્યો છું અને મને ખબર ના હોય કે કલેકટરને કેવાં ટૅન્શન હોય છે પણ તમે દીવો કરીને ભગવદ ગીતાના બીજા અધ્યાયનો પાઠ કરો અને સ્થિતપ્રજ્ઞ રહો. મેં એજ પ્રમાણે બીજા અધ્યાયના ૭૨ શ્લોકનું પારાયણ કર્યું અને જેવો પારાયણ કરીને હું ઉભો થયો અને ચાર પંક્તિ સ્ફૂરી

“ તું હળાહળ ઝેર છે તો હું અહીં નીલકંઠ છું,
ને તું હશે તલસાટ તરસ્યા પેટનો
હું પીધેલા પ્રેમથી આકંઠ છું,
‘ને આ રહ્યા મદમસ્ત વાદળ અહીં તો લીલા લહેર છે,
કાંચળી ઉતાર, તો જાણે બધાં કે કેટલું ‘ને ક્યાં છુપાયું ઝેર છે “

બસ આ ચાર પંક્તિઓ લખી અને પાંચ મીનીટમાં ઊંઘ આવી ગઈ… બસ આજ કવિતાની તાકાત છે અને ભગવદ ગીતાની તાકાત છે.
વાતચીત દરમ્યાન એમને એમના ગામ સરઢવનાં અનુભવો પૂછ્યા ત્યારે એમણે કહ્યું કે મને મારા બાળપણથી અલગ કરવો અઘરો છે. ત્યાં ગામડું છે શેરી ભાગોળ અને ઊડતી ગાતી ધૂળ છે એ તો ખરુંજ પણ છ ફૂટની ઊંચાઈવાળા એક તેજસ્વી શિક્ષક ને ત્યાં હું જન્મુ છું. એક વિદ્યાનું વાતાવરણ છે, ભક્તિ અને અદ્યાત્મનું આવરણ છે, કાવ્યસંગીત અને ગીતનું ગુંજન છે. પિતાજી ગીતાના ખાસ વર્ગ લેતા. એમાં બધા વર્ગનાં લોકો આવી શકતા. વેદ અને ઉપનીશદોનાં મંજુલ સ્વરો ક્યારેક ગવાતા, ચર્ચાતા. આમ જગતની સર્વપ્રથમ કાવ્યપ્રવૃત્તિનો એક લસરકો સમજણના આકાશમાં દેખાતો, ક્યારેક એની અનુભૂતિથી તરબતર થઇ જવાતું.
ભાગ્યેશ જહા સાથે વાતો કરતાં 1 કલાક અને 35 મિનિટ ક્યાં પૂરી થઇ ગઈ એની ખબર ના રહી..
ભાગ્યેશભાઈ રેડિયો દિલના વિશ્વના ગુજરાતી શ્રોતાઓ આપની સાથેનો આ વાર્તાલાપ સાંભળીને અભિભૂત થઇ ગયા. આ સમગ્ર વાતચીત Rediodil.com પર આ કાર્યક્રમ શનિવારે તારીખ ૨૪ જુન ૨૦૧૭ના રોજ બપોરે ૧૨.૦૦ થી ૨.૦૦ ( EST ) દરમ્યાન એટલેકે ભારતીય સમય પ્રમાણે શનિવારે રાત્રે ૯.૩૦ થી ૧૧.૩૦ વાગ્યા દરમ્યાન સાંભળી શકાશે.

સ્ત્રી-રત્ન ભાગીરથી મહેતા- સરયૂ મહેતા-પરીખ

જૂન 4, 2017

કવયિત્રી ભાગીરથી, ‘જાહ્‍નવી’; એક પ્રેરણાદાયી પાત્ર,

                                    લેખિકાઃ દીકરી, સરયૂ મહેતા-પરીખ

મારી નજરે મારા બા, એક પ્રભાવશાળી વ્યક્તિ હતા. એમના હાથથી કાગળ, પેન અને પુસ્તકો દૂર ન હોય. રસોઈ, ઘરકામ અને નોકરી ઉપરાંત, સાંજે જાણીતા સાહિત્યકારો ઘેર આવીને બેઠા હોય અથવા એમને કોઈ કવિઓને મળવાનુ હોય. ઘણી વખત કવિ સંમેલનમાં કવિઓની વચ્ચે આ એક જ કવયિત્રી મંચ પર ઉપસ્થિત હોય. વહેલી સવારે ઘણીવાર બત્તી જલે ત્યારે ખબર પડે કે બાને કોઈ કવિતાએ જગાડી દીધા.

