કંટેન્ટ પર જાઓ

રેડીઓ “દીલ”ઉપર કવિ ભાગ્યેશ જહા-વિજય ઠક્કર.

જૂન 24, 2017

  

રેડિયો દિલ પર છેલ છબીલો ગુજરાતી કાર્યક્રમ સામાન્ય રીતે દર શનિવારે લાઈવ બ્રોડકાસ્ટ થતો હોય છે પરંતુ આજે એ શિરસ્તો તોડીને રેડિયો દિલ પરના temporary ખાલી સ્લોટમાં ગુજરાત સાહિત્ય અકાદમીના પૂર્વ અધ્યક્ષ ગુજરાત સરકારના રિટાયર્ડ IAS OFFICER અને કવિ શ્રી ભાગ્યેશ જહાનો લાઈવ ઇન્ટરવ્યૂ કર્યો જેનું આ શનિવારે રીપીટ બ્રોડકાસ્ટ રેડિયો દિલ પર થશે જે radiodil.com પર સાંભળી શકાશે.
શ્રી ભાગ્યેશ જહા હાલમાં ન્યૂ જર્સી માં છે. છેલ છબીલો ગુજરાતી કાર્યક્રમમાં આવવાનું અમારું એમને Long Pending Invitation હતું. એમની અત્યંત વ્યસ્તતાઓ વચ્ચે પણ તેમણે અમારું આમંત્રણ સ્વીકારીને રેડિયો દિલના સ્ટુડીયોમાં તેઓઆવ્યા. કૌશિક અમીન અને મારી સાથે ગુજરાત અને ગુજરાતીને સ્પર્શતા જુદાજુદા વિષયો ઉપરાંત એમના વ્યક્તિત્વના જુદાજુદા પહેલુ અંગે, એમની કવિતા એમના નિબંધ અને વિશેષતો એમના કૃષ્ણપ્રેમ વિષે લગભગ ૧ કલાક અને ૩૫ મિનિટ સુધી દિલ ખોલીને અત્યંત પ્રસન્ન ચિત્તે અને મોકળાશથી અમારું અને અમારા શ્રોતાઓનું મન ભરાય ત્યાં સુધી ખૂબ વાતો કરી.
શ્રી ભાગ્યેશ જહા એક અત્યંત સંવેદનશીલ વિદ્વાન સરકારી ઉચ્ચાધિકારી, કુશળ વહીવટકર્તા, સંસ્કૃતના પ્રખર અભ્યાસી, કૃષ્ણભક્ત અને કૃષ્ણપ્રેમી વ્યક્તિ છે. અત્યંત વ્યસ્ત સરકારી અધિકારી અને ખૂબજ સંવેદનશીલ વ્યક્તિ અને એ બેનો સમન્વય જો એક જ વ્યક્તિમાં હોય તો તે શ્રી ભાગ્યેશ જહામાં જ જોવા મળે. સરકારી વહીવટમાં સંવેદનશીલતા અને સાહિત્ય સર્જનમાં કુશળ વહીવટી ક્ષમતાને પ્રયોજી જાણે અને તેમાંથી નીપજે ઉત્કૃષ્ટ સાહિત્ય અને તે શ્રી ભાગ્યેશ જહા જ કરી શકે. વહીવટી વ્યસ્તતા અને તાણયુક્ત મન:સ્થિતિ નું નિર્માણ કરતી તો વળી ક્યારેક અંગતતામાં પણ ખલેલ પાડતી કામગીરીના કોલાહલ વચ્ચેય સાહિત્ય અને માનવીયતાની નિરવ શાંતિને આત્મસાત કરી શકે એવા ભાગ્યેશ જહા નિબંધકાર છે, કવી છે અને અત્યંત ઋજુ હૃદયના વ્યક્તિ છે.

હું એમને સંસ્કૃત અને સંસ્ક્રુતિના માણસ તરીકે જોઉં.

સંસ્કૃત ભાષા પરનું એમનું પ્રભુત્વ અને ભારતીય સંસ્કૃતિ સાથેનો એમનો લગાવ એ બે નો સમન્વય એ ભાગ્યેશ જહામાં જોવા મળે. હું તો એનાથી આગળ વધીને કહું કે શ્રી ભાગ્યેશ જહાનો કૃષ્ણપ્રેમ એમનો કૃષ્ણ સાથેનો સખાભાવ અને એ જ કારણે એમનું કૃષ્ણમય થવું, અને એજ તો કારણ છે કે શ્રી ભાગ્યેશ જહા સમગ્ર ભારતમાં પ્રવર્તતી બીનસાધુ અને બીનમહારાજોની વક્તાઓની શ્રેણીમાં કૃષ્ણ વિષે અધિકારિતાથી વાત કરી શકે છે, અરે અસ્ખલિત રીતે કલાકો સુધી એ કૃષ્ણને કેન્દ્રમાં રાખીને વક્તવ્ય આપી શકે છે. સંસ્કૃતમાં પણ અસ્ખલિત રીતે વહેતો એમનો વાણીપ્રવાહ અત્યંત પ્રભાવક છે.

ભાગ્યેશ જહા કૃષ્ણ, કલમ અને કવિતાના માણસ છે.

ભાગ્યેશ જહાએ અમારી સાથે વાતચીતની શરૂઆત કરતા કહ્યું કે આપણે રેડિયો દિલ પર છીએ અને દિલ ની જ્યારે વાત આવે છે ત્યારે એ હૃદયની વાત છે અને એટલે વાતચીતના પ્રારંભે એનાજ સમર્થનમાં મારી એક કાવ્યપંક્તિ શ્રોતાઓને સંભળાવવાનું ગમશે :

“આ હૃદય ગજવું નથી જ્યાં પેન ને ચશ્મા રહે
આ તો અમારો મહેલ છે, જે જે ચહે તે સૌ રહે.”

ગુજરાતીઓની વિશેષતા છે કે ગુજરાતીને વિશાળતા સાથે સંબંધ છે અને સમગ્ર વિશ્વમાં વ્યાપ્ત આપણા ગુજરાતીઓને જ્યારે આ ટેકનોલોજી થકી આપણે મળી રહ્યા છીએ, એમના સુધી અવાજના માધ્યમે આપણો સંવાદ પહોંચાડી રહ્યા છીએ ત્યારે એનો બહુ આનંદ છે. મેં એમને ટેકનોલોજીને સાહિત્ય સાથે સાંકળીને લખાયેલા એમના પુસ્તક “ ટેબલેટને અજવાળે પાનબાઈ “ વિષે પૂછ્યું ત્યારે એમણે જણાવ્યું કે હા, સાહિત્ય એ મનુષ્યની ચેતના સાથે કામ કરે છે…. ઓડેને કહ્યું કે “પ્રત્યેક કવિ એક રીતે જોઈએ તો કોલંબસ છે અને જ્યાં એને મનુષ્યની ચેતનાનો ચમત્કાર જોવા મળે ત્યાં એ પોતાનું વહાણ લાંગરે છે.” પહેલાં થોડા નાસીપાસ થવાતું હતું પણ હવે એ આશ્વાસન છે કે આ ટેકનોલોજી થકી આપણી ગુજરાતી ભાષા લાંબુ જીવશે કારણકે રેડિયોના માધ્યમે રેડિયો દિલની જેમજ દેશમાં અને પરદેશમાં ઠેરઠેર ગુજરાતી કાર્યક્રમો પ્રસારિત થઈ રહ્યા છે અને એમ રેડિયો પર તો ગુજરાતી જીવતી થઇ છે.
ભાગ્યેશ જહા સાથે ઘણાં બધાં વિષય પર વાતચીત થઇ. ગુજરાતી ભાષામાં ગુજરાતમાં સર્જાતા અને ડાયસ્પોરા સાહિત્ય અંગે એમણે સંતોષ વ્યક્ત કર્યો.
ગુજરાતી ભાષાની જ્યારે ચર્ચા થતી હતી ત્યારે વાતચીત દરમ્યાન ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષપદે એમની થયેલી વરણી બાદ અકાદમીની સ્વાયત્તતાના મુદ્દે એમના નામ સાથે જોડાયેલા વિવાદ અંગે પૂછ્યું ત્યારે એમણે કહ્યું “ એક અપપ્રચાર થઇ રહ્યો છે કે સનદી અધિકારીની નિમણુંક કરવામાં આવી છે પણ એ બાબતમાં તથ્ય નથી કારણકે ગુજરાત સરકારના સનદી અધિકારી તરીકે હું ફેબ્રુઆરીમાં નિવૃત્ત થયો અને ત્યારપછી એક મહિનો નિવૃત્તિ ગાળ્યા પછી ૮મી એપ્રિલના રોજ અકાદમીના અધ્યક્ષપદે મારી વરણી થઇ…એટલે હું સાહિત્યકાર તરીકે અકાદમીમાં જોડાયેલો અને નહી કે સનદી અધિકારી તરીકે એ પહેલી વાત અને બીજી વાત એ કે સ્વાયત્તતા એટલે શું ? તો સ્વાયત્તતાની વ્યાખ્યામાં એવું છે કે Autonomy means there is no interference from outside agency. External agency should not interfere. અકાદમીના વહીવટમાં કોઈજ સરકારી હસ્તક્ષેપ થયો નથી. અકાદમી દ્વારા પણ સત્તાપક્ષ તરફી કોઈ નિર્ણયો કે એવું કશુંજ સાહિત્ય પ્રસિદ્ધ કરવામાં આવ્યું નથી. હું સ્પષ્ટપણે માનું છું કે સાહિત્ય એ સરકાર પુરસ્કૃત હોવું જોઈએ રાજ્યાશ્રિત ના હોવું જોઈએ. સ્વાયત્તતાના મુદ્દે બેવડાં ધોરણો કેવી રીતે રાખી શકાય..? અકાદમીમાં ચૂંટણી નથી થતી એ મુદ્દો આગળ કરવામાં આવે છે તો એવી તો અન્ય ઘણી બધી સંસ્થાઓ છે જ્યાં ચૂંટણી નથી થતી. કોઈ સંસ્થાનું નિર્માણ કઈ રીતે થયું એ અગત્યનું નથી એ સંસ્થાની કાર્યશૈલી શું છે એનું સ્વરૂપ સાહિત્યિક છે કે નહિ. અકાદમીમાં માત્રને માત્ર સાહિત્ય અને તે સિવાયનીકોઈ જ વાત નહી એવું અમે સ્પષ્ટ અંતર રાખ્યું. અકાદમીમાં મારા થકી ફક્ત સાહિત્યનુ જ કામ થયું છે. અમે કોઈ વિવાદમાં પડ્યા નથી કે કોઈજ જવાબ આપ્યો નથી કે કોઈ પણ ફોરમમાં પરિષદ વિરુદ્ધ કોઈજ વિધાન કર્યું નથી. એની સામે પરિષદે અમારો બહિષ્કાર કર્યો, ફતવો બહાર પાડ્યો, મારી વિરુદ્ધ કોર્ટમાં ગયા પરંતુ અમારા તરફે કોઈજ દ્વેષ કે તિરસ્કારનો જરા સરખો પણ ભાવ લાવ્યા વગર અને સૌને સાથે રાખીને અમે ફક્ત સાહિત્યના કામ પરજ લક્ષ કેન્દ્રિત કર્યું. બે વર્ષના મારા કાર્યકાળમાં ૨૩૨ જેટલા કાર્યક્રમો અમે કર્યા જે ભારતની કોઈ પણ સાહિત્યની સંસ્થાએ ના કર્યા હોય એટલા કાર્યક્રમો અમે કર્યા છે.
ભાગ્યેશ જહાને પૂછ્યું કે આપ કૃષ્ણપ્રેમી છો અને કૃષ્ણમય છો અને કૃષ્ણ પર અને ભગવદ ગીતા પર આપ વક્તવ્ય આપવા માટે authority ગણાવ છો ત્યારે આપના જીવનમાં એવાં કોઈ પ્રસંગ બન્યા કે જ્યારે આપને લાગ્યું હોય કે કૃષ્ણ આપની પડખે આવીને ઉભા રહ્યા હોય…??
હા…એ ભગવદ ગીતાની તાકાત અને કવિતાની તાકાત નો પ્રસંગ છે હું યાદ કરીશ વર્ષ 2002 અને ગોધરાના રાયટ્સ પછી બેસ્ટ બેકરીની બનેલી ઘટના પછી જ્યારે ચીફ ઇલેક્શન કમિશનરે સરાજાહેર મારું અપમાન કર્યું હતું દુનિયાભરના અખબાર નવેશો અને ટી વી કેમેરાઓની સામે મારી બહુ ખરાબ છાપ ઉપસી રહી હતી. ગુજરાતનાં જ નહિ પણ ભારતના કોઈ IAS ઓફિસરનું ના થયું હોય એવું અપમાન મારું થયેલું. મારા માટે જીવનનો સૌથી હતાશાજનક દિવસ હતો ત્યારે મારા મિત્રો અને હિતેચ્છુઓ મારી સાથે હતા અને જાતજાતની સલાહો મળતી હતી ત્યારે મેં મારા પિતાજીને ફોન કર્યો અને પરિસ્થિતિ સમજાવી ત્યારે એમણે કહ્યુ કે હું તો શિક્ષક છું અને સરઢવમાં રહ્યો છું અને મને ખબર ના હોય કે કલેકટરને કેવાં ટૅન્શન હોય છે પણ તમે દીવો કરીને ભગવદ ગીતાના બીજા અધ્યાયનો પાઠ કરો અને સ્થિતપ્રજ્ઞ રહો. મેં એજ પ્રમાણે બીજા અધ્યાયના ૭૨ શ્લોકનું પારાયણ કર્યું અને જેવો પારાયણ કરીને હું ઉભો થયો અને ચાર પંક્તિ સ્ફૂરી

“ તું હળાહળ ઝેર છે તો હું અહીં નીલકંઠ છું,
ને તું હશે તલસાટ તરસ્યા પેટનો
હું પીધેલા પ્રેમથી આકંઠ છું,
‘ને આ રહ્યા મદમસ્ત વાદળ અહીં તો લીલા લહેર છે,
કાંચળી ઉતાર, તો જાણે બધાં કે કેટલું ‘ને ક્યાં છુપાયું ઝેર છે “

બસ આ ચાર પંક્તિઓ લખી અને પાંચ મીનીટમાં ઊંઘ આવી ગઈ… બસ આજ કવિતાની તાકાત છે અને ભગવદ ગીતાની તાકાત છે.
વાતચીત દરમ્યાન એમને એમના ગામ સરઢવનાં અનુભવો પૂછ્યા ત્યારે એમણે કહ્યું કે મને મારા બાળપણથી અલગ કરવો અઘરો છે. ત્યાં ગામડું છે શેરી ભાગોળ અને ઊડતી ગાતી ધૂળ છે એ તો ખરુંજ પણ છ ફૂટની ઊંચાઈવાળા એક તેજસ્વી શિક્ષક ને ત્યાં હું જન્મુ છું. એક વિદ્યાનું વાતાવરણ છે, ભક્તિ અને અદ્યાત્મનું આવરણ છે, કાવ્યસંગીત અને ગીતનું ગુંજન છે. પિતાજી ગીતાના ખાસ વર્ગ લેતા. એમાં બધા વર્ગનાં લોકો આવી શકતા. વેદ અને ઉપનીશદોનાં મંજુલ સ્વરો ક્યારેક ગવાતા, ચર્ચાતા. આમ જગતની સર્વપ્રથમ કાવ્યપ્રવૃત્તિનો એક લસરકો સમજણના આકાશમાં દેખાતો, ક્યારેક એની અનુભૂતિથી તરબતર થઇ જવાતું.
ભાગ્યેશ જહા સાથે વાતો કરતાં 1 કલાક અને 35 મિનિટ ક્યાં પૂરી થઇ ગઈ એની ખબર ના રહી..
ભાગ્યેશભાઈ રેડિયો દિલના વિશ્વના ગુજરાતી શ્રોતાઓ આપની સાથેનો આ વાર્તાલાપ સાંભળીને અભિભૂત થઇ ગયા. આ સમગ્ર વાતચીત Rediodil.com પર આ કાર્યક્રમ શનિવારે તારીખ ૨૪ જુન ૨૦૧૭ના રોજ બપોરે ૧૨.૦૦ થી ૨.૦૦ ( EST ) દરમ્યાન એટલેકે ભારતીય સમય પ્રમાણે શનિવારે રાત્રે ૯.૩૦ થી ૧૧.૩૦ વાગ્યા દરમ્યાન સાંભળી શકાશે.

No comments yet

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: