કંટેન્ટ પર જાઓ

કાજલ ઓઝા-વૈદ્ય- શ્રેષ્ઠ ગુજરાતી તેજાબી લેખિકા-નવીન બેન્કર

જુલાઇ 12, 2017
 
 
૧૪મી એપ્રિલને ગુરૂવારે, સાંજે સાડાસાત વાગ્યે ગુજરાતની આ શ્રેષ્ઠ તેજાબી કલમ ધરાવતી લેખિકાનો એક કાર્યક્રમ, આપણા જુના ને જાણીતા સ્ટેફોર્ડ સીવીક સેન્ટરમાં રાખવામાં આવ્યો છે. જાણીતા પત્રકાર અને લેખક સ્વ. શ્રી. દિગંત ઓઝાની આ તેજસ્વી દીકરી, આજના ગુજરાતી સાહિત્યની એક તેજસ્વી અને યશસ્વી લેખિકા છે, નાટ્ય-અભિનેત્રી છે, કોલમ લેખિકા છે.
સાત વર્ષમાં,  તેમના ૪૫ થી વધુ પુસ્તકો પ્રસિધ્ધ થાયા છે. તમામ પુસ્તકોની ચારથી વધુ આવૃત્તિઓ થઈ છે. તેમની ‘કૃષ્ણાયન’ નવલકથા  તો અંગ્રેજી સહિત ચાર ભાષાઓમાં અનુવાદિત થઈ ચૂકી છે. ગુજરાતના અનેક અખબારોમાં તેમની કોલમો નિયમિત છપાય છે. તેમની કોલમો ‘મોસમ એકબીજાની’, ‘સમજણ એકબીજાની’ , ‘એકબીજાને ગમતા રહીએ’ ના પુસ્તકાકારે સંગ્રહો પણ છપાયેલા છે. કાજલબહેને સંબંધોની આરપાર નીકળીને, સંબંધોને સમજવાનો પ્રયાસ કર્યો છે. દરેક સંબંધમાં રહેલી પીડા, આનંદ, સુખ, સમજદારી અને સમસ્યાઓને સ્વીકાર્યા છે.
તેમણે નવલકથાઓ, નવલિકાઓ, કવિતાઓ, નાટકો, નિબંધો, લેખો, અનુવાદો, ઘણું ઘણું લખ્યું છે.
સ્ત્રીપુરૂષોના સંબંધો જેવા વિષય પર તો તેમની માસ્ટરી છે.
સૌથી અગત્યની કે વાત. તમને બધાને ગમે અને રસ પડે તેવી
.

 તમે ‘ટ્રાન્સ સેક્સ્યુઅલ’ શબ્દ સાંભળ્યો છે ?  ગુજરાતી ભાષાની પહેલી ટ્રાન્સ સેક્સ્યુઅલ જેવા વિવાદાસ્પદ વિષયને રજૂ કરતી અને ચિત્રલેખા માં હપ્તે હપ્તે પ્રસિધ્ધ થયા પછી, નવભારત સાહિત્ય મંદીરે પુસ્તકાકારે પ્રસિધ્ધ કરેલી, ૮૦૦ પાનામાં લખાયેલી નવલકથા ‘પૂર્ણ-અપૂર્ણ’ માં આ વિષયને ગુજરાતી ભાષામાં રજૂ કરાયો છે. ઉંડા રીસર્ચ અને માહિતીપુર્ણ વિગતો સાથે રસપ્રદ વળાંકો લેતી આ નવલકથાએ ૭૬ હપ્તા સુધી ‘ચિત્રલેખા’ના વાંચકોને જકડી રાખ્યા હતા.  એક ટ્રાન્સ સેક્સ્યુઅલ વ્યક્તિના મન અને શરીર સાથે સર્જાતી ઘટનાઓનો રસપ્રદ ચિતાર કોઇ સ્ત્રી લેખિકા લખી શકે એ તો આપણું રૂઢિચુસ્ત-જડ ગુજરાતી માનસ વિચારી પણ ના શકે.

આપણી પોતાની ગુજરાતી ભાષાની આવી મહાન લેખિકાને મળવાની, એને સાંભળવાની તક આપણે ગુમાવી દઈએ તો એ આપણું જ કમભાગ્ય ગણાશે.
ગુરૂવાર જેવો વર્કીંગ ડે…ખુબ ટૂંકો સમય… ટીકીટો છપાવવા ના સમયનો યે અભાવ.. જેવા વિપરિત પરિબળો વચ્ચે પણ અજીત પટેલ અને નિશાબેન મીરાણી આ કાર્યક્રમ કરી રહ્યા છે એ, ગુજરાતી ભાષાની સેવા છે. હોલના ભાડા જેવો ખર્ચ કાઢવા માટે માત્ર પાંચ અને દશ ડોલર જેવી ટીકીટ રાખીને તેઓ આ કાર્યક્રમ કરી રહ્યા છે ત્યારે સાહિત્ય અને ગુજરાતી ભાષા પ્રત્યે પ્રીતિ ધરાવનાર દરેકે દરેક ગુજરાતીની એ પવિત્ર ફરજ બની રહે છે કે આપસી મતભેદો ભુલી જઈને આ કાર્યક્રમને સફળ બનાવીએ જેથી તેઓ આવા સારા કાર્યક્રમો વધુ ને વધુ લાવે.

રેડીઓ “દીલ”ઉપર કવિ ભાગ્યેશ જહા-વિજય ઠક્કર.

જૂન 24, 2017

  

રેડિયો દિલ પર છેલ છબીલો ગુજરાતી કાર્યક્રમ સામાન્ય રીતે દર શનિવારે લાઈવ બ્રોડકાસ્ટ થતો હોય છે પરંતુ આજે એ શિરસ્તો તોડીને રેડિયો દિલ પરના temporary ખાલી સ્લોટમાં ગુજરાત સાહિત્ય અકાદમીના પૂર્વ અધ્યક્ષ ગુજરાત સરકારના રિટાયર્ડ IAS OFFICER અને કવિ શ્રી ભાગ્યેશ જહાનો લાઈવ ઇન્ટરવ્યૂ કર્યો જેનું આ શનિવારે રીપીટ બ્રોડકાસ્ટ રેડિયો દિલ પર થશે જે radiodil.com પર સાંભળી શકાશે.
શ્રી ભાગ્યેશ જહા હાલમાં ન્યૂ જર્સી માં છે. છેલ છબીલો ગુજરાતી કાર્યક્રમમાં આવવાનું અમારું એમને Long Pending Invitation હતું. એમની અત્યંત વ્યસ્તતાઓ વચ્ચે પણ તેમણે અમારું આમંત્રણ સ્વીકારીને રેડિયો દિલના સ્ટુડીયોમાં તેઓઆવ્યા. કૌશિક અમીન અને મારી સાથે ગુજરાત અને ગુજરાતીને સ્પર્શતા જુદાજુદા વિષયો ઉપરાંત એમના વ્યક્તિત્વના જુદાજુદા પહેલુ અંગે, એમની કવિતા એમના નિબંધ અને વિશેષતો એમના કૃષ્ણપ્રેમ વિષે લગભગ ૧ કલાક અને ૩૫ મિનિટ સુધી દિલ ખોલીને અત્યંત પ્રસન્ન ચિત્તે અને મોકળાશથી અમારું અને અમારા શ્રોતાઓનું મન ભરાય ત્યાં સુધી ખૂબ વાતો કરી.
શ્રી ભાગ્યેશ જહા એક અત્યંત સંવેદનશીલ વિદ્વાન સરકારી ઉચ્ચાધિકારી, કુશળ વહીવટકર્તા, સંસ્કૃતના પ્રખર અભ્યાસી, કૃષ્ણભક્ત અને કૃષ્ણપ્રેમી વ્યક્તિ છે. અત્યંત વ્યસ્ત સરકારી અધિકારી અને ખૂબજ સંવેદનશીલ વ્યક્તિ અને એ બેનો સમન્વય જો એક જ વ્યક્તિમાં હોય તો તે શ્રી ભાગ્યેશ જહામાં જ જોવા મળે. સરકારી વહીવટમાં સંવેદનશીલતા અને સાહિત્ય સર્જનમાં કુશળ વહીવટી ક્ષમતાને પ્રયોજી જાણે અને તેમાંથી નીપજે ઉત્કૃષ્ટ સાહિત્ય અને તે શ્રી ભાગ્યેશ જહા જ કરી શકે. વહીવટી વ્યસ્તતા અને તાણયુક્ત મન:સ્થિતિ નું નિર્માણ કરતી તો વળી ક્યારેક અંગતતામાં પણ ખલેલ પાડતી કામગીરીના કોલાહલ વચ્ચેય સાહિત્ય અને માનવીયતાની નિરવ શાંતિને આત્મસાત કરી શકે એવા ભાગ્યેશ જહા નિબંધકાર છે, કવી છે અને અત્યંત ઋજુ હૃદયના વ્યક્તિ છે.

હું એમને સંસ્કૃત અને સંસ્ક્રુતિના માણસ તરીકે જોઉં.

સંસ્કૃત ભાષા પરનું એમનું પ્રભુત્વ અને ભારતીય સંસ્કૃતિ સાથેનો એમનો લગાવ એ બે નો સમન્વય એ ભાગ્યેશ જહામાં જોવા મળે. હું તો એનાથી આગળ વધીને કહું કે શ્રી ભાગ્યેશ જહાનો કૃષ્ણપ્રેમ એમનો કૃષ્ણ સાથેનો સખાભાવ અને એ જ કારણે એમનું કૃષ્ણમય થવું, અને એજ તો કારણ છે કે શ્રી ભાગ્યેશ જહા સમગ્ર ભારતમાં પ્રવર્તતી બીનસાધુ અને બીનમહારાજોની વક્તાઓની શ્રેણીમાં કૃષ્ણ વિષે અધિકારિતાથી વાત કરી શકે છે, અરે અસ્ખલિત રીતે કલાકો સુધી એ કૃષ્ણને કેન્દ્રમાં રાખીને વક્તવ્ય આપી શકે છે. સંસ્કૃતમાં પણ અસ્ખલિત રીતે વહેતો એમનો વાણીપ્રવાહ અત્યંત પ્રભાવક છે.

