કંટેન્ટ પર જાઓ

“ટહુકો” જયશ્રી ભક્તા પટેલનો.

ડિસેમ્બર 1, 2009

આજે વાત લખું છું જયશ્રી ભક્તા-પટેલની જેની સૌથી પહેલા નોંધ હસમુખ બારોટે “ગુજરાત ટાઇમ્સ” ન્યુ યોર્ક દ્વારા લીધી. તે નોંધ આવ્યા પછી નેટ જગતનાં કસબીઓની કોલમ લખવાની શરુઆત થઇ અને આ બ્લોગના ઘણા બધા લેખો તે કોલમનાં ભાગ રૂપે શરુ થયા. જયશ્રી ભક્તા, ઉર્મીસાગર,સોનલ વૈદ્ય વિશાલ મોણપરા, મૃગેશ શાહ, અમિત પીસાવડીયા, ધવલ શાહ,  પંચમ શુકલ,  ચીરાગ ઝાઝી અને વિવેક ટેલર જેવો આખો યુવા વર્ગ બ્લોગર તરીકે જુદા જુદા વિષયોમાં સક્રિય થયા. કાળાંતરે બધા સાથે વાતો કરી તેમના વિશે લખી શક્યો ફક્ત એક જયશ્રી તેના ચાલુ ભણતર ને લીધે સંપર્ક બહાર રહી જતી હતી.

 ફીલીંગ્સમાં ફરી તેનો લઘુ પરિચય આવ્યો જે પૂર્ણ સ્વરુપે અત્રે ફરી પ્રસિધ્ધ કરતા મને આનંદ થાય છે. પરિચય દરમ્યાન તેની વિનમ્રતા ધ્યાનાકર્ષક છે કારણ કે તેની વિરલ સિધ્ધિ ૧૨૯૧ જેટલી પોસ્ટ પર આવેલા ૧૬૨૦૦થી પણ વધુ પ્રતિભાવો.  જે અત્યંત પ્રભાવીક અને ગૌરવ પૂર્ણ હોવા છતા તેનો ઉલ્લેખ માત્ર કરીને બીજી વાતો ઉપર જતી રહે છે. સામાન્ય રીતે ” કશું આપવાની વાત” આવે ત્યારે સૌ પાછા પડે તે તબક્કામાં આટલા બધા પ્રતિભાવો એક મતે સુચવે છે કે ગુજરાતી કવિતા અને સંગીત બંનેનાં ચાહકો છે અને જયશ્રી જે કરી રહી છે તે ખુબ જ આવકારનીય છે.  સાચી ભાષામાં આ બધા યુવા બ્લોગરો પણ માતૃભાષાનાં સંવર્ધન અને વિકાસનો પાયો છે.

હું અંગત રીતે કહું તો જ્યારે હું ટહુકો રેડીયો સાંભળતો હોઉં ત્યારે ગુજરાતી સાહિત્ય જીવતુ લાગે.ભલે ને હું હ્યુસ્ટન માં હોઉં  કે વડોદરામાં. એક વખત મારા એક મારા અમેરિકન ગુજરાતી  મિત્ર મને કહે તારે ગુજરાતી ગીતો સાંભળવા હોય તો ટહુકો.કોમ ઉપર જજે..ત્યારે ગર્વથી માથુ ઉંચુ થઇ ગયું કે જયશ્રીએ જાતે કેટલાય ગુજરાતીઓનાં દિલ જીત્યા છે.અને આ લોકપ્રિયતાને સન્માનનીય બનાવી છે. મને મારા બ્લોગ ઉપર જ્યાં અટક્યો ત્યાં ઘણાએ મને શીખવ્યું છે જેમા જયશ્રી પણ છે.      

 જયશ્રી અને અમિત પટેલ

(1)  આપનો અભ્યાસ

વાપીની GIDC Roffel College થી MBA in Finance, સાન ફાંન્સિસ્કોની ગોલ્ડન ગેટ યુનિવર્સિટીથી Masters In Accountancy, અને એ પછી CPA (Certified Public Accountant) – comparable to CA (Chartered Accountant) in India.