બ્રીટીશ હકુમતમાં ૧૯૧૭માં ભાગીરથીનો જન્મ ભુવા નામનાં ગામમાં થયેલ. એક વર્ષની બાળકીની માતા, કસ્તુરબેનનો, બે દિવસની માંદગીમાં સ્વર્ગવાસ થયેલો. સંયુક્ત પરિવારમાં બાળકો વચ્ચે સૌથી નાની ભાગીરથી સચવાઈ ગઈ. ભુવાની ધૂડી નિશાળમાં કોઈક સાથે વાંધો પડતા, “મારે નિશાળે નથી જઉં” તેવી જીદ પકડી. ચોથી ચોપડી મ્હાંણ ભણી, એવું એમના કાકીમા કહેતા. છોકરીને લખતાં વાંચતાં આવડ્યું એટલે બસ, એવા સમાજિક વિચારોના પ્રોત્સાહન સાથે ઘરકામ શીખવામાં પળોટાઈ ગયા. માટીનો ઘડૂલો લઈને ખારી-નદીએ પાણી ભરવા જતી છોકરીની યાદમાં ‘જાહ્‍નવી’ની રચના, “અભિલાષા” કાવ્યસંગ્રહ.

                                                                                                                      વાદળીનો વાંક

ડાબી બાજુ ખેતરાં ને જમણી બાજુ નહેર કેડી  નાની   સાંકડી   ને  કાંટા   વાગે  કેર

                        પાણી ગ્યાં’તાં ખારી પેર ……….

ઘડૂલો મૂક્યો કમ્મરે  ઇંઢોણી  લીધી  હાથ સીમુ સુંદર શોભતી, આંખડીએ આંજી નેહ

                            પાણી ગ્યાં’તાં ખારી પેર ……..

મોટાં મોટાં વાદળાંનો  ઊંટ સમો આકાર ખેલે  મોટાં  માંકડાં  ને  ઢોલ   બજાવે  ઘેર

પાણી ગ્યાં’તાં ખારી પેર

……….

ઊંચું જોયું આભમાં ત્યાં વાંકી થઈ ગઈ ડોક

ઘડો પડી ગ્યો વાટમાં, ઠીકરીએ કીધો  કેર

                         પાણી ગ્યાં’તાં ખારી પેર

……… વઢે મને બહુ માવડી પણ મારો ન્હોતો વાંક અનેક  ધારી અંગ  એ  વાદળીએ  લીધાં વેર                       પાણી ગ્યાં’તાં ખારી પેર

કાકીમાએ ઘડો તૂટ્યો તેમાં ‘વાદળીનો વાંક,’ એ કારણ સ્વીકાર્યું નહીં જ હોય.

ભાગીરથીના પિતા, વૈદ ભાણજી દવેએ બ્રાહ્મણ કુટુંબના લોટ માંગવાના અને ક્રિયાકાંડ કરવાના ચીલાચાલુ વ્યવસાયને તજી, વૈદ તરિકે ભુવા અને આસપાસના ગામોમાં આદરણિય પ્રતિષ્ટા મેળવી હતી. ભાઈઓને ભાવનગર ભણવા મૂક્યાં ત્યારે ભા’દેવાની શેરીમાં દસેક્ વર્ષની ભાગીરથી રસોઈ અને ઘરકામ કરવા માટે ભાવનગર આવીને રહી. પણ દીકરીને આગળ ભણાવીએ એવો કોઈ વડીલને વિચાર નહીં આવ્યો હોય.

પિતાશ્રી તેર વર્ષની દીકરીને આવીને કહે કે “તારા લગ્ન કોટડા ગામમાં નક્કી કર્યા છે.” મોટાભાઈ નાથાલાલનાં વેવિશાળ માટે કોટડા ગામે ગયેલા અને ભાગીરથીનું લગ્ન હરિશંકર મહેતા સાથે નક્કી કરીને આવ્યા. એ વખતે રીવાજોની ક્રુરતાનો સત્ય અનુભવ થયો. જ્યારે સાસરે ગયા તો ત્યાંની રહેવાની રીત અને વહુને રાખવાની રીતથી થતી માનહાની સામે એમનો આત્મા બળવો ઉઠાવતો રહ્યો.