ભાગ્યેશ જહા કૃષ્ણ, કલમ અને કવિતાના માણસ છે.

ભાગ્યેશ જહાએ અમારી સાથે વાતચીતની શરૂઆત કરતા કહ્યું કે આપણે રેડિયો દિલ પર છીએ અને દિલ ની જ્યારે વાત આવે છે ત્યારે એ હૃદયની વાત છે અને એટલે વાતચીતના પ્રારંભે એનાજ સમર્થનમાં મારી એક કાવ્યપંક્તિ શ્રોતાઓને સંભળાવવાનું ગમશે :

“આ હૃદય ગજવું નથી જ્યાં પેન ને ચશ્મા રહે
આ તો અમારો મહેલ છે, જે જે ચહે તે સૌ રહે.”

ગુજરાતીઓની વિશેષતા છે કે ગુજરાતીને વિશાળતા સાથે સંબંધ છે અને સમગ્ર વિશ્વમાં વ્યાપ્ત આપણા ગુજરાતીઓને જ્યારે આ ટેકનોલોજી થકી આપણે મળી રહ્યા છીએ, એમના સુધી અવાજના માધ્યમે આપણો સંવાદ પહોંચાડી રહ્યા છીએ ત્યારે એનો બહુ આનંદ છે. મેં એમને ટેકનોલોજીને સાહિત્ય સાથે સાંકળીને લખાયેલા એમના પુસ્તક “ ટેબલેટને અજવાળે પાનબાઈ “ વિષે પૂછ્યું ત્યારે એમણે જણાવ્યું કે હા, સાહિત્ય એ મનુષ્યની ચેતના સાથે કામ કરે છે…. ઓડેને કહ્યું કે “પ્રત્યેક કવિ એક રીતે જોઈએ તો કોલંબસ છે અને જ્યાં એને મનુષ્યની ચેતનાનો ચમત્કાર જોવા મળે ત્યાં એ પોતાનું વહાણ લાંગરે છે.” પહેલાં થોડા નાસીપાસ થવાતું હતું પણ હવે એ આશ્વાસન છે કે આ ટેકનોલોજી થકી આપણી ગુજરાતી ભાષા લાંબુ જીવશે કારણકે રેડિયોના માધ્યમે રેડિયો દિલની જેમજ દેશમાં અને પરદેશમાં ઠેરઠેર ગુજરાતી કાર્યક્રમો પ્રસારિત થઈ રહ્યા છે અને એમ રેડિયો પર તો ગુજરાતી જીવતી થઇ છે.
ભાગ્યેશ જહા સાથે ઘણાં બધાં વિષય પર વાતચીત થઇ. ગુજરાતી ભાષામાં ગુજરાતમાં સર્જાતા અને ડાયસ્પોરા સાહિત્ય અંગે એમણે સંતોષ વ્યક્ત કર્યો.
ગુજરાતી ભાષાની જ્યારે ચર્ચા થતી હતી ત્યારે વાતચીત દરમ્યાન ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષપદે એમની થયેલી વરણી બાદ અકાદમીની સ્વાયત્તતાના મુદ્દે એમના નામ સાથે જોડાયેલા વિવાદ અંગે પૂછ્યું ત્યારે એમણે કહ્યું “ એક અપપ્રચાર થઇ રહ્યો છે કે સનદી અધિકારીની નિમણુંક કરવામાં આવી છે પણ એ બાબતમાં તથ્ય નથી કારણકે ગુજરાત સરકારના સનદી અધિકારી તરીકે હું ફેબ્રુઆરીમાં નિવૃત્ત થયો અને ત્યારપછી એક મહિનો નિવૃત્તિ ગાળ્યા પછી ૮મી એપ્રિલના રોજ અકાદમીના અધ્યક્ષપદે મારી વરણી થઇ…એટલે હું સાહિત્યકાર તરીકે અકાદમીમાં જોડાયેલો અને નહી કે સનદી અધિકારી તરીકે એ પહેલી વાત અને બીજી વાત એ કે સ્વાયત્તતા એટલે શું ? તો સ્વાયત્તતાની વ્યાખ્યામાં એવું છે કે Autonomy means there is no interference from outside agency. External agency should not interfere. અકાદમીના વહીવટમાં કોઈજ સરકારી હસ્તક્ષેપ થયો નથી. અકાદમી દ્વારા પણ સત્તાપક્ષ તરફી કોઈ નિર્ણયો કે એવું કશુંજ સાહિત્ય પ્રસિદ્ધ કરવામાં આવ્યું નથી. હું સ્પષ્ટપણે માનું છું કે સાહિત્ય એ સરકાર પુરસ્કૃત હોવું જોઈએ રાજ્યાશ્રિત ના હોવું જોઈએ. સ્વાયત્તતાના મુદ્દે બેવડાં ધોરણો કેવી રીતે રાખી શકાય..? અકાદમીમાં ચૂંટણી નથી થતી એ મુદ્દો આગળ કરવામાં આવે છે તો એવી તો અન્ય ઘણી બધી સંસ્થાઓ છે જ્યાં ચૂંટણી નથી થતી. કોઈ સંસ્થાનું નિર્માણ કઈ રીતે થયું એ અગત્યનું નથી એ સંસ્થાની કાર્યશૈલી શું છે એનું સ્વરૂપ સાહિત્યિક છે કે નહિ. અકાદમીમાં માત્રને માત્ર સાહિત્ય અને તે સિવાયનીકોઈ જ વાત નહી એવું અમે સ્પષ્ટ અંતર રાખ્યું. અકાદમીમાં મારા થકી ફક્ત સાહિત્યનુ જ કામ થયું છે. અમે કોઈ વિવાદમાં પડ્યા નથી કે કોઈજ જવાબ આપ્યો નથી કે કોઈ પણ ફોરમમાં પરિષદ વિરુદ્ધ કોઈજ વિધાન કર્યું નથી. એની સામે પરિષદે અમારો બહિષ્કાર કર્યો, ફતવો બહાર પાડ્યો, મારી વિરુદ્ધ કોર્ટમાં ગયા પરંતુ અમારા તરફે કોઈજ દ્વેષ કે તિરસ્કારનો જરા સરખો પણ ભાવ લાવ્યા વગર અને સૌને સાથે રાખીને અમે ફક્ત સાહિત્યના કામ પરજ લક્ષ કેન્દ્રિત કર્યું. બે વર્ષના મારા કાર્યકાળમાં ૨૩૨ જેટલા કાર્યક્રમો અમે કર્યા જે ભારતની કોઈ પણ સાહિત્યની સંસ્થાએ ના કર્યા હોય એટલા કાર્યક્રમો અમે કર્યા છે.
ભાગ્યેશ જહાને પૂછ્યું કે આપ કૃષ્ણપ્રેમી છો અને કૃષ્ણમય છો અને કૃષ્ણ પર અને ભગવદ ગીતા પર આપ વક્તવ્ય આપવા માટે authority ગણાવ છો ત્યારે આપના જીવનમાં એવાં કોઈ પ્રસંગ બન્યા કે જ્યારે આપને લાગ્યું હોય કે કૃષ્ણ આપની પડખે આવીને ઉભા રહ્યા હોય…??
હા…એ ભગવદ ગીતાની તાકાત અને કવિતાની તાકાત નો પ્રસંગ છે હું યાદ કરીશ વર્ષ 2002 અને ગોધરાના રાયટ્સ પછી બેસ્ટ બેકરીની બનેલી ઘટના પછી જ્યારે ચીફ ઇલેક્શન કમિશનરે સરાજાહેર મારું અપમાન કર્યું હતું દુનિયાભરના અખબાર નવેશો અને ટી વી કેમેરાઓની સામે મારી બહુ ખરાબ છાપ ઉપસી રહી હતી. ગુજરાતનાં જ નહિ પણ ભારતના કોઈ IAS ઓફિસરનું ના થયું હોય એવું અપમાન મારું થયેલું. મારા માટે જીવનનો સૌથી હતાશાજનક દિવસ હતો ત્યારે મારા મિત્રો અને હિતેચ્છુઓ મારી સાથે હતા અને જાતજાતની સલાહો મળતી હતી ત્યારે મેં મારા પિતાજીને ફોન કર્યો અને પરિસ્થિતિ સમજાવી ત્યારે એમણે કહ્યુ કે હું તો શિક્ષક છું અને સરઢવમાં રહ્યો છું અને મને ખબર ના હોય કે કલેકટરને કેવાં ટૅન્શન હોય છે પણ તમે દીવો કરીને ભગવદ ગીતાના બીજા અધ્યાયનો પાઠ કરો અને સ્થિતપ્રજ્ઞ રહો. મેં એજ પ્રમાણે બીજા અધ્યાયના ૭૨ શ્લોકનું પારાયણ કર્યું અને જેવો પારાયણ કરીને હું ઉભો થયો અને ચાર પંક્તિ સ્ફૂરી

“ તું હળાહળ ઝેર છે તો હું અહીં નીલકંઠ છું,
ને તું હશે તલસાટ તરસ્યા પેટનો
હું પીધેલા પ્રેમથી આકંઠ છું,
‘ને આ રહ્યા મદમસ્ત વાદળ અહીં તો લીલા લહેર છે,
કાંચળી ઉતાર, તો જાણે બધાં કે કેટલું ‘ને ક્યાં છુપાયું ઝેર છે “

