અમેરિકાવાસી લેખિકા રેખા પટેલ “વિનોદિની”ની શબ્દ સફર રમેશ તન્ના
અમેરિકાવાસી લેખિકા રેખા પટેલ “વિનોદિની”ની શબ્દ સફર તેમની માતૃભાષા ગુજરાતી માટેની પ્રીતિ અને પ્રતિબદ્ધતા રજૂ કરે છે….
આલેખન.. રમેશ તન્ના
આજે અમદાવાદમાં રેખા પટેલ “વિનોદિની”નાં ત્રણ પુસ્તકોનું લોકાર્પણ થવાનું છે. દરિયાપાર જે કેટલીક કલમ પ્રતિબદ્ધતાથી સાહિત્ય સર્જન તરફ અભિમુખ થઈ છે તેમાં રેખાબહેનનો સમાવેશ થાય છે.
રેખાબહેનનું વતન ભાદરણની બાજુમાં આવેલું વાલવોડ ગામ. પિતા નવનીતભાઈને ખેતી ઉપરાંત વેપાર પણ હતો. માતા પ્રેમીબહેન ગૃહિણી હતાં. રેખાબહેનને નાનપણથી જ વાચન અને લેખનનો શોખ. એ શોખને પોષવામાં ભાદરણના કંકુબા પુસ્તકાલયે પણ ઘણો સહયોગ આપ્યો. પિતાને વાચનનો શોખ એટલે તેઓ પણ પુસ્તકાલયમાંથી ઘણાં પુસ્તકો લઈ આવતા. પિતા પુસ્તકો વાંચી લે એટલે રેખાબહેન રાત્રે જાગરણ કરીને પણ એ પુસ્તકો વાંચે. વ્રતનાં જાગરણ ઉપરાંત રેખાબહેને પુસ્તકો વાંચવા માટેનાં જાગરણ કર્યાં છે. (વર સારો જ નહિં, સાહિત્યસર્જન માટે સતત પ્રોત્સાહન આપે તેવો મળ્યો.)
એ વખતે તો તેમને કલ્પના પણ નહીં હોય કે ધીમે ધીમે ભરાતો વાચનનો આ કૂવો આગળ જતાં સાહિત્ય આલેખનનો હવાડો છલકાવવાનો હતો.
રેખાબહેન સાયન્સનાં વિદ્યાર્થીની. તેમણે કેમિસ્ટ્રી સાથે ગ્રેજ્યુએશન કર્યું. એમાં પિતા વિનોદ નામનો એક યુવક શોધી લાવ્યા. તેમણે લાડકી દીકરીને કહ્યું પણ ખરું કે આવો સારો અને સમજુ છોકરો બીજો નહીં મળે. રેખાબહેને વાત માની અને એક સમજદાર જીવનસાથી પામ્યાં જેમણે તેમને સાહિત્યલેખન તરફ જવામાં ઉદીપક તરીકેનું મોટું કામ કર્યું.
વિનોદભાઈ અમેરિકા ગયા. (તેમની વળી એક અલાયદી, મસ્ત, રોમાંચક અને રસપ્રદ પોઝિટિવ સ્ટોરી છે.) પરણીને રેખાબહેન પણ ગયાં. એ વર્ષ હતું 1992નું. જોકે તેમણે શબ્દ સફર શરૃ કરી છેક 2013માં. તેનો યશ જાય ફેસબુકને. રેખાબહેન ફેસબુકનાં સભ્ય બન્યાં અને હૃદયમાં પડેલું પોસ્ટ બનીને મિત્રોમાં વહેંચવા લાગ્યાં. મિત્રોના હૂંફાળો પ્રતિસાદ મળ્યો. અચાનક એક દિવસ મુંબઈથી ચિત્રલેખાના તંત્રી ભરત ઘેલાણીનો ઈ મેઈલ આવ્યો. એ આમંત્રણ હતું વાર્તા મોકલવાનું. રેખાબહેને પોતાના જીવનની ત્રીજી વાર્તા ( ખરો ગૃહપ્રવેશ) તેમને મોકલાવી. વાર્તા મોકલીને તેઓ તો ભૂલી જ ગયાં. ફરી એક દિવસ ચિત્રલેખામાંથી ફોન આવ્યો. આ વખતે ફોન એડિટોરિયલ વિભાગમાંથી નહીં એકાઉન્ટ વિભાગમાંથી હતો. વાર્તાનો પુરસ્કાર જમા કરાવવા તેમનો બેન્ક એકાઉન્ટ નંબર જોઈતો હતો.
રેખાબહેન માટે જીવનનો આ એક મોટો વળાંક હતો અને સરપ્રાઈઝ પણ હતી. ચિત્રલેખામાં તેમની વાર્તા પ્રકાશિત થઈ હતી. બસ, એ પછી તો તેમની સાહિત્ય સાધના સતત ચાલતી જ રહી છે.
તેઓ લઘુકથાઓ લખે છે અને ટૂંકી વાર્તાઓ પણ સર્જે છે. નિંબધો લખે છે અને કવિતાઓ પણ લખે છે.
અત્યાર સુધી તેમણે એકસોથી વધુ વાર્તાઓ લખી છે. બે નવલકથાઓ લખી છે. 2013થી અત્યાર સુધી 6 પુસ્તકો પ્રકાશિત થઈ ચૂક્યાં છે અને બે પુસ્તકો પ્રકાશ્ય છે. સુધા મૂર્તિએ એક વખત કહ્યું હતું કે સફળ પુરુષની સફળતામાં એક સ્ત્રીનો હાથ હોય છે અને સફળ સ્ત્રીની પાછળ એક સમજદાર પુરુષનો હાથ હોય છે. રેખાબહેનના જીવનસાથી વિનોદભાઈએ રેખાબહેનને સાહિત્યલેખન માટે પ્રેરિત તો કર્યાં જ, પરંતુ સતત સહયોગ પણ આપ્યો. રેખાબહેનનું પ્રકાશિત થતું દરેક નવું પુસ્તક તેમના માટે નવો આનંદ લઈને આવે છે. દીકરીઓ નીલિમા અને શીખા ગુજરાતી વાંચી શકતી નથી પણ પોતાના મિત્રોમાં ગાૈરવથી કહે છે કે મારી મોમ રાઈટર છે.
રેખાબહેનની કલમ ચિત્રલેખા ઉપરાંત અભિયાન, ફિલિંગ્સ, ગુજરાત ટાઈમ્સ વગેરેમાં ચાલતી રહી છે. તેમણે અમેરિકાના ખતખબર જેવી નિયમિત કોલમો પણ લખી છે. રેખાબહેનના સર્જનની વિશેષતા છે સંવેદનાનું નિરૃપણ. તેઓ સહજ રીતે સંવેદના લઈ આવે છે. તેઓ કહે છે કે હું કલમ ઉપાડું કે તરત શાહીની સાથે સંવેદના પણ વહેવા લાગે છે.
તેઓ સરળ અને પરિશ્રમી લેખિકા છે. મોટાભાગે સ્ત્રી લેખિકાઓને સહેજ પ્રસિદ્ધિ મળે કે તેઓ તેમાં તણાઈ જાય છે. રેખાબહેન સભાન છે અને પોતાના ગદ્યને સતત ઘૂંટી રહ્યાં છે. ફેસબુક જેવા માધ્યમથી લખતાં થયેલાં રેખાબહેન સાહિત્યના સ્તર અને ગુણવત્તાને જાણે છે અને પોતાના સર્જનની દિશા એ તરફની રાખીને શબ્દકર્મ કરે છે તે ઉત્તમ અને જરૃરી વાત છે.
તેમની કૃતિઓમાં આપણને અત્યાર સુધી અહીંના ગુજરાતી અને ભારતીય સમાજના મનોભાવ જાણવા મળ્યા છે. હવેની પોતાની કૃતિઓમાં તેઓ અમેરિકન ડાસ્પોરિક સમાજને આવરી લેશે.
ગયા વર્ષે અમને, ગ્લોબલ ગુજરાતી ફેડરેશનના ઉપક્રમે તેમના એક પુસ્તકનું લોકાર્પણ કરાવવાની તક મળી હતી. હજારો કિલોમીટર દૂર બેસીને મા ગુર્જરીના ભાલ પર તિલક કરતી કોઈ પણ વ્યક્તિને વંદન કરવાનું જ મન થાય.
ગઈ કાલે પોતાના જીવનસાથી સાથે પોઝિટિવ મિડિયાના કાર્યાલયે તેઓ આવ્યાં. તેમની સરળતા સ્પર્શી જાય તેવી છે.
શબ્દએ આપેલી સફળતાને તેમણે પચાવી છે. જાણે તેમને ખબર છે કે સફળતા પછી પણ
એક સાર્થકતા નામનું સ્ટેશન હોય છે, અને સાચા સર્જકે તો ત્યાં જ પહોંચવાનું હોય છે.
રેખાબહેનને 11 દરિયા ભરીને અભિનંદન.
વય અને વર, બન્ને ફેવરમાં છે, હજી તમે સાહિત્યમાં ઘણું પ્રદાન કરી શકશો.
(પોઝિટિવ મિડિયા માટે આલેખન… રમેશ તન્ના)