હરિશંકરભાઈ પ્ર્રથમિક શાળામાં શિક્ષક તરિકે ગામડામાં નોકરી કરતા અને ભાગીરથી ઘર સંભાળતા. ગરીબી અને અપમાનજનક રહેણી કરણીથી ભાગીરથીને અત્યંત સંતાપ થતો. પાંચ વરસના મનોમંથન અને ભાઈ નાથાલાલ દવે દ્વારા મળતા પુસ્તકોના અભ્યાસથી, એમને સમજાયું કે મારું ભવિષ્ય મારે જ બનાવવાનુ છે. એ સમયે સ્વામિ વિવેકાનંદના વિચારોનો પ્રભાવ તેમને માટે શક્તિ પ્રેરક બની રહ્યો. દરેક પ્રયત્નોમાં બન્ને કુટુંબોના વિરોધોનો સામનો કરતા, અઢાર વર્ષની ઉંમરે, ભાવનગરમાં રહીને ભણવાનો નિશ્ચય કર્યો. પ્રવેશ પરીક્ષા માટે એક નિબંધ લખવાનો હતો. પરિણામે એમને દસમાં ધોરણમાં સીધા મુકવામાં આવ્યાં. પોતાના સદગુણોને લીધે ઘણા ઉત્તમ લોકોના સંસર્ગમાં આવ્યા. તેમની મનો જાગૃતિ અને સંકલ્પ સામે રોજની તકલિફો ગૌણ બની ગઈ. હાઈસ્કુલમાંથી ઉત્તીર્ણ થયાં પછી, પાંચ વિદ્યાર્થીનીઓ સાથે શરૂ થતાં કર્વે કોલેજના વર્ગમાં ભણવાનુ ચાલુ રાખ્યું. શેરીમાંથી નીકળી ક્લાસમાં જતાં હોય ત્યારે ઓટલે બેઠેલી બહેનો સંભળાવે, “એવો જમાનો આવશે કે ધન કમાશે બાયડી ને…”  એ જ બહેનોને લાચાર પરિસ્થિતિ આવતી ત્યારે ભાગીરથીની મદદ લેવા જઉં પડતું.

ગાંધીયુગની અસર તળે જ્યારે ભાગીરથીએ કહ્યું કે, “હવે હું ખાદીના જ કપડા પહેરીશ. મારા માટે રંગબેરંગી મીલના કપડાં ન લાવશો.” ત્યારે એમના પિતાશ્રીની અસંમતિઓમાં એક વધારે કારણનો ઊમેરો થયો અને નારાજગીની માત્રા વધતી ગઈ. પણ મોટી ઉંમરે જ્યારે ભાગીરથીના વિચારોને સમજ્યા ત્યારે પિતા-પુત્રીમાં ભલો સુમેળ થયો.

ભાગીરથીને ભાવનગરમાં પિયરમાં રહીને ભણવાનું, પણ રજાઓ પડતાં કોટડામાં લાજ કાઢી સામાન્ય વહુવારૂઓ સાથે હળીમળી રહેવાનું બનતું. જુનીઅર બી.એ. ની પરિક્ષા પછી પંદર દિવસમાં મુનિભાઈનો જન્મ થયો. માતા કે સાસુનો ઓથાર ન હોવાથી જવાબદારીઓ ઘણી વધી ગઈ. બાળકને સંભાળતાં બી.એ. થયા. માજીરાજ કન્યાશાળામાં નોકરી તરત શરુ કરી દીધી. પતિ હરિશંકરની બદલી ગામડેથી ભાવનગરની પ્રાથમિક શાળામાં એ અરસામાં થઈ શકી હતી. ચાર વર્ષના મુનિ અને નવજાત સરયૂને ઉછેરતાં, શાળા અને ઘરકામની ઘટમાળ શરૂ થઈ, પરંતુ પોતાનું કહી શકાય એવું રહેઠાણ બંધાતા વર્ષો વહી ગયા. ત્રીજી બાળકી ઉર્વશીના આગમન સાથે ભાગીરથીના જીવનમાં સંતોષ,  સ્થિરતા અને આવક વધી. હોંશે આંબાવાડી પાંસે ‘ગંગોત્રી’ નામનો બંગલો બંધાઈ ગયો. પણ રહેવા જતાં પહેલાં જ પાંચ વર્ષની ઉર્વશી અમને છોડી ચાલી ગઈ. એ આખાત અસહ્ય હતો.

ભાગીરથીની માનસિક અને સાંસ્કારિક પ્રગતિની ઝડપ સાથે જીવનસાથી કદમ મીલાવી ન શકતા અમુક અંતરનો અનુભવ અને એકલતાની લાગણી એ કવિ હ્રદયને સતત લાગતી. પણ જીવનના દરેક માઠાં અનુભવોને, “મારા માટે એ જરૂરી હશે” એમ સમજી અંતરગત બનતા રહ્યાં. આમ જ લાગણીઓને શબ્દોનો આકાર આપી, તટસ્થભાવે સ્વીકારી, ભાવુક ગૃહિણી સાથ સાથ કવયિત્રી બની રહ્યાં. ભાગીરથીનું ખાસ ગમતું ગીત…

                                             કાંટે ગુલાબ

                 જાણીને ઝેર્ પી લેવાં મનવાજી મારાં, કાંટે ગુલાબ થઈ રહેવાં.

                                તપસી તપેશ્વર ને જોગી જોગેશ્વર, સૌએ પીધાં છે ઝેર એવાં     …મનવાજી

             ગામડાની, મા વગર ઊછરેલી છોકરી, જે સુંદર હોવાથી “ડોળા ફોડામણી” કહેવાતી, અને આને વખાણ સમજવાં કે નહીં તે આ છોકરીને સમજ નહોતી પડતી. તેણે પોતાના અંતર ઉજાસથી પોતાનું અને આખા મહેતા કુટુંબનું ભવિષ્ય ઉજ્વલ કર્યું. તેર વર્ષની ઉંમરથી શરૂ કરેલ લાજ કાઢવાની પ્રથા સામે વિરોધ કરતાં, લગભગ ત્રીસની ઉંમરે તેમણે હિંમતથી, તેમના જ્યેષ્ઠને માનપૂર્વક કહ્યું, “મોટાભાઈ, હવેથી હું લાજ નહીં કાઢું, પરંતુ તમારા માટેના સન્માનમાં જરા પણ કસર નહીં છોડું.” આખા પરિવારમાં આશ્ચર્ય અને અણગમો ફેલાઈ ગયો. પણ પછી ઘેર ઘેર ઘૂંમટા તણાતા બંધ થયાં. એ જ રીતે નાક-કાન વિંધાવવા જ પડે, અને પતિની હયાતીના શણગાર પહેરવા જ પડે, એ નિયમો પણ એમણે તોડ્યાં. સમાજમાં ઊંડા મૂળ ખોતરેલા નિયમો સામે બળવો કરી અને સ્વજનોના ગુસ્સાનું નિશાન બની પોતાના વિચારોમાં અડગ રહ્યાં. તેમની અનન્ય પ્રતિભાની અનેક બહેનો અને ખાસ કરીને, ખીલતી કળી સમી વિદ્યાર્થીનીઓ પર અસાધારણ અને અદ્‍ભૂત અસર જોવા મળી હતી.

ભુવા અને કોટડા ગામમાંથી પ્રથમ કોલેજ ગ્રેજ્યુએટ નારીનું માન તો વધી ગયું, પરંતુ સમાજમાં અને ઘરમાં સ્ત્રીનું સ્થાન નિયત છે, એ જ રહ્યું. સમાજમાં સગા સંબંધીઓનું વર્તન તેમજ શાળા, કોલેજ કે લગ્નની વાતચીતમાં અમને હંમેશા અનુભવ થતો કે અમે પ્રાથમિક શાળાના શિક્ષકના પરિવારના છીએ. એ સ્થાને જો પિતા હાઈસ્કુલના આચાર્ય હોત તો અમારી સાથેના વ્યવહારમાં ઘણો તફાવત હોત. ઘણી અવગણના વચ્ચે પણ બાનું રક્ષા કવચ બાળકોને છાવરી રહ્યું અને અસામાન્ય પુત્ર, પદ્મશ્રી મુનિભાઈ અને સરયૂ જેવા સફળ અને સાલસ બાળકો ઉછેર્યાં.

જાણ્યું’તું મેં દવ જીવનના, હોય છે દુઃખકારી,

એ તો મારા અબુજ ઉરની, માનવી ભૂલ ભારી.

તાપે તાપી અમ જીવનની, સુપ્ત તાકાત જાગે,

ત્યારે દુઃખો જગતભરનાં, અલ્પ તાકાત લાગે. –‘જાહ્‍નવી’

       ભાગીરથીનાં વિવિધ સ્વરૂપોમાંનું એક આગવું, મધુરું, સ્વરૂપ હતું તે, કવયિત્રી જાહ્‍નવી. જેના લીધે સુજ્ઞ કવિઓ અને સંતોનો સત્સંગ થતો રહેતો. એક માતા, શિક્ષક અને આચાર્યા તરિકે એમની હિંમત, મક્કમતા અને સમજણ વિશિષ્ટ હતાં. અમે ભાઈ બહેન હાઈસ્કુલમાં હતાં એ સમયે બાને આચાર્યાના પદ માટે બહારગામ જવાની તક ઊભી થઈ. એ અરસામાં ભાવનગર છોડી, ઘણા વિરોધો અને વાતો વચ્ચે દૂરના ગામમાં નોકરી લેવી તે આ ગૃહિણી માટે ગુંચવણ ભરી સમસ્યા હતી. બધાં અમારા પિતા તરફ સહાનુભૂતિ દર્શાવે અને બા તરફ આશંકા બતાવે, “તમે આમ ઘર છોડી જાવ છો તે ઠીક નહીં…. અમે તો એવું ન કરીએ.” પરંતુ બાનું વ્યક્તિત્વ એવું હતું કે કોઈ એમને વિચલિત નહોતા કરી શકતાં. અકળાય, મુંજાય પણ અંતે તો આત્મશ્રધ્ધાનો વિજય થતો.

       તેઓ ધોરાજી ગામમાં આચાર્યા તરિકે ગયેલા. તે સમયે, એ ગામ જોખમ ભરેલું ગણાંતુ. મને યાદ છે કે અરધી રાતે ગાડી પહોંચી અને બા સાથે અમે, પંદર અને બાર વર્ષના ભાઈ-બહેન, અજાણ્યા કુટુંબ સાથે રોકાયા હતા. ધોરાજીમાં ભાડેના ઘરમાં રહેવા ગયા ત્યાર બાદ બે દિવસ પછી મુનિભાઈ ફીલ્મ જોવા ઉપડી ગયા, અને મોડું થતાં અનેક શંકાસ્પદ વિચારો સાથે અમે ચિંતિત થઈ ગયા. બા અજાણ્યા યુવકોની મદદ લઈ શોધવા નીકળી પડ્યા હતાં. અજાણ્યા ગામમાં એ સમયે ડર કે લાચારીનો કોઈ ભાવ એમનામાં જોવા નહોતો મળ્યો. અનેક વખત તેઓ ધોરાજીથી આવતી ટ્રેઈનમાં, રાતના બે વાગે ભાવનગર સ્ટેશનેથી એકલાં ઘેર આવતાં. કોઈ લેવા મુકવા આવે તેવી માંગણી કરવાનું તેમના સ્વભાવમાં નહોતું. બે વર્ષ પછી સંજોગોને વશ ભાવનગરની માજીરાજ શાળામાં પાછાં આવ્યાં.