બસ આ ચાર પંક્તિઓ લખી અને પાંચ મીનીટમાં ઊંઘ આવી ગઈ… બસ આજ કવિતાની તાકાત છે અને ભગવદ ગીતાની તાકાત છે.
વાતચીત દરમ્યાન એમને એમના ગામ સરઢવનાં અનુભવો પૂછ્યા ત્યારે એમણે કહ્યું કે મને મારા બાળપણથી અલગ કરવો અઘરો છે. ત્યાં ગામડું છે શેરી ભાગોળ અને ઊડતી ગાતી ધૂળ છે એ તો ખરુંજ પણ છ ફૂટની ઊંચાઈવાળા એક તેજસ્વી શિક્ષક ને ત્યાં હું જન્મુ છું. એક વિદ્યાનું વાતાવરણ છે, ભક્તિ અને અદ્યાત્મનું આવરણ છે, કાવ્યસંગીત અને ગીતનું ગુંજન છે. પિતાજી ગીતાના ખાસ વર્ગ લેતા. એમાં બધા વર્ગનાં લોકો આવી શકતા. વેદ અને ઉપનીશદોનાં મંજુલ સ્વરો ક્યારેક ગવાતા, ચર્ચાતા. આમ જગતની સર્વપ્રથમ કાવ્યપ્રવૃત્તિનો એક લસરકો સમજણના આકાશમાં દેખાતો, ક્યારેક એની અનુભૂતિથી તરબતર થઇ જવાતું.
ભાગ્યેશ જહા સાથે વાતો કરતાં 1 કલાક અને 35 મિનિટ ક્યાં પૂરી થઇ ગઈ એની ખબર ના રહી..
ભાગ્યેશભાઈ રેડિયો દિલના વિશ્વના ગુજરાતી શ્રોતાઓ આપની સાથેનો આ વાર્તાલાપ સાંભળીને અભિભૂત થઇ ગયા. આ સમગ્ર વાતચીત Rediodil.com પર આ કાર્યક્રમ શનિવારે તારીખ ૨૪ જુન ૨૦૧૭ના રોજ બપોરે ૧૨.૦૦ થી ૨.૦૦ ( EST ) દરમ્યાન એટલેકે ભારતીય સમય પ્રમાણે શનિવારે રાત્રે ૯.૩૦ થી ૧૧.૩૦ વાગ્યા દરમ્યાન સાંભળી શકાશે.

સ્ત્રી-રત્ન ભાગીરથી મહેતા- સરયૂ મહેતા-પરીખ

જૂન 4, 2017

કવયિત્રી ભાગીરથી, ‘જાહ્‍નવી’; એક પ્રેરણાદાયી પાત્ર,

                                    લેખિકાઃ દીકરી, સરયૂ મહેતા-પરીખ

મારી નજરે મારા બા, એક પ્રભાવશાળી વ્યક્તિ હતા. એમના હાથથી કાગળ, પેન અને પુસ્તકો દૂર ન હોય. રસોઈ, ઘરકામ અને નોકરી ઉપરાંત, સાંજે જાણીતા સાહિત્યકારો ઘેર આવીને બેઠા હોય અથવા એમને કોઈ કવિઓને મળવાનુ હોય. ઘણી વખત કવિ સંમેલનમાં કવિઓની વચ્ચે આ એક જ કવયિત્રી મંચ પર ઉપસ્થિત હોય. વહેલી સવારે ઘણીવાર બત્તી જલે ત્યારે ખબર પડે કે બાને કોઈ કવિતાએ જગાડી દીધા.

બ્રીટીશ હકુમતમાં ૧૯૧૭માં ભાગીરથીનો જન્મ ભુવા નામનાં ગામમાં થયેલ. એક વર્ષની બાળકીની માતા, કસ્તુરબેનનો, બે દિવસની માંદગીમાં સ્વર્ગવાસ થયેલો. સંયુક્ત પરિવારમાં બાળકો વચ્ચે સૌથી નાની ભાગીરથી સચવાઈ ગઈ. ભુવાની ધૂડી નિશાળમાં કોઈક સાથે વાંધો પડતા, “મારે નિશાળે નથી જઉં” તેવી જીદ પકડી. ચોથી ચોપડી મ્હાંણ ભણી, એવું એમના કાકીમા કહેતા. છોકરીને લખતાં વાંચતાં આવડ્યું એટલે બસ, એવા સમાજિક વિચારોના પ્રોત્સાહન સાથે ઘરકામ શીખવામાં પળોટાઈ ગયા. માટીનો ઘડૂલો લઈને ખારી-નદીએ પાણી ભરવા જતી છોકરીની યાદમાં ‘જાહ્‍નવી’ની રચના, “અભિલાષા” કાવ્યસંગ્રહ.

                                                                                                                      વાદળીનો વાંક

ડાબી બાજુ ખેતરાં ને જમણી બાજુ નહેર કેડી  નાની   સાંકડી   ને  કાંટા   વાગે  કેર

                        પાણી ગ્યાં’તાં ખારી પેર ……….

ઘડૂલો મૂક્યો કમ્મરે  ઇંઢોણી  લીધી  હાથ સીમુ સુંદર શોભતી, આંખડીએ આંજી નેહ

                            પાણી ગ્યાં’તાં ખારી પેર ……..

મોટાં મોટાં વાદળાંનો  ઊંટ સમો આકાર ખેલે  મોટાં  માંકડાં  ને  ઢોલ   બજાવે  ઘેર

પાણી ગ્યાં’તાં ખારી પેર

……….

ઊંચું જોયું આભમાં ત્યાં વાંકી થઈ ગઈ ડોક

ઘડો પડી ગ્યો વાટમાં, ઠીકરીએ કીધો  કેર

                         પાણી ગ્યાં’તાં ખારી પેર

……… વઢે મને બહુ માવડી પણ મારો ન્હોતો વાંક અનેક  ધારી અંગ  એ  વાદળીએ  લીધાં વેર                       પાણી ગ્યાં’તાં ખારી પેર

કાકીમાએ ઘડો તૂટ્યો તેમાં ‘વાદળીનો વાંક,’ એ કારણ સ્વીકાર્યું નહીં જ હોય.

ભાગીરથીના પિતા, વૈદ ભાણજી દવેએ બ્રાહ્મણ કુટુંબના લોટ માંગવાના અને ક્રિયાકાંડ કરવાના ચીલાચાલુ વ્યવસાયને તજી, વૈદ તરિકે ભુવા અને આસપાસના ગામોમાં આદરણિય પ્રતિષ્ટા મેળવી હતી. ભાઈઓને ભાવનગર ભણવા મૂક્યાં ત્યારે ભા’દેવાની શેરીમાં દસેક્ વર્ષની ભાગીરથી રસોઈ અને ઘરકામ કરવા માટે ભાવનગર આવીને રહી. પણ દીકરીને આગળ ભણાવીએ એવો કોઈ વડીલને વિચાર નહીં આવ્યો હોય.

પિતાશ્રી તેર વર્ષની દીકરીને આવીને કહે કે “તારા લગ્ન કોટડા ગામમાં નક્કી કર્યા છે.” મોટાભાઈ નાથાલાલનાં વેવિશાળ માટે કોટડા ગામે ગયેલા અને ભાગીરથીનું લગ્ન હરિશંકર મહેતા સાથે નક્કી કરીને આવ્યા. એ વખતે રીવાજોની ક્રુરતાનો સત્ય અનુભવ થયો. જ્યારે સાસરે ગયા તો ત્યાંની રહેવાની રીત અને વહુને રાખવાની રીતથી થતી માનહાની સામે એમનો આત્મા બળવો ઉઠાવતો રહ્યો.

હરિશંકરભાઈ પ્ર્રથમિક શાળામાં શિક્ષક તરિકે ગામડામાં નોકરી કરતા અને ભાગીરથી ઘર સંભાળતા. ગરીબી અને અપમાનજનક રહેણી કરણીથી ભાગીરથીને અત્યંત સંતાપ થતો. પાંચ વરસના મનોમંથન અને ભાઈ નાથાલાલ દવે દ્વારા મળતા પુસ્તકોના અભ્યાસથી, એમને સમજાયું કે મારું ભવિષ્ય મારે જ બનાવવાનુ છે. એ સમયે સ્વામિ વિવેકાનંદના વિચારોનો પ્રભાવ તેમને માટે શક્તિ પ્રેરક બની રહ્યો. દરેક પ્રયત્નોમાં બન્ને કુટુંબોના વિરોધોનો સામનો કરતા, અઢાર વર્ષની ઉંમરે, ભાવનગરમાં રહીને ભણવાનો નિશ્ચય કર્યો. પ્રવેશ પરીક્ષા માટે એક નિબંધ લખવાનો હતો. પરિણામે એમને દસમાં ધોરણમાં સીધા મુકવામાં આવ્યાં. પોતાના સદગુણોને લીધે ઘણા ઉત્તમ લોકોના સંસર્ગમાં આવ્યા. તેમની મનો જાગૃતિ અને સંકલ્પ સામે રોજની તકલિફો ગૌણ બની ગઈ. હાઈસ્કુલમાંથી ઉત્તીર્ણ થયાં પછી, પાંચ વિદ્યાર્થીનીઓ સાથે શરૂ થતાં કર્વે કોલેજના વર્ગમાં ભણવાનુ ચાલુ રાખ્યું. શેરીમાંથી નીકળી ક્લાસમાં જતાં હોય ત્યારે ઓટલે બેઠેલી બહેનો સંભળાવે, “એવો જમાનો આવશે કે ધન કમાશે બાયડી ને…”  એ જ બહેનોને લાચાર પરિસ્થિતિ આવતી ત્યારે ભાગીરથીની મદદ લેવા જઉં પડતું.

