ગુર્જરી ડાઈજેસ્ટના સંપાદક કિશોર દેસાઈ.-વિજય ઠક્કર
રેડિયો દિલનો આ સ્ટુડિયો દરેક નવા શનિવારે એક નવા અતિથિને આવકારવા આતુર હોય છે અને રેડિયો દિલનો શ્રોતા પણ એટલાં જ કૌતુક થી રાહ જુએ છે કે કોણ હશે નવા અતિથિ…!!!
હા, અમારો એક ઉપક્રમ રહ્યો કે દર શનિવારે એક કોઈક વિશિષ્ટ વ્યક્તિત્વને અમારા છેલ છબીલો ગુજરાતી કાર્યક્રમમાં બોલાવવા અને એજ શિરસ્તો બરકરાર રાખીને આ વખતે અમે આમંત્રિત કર્યા એક ગરવા ગુજરાતીને…. હા, નામ છે એમનું કિશોર દેસાઈ..
આમ તો અમેરિકામાં આવી વસેલો કોઇપણ સંવેદનશીલ ગુજરાતી આ નામ થી અપરિચિત હોવાની શક્યતા નહિવત્ છે. ગુર્જર ધરાના જે સપૂતને પોતાની મા અને પોતાની માતૃભાષા પરત્વે આદર હોય અને સ્નેહ હોય સન્માન હોય એવો કોઇપણ ગુજરાતી કિશોર દેસાઈ ના નામથી અને એમના કામથી અજાણ્યો હોય એવું માની ના શકાય.
ત્યારે અજાણ્યાનેય કુતૂહલ થાય કે આ છે કોણ કિશોર દેસાઈ..!!!
સત્ય તો એ પણ છે કે થોડા વખત પૂર્વે સુધી તો હું પણ કિશોરભાઈને ફક્ત નામથી અને તે પણ ગુર્જરી ડાઈજેસ્ટના સંપાદક તરીકે જ ઓળખતો હતો…. પણ ત્યારે પણ એક વાત તો મનમાં દ્રઢ હતી જ કે જે વ્યક્તિ પોતાની માતૃભાષાનું ઋણ ફેડવા અમેરિકા જેવા દેશમાંય છેક એ કાળથી કાર્યરત છે કે જ્યારે ગુજરાતી સમુદાય અહીં પ્રમાણમાં ખૂબ નાનો હતો અને સૌ કોઈ ડોલરનો દલ્લો એકત્ર કરવાની જ માત્ર પળોજણમાં રમમાણ હતાં ત્યારે આ એક દૂરંદેશી વ્યક્તિ ભાવિને જોઈ લે છે અને પારખી લે છે. અમેરિકા જેવા દુનિયાભરના લોકોના આકર્ષણનાં પ્રદેશમાં જ્યાં માત્ર અને માત્ર અંગ્રેજી અને અન્ય વિદેશી ભાષાઓનું જ પ્રભુત્વ હોય અને એમાં પણ પોતાનો ખૂબ નાનો ગુજરાતી સમુદાય આવી વસ્યો હોય ત્યારે એ પોતાનો ગુર્જરજનની ભવિષ્યમાં જ્યારે ડોલર કમાવવાની ઘેલછાની સાથોસાથ પોતાનું કશુંક અહીં હોવા બાબત સભાન થશે, પોતાની ભાષા માટે વલખશે, એની વાંચનક્ષુધા પ્રદીપ્ત થશે ત્યારે એને કશુંક પોતાનું મળશે કે પોતાની ભાષાની વાંચનસામગ્રી મળશે તો એ રાજીનો રેડ થઈ જાશે.
કિશોર દેસાઈ જેવા સુજ્ઞ પુરુષને એ અભિપ્રેત હતું…તેઓ એ કટુ વાસ્તવિકતા જોઈ શકવા જેટલા સમર્થ હોવાને લીધે તેઓ એ પણ જાણતા હતા કે અહીં સ્વભાષાના અભાવે નવી પેઢી તો અંગ્રેજીના મોહપાશમાં જ જકડાઈ જશે… પરિવારમાંથી માતૃભાષા ભૂંસાતી જશે અને પ્રત્યાયનની ભાષા પણ અંગ્રેજી જ બની જશે. કિશોર દેસાઈની અનુભવી આંખ એ પણ જોઈ શકતી હતી કે સ્વભાષાના અભાવે આવનારા સમયમાં અહીં વસેલો ગુજરાતી પોતાની આગવી અસ્મિતા પણ વિસરી જશે. પોતાની ભાષા અને પોતાની સંસ્કૃતિને અપાર સ્નેહ કરતા કિશોર દેસાઈ જેવા સંવેદનશીલ વ્યક્તિ એ દ્રઢપણે માનતા હોય અને જાણતા હોય કે ભાષા એ તો સંસ્કૃતિની ધરોહર છે. ભાષા એ સંસ્કાર અને સંસ્કૃતિની વાહક છે અને ભાષા એ માનવ માનવ વચ્ચેના આદાનપ્રદાનનો એક સેતુ છે. જો પોતાના જ ગુજરાતી ભાંડુઓ વચ્ચે એ સેતુનું નિર્માણ નહિ થાય અથવા એ સેતુ તૂટી જશે તો અમેરિકામાં આવી વસેલા ગુજરાતીઓની એક આખી નવી પેઢી એક મહામૂલી ભાષા અને સંસ્કૃતિથી વિમુખ થઈ જશે.