       ચારેક વર્ષ પછી, ૧૯૬૦માં ફરી તક મળતાં, બા સૂરેન્દ્રનગરમાં આચાર્યા તરિકે ગયા અને હું એમની સાથે રહી. મુનિભાઈ આઇ.આઇ.ટી મુંબઈની અગ્રગણ્ય કોલેજમાં ભણતા હતા. સૂરન્દ્રનગરની શાળામાં જાજરમાન અને પ્રગતિવાદી આચાર્યા તરિકે નાની વિદ્યાર્થિનીઓથી માંડી ઊપરી અધિકારીઓનું સન્માન ઘણા જ ઓછા સમયમાં પ્રાપ્ત કર્યું. એક ઘટના બની જેનાથી ભાગીરથી મહેતાની આંતરિક શક્તિનો પરિચય થયો. એમની શાળા માટે નવું મકાન મહિનાઓથી તૈયાર થઈ ગયું હતું. જે દાતાએ બંધાવી આપ્યુ હતું એ વૃધ્ધ મહાનુભાવની જીદ હતી કે કોઈ પ્રધાનમંત્રી આવી ઉદ્‍ઘાટન કરે પછી જ તે મકાનનો ઉપયોગ કરવો. મહિનાઓથી શિક્ષકો અને અધિકારીઓ પ્રયત્ન કરતાં હતાં. બા તે મુરબ્બીને મળ્યા અને વાત કરી, પણ તેઓ જીદ છોડવા તૈયાર ન હતા. બાએ બે ચાર અનુભવી, સ્થાનિક વ્યક્તિઓને વિશ્વાસમાં લઈ, ૨૬ જાનુઆરીએ શાળાના નવા મકાનમાં ધ્વજવંદન માટે ભવ્ય કાર્યક્રમ રાખી ગામના લોકોને આમંત્રિત કર્યા. તેમાં પેલા દાતા તેમની પ્યારી પૌત્રી, જે શાળાની વિદ્યાર્થિની હતી, તેની સાથે હાજર હતાં. ધ્વજ વંદન પછી બાએ દાતાની પૌત્રીને બોલાવીને કંઈક સમજાવીને કહ્યું. તેણી બાને પ્રણામ કરી, પૂજાની થાળી લઈ, નવા મકાનના દ્વાર પર ચાંદલો કરી, રેશમી રિબન ખોલી, બારણા ખોલી બધાને આમંત્રણ આપતી ઊભી રહી. બધા લોકો ગભરાઈને દાદાની સામે જોઈ રહ્યા. પરંતુ દાદાએ આગળ આવી વ્હાલી પૌત્રીને આશિષ આપ્યા અને બાને અભિનંદન આપ્યા. જોનારાના ચિંતાભર્યા ચહેરા ખીલી ઊઠયાં. મહિનાઓ સુધી સૂરેન્દ્રનગરમાં નવાં આચાર્યાએ કરેલા ચમત્કારની ચર્ચા ચાલતી રહી.

       જીવનમાં બાને પોતાના સિધ્ધાંતો માટે લડી લેતા ઘણીવાર જોયા છે, અને પોતાના અને પારકાને પ્રેમથી હિંમત આપતાં પણ જોયા છે. એમના લાગણીભર્યા કવિ હ્રદયમાં અજબની દ્રઢતા હતી. મુનિભાઈના લગ્ન શીશુવિહારના શ્રી માનશંકર ભટ્ટની પુત્રી ઈલા સાથે થઈ ગયા. પરંતુ જ્યારે સરયૂએ વણિક કુટુંબના દિલીપ સાથે લગ્ન કરવાની ઈચ્છા જાહેર કરી ત્યારે, પતિના સખ્ત વિરોધ છતાં, સરયૂને બાએ સાથ આપ્યો. તેમનું માનવું હતું કે જાતિધર્મ કરતાં ઘણો ઊંચો માનવ ધર્મ છે, અને પાત્રની યોગ્યતા પ્રથમ જોવાની અને ત્યાર બાદ નાતજાત. એ સમયે તેમને પતિનો ઊગ્ર ઉપાલંભ સહેવો પડ્યો. ઉપરાંત સરયૂનું અમેરિકા પ્રયાણ તેમને બહુ આકરું પડ્યું.