ગાંધીયુગની અસર તળે જ્યારે ભાગીરથીએ કહ્યું કે, “હવે હું ખાદીના જ કપડા પહેરીશ. મારા માટે રંગબેરંગી મીલના કપડાં ન લાવશો.” ત્યારે એમના પિતાશ્રીની અસંમતિઓમાં એક વધારે કારણનો ઊમેરો થયો અને નારાજગીની માત્રા વધતી ગઈ. પણ મોટી ઉંમરે જ્યારે ભાગીરથીના વિચારોને સમજ્યા ત્યારે પિતા-પુત્રીમાં ભલો સુમેળ થયો.

ભાગીરથીને ભાવનગરમાં પિયરમાં રહીને ભણવાનું, પણ રજાઓ પડતાં કોટડામાં લાજ કાઢી સામાન્ય વહુવારૂઓ સાથે હળીમળી રહેવાનું બનતું. જુનીઅર બી.એ. ની પરિક્ષા પછી પંદર દિવસમાં મુનિભાઈનો જન્મ થયો. માતા કે સાસુનો ઓથાર ન હોવાથી જવાબદારીઓ ઘણી વધી ગઈ. બાળકને સંભાળતાં બી.એ. થયા. માજીરાજ કન્યાશાળામાં નોકરી તરત શરુ કરી દીધી. પતિ હરિશંકરની બદલી ગામડેથી ભાવનગરની પ્રાથમિક શાળામાં એ અરસામાં થઈ શકી હતી. ચાર વર્ષના મુનિ અને નવજાત સરયૂને ઉછેરતાં, શાળા અને ઘરકામની ઘટમાળ શરૂ થઈ, પરંતુ પોતાનું કહી શકાય એવું રહેઠાણ બંધાતા વર્ષો વહી ગયા. ત્રીજી બાળકી ઉર્વશીના આગમન સાથે ભાગીરથીના જીવનમાં સંતોષ,  સ્થિરતા અને આવક વધી. હોંશે આંબાવાડી પાંસે ‘ગંગોત્રી’ નામનો બંગલો બંધાઈ ગયો. પણ રહેવા જતાં પહેલાં જ પાંચ વર્ષની ઉર્વશી અમને છોડી ચાલી ગઈ. એ આખાત અસહ્ય હતો.

ભાગીરથીની માનસિક અને સાંસ્કારિક પ્રગતિની ઝડપ સાથે જીવનસાથી કદમ મીલાવી ન શકતા અમુક અંતરનો અનુભવ અને એકલતાની લાગણી એ કવિ હ્રદયને સતત લાગતી. પણ જીવનના દરેક માઠાં અનુભવોને, “મારા માટે એ જરૂરી હશે” એમ સમજી અંતરગત બનતા રહ્યાં. આમ જ લાગણીઓને શબ્દોનો આકાર આપી, તટસ્થભાવે સ્વીકારી, ભાવુક ગૃહિણી સાથ સાથ કવયિત્રી બની રહ્યાં. ભાગીરથીનું ખાસ ગમતું ગીત…

                                             કાંટે ગુલાબ

                 જાણીને ઝેર્ પી લેવાં મનવાજી મારાં, કાંટે ગુલાબ થઈ રહેવાં.

                                તપસી તપેશ્વર ને જોગી જોગેશ્વર, સૌએ પીધાં છે ઝેર એવાં     …મનવાજી

             ગામડાની, મા વગર ઊછરેલી છોકરી, જે સુંદર હોવાથી “ડોળા ફોડામણી” કહેવાતી, અને આને વખાણ સમજવાં કે નહીં તે આ છોકરીને સમજ નહોતી પડતી. તેણે પોતાના અંતર ઉજાસથી પોતાનું અને આખા મહેતા કુટુંબનું ભવિષ્ય ઉજ્વલ કર્યું. તેર વર્ષની ઉંમરથી શરૂ કરેલ લાજ કાઢવાની પ્રથા સામે વિરોધ કરતાં, લગભગ ત્રીસની ઉંમરે તેમણે હિંમતથી, તેમના જ્યેષ્ઠને માનપૂર્વક કહ્યું, “મોટાભાઈ, હવેથી હું લાજ નહીં કાઢું, પરંતુ તમારા માટેના સન્માનમાં જરા પણ કસર નહીં છોડું.” આખા પરિવારમાં આશ્ચર્ય અને અણગમો ફેલાઈ ગયો. પણ પછી ઘેર ઘેર ઘૂંમટા તણાતા બંધ થયાં. એ જ રીતે નાક-કાન વિંધાવવા જ પડે, અને પતિની હયાતીના શણગાર પહેરવા જ પડે, એ નિયમો પણ એમણે તોડ્યાં. સમાજમાં ઊંડા મૂળ ખોતરેલા નિયમો સામે બળવો કરી અને સ્વજનોના ગુસ્સાનું નિશાન બની પોતાના વિચારોમાં અડગ રહ્યાં. તેમની અનન્ય પ્રતિભાની અનેક બહેનો અને ખાસ કરીને, ખીલતી કળી સમી વિદ્યાર્થીનીઓ પર અસાધારણ અને અદ્‍ભૂત અસર જોવા મળી હતી.

ભુવા અને કોટડા ગામમાંથી પ્રથમ કોલેજ ગ્રેજ્યુએટ નારીનું માન તો વધી ગયું, પરંતુ સમાજમાં અને ઘરમાં સ્ત્રીનું સ્થાન નિયત છે, એ જ રહ્યું. સમાજમાં સગા સંબંધીઓનું વર્તન તેમજ શાળા, કોલેજ કે લગ્નની વાતચીતમાં અમને હંમેશા અનુભવ થતો કે અમે પ્રાથમિક શાળાના શિક્ષકના પરિવારના છીએ. એ સ્થાને જો પિતા હાઈસ્કુલના આચાર્ય હોત તો અમારી સાથેના વ્યવહારમાં ઘણો તફાવત હોત. ઘણી અવગણના વચ્ચે પણ બાનું રક્ષા કવચ બાળકોને છાવરી રહ્યું અને અસામાન્ય પુત્ર, પદ્મશ્રી મુનિભાઈ અને સરયૂ જેવા સફળ અને સાલસ બાળકો ઉછેર્યાં.

જાણ્યું’તું મેં દવ જીવનના, હોય છે દુઃખકારી,

એ તો મારા અબુજ ઉરની, માનવી ભૂલ ભારી.

તાપે તાપી અમ જીવનની, સુપ્ત તાકાત જાગે,

ત્યારે દુઃખો જગતભરનાં, અલ્પ તાકાત લાગે. –‘જાહ્‍નવી’

       ભાગીરથીનાં વિવિધ સ્વરૂપોમાંનું એક આગવું, મધુરું, સ્વરૂપ હતું તે, કવયિત્રી જાહ્‍નવી. જેના લીધે સુજ્ઞ કવિઓ અને સંતોનો સત્સંગ થતો રહેતો. એક માતા, શિક્ષક અને આચાર્યા તરિકે એમની હિંમત, મક્કમતા અને સમજણ વિશિષ્ટ હતાં. અમે ભાઈ બહેન હાઈસ્કુલમાં હતાં એ સમયે બાને આચાર્યાના પદ માટે બહારગામ જવાની તક ઊભી થઈ. એ અરસામાં ભાવનગર છોડી, ઘણા વિરોધો અને વાતો વચ્ચે દૂરના ગામમાં નોકરી લેવી તે આ ગૃહિણી માટે ગુંચવણ ભરી સમસ્યા હતી. બધાં અમારા પિતા તરફ સહાનુભૂતિ દર્શાવે અને બા તરફ આશંકા બતાવે, “તમે આમ ઘર છોડી જાવ છો તે ઠીક નહીં…. અમે તો એવું ન કરીએ.” પરંતુ બાનું વ્યક્તિત્વ એવું હતું કે કોઈ એમને વિચલિત નહોતા કરી શકતાં. અકળાય, મુંજાય પણ અંતે તો આત્મશ્રધ્ધાનો વિજય થતો.

       તેઓ ધોરાજી ગામમાં આચાર્યા તરિકે ગયેલા. તે સમયે, એ ગામ જોખમ ભરેલું ગણાંતુ. મને યાદ છે કે અરધી રાતે ગાડી પહોંચી અને બા સાથે અમે, પંદર અને બાર વર્ષના ભાઈ-બહેન, અજાણ્યા કુટુંબ સાથે રોકાયા હતા. ધોરાજીમાં ભાડેના ઘરમાં રહેવા ગયા ત્યાર બાદ બે દિવસ પછી મુનિભાઈ ફીલ્મ જોવા ઉપડી ગયા, અને મોડું થતાં અનેક શંકાસ્પદ વિચારો સાથે અમે ચિંતિત થઈ ગયા. બા અજાણ્યા યુવકોની મદદ લઈ શોધવા નીકળી પડ્યા હતાં. અજાણ્યા ગામમાં એ સમયે ડર કે લાચારીનો કોઈ ભાવ એમનામાં જોવા નહોતો મળ્યો. અનેક વખત તેઓ ધોરાજીથી આવતી ટ્રેઈનમાં, રાતના બે વાગે ભાવનગર સ્ટેશનેથી એકલાં ઘેર આવતાં. કોઈ લેવા મુકવા આવે તેવી માંગણી કરવાનું તેમના સ્વભાવમાં નહોતું. બે વર્ષ પછી સંજોગોને વશ ભાવનગરની માજીરાજ શાળામાં પાછાં આવ્યાં.

       ચારેક વર્ષ પછી, ૧૯૬૦માં ફરી તક મળતાં, બા સૂરેન્દ્રનગરમાં આચાર્યા તરિકે ગયા અને હું એમની સાથે રહી. મુનિભાઈ આઇ.આઇ.ટી મુંબઈની અગ્રગણ્ય કોલેજમાં ભણતા હતા. સૂરન્દ્રનગરની શાળામાં જાજરમાન અને પ્રગતિવાદી આચાર્યા તરિકે નાની વિદ્યાર્થિનીઓથી માંડી ઊપરી અધિકારીઓનું સન્માન ઘણા જ ઓછા સમયમાં પ્રાપ્ત કર્યું. એક ઘટના બની જેનાથી ભાગીરથી મહેતાની આંતરિક શક્તિનો પરિચય થયો. એમની શાળા માટે નવું મકાન મહિનાઓથી તૈયાર થઈ ગયું હતું. જે દાતાએ બંધાવી આપ્યુ હતું એ વૃધ્ધ મહાનુભાવની જીદ હતી કે કોઈ પ્રધાનમંત્રી આવી ઉદ્‍ઘાટન કરે પછી જ તે મકાનનો ઉપયોગ કરવો. મહિનાઓથી શિક્ષકો અને અધિકારીઓ પ્રયત્ન કરતાં હતાં. બા તે મુરબ્બીને મળ્યા અને વાત કરી, પણ તેઓ જીદ છોડવા તૈયાર ન હતા. બાએ બે ચાર અનુભવી, સ્થાનિક વ્યક્તિઓને વિશ્વાસમાં લઈ, ૨૬ જાનુઆરીએ શાળાના નવા મકાનમાં ધ્વજવંદન માટે ભવ્ય કાર્યક્રમ રાખી ગામના લોકોને આમંત્રિત કર્યા. તેમાં પેલા દાતા તેમની પ્યારી પૌત્રી, જે શાળાની વિદ્યાર્થિની હતી, તેની સાથે હાજર હતાં. ધ્વજ વંદન પછી બાએ દાતાની પૌત્રીને બોલાવીને કંઈક સમજાવીને કહ્યું. તેણી બાને પ્રણામ કરી, પૂજાની થાળી લઈ, નવા મકાનના દ્વાર પર ચાંદલો કરી, રેશમી રિબન ખોલી, બારણા ખોલી બધાને આમંત્રણ આપતી ઊભી રહી. બધા લોકો ગભરાઈને દાદાની સામે જોઈ રહ્યા. પરંતુ દાદાએ આગળ આવી વ્હાલી પૌત્રીને આશિષ આપ્યા અને બાને અભિનંદન આપ્યા. જોનારાના ચિંતાભર્યા ચહેરા ખીલી ઊઠયાં. મહિનાઓ સુધી સૂરેન્દ્રનગરમાં નવાં આચાર્યાએ કરેલા ચમત્કારની ચર્ચા ચાલતી રહી.

       જીવનમાં બાને પોતાના સિધ્ધાંતો માટે લડી લેતા ઘણીવાર જોયા છે, અને પોતાના અને પારકાને પ્રેમથી હિંમત આપતાં પણ જોયા છે. એમના લાગણીભર્યા કવિ હ્રદયમાં અજબની દ્રઢતા હતી. મુનિભાઈના લગ્ન શીશુવિહારના શ્રી માનશંકર ભટ્ટની પુત્રી ઈલા સાથે થઈ ગયા. પરંતુ જ્યારે સરયૂએ વણિક કુટુંબના દિલીપ સાથે લગ્ન કરવાની ઈચ્છા જાહેર કરી ત્યારે, પતિના સખ્ત વિરોધ છતાં, સરયૂને બાએ સાથ આપ્યો. તેમનું માનવું હતું કે જાતિધર્મ કરતાં ઘણો ઊંચો માનવ ધર્મ છે, અને પાત્રની યોગ્યતા પ્રથમ જોવાની અને ત્યાર બાદ નાતજાત. એ સમયે તેમને પતિનો ઊગ્ર ઉપાલંભ સહેવો પડ્યો. ઉપરાંત સરયૂનું અમેરિકા પ્રયાણ તેમને બહુ આકરું પડ્યું.

ગુરુની શોધમાં હંમેશા વ્યાકુળ રહેતા. જ્યારે તપસ્વિની વિમલાતાઈને મળ્યા એ સમયે ભાગીરથીની તપસ્યા પરિપક્વ થયેલી હતી. વિમલાતાઈનુ પ્રવચન સાંભળી, બીજે દિવસે વહેલી સવારે એમના આવાસ પર પંહોચી ગયા. “અત્યારે નહીં મળે.” જવાબ સાંભળી પાછા ફર્યા, પણ બીજે દિવસે ફરી ગયા. જોગાનુજોગ, પૂજ્ય વિમલાતાઈ એ સમયે બહાર હતા. વાર્તાલાપ દરમ્યાન બાની બુદ્ધિકક્ષા જોઈ શક્યા. થોડા વાર્તાલાપ પછી તેમણે સ્નેહપૂર્વક સૂચન કર્યું, ‘આબુ આવો’. બાએ નોકરી અને ઘરની ચિંતા બતાવી. ત્યારે તાઈના કહેલા શબ્દો, ‘ઈચ્છા હોય તો શક્ય હોઈ શકે’. એ શબ્દોની સચોટ અસર થઈ. તેમણે જોયું કે પોતે નિશ્ચય કરર્યા પછી પતિ અને પરિવારનો સહયોગ સહેજે મળી ગયો. અનેક કષ્ટો વેઠી આબુ જઈને રહ્યાં. એમની માનસિક આતુરતા અને કરુણતા આંખ ભીની કરી દેતી. ભાગીરથીના સમર્પણની સત્યતા જોઈ પૂજ્ય વિમલાતાઈએ પોતાના નાના સમુહમાં કવયિત્રી તરિકે સ્વીકાર્યા અને મારા ખ્યાલ પ્રમાણે પૂ. વિમલાતાઈએ “જાહન્વી” તખલ્લુસ આપ્યું. તે પહેલા ‘અખંડ આનંદ’ વગેરે સામાયિકોમાં કવયિત્રી ભાગીરથીના કાવ્યો અને બોધ કથાઓ “સાધના” ઉપનામથી પ્રકાશિત થતાં.

 સ્વજનોનો સાથ હોય કે અસહકાર, મનમાં ઊગે એને પ્રકાશમાં લાવનાર એ વ્યક્તિત્વને ચાહવાવાળા અને વિરોધ કરવાવાળા સમુદાય સાથે સમતોલન કરી શકે તેવું તેમનું ઉદાર દિલ હતું. અનેક બહેનોમાં સાહિત્યપ્રેમ અંકુરિત કરે છે તે, “જાહ્‍નવી સ્મૃતિ” કવયિત્રી સંમેલન, શિશુવિહાર સંસ્થા, ભાવનગરમાં દર વર્ષે યોજાય છે જેમા કોઈ પણ બહેન ભાગ લઈ શકે છે. ૧૯૯૪ની સાલથી શરૂ થયેલ ભાગીરથીના સ્નેહનું ઝરણું હજુ પણ અસ્ખલિત વહે છે. આજે બાને યાદ કરતા કલારસિકોને જોઉં છું, ત્યારે મને એ દિવસોની યાદ આપે છે જ્યારે  કવિતાની રજુઆત કરવા, બધી હિંમત ભેગી કરીને, સફેદ ખાદીની સાડી પહેરેલા, જાજરમાન બહેન ભાગીરથી બોલવા ઉભા થતા……

        ભાગીરથી મહેતાના પુસ્તકોઃ

  “અભિલાષા”.  “સંજીવની”.  “ભગવાન બુધ્ધ”,

“સ્ત્રી સંત રત્નો”. સંત સ્ત્રીઓના જીવન ચરિત્ર.

  “આત્મદીપ.”  “સહજ સમાધિ ભલી.”  પુ. વિમલાતાઈ ઠકારના,

તથા “આનંદલહર.” હનુમાનપ્રસાદ પોદારના, પુસ્તકોનો અનુવાદ.

——-                               

 

                     હળવેથી હાથ મારો હોઠે લગાડતી, મીઠી ચૂમીમાં મર્મજ્ઞતા;

આવકાર, આભાર, ગદગદ એ વ્હાલથી, કહી દીધું સર્વ હાથ ચૂમતા.

              અરવા આ બંધનને અશ્રૂની અંજલી, સ્મરણો અસ્તિત્વને હસાવતા,

                 છલછલ રે છલકે મમ જીવન સરોવર, મા મધુ બિંદુ રહ્યાં સિંચતા.

સરયૂ મહેતા-પરીખ,   “એક ચૂમી” કાવ્યમાંથી.

 Saryu Dilip Parikh   http://www.saryu.wordpress.com     ‘ગંગોત્રી’ વેબસાઈટ

પ્રકાશિત પુસ્તકોઃ

1.  “Essence of Eve નીતરતી સાંજ“ Poems and true stories    in Gujarati and English by Saryu,… Paintings by Dilip Parikh. 2011

Smile in Tears આંસુમાં સ્મિત“

3. “Moist Petals”     4. “Flutter of Wings”   two poetic novel in English.

saryuparikh@yahoo.com   ( Austin, Texas)

ગઝલકાર ડોક્ટર મહેશ રાવલ હ્યુસ્ટનમાં- શ્રી.નવીન બેન્કર

મે 25, 2017

 

છબી સૌજન્ય::શ્રી જયંત પટેલ અને શ્રી પ્રશાંત મુન્શા

                                   ગઝલકાર ડો મહેશ રાવલ વિવિધ ગઝલો રજૂ કરતા.. હ્યુસ્ટન ગુજરાતી સાહિત્ય સરિતાની ૧૭૫મી બેઠક, શનિવાર ને ૨૦મી મે ૨૦૧૭ની સાંજે, ૪ થી ૭ દરમ્યાન સુગરલેન્ડના માટલેજ રીક્રીએશન સેન્ટરના હોલમાં, લગભગ ૬૦ જેટલા  સાહિત્યરસિકોની હાજરીમાં યોજાઈ ગઈ. આ બેઠકના મુખ્ય મહેમાન, બે એરીઆના ફેમીલી ફિઝીશિયન અને ગઝલકાર ડોક્ટર મહેશ રાવલ હતા. કાર્યક્રમનું સંચાલન શ્રી. વિજય શાહે સંભાળ્યું હતું.

શ્રી નીતિન વ્યાસ, વિજય શાહ, ડો મહેશ રાવલ અને સતીશ પરીખ

મહેશભાઇનું ફૂલહાર થી સન્માન કલાગુરુ મુકુંદભાઇ ગાંધી અને ગુ. સા. .નાં સતીશભાઈપરીખ દ્વારા

મહેશભાઇનું સન્માન કાવ્ય પ્રદીપભાઇ બ્રહ્મભટ્ટ અને કાવ્ય સંગ્રહકલમને કરતાલેથી દેવિકાબેન ધ્રુવ દ્વારા

નયનાબેન શાહે પ્રાર્થનાથી શરૂઆત કર્યા બાદ, સંસ્થાના પ્રેસિડેન્ટ શ્રી. સતીશ પરીખે આવકાર પ્રવચન કરતાં, સંસ્થાની ૧૬ વર્ષની પ્રવૃત્તિઓનો ચિતાર આપ્યો. ૧૨૦૦૦ પાનાના મહાગ્રંથનો પણ ઉલ્લેખ કર્યો. અને દેવિકાબેન ધ્રુવના હાથમાં માઇક સોંપી દેતાં, શ્રી. મહેશ રાવલનો પરિચય આપવા કહ્યું.

 

દેવિકાબેન ધ્રુવે શ્રી. મહેશ રાવલનો પરિચય આપતાં કહ્યું કે શ્રી. રાવલ સાહેબ,વ્યવસાયે ફેમીલી ફીઝીશિયન છે અને કેલિફોનિયાના ફ્રીમોન્ટમાં રહે છે. તેઓશ્રી. ચાર દાયકાથી ગઝલો લખે છે. મૂળ સુરેન્દ્રનગરના ઔદિચ્ય ઝાલાવાડી બ્રાહ્મણ. શિસ્ત ના આગ્રહી. ખોટું કરવું નહીં અને સહેવું પણ નહીં,એવા સંસ્કારોથી બધ્ધ. અમૃત ઘાયલને પોતાના ગુરૂ માને છે. કૈલાસ પંડીતની ગઝલોમાંથી પ્રેરણા લઈને લખતા થયા. વિકસતા, વિસ્તરતા અને નિખરતા ગયા. તેમના ચાર ગઝલ સંગ્રહો– ‘તુષાર’ (૧૯૭૮), ‘અભિવ્યક્તિ’ (૧૯૯૫), ‘નવેસર’ ( ૨૦૧૫),  અનેખરેખર’. એક ઓડીયો સીડી –‘ શબ્દસર’ . શ્રી. મનહર ઉધાસના બબ્બે આલ્બમોમાં એમની ગઝલોને સ્થાન મળ્યું છે. રજૂઆતની આગવી શૈલી, રદીફકાફિયાનું નાવિન્ય એ તેમની ઓળખ છે. શુધ્ધ છંદની ગૂંથણી. સીધી સાદી તળપદી અને બોલચાલની ભાષા છતાં ધારદાર, ચોટદાર શબ્દોથી બનેલા શેરો માટે શ્રી. રાવલસાહેબ જાણીતા છે. અમદાવાદરાજકોટના દૂરદર્શન પર કાવ્યપઠન ઉપરાંત મુશાયરાના સંચાલન પણ તેમણે કરેલા છે. કેલિફોર્નિયામાં તેમના સર્જન માટે સન્માન પણ કરવામાં આવ્યું.

દેવિકાબેન ધ્રુવે એમના વક્તવ્યના અંતમાં શ્રી. મહેશ રાવલ માટે લખેલી પોતાની ચાર પંક્તિઓ કહી હતી

ગઝલનો બાગ મહેકાવી સભામાં આજ આવ્યા છે

મજલ કાપીને મન માપી સભામાં આજ આવ્યા છે.

ખબર ના હો જો તમને તો કહી દઉં, વાત છાની એ,.

કે  કિસ્સા લાગણીના લઈ સભામાં આજ આવ્યા છે.

 

ત્યારબાદ, હ્યુસ્ટનના ઘણાં બધાં સર્જકોને ગુજરાતી ફોન્ટ્સ આપીને લખતા કરનાર અને એમેઝોન પર પ્રતિષ્ઠા અપાવનાર શ્રી. વિજય શાહે કાર્યક્રમનો દૌર સંભાળ્યો. સૌ પ્રથમ ગુજરાતી નાટ્યકલા વૃંદના પ્રેસિડેન્ટ અને નાટ્યકાર શ્રી. અશોક પટેલને પોતાની કૃતિ રજૂ કરવા આમંત્રણ આપ્યું.

 

આટલી તાઝગી ના હોય કદી સવારમાં

એ નક્કી મારા સ્વપ્નમાં આવ્યા હશે. “—

થી શરૂ કરીને  શ્રી. બિપીન પટેલનું એક કાવ્ય વાંચી સંભળાવ્યું.

 

શૈલાબેન મુન્શાએ કોઇ પાછુ વળી જાયશિર્ષક નીચી એક સુંદર કાવ્ય સંભળાવ્યું.

ખોલું કમાડ હૈયાના, ને કોઇ પાછુ ફરી જાય.

આવીને ઉંબરે દિલના ને કોઇ પાછું ફરી જાય

ચાલતા રસ્તે મળે કદી અણજાણ મુસાફર,

નજરૂં મળે ના મળે, દિલની વાત કળી જાય…”

 

દેવિકાબેન ધ્રુવે પોતાની કૃતિ રજૂ કરી– ‘ तो बात बन जाये.’

નજર તારી મળે પળભર અગર, तो बात बन जाये.

નયન સમજે બધું હરદમ અગર तो बात बन जाये.

હજારો કંસ, કાળીનાગ ને  કૌરવ  કરોડો છે,

ફરી કર ધર્મને પગભર અગર, तो बात बन जाये.

 

 હ્યુસ્ટનના ૯૬ વર્ષની વયના કવિ શ્રી. ધીરૂભાઇ શાહે વર્ષો પહેલાં કવિઓની અને ગઝલકારોની શું સ્થિતિ હતી અને અમદાવાદના રસ્તાઓ કેવાં હતાં એને લગતી રચના રજૂ કરી. હ્યુસ્ટનના કવિ, ગઝલકાર, નાટ્યઅભિનેતા અને ગાયક એવી બહુમુખી પ્રતિભા ધરાવતા, ‘મનુજ હ્યુસ્તોનવીને નામે લખતા કવિ શ્રી. મનોજ મહેતાએ પોતાની ગઝલ કુતૂહલરજૂ કરી.

 

પાપ અહિંયા કર્યે જાય છે એટલા, જાય નહાવા પછીથી બનારસ હવે.

ધડકનો શ્વાસનો એક્તારો બની, જીવન સંગીતનો ઘુંટશે રસ હવે.

સત્યને, શીવને, સુંદરમને ભજતાં, જીવ, તું શીવ થઈ અનંતે વસ હવે.

રાખ આકાર, નિતનવા સ્વાંગમાં ભલે, જાણું છું, તું નિરાકાર છે બસ હવે.”

 

સંસ્થાના ટ્રેઝરર એવા શ્રી. મનસુખ વાઘેલાએ ગદ્યસર્જનમાં ચાર દ્રષ્યોની વાત કહી.

બીજા સર્જકોપ્રવિણાબેન કડકિયા, નીરાબેન, વિનોદ પટેલ અને નુરૂદ્દીન દરેડીઆએ પણ હ્રદયંગમ રચનાઓ રજૂ કરી હતી.

સાડા પાંચ વાગ્યે, વિરામમાં બધાંને ચાહ, બિસ્કીટ અને જ્યુસનો અલ્પાહાર આપ્યા પછી કાર્યક્રમનો દૌર, આજના આમંત્રિત ગઝલકાર  ડોક્ટર શ્રી. મહેશ રાવલે સંભાળતાં કહ્યું કેહું તો પરંપરાનો માણસ છું. ઘાયલ અને મરીઝ ની સ્ટાઇલનો..

 

એ શોખ છે, આજીવિકાની લાચારી નથી.

મારી ગઝલ કંઈ કોઇની ઓશિયાળી નથી.”

જાહોજલાલી છે નિજાનંદી ખુમારની,

કંઈ જીહજૂરીની ઉઘાડી નાદારી નથી.

 

એક દબંગ સ્ટાલની ગઝલ પણ શ્રોતાઓને ખૂબ ગમી હતી.

 

વિકસવું છે તો વિકસવાનું વટથી.

વરસવું છે તો વરસવાનું વટથી.

નિજાનંદે લખવું તો લખવું વટથી

મહેશત્વ નહીં છોડવાનું મહેશ,

જીવ્યા એવી રીતે મરવાનું વટથી.”

બહુ ગમેલી અને પ્રેક્ષકો એ વારંવાર તાળીઓથી વધાવેલી તેમની કેટલીક કૃતિઓ

 

નિઃશબ્દતા અને શબ્દ વચ્ચે લાગણી મુકી દ્યો,

લાગણી પણ શાંત નહીં, બેબાકળી મુકી જુઓ,”

 

હું હવે મારી દશાની વાત પણ કરતો નથી.

કેમ છો? પૂછી જનારા ક્યાં મઝામાં હોય છે?

 

નમ્યું જો ક્યાંય મસ્તક, તો નમ્યું છે લાગણી ખાતર

ખપે ગરજાઉમાં, એવી ગરજ ક્યાં સાવ રાખી છે!

 

લખું છું એ ગમે છે, ને ગમે છે એ લખું છું હું

કરો જે અર્થ કરવો હોયે, છે એ લખું છું હું

 

પ્રલંબ લયમાં લખાયેલી એક ગઝલ જુઓ

 

ધારણાથી પર થતાં બહુ વાર લાગે છે,

બુંદને સાગર થતાં બહુ વાર લાગે છે.

કંઇ બધાં સમજી શકે નહીં આંખની ભાષા,

એકલું સાક્ષર થતાં બહુ વાર લાગે છે.

જિન્દગીનો અર્થ હું એમ સમજ્યો કે,

પુષ્પથી અત્તર થતાં બહુ વાર લાગે છે.

 

અત્રે , શ્રી. રાવલે રજૂ કરેલી બધી કૃતિઓ રજૂ કરવી શક્ય નથી તેથી એટલું જ કહીશ કે પૂરા દોઢ કલાક સુધી શ્રી. મહેશ રાવલે કાઠિયાવાડી, મીઠ્ઠી અને તળપદી ભાષામાં એટલી બધી કૃતિઓ સંભળાવી કે શ્રોતાગણે ઘણી રજૂઆતો પર તાળીઓના ગડગડાટ અને ક્યારેક તો સ્ટેન્ડીંગ ઓવેશન આપીને તેમને વધાવી લીધા હતા. તેમની વેબ સાઇટ http://www.drmahesh.rawal.us

શ્રી મહેશભાઇ ગુ સા.સ. કારોબારી નાં હાલના કાર્યકરો સાથે.

કાર્યક્રમના અંતમાં આભારવિધિ અને ગ્રુપ ફોટા બાદ સૌ વિખરાયા હતા.

સૌના માનસપટ પર સંવેદનાની એક સચ્ચાઈનો રણકો પડઘાતો હતો.

 

અસ્તુ.

નવીન બેંકર

 

 

શ્રધ્ધાંજલી-જનક નાયકને ‘હિપ હિપ હુર્રે’ કહીને આખરી વિદાય અપાઈ

એપ્રિલ 16, 2017

સાહિત્યિક સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના તીર્થસ્થાન ‘સાહિત્ય સંગમ’ના પ્રણેતા
જનક નાયકને ‘હિપ હિપ હુર્રે’ કહીને આખરી વિદાય અપાઈ

સૂરત તા. ૧૬: ‘મિત્રો અને સ્નેહીઓના ખભા પર મારો મૃતદેહ જાય ત્યારે કોઈ ઉદાસ ન હોય, કોઈની આંખમાં આંસૂ હોય અને હું વિદાય લઉં એ મને ન ગમે. હું જાઉં ત્યારે મને હસ્તે મોઢે વિદાય કરજો, બધાં એક જ સુરમાં ‘હિપ હિપ હુર્રે’ બોલાવજો. ત્યારે મારો જીવનનો ઉત્સવ પુરો થયો હોય એવું મને લાગશે.’ આવી લાગણી હંમેશા પ્રેરણાના પિયુષ પાતા લેખક, કેન્સર પીડિત અને આંખ સામે મોત આવી ગયા પછી જનક નાયકે છેલ્લી ઈચ્છા રૂપે પ્રગટ કરી હતી. અને બન્યું પણ એવું જ. તેમના મૃતદેહને સાહિત્યિક સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના તીર્થસ્થાન સમા સાહિત્ય સંગમના પ્રાંગણમાંથી જહાંગીરપુરાના સ્મશાન ગૃહે લઇ જવા રથ ઉપડ્યો ત્યારે તેમના મિત્ર નરેશ કાપડીઆએ કહ્યું, ‘આપણો વહાલો મિત્ર જઈ રહ્યો છે, કેન્સર જીતી ગયું છે, પણ જીવન હારી ગયું નથી. જનક વિચારપુરુષ હતો અને તેના વિચારોથી તે જીવંત જ રહેશે. તેણે આદરેલી સાહિત્યિક-સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ જારી રાખીને જ આ દોસ્તને કાયમી યાદ કરીશું. આવો તેને હસતા મોઢે વિદાય કરીએ.’ ત્યાર બાદ હાસ્ય થેરાપીના નિષ્ણાત કમલેશ મસાલાવાલાએ રડતા રડતા સૌને હસાવ્યા અને સેંકડો સ્નેહીઓ, વડીલો અને મિત્રોના સામુહિક ‘હિપ હિપ હુર્રે’ના નાદ સાથે રથે સ્મશાન ગૃહ તરફ પ્રયાણ કર્યું હતું,
તેમના ભાઈ કિરીટ નાયકે જાહેર કર્યું કે મંગળવાર, તા. ૧૮ એપ્રિલની સાંજે પાંચથી સાત દરમિયાન અનાવિલ સમાજની વાડી, મજુરા ગેટ મુકામે જનક નાયકની પ્રાર્થના સભા યોજાશે. સ્મશાન ગૃહમાં પૂર્ણ શાંતિથી અને મિત્રો દ્વારા મૌન પ્રાર્થના બાદ પુત્ર ચિંતન નાયકે પિતાના નશ્વર દેહને ગેસ ચેમ્બરને હવાલે કર્યો હતો.
જાણીતા લેખક-કવિ-આયોજક જનક નાયકનું રવિવારે સવારે નવ કલાકે ચૌટાબજારની સૂરત જનરલ હોસ્પિટલમાં કેન્સરની બીમારીને કારણે નિધન થયું હતું. તેઓ ૬૩ વર્ષના હતા.
જનક નાયકને આખરી વિદાય આપવા માટે શહેરના સાહિત્યિક-સાંસ્કૃતિક-શૈક્ષણિક જગતના તથા જાહેર જીવનના અનેક અગ્રણીઓ હાજર રહ્યાં હતાં. સાંસદ દર્શનાબેન જરદોષ ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં. જનક નાયકના નિધનને તેમના પિતા અને નગરબાપા સમાન નાનુભાઈ નાયકે પોતાને કદી ન પુરી શકાય એવી ખોટ રૂપે અને તેમને અંતીમ આશિષ આપવા આવેલાં ભગવતીકુમાર શર્માએ સુરતની સાહિત્યિક પ્રવૃત્તિ વિધવા થઇ હોવાનું વર્ણવ્યું હતું. જનક હંમેશા પોતાને ભગવતી કુમાર શર્માના માનસ પુત્ર હોવાનું વર્ણવતા હતા.
હાજર રહેલાં સૌ કોઈએ જનકભાઈએ સાહિત્ય સંગમના નેજા હેઠળ કરેલી પ્રવૃત્તિઓને દિલ ખોલીને વખાણી હતી. સૌએ આજે એક ‘લાઈવ વાયર’ શમી ગયો હોવાની લાગણી અનુભવી હતી.
સાહિત્યકારો રવીન્દ્ર પારેખ, ડૉ. મુકુલ ચોકસી, ડૉ. રઈસ મનીયાર, ડૉ. પ્રફુલ્લ દેસાઈ, ડૉ. દિલીપ મોદી, બકુલેશ દેસાઈ, ગૌરાંગ ઠાકર, ડૉ. વિવેક ટેલર, કિરણસિંહ ચૌહાણ, પ્રજ્ઞા વશી, યામિની વ્યાસ, એષા દાદાવાલા, પંકજ વખારિયા સહિતના અનેક કવિ-લેખક મિત્રો અને સાહિત્ય પ્રેમીઓએ વિદાય આપી હતી.
સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા કપિલદેવ શુક્લ, નરેશ કાપડીઆ, પ્રો. સોનલ વૈદ્ય-કુલકર્ણી, દિલીપ ઘાસવાલા સહિતના કલાકારો, સાહિત્ય સંગમની ગીત-સંગીતની પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા સેંકડો કલાકારોએ પોતાના રાહબર ગુમાવ્યાનો અફસોસ વ્યક્ત કર્યો હતો.
શિક્ષણ જગતના અગ્રણીઓ પૈકી કુલપતિ ડૉ. દક્ષેશ ઠાકર, પૂર્વ કુલપતિ બી.એ. પરીખ, સૂર્યકાંત શાહ, સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીના ઉપાધ્યક્ષ કમલેશ યાજ્ઞિક, પૂર્વ અધ્યક્ષ રૂપીન પચ્ચીગર, ડૉ. અશ્વિન દેસાઈ, અને અનેક શાળા- કોલેજના આચાર્ય મિત્રોએ વિદાય આપી હતી.
૧૩ ઓગસ્ટ, ૧૯૫૪ના રોજ મુંબઈમાં જન્મેલા જનક નાયક એમ.એ. બી.કોમ. અને નેચરોપેથ હતા. સાહિત્ય, બાળસાહિત્ય, લેખન-વાચન, મનોવિજ્ઞાન તથા સંગીત એ તેમના ગમતાં વિષયો હતાં, જેમાં તેમણે ઊંડાણપૂર્વક ઘણું કાર્ય કર્યું હતું. ગુજરાતી સાહિત્ય પરિષદના તેઓ વિકાસ મંત્રી અને નર્મદ સાહિત્ય સભાના મંત્રી હતા. સાહિત્ય સંગમ અને સાહિત્ય સંકુલ વતી તેમના પ્રકાશિત થયેલાં પુસ્તકોની સંખ્યા સવાસો જેટલી મોટી છે. ‘સંવેદન’ અને ‘સુખી જીવન’ માસિક દ્વારા તેઓ હજારો પરિવારને સાહિત્ય તરફ વાળવાનો સતત પ્રયાસ કરતા હતા. ગુજરાતમિત્ર દૈનિકમાં વર્ષોથી પ્રગટ થતી તેમની સાપ્તાહિક કોલમ ‘મનના મઝધારેથી’ દ્વારા તેઓ ઋજુ સંવેદનાઓ પ્રગટાવતા અને માનવ વ્યવહારોને ચર્ચાની એરણે ચકાસતા.

બે વર્ષ પહેલાં પોતાના જીવનના સાંઠમાં વર્ષ પ્રવેશની ઉજવણી તેમણે ૬૦ શાળાઓમાં જઈને ૭૫ હજારથી વધુ બાળકોને વાર્તા કહીને કરી હતી. બાળકોને વાર્તા કહેવાની સાથે તેઓ વાર્તા લખાવતા, બાળકો વાર્તા કહેતાં થાય, તેની ચર્ચા અને પ્રશ્નોત્તરી કરતા થાય તે માટે તેઓ પ્રવૃત્ત રહેતા. શિક્ષણ શાસ્ત્રી ડૉ. ચંપકલાલ શાહ તેમને ‘આજના બાળકોના ગીજુભાઈ બધેકા’ રૂપે વધાવતા હતા. અનેક વાર્તા સ્પર્ધાઓનું તેમણે આયોજન કર્યું છે અને સાહિત્ય સંગમમાં નિયમિત નવોદિત કવિઓ-લેખકો માટે કાવ્ય-વાર્તા શિબિરો તેઓ યોજતા રહ્યા હતા. તે ઉપરાંત સાહિત્યની ગોષ્ઠીઓ, કવિ મિલન, લેખક મિલન, ગઝલ શિબિર, નાટ્ય શિબિર, નવલકથા સત્ર, હાસ્ય પુસ્તકોના સત્ર, જાણીતા સાહિત્યકારોના આખ્યાનો, પ્રશ્નોત્તરી, જન્મ જયંતિ ઉજવણી તેઓ યોજતા હતા.
જીવન વિકાસ, બાળસાહિત્ય, નવલકથા, સામન્ય જ્ઞાન, નવલિકા સંગ્રહો, ચિંતન-ચર્ચા, મનોવિજ્ઞાન, સ્વેટ માર્ડન પ્રકારના ગુજરાતી પુસ્તકો સહિતના આંતરિક સૌંદર્યને પ્રગટ કરતા સવાસોથી વધુ પુસ્તકો તેમણે લખ્યાં છે, જેમાંના ઘણાં પુસ્તકોની અનેક આવૃતિઓ પણ થઇ છે. તેમના પુસ્તકો ઠાલો શબ્દ વિલાસ ન રહેતા અનેકોના જીવનને નવો, રચનાત્મક રાહ દેખાડનાર સાબિત થયાં છે. અનેક લોકોએ તેમના પુસ્તકો થકી પોતાનું જીવન સુધાર્યું હોવાનું જણાવ્યું છે. ‘માણસ ઉર્ફે માણસ’ પુસ્તકમાં સુરતના આજના સમાજના સંસ્કારપુરુષોના પરિચય જનકે રોચક શૈલીમાં કરાવ્યા છે.

જનક નાયકના અસંખ્ય પ્રશંસકો છે. તેમને સાહિત્ય જગત અને સામાજિક જગત તરફથી અનેક માન-સન્માન મળ્યાં છે. ૧૯૯૪માં તેમને નવચેતન ચંદ્રક, ‘વ્હોટ એન્ડ વ્હાય ગ્રંથાવલી’ માટે ૧૯૯૮નો ગુજરાત રાજ્ય સાહિત્ય પરિષદનો એવોર્ડ, ‘ચિ. ઇશાનને’ નવલકથા માટે વર્ષ ૨૦૦૦નો નંદશંકર ચંદ્રક, ‘નાનુબાપાની વિજ્ઞાન વાર્તાઓ’ માટે ૨૦૦૨નો ગુજરાત સાહિત્ય અકાદમી એવોર્ડ અને ગીજુબાઈ બધેકા પારિતોષિક, ‘એક હતો હકલો’ માટે ૨૦૦૧નો નવચેતન ચંદ્રક અને સરોજ પાઠક સ્મૃતિ પારિતોષિક, ૨૦૦૨માં ટાગોર ઇન્ટરનેશનલ કલ્ચર એન્ડ લિટરેચર એવોર્ડ, ૨૦૦૨માં ‘ઉજાસ’ સામયિક દ્વારા સાહિત્યિક પ્રવૃત્તિઓનો એવોર્ડ, ૨૦૦૭માં ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા બાળવાર્તા રજત ચંદ્રક, ૨૦૦૮માં ‘જોડાક્ષર વગરની વાર્તાઓ’ના ૨૫ પુસ્તકોના સંપુટમાં પશુકથાઓના પાંચ પુસ્તકો માટે ગુજરાત સાહિત્ય અકાદમીનો બાળપુસ્તક માટેનો એવોર્ડ, ૨૦૦૮માં સેહરા ટાઈમ્સનો પ્રાંત એવોર્ડ, ૨૦૧૧માં નવલકથા ‘અવઢવ’ માટે ગુજરાતી સાહિત્ય અકાદમીનું શ્રેષ્ઠ પુસ્તક માટેનું પારિતોષિક, ૨૦૧૨માં મનોવૈજ્ઞાનિક વાર્તાઓ ‘ડર’ માટે હ્યુમન સોસાયટી ઓફ ઇન્ડિયાનો ધૂમકેતુ એવોર્ડ સહિતના સન્માનો જનક નાયકને મળ્યાં હતા. તેમના અનેક પુસ્તકોના હિન્દી, મરાઠી અને અંગ્રેજીમાં અનુવાદો થયાં છે.

મનની મોસમમાં મહાલતા રાહુલભાઇ શુક્લ

માર્ચ 17, 2017

"બેઠક" Bethak

જરા વિચાર કરીએ તો સમજાશે મનની મોસમ માણવાની મઝા કાંઈ અલગ છે. મન વિરાનાને મઘમઘતો બનાવી શકે છે.એજ મન હરીભરી મોલાતોમાં કોઈની ખામીથી નિરસતા, વેદના પણ ભરી શકે છે. આપણે મનની મોસમાં ખીલતા વસંત ની વાત કરી પણ ક્યારેક મનની મોસમમાં માણસ મનને ખાલી પણ કરે છે. મન,અને મનના ગજવાના કે ઘણી વાતોના જવાબ નથી હોતા, પણ હું જેને અમદાવાદમાં મળી હતી તે વ્યક્તિને મળ્યા પછી અનેક સવાલ જરૂર ઉભા થાતા, ન્યુ જર્સીના સફળ ઉદ્યોગપતિ અને નીવડેલા વાર્તાકાર રાહુલભાઈ શુક્લ એક ઉત્તમ વક્તાને સાંભળતી વખતે વિચાર આવ્યો કે નવી અમેરિકન વાતાવરણમાં  જીવતા, કોમ્પ્યુટરમાં વિચરતા, ફોટોગ્રાફીથી સૌંદર્ય નિહાળતા અને બોલીવુડને અને ગીતોને  ચાહતા અને વ્યસ્ત પ્રોફેસનલ જીવન જીવતા આ વ્યક્તિના ધબકારા આટલા સંવેદનશીલ અને ધબકતા કેવી રીતે છે? એક ઉધોયપતિ અને ટેકનોલોજી ની વ્યક્તિ જિંદગીના અસ્તિત્વની વાત કરી શકે.દુનિયાના ૯૮ ટકા એરોપ્લેનમાં એમની કંપનીના જ પાર્ટ્સ વપરાય છે. એવી વ્યક્તિ એ એક હસ્યવાર્તાની રજૂઆત કરી ને એવી ઉડાન પર લઇ જાય…

View original post 279 more words

મનની મોસમમાં ખીલતા જયશ્રીબેન મર્ચન્ટ

માર્ચ 17, 2017

"બેઠક" Bethak

મોસમનો સ્વભાવ ખીલવાનો છે પણ મોસમ આવે ત્યારે મુજવણ લાવે ત્યારે.શું .?હા સવાલોનું તોફાન સર્જે છે ! મનની મોસમનું ખીલવું શું કરું? પ્રેમના પડઘાને પડદામાં કહો, કઈ રીતથી રાખવા? સાવ કુંવારી ને જાદુભરી હવાનું શું કરું? બારાખડી સ્પર્શની  કેવી રીતે ઉકેલી શકાય ?હાજરી વિનાના પણ આશ્લેષ અને આલિંગન આપે ત્યારે  શું કરવું ,અહી પ્રશ્ન જ પ્રેમનું જતન કરે છે. જેણે પ્રણયને શૃંગારના કંકુ-ચોખાથી પોંખ્યા છે , પોતાને ઓતપ્રોત કરીને પ્રેમની દરેકે દરેક ક્ષણોને જાદુભરી બનાવીને મ્હાલી છે એવા બે એરિયાના કવયિત્રી જયશ્રીબેન મર્ચન્ટ,એક સંવેદનાથી ભરપુર  વ્યક્તિત્વ છે ,પ્રેમાળ માતા, પ્રેમાળ પત્નીએ વિજ્ઞાનની લેબમાં પ્રેમનું શબ્દોમાં રૂપાંતર કરી પ્રેમને લીલોછમ રાખ્યો છે, પતિના સ્નેહને હૃદયમાં  ટહુકો કરતો  હજી પણ માણે છે માટે જ  એમના પ્રેમ કાવ્યોમાં સચ્ચાઈ અને અનુભૂતિનું ઊંડાણ છે. કવિતામાં લાગણીની શિખરની ટોચ જેવી તીવ્રતા છે.ગળાબૂડ પ્રેમ કરતી વ્યક્તિ છુપી રહેતી નથી તેવુ જ  જયશ્રીબેનનું. છે તેમના આંસુ ચાડી ખાઈ આધાર આપે છે.એમને પહેલીવાર ક્યારે મળી હતી યાદ નથી…

View original post 745 more words