કિશોર દેસાઈનો સ્વજાતિ અને સ્વભાષા માટેનો અપાર પ્રેમ એમને ખૂદને એવું કશુંક નક્કર કામ કરવા સતત પ્રેરે છે અને બસ આવી ગઈ એ ઘડી…. વર્ષ 1988ના એક શુભ દિવસે પોતાના એ શુભ સંકલ્પ ને ચરિતાર્થ કરવા માટે કાર્યરત બને છે અને આદરે છે અહીંના ગુજરાતીઓને એક તાંતણે બાંધવાનું અભિયાન. ગુજરાતીઓને માટે અભિવ્યક્તિ માટેના સેતુ નિર્માણનો એક પ્રકલ્પ હાથ ધરે છે અને ગુર્જરી નામના એક ત્રૈમાસિક સામયિકનો છેક ૧૯૮૮માં પ્રારંભ કરે છે.
ભારતીય સંસ્કૃતિ અને સંસ્કારના જતન માટે અહીં અમેરિકામાં કાર્યરત અનેક ધાર્મિક સામાજિક સંસ્થાઓતો ધનધાન્યથી અને અનુયાયીઓથી ભરીભરી હોય અને પાછા ધર્મગુરુઓનાં શબ્દોના પ્રભાવમાં તલ્લીન ધર્મભીરુ પ્રજા હોય ત્યારે મહદંશે ધાર્મિક અને સામાજિક પ્રવૃત્તિઓ કરવી એમના માટે અતિ સુગમ હોય….. પણ ત્યારે એ બધાની વચ્ચે આ એકલવીર યોદ્ધો કિશોર દેસાઈ ગુજરાતીઓની અભિવ્યક્તિ માટેના સેતુ નિર્માણનું કામ આદરે છે.
પ્રારંભ થાય છે ગુર્જરી નામના એક ત્રૈમાસિક સામયિકનો….
અમેરિકામાં સ્થાયી થયેલા સમાજની જરૂરિયાત હતી એક શિષ્ટ અને સંસ્કારી સામયિકની. અહીંનો ગુજરાતી જેને પોતાનું કહી શકે અને જેમાં એ પોતાના આર્થિક, સામાજિક, સાંસ્કૃતિક અને રોજબરોજના પ્રશ્નોની મુક્ત મને ચર્ચા કરી શકે એવા એક પોતાના સામયિકની….
જેમાં એ પોતાની સંઘર્ષગાથાનું વર્ણન કરીને આવનારી પેઢીને એ અનુભવનું ભાથું આપી શકે…જેમાં એ પોતાના સમાજ અને વ્યક્તિગત ચારિત્ર્ય અને સંસ્કાર ઘડતરના પ્રશ્નો ની ચર્ચા કરી શકે.
કિશોર દેસાઈ અને એમના પત્ની હંસાબહેન અને ત્રણેય દીકરીઓ જોતરાઈ જાય છે પોતાની માતૃભાષાનું ઋણ ફેડવા. કિશોરભાઈ એમની નિયમિત આર્થિક ઉપાર્જનની પ્રવૃત્તિ ઉપરાંતનાં સમયમાં ગુર્જરીને લોકો સુધી પહોંચાડવા અથાક મહેનત કરે છે…એને માટે ઠેરઠેર સભાઓમાં મેળાવડામાં, સાંસ્કૃતિક કાર્યક્રમોમાં અને જ્ઞાતિઓના સમારંભો સુધી એ પતિપત્ની એમની સાથે એક ટેબલ, બે ખુરશીઓ અને ગુર્જરીના અંકો લઈને પહોંચી જાય અને લોકો સુધી પોતાની વાત પહોંચાડે. ઘણેભાગે તો નિરાશાજ મળતી… પણ તો એવા કેટલાય સદ્ગૃહસ્થો- શ્રેષ્ઠીઓ પણ મળ્યા કે જેમણે ગુર્જરીને પોતાનો ખભો આપી ઊભું રાખ્યું એટલુંજ નહિ ગુર્જરી સ્વનિર્ભર બની રહે અને સતત માતૃભાષાની સેવામાં કાર્યરત રહે એટલો આર્થિક સહયોગ આપ્યો.
ગુર્જરી ડાઇજેસ્ટ એના પૂર્વનીર્ધારિત બધાં હેતુઓને પૂર્ણપણે સંતોષતું આ સામયિક પડતું આખડતું હવે ભરીભાદરી યુવાનીની ઉંમરે પહોંચ્યું છે અને એ વાતને પણ આજે થયા છે ૩૦-૩૦ વર્ષ અને ત્યારે થાય કે આ “ગુર્જરી” વૈવિધ્યપૂર્ણ વાંચન સામગ્રીથી તો વાંચનસમૃદ્ધ બન્યું છે તો શું એ વાચકસમૃદ્ધ પણ બન્યું છે ..!!! ધનધાન્યથી પણ સમૃદ્ધ થયું છે..!!
કિશોર દેસાઈ અભ્યાસે અને વ્યવસાયે એન્જિનિયર છે તો કિશોર દેસાઈ શબ્દના પણ મરમી છે… સાહિત્યિક સર્જનોની ઉત્કૃષ્ટતાની એમની આગવી પરખ છે અને એટલેજ ગુર્જરી ડાઈજેસ્ટમાં કૃતિની પસંદ અને પરખના એમના ચુસ્ત ધોરણો છે. ઓછું છપાય પણ ઉત્કૃષ્ટ છપાય એવો એમનો આગ્રહ જ નહિ દુરાગ્રહ છે. ગુર્જરી ડાઈજેસ્ટને સર્વગ્રાહી બનાવવા માટે સદાય પ્રયત્નશીલ કિશોરભાઈ એ બાબતે સચેત છે કે એમાં ફક્ત કવિતા જ કે ફક્ત વાર્તા જ ના છપાય પરંતુ સાહિત્યનાં સર્વ પાસાઓને એમાં સમાવાય એ તેઓ સુનિશ્ચિત કરે છે. ગુર્જરી ડાયજેસ્ટમાં પ્રસ્થાપિત અને નવોદિત એમ તમામ સર્જકોને ઉમળકાભેર આવકારો દેવાય છે અને એમનાં સર્જનોને પ્રકાશિત કરવાની મોકળાશ કરી અપાય છે પણ શરત એટલી કે એમાં સાહિત્યિક મૂલ્ય હોવું ઘટે, એમાં સંસ્કારિતાનું સ્તર જાળવવું ઘટે, અને એમાં કશુંક વિચારપ્રેરક અને સામાજિક ચારિત્ર્ય નિર્માણ માટેનું તત્વ અને સત્વ હોવું ઘટે.
કિશોર દેસાઈ માઓત્સે તુંગની એ ઉક્તિને યથાર્થ ઠેરવે છે કે નિષ્ઠા હશે તો સાધના આવશે અને સાધનાને રસ્તે નિપૂર્ણતાતો પ્રગટશેજ ….અને હા કિશોર દેસાઈની સ્વભાષા અને સંસ્કાર પ્રત્યેની સંશય વિહીન નિષ્ઠાએ કરીને જ ગુર્જરીનું સર્જન થયું….અને ગુર્જરી ડાઈજેસ્ટને તેઓ એકલે હાથે એક સંસ્થા માનીને એનું સતત નિર્વહણ કરે છે.
ગુર્જરી ડાઇજેસ્ટ એ કિશોર દેસાઈ માટે ફક્ત સાહિત્યિક સામયિક જ નથી એ એમના માટે એક મિશન છે.
કિશોર દેસાઈ, તમને સર્વ ગુજરાતીઓ વતી અમારા સલામ
લખ્યા તારીખ : ઓગસ્ટ ૪,૨૦૧૮
બહુ જ સરસ માહિતી. એમનું નામ જ સાંભળ્યું હતું. પણ આજે એમના કામની ખબર પડી. ખુબ ખુબ આભાર. એમનો બાયો ડેટા મેળવી આપશો , તો એમને ગુજરાતી પ્રતિભા પરિચય પર બિરાજમાન કરવા મન થયું છે.