(2)  સાહિત્ય-કવિતા-ગીત-સંગીતમાં આપને પહેલેથી રુચિ છે ?

નાનપણમાં તો ફક્ત જુના હિંદી-ગુજરાતી ગીતો સાંભળવાનો જ ગાંડો શોખ હતો. પપ્પાએ એમના જમાનામાં રેકોર્ડ કરાવેલી થોડી કેસેટો વારંવાર, ઘસી-ઘસીને વર્ષો સુધી સાંભળી હતી… અને મારા મોટાભાઇને લીધે મને ભારતીય શાસ્ત્રીય સંગીતમાં પણ રસ પડતો થયો. પણ ગીતોમાં રહેલા કવિતા-તત્વ સાથે પરિચય ‘કવિતા’ એ કરાવ્યો.  વલસાડ કોર્મર્સ કોલેજની લાઇબ્રેરીમાં બેસીને ઘણા કલાકો ‘કવિતા’ ના કેટલાય જુના-નવા અંકો વાંચ્યા હતા. અને MBA પછી થોડું વધારે ગુજરાતી સાંભળતી થઇ. પણ ત્યારે હું ગુજરાતી અને હિંદી ગીતો વધુ સાંભળતી.

(3)  ટહુકો.કોમ શરુ કરવાની પ્રેરણા ક્યાંથી મળી ?

ડિસેમ્બર ૨૦૦૪માં અમેરિકા આવી પછી ગુજરાતી વાંચન સાથે નાતો જાળવી રાખવા ચિત્રલેખાનું ઓનલાઇન લવાજમ ભર્યું અને દર અઠવાડિયે ચિત્રલેખા વાંચતી રહી.  ચિત્રલેખા દ્રારા જ મને રીડગુજરાતી.કોમનો પરિચય થયો, અને પછી બીજા બધા ગુજરાતી બ્લોગ્સનો.  ત્યારે મોટાભાગના કવિતાના બ્લોગ હતા. મારી પાસે ત્યારે કવિતાની થોડી ચોપડીઓ હતી, અને થોડા ગુજરાતી ગીતોનું કલેક્શન હતું. તો મને થયું કે ચલો, હું પણ ગુજરાતી બ્લોગ શરૂ કરું.  એક-બે મિત્રોને પૂછતા એમણે સહકાર અને માર્ગદર્શનની ખાત્રી આપી, અને મેં કવિતાનો બ્લોગ – ‘મોરપિચ્છ’ અને સંગીતબધ્ધ ગીતોનો બ્લોગ ‘ટહુકો’- જુન ૧૨, ૨૦૦૬ ના દિવસે શરૂ કર્યા.

(4) આ વેબસાઈટ ક્યારે શરુ કરી ?

મારા ‘મોરપિચ્છ’ અને ‘ટહુકો’ બ્લોગને સારો એવો પ્રતિસાદ મળ્યો. ટહુકો વધુ લોકપ્રિય બન્યો કારણકે ગુજરાતી કવિતાને સંગીત સાથે પીરસતો એ એકમાત્ર ગુજરાતી બ્લોગ હતો. પરંતુ ઓગસ્ટ ૨૦૦૬માં થોડી ટેકનિકલ સમસ્યાને લીધે ટહુકો પર સંગીત સંભળાતું બંધ થયું અને મેં બંને બ્લોગને સ્વત્રંત્ર વેબસાઇટ બનાવવાનું નક્કી કર્યું.  ‘ટહુકો.કોમ’ નામ પણ એક મિત્રની સહાયતાથી મને મળી ગયું. અને નવેમ્બર ૨૦૦૬માં બંને બ્લોગને ભેગા કરી એક સ્વતંત્ર વેબસાઇટ – ટહુકો.કોમ શરૂ કરી.

(6) વેબસાઈટ હોસ્ટિંગ અને અપલોડ તથા ટેકનિકલ બાબતો તમે જ સંભાળો છો  કે અન્ય કોઈ મિત્રો પણ મદદ કરે છે ?