ગુરુની શોધમાં હંમેશા વ્યાકુળ રહેતા. જ્યારે તપસ્વિની વિમલાતાઈને મળ્યા એ સમયે ભાગીરથીની તપસ્યા પરિપક્વ થયેલી હતી. વિમલાતાઈનુ પ્રવચન સાંભળી, બીજે દિવસે વહેલી સવારે એમના આવાસ પર પંહોચી ગયા. “અત્યારે નહીં મળે.” જવાબ સાંભળી પાછા ફર્યા, પણ બીજે દિવસે ફરી ગયા. જોગાનુજોગ, પૂજ્ય વિમલાતાઈ એ સમયે બહાર હતા. વાર્તાલાપ દરમ્યાન બાની બુદ્ધિકક્ષા જોઈ શક્યા. થોડા વાર્તાલાપ પછી તેમણે સ્નેહપૂર્વક સૂચન કર્યું, ‘આબુ આવો’. બાએ નોકરી અને ઘરની ચિંતા બતાવી. ત્યારે તાઈના કહેલા શબ્દો, ‘ઈચ્છા હોય તો શક્ય હોઈ શકે’. એ શબ્દોની સચોટ અસર થઈ. તેમણે જોયું કે પોતે નિશ્ચય કરર્યા પછી પતિ અને પરિવારનો સહયોગ સહેજે મળી ગયો. અનેક કષ્ટો વેઠી આબુ જઈને રહ્યાં. એમની માનસિક આતુરતા અને કરુણતા આંખ ભીની કરી દેતી. ભાગીરથીના સમર્પણની સત્યતા જોઈ પૂજ્ય વિમલાતાઈએ પોતાના નાના સમુહમાં કવયિત્રી તરિકે સ્વીકાર્યા અને મારા ખ્યાલ પ્રમાણે પૂ. વિમલાતાઈએ “જાહન્વી” તખલ્લુસ આપ્યું. તે પહેલા ‘અખંડ આનંદ’ વગેરે સામાયિકોમાં કવયિત્રી ભાગીરથીના કાવ્યો અને બોધ કથાઓ “સાધના” ઉપનામથી પ્રકાશિત થતાં.

 સ્વજનોનો સાથ હોય કે અસહકાર, મનમાં ઊગે એને પ્રકાશમાં લાવનાર એ વ્યક્તિત્વને ચાહવાવાળા અને વિરોધ કરવાવાળા સમુદાય સાથે સમતોલન કરી શકે તેવું તેમનું ઉદાર દિલ હતું. અનેક બહેનોમાં સાહિત્યપ્રેમ અંકુરિત કરે છે તે, “જાહ્‍નવી સ્મૃતિ” કવયિત્રી સંમેલન, શિશુવિહાર સંસ્થા, ભાવનગરમાં દર વર્ષે યોજાય છે જેમા કોઈ પણ બહેન ભાગ લઈ શકે છે. ૧૯૯૪ની સાલથી શરૂ થયેલ ભાગીરથીના સ્નેહનું ઝરણું હજુ પણ અસ્ખલિત વહે છે. આજે બાને યાદ કરતા કલારસિકોને જોઉં છું, ત્યારે મને એ દિવસોની યાદ આપે છે જ્યારે  કવિતાની રજુઆત કરવા, બધી હિંમત ભેગી કરીને, સફેદ ખાદીની સાડી પહેરેલા, જાજરમાન બહેન ભાગીરથી બોલવા ઉભા થતા……

        ભાગીરથી મહેતાના પુસ્તકોઃ

  “અભિલાષા”.  “સંજીવની”.  “ભગવાન બુધ્ધ”,

“સ્ત્રી સંત રત્નો”. સંત સ્ત્રીઓના જીવન ચરિત્ર.

  “આત્મદીપ.”  “સહજ સમાધિ ભલી.”  પુ. વિમલાતાઈ ઠકારના,

તથા “આનંદલહર.” હનુમાનપ્રસાદ પોદારના, પુસ્તકોનો અનુવાદ.

——-                               

 

                     હળવેથી હાથ મારો હોઠે લગાડતી, મીઠી ચૂમીમાં મર્મજ્ઞતા;

આવકાર, આભાર, ગદગદ એ વ્હાલથી, કહી દીધું સર્વ હાથ ચૂમતા.

              અરવા આ બંધનને અશ્રૂની અંજલી, સ્મરણો અસ્તિત્વને હસાવતા,

                 છલછલ રે છલકે મમ જીવન સરોવર, મા મધુ બિંદુ રહ્યાં સિંચતા.

સરયૂ મહેતા-પરીખ,   “એક ચૂમી” કાવ્યમાંથી.

 Saryu Dilip Parikh   http://www.saryu.wordpress.com     ‘ગંગોત્રી’ વેબસાઈટ

પ્રકાશિત પુસ્તકોઃ

1.  “Essence of Eve નીતરતી સાંજ“ Poems and true stories    in Gujarati and English by Saryu,… Paintings by Dilip Parikh. 2011

Smile in Tears આંસુમાં સ્મિત“

3. “Moist Petals”     4. “Flutter of Wings”   two poetic novel in English.

saryuparikh@yahoo.com   ( Austin, Texas)