હા, આમ તો બધુ હું જ સંભાળુ છું. શરૂઆતમાં જ્યારે હોસ્ટિંગ અને બીજી બાબતો મારા માટે નવી હતી ત્યારે ઘણા મિત્રોએ મદદ કરી હતી. હજુ પણ ઘણીવાર જરૂર મુજબ મિત્રોની સલાહ સુચન લેવા પડે છે, કારણ કે web designing અને બીજી ટેકનિકલ બાબતોમાં મારી જાણકારી ઘણી જ ઓછી છે. પણ આ ત્રણ વર્ષોમાં પહેલા કરતા તો ઘણું શીખી ગઇ છું.

(5) શરુઆતથી જ ગીતો સાંભળી શકાય એ રીતે મૂક્યા હતા ?

હા..  વડોદરાના રિષભ ગૃપનું ‘તમે ટહુક્યા ને આભ મને ઓછું પડ્યું…’ એ ટહુકો પર મુકેલું પહેલું ગીત.. ત્યારથી જ ટહુકો હંમેશા ટહુકતો રહ્યો છે.

(6) વેબસાઈટ શરુ કરી ત્યારે કેવા પ્રકારની મુશ્કેલી નડી હતી ?

એક Accountant તરીકે મારી web-designing વગેરેમાં જાણકારી ઓછી એટલે શરૂઆતમાં ઘણી મુશ્કેલીઓ નડી.  ઘણી નાની-નાની બાબતો માટે કલાકો મહેનત કરવી પડતી, કારણકે જેટલું જમા-ઉધારમાં ખબર પડે એટલું PHP અને .net અને જે પણ હોય એમાં ના પડે..  (જો કે હજુ એ એમાં એટલી ખબર નથી પડતી).

(7)  આટલી મોટી વેબસાઈટ સંભાળવા આપ એકલા જ કામ કરો છો કે અન્ય કોઈ આપને સહાય કરે છે ?

આમ તો હું એકલી જ મહેનત કરું છું. દરરોજ ભારતીય સમય પ્રમાણે સવારે ૫.૩૦ વાગે વેબસાઇટ પર કંઇક નવું મુકવા માટે દરરોજ સમય ફાળવવો પડે છે. પણ ટહુકો એ મને એવા મિત્રો આપ્યા છે ટહુકોનું કોઇ કામ અટક્યું નથી.  ટેકનિકલ બાબતમાં મદદની જરૂર હોય, કોઇ ગીત શોધતી હોઉં, કોઇ ગઝલ-ગીતનો આસ્વાદ લખવો હોય કે કામની વ્યસ્તતાને લીધે કોઇ દિવસની પોસ્ટ કરવાની હોય..   હંમેશા મિત્રોની મદદ મળી રહે છે. અને હવે તો મારા પતિ ‘અમિત’ પણ થોડી મદદ કરે છે.

(8) આટલા બધા ગીતોનું વિશાળ કલેકશન કેવી રીતે કર્યું ? આટલા બધા ગીતોની મ્યૂઝિક ફાઈલ કેવી રીતે મેળવી ?

શરૂઆતમાં તો મારી પાસે ઘણું ઓછું કલેક્શન હતું. થોડા જુના ગીતો, મનહર ઉધાસની ગઝલો, રિષભ ગૃપના ગરબા, થોડા સોલી કાપડિયાના ગીતો અને શ્યામલ-સૌમિલની હસ્તાક્ષર સિરિઝ.  પણ ટહુકો શરૂ થયા પછી તો એવું કે જ્યાં હોય ત્યાં નજર ગુજરાતી સંગીત શોધે. અને ઘણા મિત્રોએ પણ એમની પાસે એવું કંઇ હોય કે જે બજારમાં સરળતાથી ઉપલ્બધના હોય, એ મને ટહુકો માટે મોકલ્યું.  પછી તો બે વાર દેશ જઇ આવી એટલે અમદાવાદ-મુંબઇથી પણ ઘણી ખરીદી કરી.  (અને મને આશ્રર્ય થયું કે આ બધું પહેલા પણ અહીંયા જ હતું તો મને કેમ ના દેખાયું!!) અને પછીઓ ઘણું એવું મટિરિયલ પણ મેળવ્યું કે જે વર્ષો જુની એલ.પી માં રેકોર્ડ થયું હોય…

(9) આ બધા જ ગીતો વિશે તમને માહિતી હતી કે ધીરે ધીરે વધુ જાણતા થયા ?

કોલેજમાં હતી ત્યારે તો મને એમ હતું કે ગુજરાતી સંગીત એટલે અવિનાશ વ્યાસના જમાનાના જુના ગુજરાતી ગીતો (એ પણ ગણ્યા-ગાંઠ્યા) મનહર ઉધાસની ગઝલો, અને રિષભ ગૃપના ગરબા.  ધીરે ધીરે જ એને વધુ ને વધુ જાણતી ગઇ, વધુ ને વધુ માણતી ગઇ..  અને આજે એમ થાય કે આટલો વિશાળ ખજાનો (જે હજુ પણ આખો તો જોયો જ નથી) ગુજરાતમાં રહીને ગુજરાતી સ્કૂલમાં ભણી તો યે કેમ અજાણ્યો રહ્યો?

(10) આપ અમેરિકામાં રહીને પણ ગુજરાતી સાહિત્ય-સંગીતની આટલી મોટી સેવા કરી રહ્યા છો, ત્યારે આ કાર્યની કોણે કોણે વિશેષપણે નોંધ લીધી છે ?

ટહુકોની વિશેષ નોંધ સૌથી વધુ એના વાચકો – શ્રોતાઓએ લીધી છે એમ કહી શકાય.  ઘણા વાચકો કહે છે કે એમનો દિવસ ‘ટહુકા’ની મુલાકાત વગર પૂરો નથી થતો.એ સિવાય – જ્યારે પણ કોઇ સમાચાર પત્ર કે મેગેઝિનમાં ગુજરાતી બ્લોગ્સ વિષે લેખ આવે છે, ત્યારે મોટેભાગે એમાં ટહુકોનો ઉલ્લેખ હોય જ છે. રેડિયો ઉમંગ અને ઓસ્ટ્રેલિયાના રેડિયો સૂર-સંવાદમાં પણ મારી મુકાલાત પ્રસારિત થઇ ચૂકી છે. અને એ માટે હું એ સર્વેનો ફરી એકવાર આભાર માનું છું.

અને હા, જેટલા કલાકારો સાથે જ્યારે પણ ટહુકો વિષે વાત થઇ છે, એમણે હંમેશા એને બિરદાવ્યો છે અને એમના સહકારની ખાત્રી આપી છે.  જે કલાકારોની કલાને લીધે ટહુકોનું અસ્તિત્વ છે – એમના તરફથી મળેલો ઉમળકાભર્યો આવકાર મારા માટે એક મોટું motivational factor છે.

(11) ભારતમાં આપ ક્યાંના વતની છો અને ક્યારે અમેરિકા ગયા ?

મૂળ તો મમ્મી-પપ્પા સૂરત-બારડોલીના.  પણ હું અતુલ (વલસાડ)માં રહીને મોટી થઇ.  હાલ ભાઇ-ભાભી વાપી છે અને મમ્મી-પપ્પા અમદાવાદ. અને હા, હવે મુંબઇમાં સાસરું… એટલે હું ક્યાંની? અમદાવાદથી લઇને મુંબઇ સુધીની..!!   અમેરિકા હું ડિસેમ્બર ૨૦૦૪માં આવી – સ્ટુડંટ વિઝા લઇને ભણવા માટે. હાલમાં અમે સાન ફ્રાન્સિસ્કો રહીએ છીએ.

(12) ટહુકો.કોમ લોકપ્રિય કેવી રીતે બની ?

ગુજરાતી સંગીતનો આટલો વિશાળ ખજાનો -જેમાં જુના-નવા ગીતો, જાણીતા- અજાણ્યા કલાકારોના ગીતો, ગઝલ, ભજન, બાળગીતો, બધું જ સમાવી લેવાની કોશિશ કરી છે. મારા જેવા ઘણા ગુજરાતીઓ – જેઓ ગુજરાતથી દૂર રહે છે – એમના માટે ઇંટરનેટના માધ્યમથી ગુજરાતી ગીતો સાંભળવાની ઘણી જ સરળતા રહે છે.  અને ટહુકો પર ઘણા એવા ગીતો મળી રહે છે જે બીજે કશે અથવા તો બજારમાં પણ એટલી આસાનીથી નથી મળતા. ઘણા લોકોના પ્રતિભાવ પરથી જાણવા મળે છે કે જે વર્ષો પહેલા સાંભળ્યા હોય – એ બધા ગીતો એમને ટહુકો પર ફરીથી સાંભળવા મળે છે.

(13) અત્યારસુધી આપ્ને કોઈ એવોર્ડ કે સન્માન મળ્યા હોય તો તેની વિગત

ઓગસ્ટ ૨૦૦૭માં જ્યારે હું ભારત ગઇ’તી ત્યારે સૂરતના સપ્તર્ષિ અને વલસાડ લાયન્સ ક્લ્બએ મને ટહુકો વિષે વાત કરવાનો મોકો આપ્યો હતો. ટહુકોને લીધે મને મળેલો એ આવકાર મારા માટે એવોર્ડ જ કહેવાય.  અને મારો સૌથી મોટો એવોર્ડ એટલે દરરોજના ૧૫૦૦ જેટલા ગુજરાતીઓએ દુનિયાના ખૂણે ખૂણેથી લીધેલી ટહુકોની મુલાકાત.

(14) આ વેબસાઈટ વિશે લોકોના કેવા પ્રતિભાવ આવે છે ?  આમાંથી સૌથી યાદગાર હોય એવો કોઈ પ્રસંગ કે પ્રતિભાવ

૧૨૯૧ જેટલી પોસ્ટ પર આવેલા ૧૬૨૦૦થી પણ વધુ પ્રતિભાવે… યાદગાર પ્રતિભાવો અને પ્રસંગોની યાદી બનાવીશ તો આ આખો દિવાળી અંક ઓછો પડશે.
લોકોનો પ્રતિભાવ હંમેશા ઉમળકાભર્યો અને આવકાર્ય રહ્યો છે.  ઘણાએ યાદગાર પ્રતિભાવ આવ્યા છે.

પ્રિય પપ્પા હવે તો તમારા વગર..  આ ગીત જ્યારે ફાધર્સ ડે ના દિવસે મુકેલું – ત્યારે એના પરના કેટલાય પ્રતિભાવ ભીની આંખે લખાયા હતા..  અને પુરુષોત્તમ ઉપાધ્યાયની ૭૫મી વર્ષગાંઠ પર ઉજવેલું ‘પુરુષોત્તમ પર્વ’, કવિ શ્રી મનોજ ખંડેરિયાની સ્મૃતિમાં ઉજવેલું ‘મનોજ પર્વ’,  સ્વ. સ્વરકાર શ્રી ક્ષેમુ દિવેટીઆને અવિનાશ વ્યાસ મળ્યો ત્યારે મનાવેલ ‘ક્ષેમુ દિવેટીઆ સ્પેશિયલ’  વગેરેને પણ વાચકો / શ્રોતાઓએ હંમેશા બિરદાવ્યો છે.

અને ઘણીવાર વર્ષો પહેલા સાંભળેલુ કોઇક ગીત ટહુકો પર મળી આવે, તો એ સાંભળ્યા પછી જે પ્રતિભાવ આવે એમાં મિત્રોની ખુશી મારા સુધી પણ પહોંચે છે.

દે તાલ્લી… દે તાલ્લી… ગીત પર આવી કંઇક કોંમેટ આવી હતી..

ઓહ માય ગૉડ!

આ ગીત… આ ગીત તો મેંય એક જમાનામાં કૅસેટ ઘસી કાઢવાની હદે સાંભળ્યું છે… અને દે તાલ્લી દે તાલ્લી ગાતાં હું કદી ધરાતો નહોતો… મારા ભાણી-ભાણા સાથે પણ આ ગીત “હાથમાં” ઝાલીને હું મનભર રમ્યો છું…

મનના કાતરિયામાં ક્યાંક ખોવાઈ ગયેલો આ અમૂલ્ય ખજાનો આજે સાવ અચાનક આમ જડી ગયો… વાહ, દોસ્ત! તેં તો આજે મારો દિવસ સુધારી નાંખ્યો…. દે તાલ્લી !!!

અને હા, આ ૧૨મી જુને જ્યારે ટહુકોને ત્રણ વર્ષ થયા, ત્યારે સુરતના કવિ શ્રી મુકુલ ચોક્સીએ લખેલી ટહુકો માટેની કવિતા એમના અવાજમાં મોકલી ત્યારે પણ મને અપાર ખુશી થયેલી..

ટહુકો ત્રણ વર્ષનો થયો…
ટહુકો ત્રણ વર્ષનો થયો…

કવિતા ને સંગીતનો આજે અર્થ એટલો જ રહ્યો,
કે ઉમળકો પુસ્તકથી નીકળી નેટમાં પહોંચી ગયો !
કે ટહુકો ત્રણ વર્ષનો થયો…

ટહુકો એટલે જય હો થી પણ આગળ એક જયશ્રી હો,
આવતા ભવમાં કાશ કે આ ટહુકાની જાતી સ્ત્રી હો…
પ્રેમમાં જેના કાવ્યપ્રેમી એક સમૂહ ખેંચાઈ ગયો,
એ ટહુકો ત્રણ વર્ષનો થયો…

ત્રીજે વર્ષે એના ત્રણ અક્ષરને સાર્થક કરીએ,
ચાલો, આ ટહુકાને ભરચક પંખીઓથી ભરીએ..
પછી ગમે ત્યાં એ રહેતો અમને તો ભયો ભયો,
કે ટહુકો ત્રણ વર્ષનો થયો…

-મુકુલ ચોક્સી

(15) આપણા ગુજરાતીઓ માટે ખાસ સંદેશ.

ગુજરાતીઓ માટે સંદેશ એટલો જ કે – ગુજરાતમાં રહેતા હો કે ગુજરાતની બહાર – પણ આપણા ભાષાની અને સંસ્કૃતિની જાણવણી આપણા જ હાથમાં છે.  માતૃભાષાને પણ મા અને માતૃભૂમિ જેટલા જ પ્રેમની જરૂર છે.  એકવાર ગુજરાતી કવિતા-સંગીતના મહાસાગરમાં ડૂબકી મારી જુઓ – એક અમૂલ્ય ખજાનો તમારી રાહ જોઇ રહ્યો છે..!

http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=70705

10 ટિપ્પણીઓ leave one →
 1. ડિસેમ્બર 1, 2009 3:46 પી એમ(pm)

  I’ve been reading along for a while now. I just wanted to drop you a comment to say keep up the good work.

 2. ડિસેમ્બર 1, 2009 6:28 પી એમ(pm)

  Dear Jaishree,

  It is nice to see you in Vijaybhai’s Blog with Amit.
  Tahuko is and will keep in Mind of Gujarati and Music lovers via Internet and your great collection

  Geeta Aunti and Rajendra Uncle

 3. ડિસેમ્બર 2, 2009 6:30 પી એમ(pm)

  જયશ્રીએ એકલપંડે જે ખંતથી http://www.tahuko.com દ્વારા ગુજરાતી કાવ્ય સંગીતને વિશ્વના ખૂણે ખૂણે રેલાવ્યું અને ફેલાવ્યું છે એ એક બેનમૂન કામ છે. કોરપોરેટ, ચેરિટેબલ સંસ્થાઓ, સરકાર કે ગુજરાતી ભાષા/સંસ્કૃતિ બચાવો ઝૂંબેશ ચલાવતા મંડળોને ધડો મળે એવી ધગશનું અપ્રતિમ ઉદાહરણ. ટહુકોની શરૂઆતથી જયશ્રીના મિત્ર હોવાનું ગૌરવ અનુભવું છું.

  વિજયભાઈ આ આખા પ્રોજેક્ટ માટે તમારી ખંતને સલામ.

 4. ડિસેમ્બર 5, 2009 4:09 પી એમ(pm)

  ટહુકો એ માત્ર એક બ્લોગ જ નથી, ગુજરાતના સાંસ્કૃતિક અને સાહિત્યિક વારસાનું નવું અવતરણ છે. ગુજરાતમાં રહેનારા અને ગુજરાતી બોલનારા પણ કદી ગુજરાતી ફિલ્મો જોતા નથી, તેના ગીતો ગાતા નથી. જે લોકો ગુજરાતી શાળામાં ભણ્યા હશે તેમને થોડી રચનાઓ-ગીતો યાદ હશે, થોડી પ્રાર્થનાઓ જે તેમણે મને-કમને શાળામાં ગાઈ હશે. મોટા થયા પછી, માતૃભૂમિથી દુર થયા પછી, ગુજરાતી ન બોલાતું હોય તેવા પ્રદેશમાં રહેવાનું બન્યા પછી, અન્ય ભાષાના લોકોને તેમના ગીતો ગાતા જોઈને, તેમને પોતાની ભાષાના ગીતો, એ શબ્દો અને એ માતૃભાષાની મીઠાશનો અનુભવ થાય .. અને એ સમયે એમની પાસે હાથવગું સાધન માત્ર ઈન્ટરનેટ અને આવી થોડીક સાઈટ જ હોય છે. આ અનુભવ ઘણાંને થયો હશે. એ રીતે ટહુકો.કોમના માતબર પ્રદાનની નોંધ જેટલી લેવાય એટલી ઓછી છે. જયશ્રીબેન તો અભિનંદનના અધિકારી છે .

 5. ડિસેમ્બર 7, 2009 2:38 એ એમ (am)

  ધન્યવાદ જયશ્રીબેન !

 6. ડિસેમ્બર 20, 2009 3:32 પી એમ(pm)

  Jayashree ben-
  Gujarati nu aatlu sabhar sangeet sahitya melavi ne anero aanand thayo-mari pase 1950 pahelana geeto chhe moklu? dr sedani

 7. sandeep Bhatt. permalink
  જુલાઇ 14, 2012 1:56 પી એમ(pm)

  Vandan jayashreeben. ato ghanu adbhut ke’vay. gujarati ma atlo badho anokho bhadar hashe ketla tarlao hashe eto a site joi tyare j anubhavyu. Kaik anokhu lagyu. Sharir ma ek anokhi laher dodi gai. Ganga, yamuna na sangam karta pan mane a sangam avarniya lagyo. apne mablakh abhinanadan. Sandeep Bhatt. Madhi.

 8. ઓક્ટોબર 8, 2012 10:00 પી એમ(pm)

  શ્રી જયશ્રીબેન તમારી વાતો વિગતે વાંચી આનંદ અને ગર્વ અનુભવું છું. તમે અતુલમાં હતા નજીકમાં મારૂં ગામ કિલ્લા પારડી એટલે તમારા ટહુકાને મારા ફેસબુકના પાને પણ મુકું છું. ગુજરાતી માટે ગુગલે ઘણી સરળતા કરી છે એનો લાભ લઈ ઘણા મિત્રોને એનો ઉપયોગ કરવામાં મદદરૂપ થાઉં છું. જોકે હું પહેલાંથી લીપ ફોન્ટ વાપરતો હતો અને હવે માઈક્રોસોફ્ટ કમ્પયુટરમાં એ ફોન્ટ શ્રુતિ નામે આપે છે એટલે મને એ વધારે માફક આવે છે. આપની શરૂઆતથી મુલાકાત થતી રહી છે અને આપે જે પ્રગતિ કરી છે એ માટે ધન્યવાદ. હજી આપની સેવાનો લાભ ગુજરાતી ભાષા માટે અને ગુજરાતી લોકો માટે આપતા રહો એ આશા સાથ પ્રભુ પ્રાર્થના. કાંતિલાલ પરમાર – હીચીન – યુકે…

 9. નવેમ્બર 20, 2012 6:12 એ એમ (am)

  well done jayshree.n all the best for the future

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: