કંટેન્ટ પર જાઓ

ન્યુ જર્સીના રાહુલ શુકલએ લખ્યું સંવેદનશીલ પુસ્તકઃ “વિયોગ.”-રમેશ તન્ના

ફેબ્રુવારી 23, 2017

Image may contain: 1 person Image may contain: 2 people, sunglasses and eyeglasses
માતા-પિતાના વિયોગમાં જ્યારે પુત્રને બધું “ખારું ખારું” લાગે છે…
માતા-પિતાનું મૃત્યુ કોઈ પણ ઉંમરે વસમું હોય છે. વ્યક્તિ ૭૦ વર્ષની હોય અને તેના ૯૬ વર્ષના પિતાનું અવસાન થાય તો પણ માથેથી છત્ર જતું રહ્યું હોય તેવું લાગે. ૭૦ વર્ષની વ્યક્તિના જીવનમાં ૧૦-૧૫ વર્ષ ઉમેરાઈ ગયાં હોય તેવું લાગે છે. ચાર છોકરાંની માતાની માતાનું નિધન થાય તો પણ માતા કે દાદી બનેલી દીકરી પોતે અનાથ થઈ ગયા જેવી લાગણી અનુભવે. આજે માતાપિતાની વિદાયની સંતાન પર મહત્તમ કેટલી ઘેરી અસર પડી શકે તેની વાત કરવી છે.
સ્વજનનું મૃત્યુ શોક આપે, માતા-પિતાના મૃત્યુનો શોક કે વિયોગ પીડાદાયી હોય છે.
આવા વિયોગને વ્યક્ત કરતો નિબંધસંગ્રહ વેદના અને સંવેદનાની નવી અનુભૂતિ કરાવે છે. પુસ્તકના લેખક છે રાહુલ શુક્લ. તેઓ ન્યુ જર્સીમાં વસે છે. સફળ ઉદ્યોગપતિ અને નીવડેલા વાર્તાકાર છે. ઉત્તમ વક્તા પણ ખરા. નવી ટેકનોલોજી, કોમ્પ્યુટર, ફોટોગ્રાફી અને જૂની હિન્દી ફિલ્મો અને તેનાં ગીતોના પણ ચાહક. ટૂંકમાં સંવેદનશીલ અને ધબકતા જણ.
તેમના પિતાને આખું ગુજરાત ઓળખે છે. સુરેન્દ્રનગરથી પ્રકાશિત થતા ‘સમય’ સાપ્તાહિકના સ્થાપક-વાહક ભાનુભાઈ શુક્લના એ દીકરા. રાહુલભાઈનો નિબંધસંગ્રહ ‘વિયોગ’ વેદના અને સંવેદનાથી એટલો છલકાય છે કે ગુજરાતી ભાષાનાં શ્રેષ્ઠ દસ સંવેદનશીલ પુસ્તકોની યાદી બનાવીએ તો તેમાં તેનો સમાવેશ કરવો પડે.
એવું તો શું છે આ નિબંધ સંગ્રહમાં?
માંડીને વાત કરીએ.
લેખક રાહુલભાઈનાં માતા સુશીબહેન ૯૨ વર્ષે ગયાં. તેમના પિતા ભાનુભાઈ શુક્લ ૯૪મા વર્ષે ગયા. લેખક કહે છે તેમ છેક સુધી બનેનાં વિચારશક્તિ, વિનોદ અને સમજણ અકબંધ હતાં. માતા-પિતા માટેની તેમની મજબૂત લાગણી તેમને એ પછી આમ લખવા પ્રેરે છે : “અમે માની લીધું હતું કે હજુ સુધી મૃત્યુ નથી આવ્યું તો મૃત્યુ પામવાની ઉંમર તો જતી રહી, અને હવે ક્યારેય મૃત્યુ નહીં થાય.”
“અને હવે ક્યારેય મૃત્યુ નહીં થાય” એ હૃદયભાવ, એ ઈચ્છા, એ ઝંખના લેખકને પોતાનાં માતા-પિતા માટે કેટલો તીવ્ર અને નિકટનો નાતો હતો તે બતાવે છે.
ખરી વાત તો હવે આવે છે. ૨૧મી એપ્રિલ, ૨૦૧૩ના રોજ ભાનુભાઈ શુક્લનું અમદાવાદની હોસ્પિટલમાં અવસાન થયું. ૪૨ વર્ષથી અમેરિકામાં રહેતા લેખક ૨૬ વખત વતનમાં આવેલા. દર વખતે રાહુલભાઈ સુરેન્દ્રનગર જાય ત્યારે તેમના પિતા (જેમને તેઓ ‘ભાઈ’ કહેતા) આતુરતાથી લોબીમાં બેસીને રાહ જોતા હોય. પિતા-પુત્ર વચ્ચે જબરજસ્ત લાગણી અને પ્રેમનાતો.
આ વખતે એવું ના થયું. આ વખતે લેખક અને તેમનો પરિવાર ‘ભાઈ’ના સ્થૂળ શરીરને લઈને અમદાવાદથી સુરેન્દ્રનગર ગયો. ‘ભાઈ’ એટલે કે ભાનુભાઈને કેમેરા ગમે. પત્રકાર-તંત્રી તરીકે સુરેન્દ્રનગરનાં ગામોમાં રિપોર્ટિંગ માટે રઝળપાટ કરે ત્યારે કેમેરા પોતાની પાસે રાખે અને વાપરે. ન્યુ અમેરિકામાં લેખકને ખબર પડે છે પછી તેમને ભારતમાં તો મારતે ઘોડે આવવાનું હોય છે. આવી દોડાદોડીમાં પણ સંવેદનશીલ લેખક યાદ રાખીને પિતા માટે કેમેરા લઈ આવે છે. તેમનું મન વિચારે છે કે ધારો કે હું કેમેરા ના લઈ જાઉં તો હું એવું માની રહ્યો છું કે પિતા હવે જીવતા રહેવાના નથી. તેઓ અમેરિકાથી ફાઉન્ટેન પેન પણ લાવે છે.
પિતાના પાર્થિવ દેહને અગ્નિદાહ દેવા માટે તૈયાર કરાય છે ત્યારે લેખક કેમેરા લાવીને તેમના શરીર સાથે બાંધે છે. અચાનક તેમને યાદ આવે છે કે મેમરી કાર્ડ તો નથી. તો દોડીને મેમરી કાર્ડ લઈ આવે છે. વિચારે છે કે કેમેરા વગર ભાઈ ત્યાં સ્વર્ગમાં જઈને શું કરશે ? એમને કંઈ ન્યુઝ પેપર ચાલુ કરવું હોય, સમાચાર કવર કરવા હોય તો શું કરશે ? એ પછી તેઓ મૃત પિતાની છાતી પર ‘સમય’ સાપ્તાહિકના બે અંક મૂકે છે. લામી પેન તેમના ગજવામાં મૂકે છે અને થોડા કોરા કાગળ પણ ભાઈની છાતી પર મૂકે છે. ભાઈને સ્વર્ગમાં રિપોર્ટિંગ કરવું હોય તો તકલીફ ના પડવી જોઈએ.
કોઈ રોકે છે, ટોકે છે, સમજાવે છે કે આ બધું તો બળી જશે, પણ લેખક પોતાની સંવેદનાને વળગી રહે છે.
વાચક, હવે પછીની જે વાત તમે વાંચશો એ અગાઉ ક્યારેય વાંચી ના હોય તેવી અપૂર્વ અને અનોખી વાત છે.
લેખકને પિતાની વિદાયનો મોટો અને ઘેરો આઘાત લાગ્યો. હૃદય દુઃખી થાય અને આંખો સતત રડ્યા જ કરે.
અમેરિકા જઈને લેખક અને તેમનાં જીવનસાથી મીનુબહેને પિતાનાં ચિત્રો, ફોટાનાં પોસ્ટર તૈયાર કર્યા. હૃદયદ્રાવક સ્લાઈડ-શો કર્યો. દીકરા આકાશ સાથે મળીને ન્યુ જર્સીમાં શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ કર્યો. લેખકે આ બધું કર્યું પણ માતા-પિતાના વિયોગની વેદના ઘટવાનું નામ જ ના લે. આમ તો એવું કહેવાય છે કે સમય મોટી દવા છે, સમય પસાર થાય તેમ ઘા પર આપોઆપ રુઝ આવી જતી હોય છે. એપ્રિલ – મે – જૂન – જુલાઈ… સમય પસાર થતો હતો તેમ લેખકના હૃદયની પીડા વધતી હતી. લેખક ગાડી ડ્રાઈવ કરતા હોય, ફિલ્મ જોતા હોય, આકાશ સામું તાકતા હોય… તેમની આંખમાંથી ચોધાર આંસુ વહ્યા જ કરે.
અચાનક નવી સ્થિતિનું નિર્માણ થયું. લેખકને રસોઈ અત્યંત ખારી લાગવા માંડી. તેમણે પત્નીને ફરિયાદ કરવા માંડી શાક અને દાળમાં મીઠું વધારે લાગે છે. છાસ કડવી લાગવા માંડી. એ પછી તો એવું થવા માંડ્યું છે તેમનું નાક અત્યંત દૂરની સુગંધ પણ સુંઘવા લાગ્યું.
ઘણા ડોકટરોને બતાવ્યું, પૂછ્યું કે અચાનક આવું કેમ થઈ ગયું. એલર્જીના એક નિષ્ણાત ડોકટરે નાકની અંદર સુધી ઊંડે નળી નાખીને તપાસ કરીને દવા આપી. લેખકનું વજન છ પાઉંડ ઉતરી ગયું. લેખકને લાગ્યું કે તેમની સ્વાદ અને સુગંધની ઈન્દ્રિય વધુ પડતી સતેજ થઈ ગઈ હતી. એ પછી તો લેખકે જાતે જ કારણ શોધી કાઢ્યું.. કોઈ વ્યક્તિ હદ બહારનું રડે, બહુ વલોપાત કરે તો એનું શરીર ત્યારે આપોઆપ રીતે એસ્ટ્રોજન હોર્મોનનું પ્રમાણ વધારી દે.
માતા-પિતાના વિયોગમાં અમેરિકામાં રહેતા રાહુલ શુક્લ નામના પુત્ર એટલું રડ્યા, એટલું રડ્યા કે તેમને દુનિયા ખારી, વધુ ખારી લાગવા લાગી.
તો આવા એક સંવેદનશીલ પુત્રએ આ પુસ્તક લખ્યું છે. પુસ્તક લખવાનું પણ ખાસ કારણ છે : મને થાય છે તેવાં સંવેદનો મારા જેવા અનેક લોકોએ અનુભવ્યા હશે. આથી થયું કે જો હું આ યાતનાનું વિગતપૂર્વક વર્ણન કરું તો કદાચ બીજા સૌની યાતનાને જાણે વાચા આપતો હોંઉ એવું લાગે. થયું, આ લખવાથી જેમ મારું દુઃખ ઓછું થશે તેવી જ રીતે વાંચનારાના હૃદયમાં જે બાંકોરા પડ્યાં હશે તે પણ કદાચ પૂરાશે. જેમ લાગણી મને મારાં માતા-પિતા માટે હતી તેવી જ કે તેનાથી પણ અનેકગણી વધુ લાગણી, કેટલાય લોકોએ મનમાં દબાવી રાખી હશે, અને આમ કદાચ મારા દુઃખની વાતો આવી વિસ્તૃત વિગતમાં વાંચશે તો કદાચ એમનું દુઃખ થોડું હળવું થશે.
લેખકે પુસ્તક એ રીતે લખ્યું છે કે તેઓ તેમના પુસ્તક લખવાના આ પ્રયોજનમાં સફળ થાય છે.
આ પુસ્તક વિશિષ્ટ રીતે લખાયું છે. તેમાં કલ્પના છે, સ્વપ્ન છે, ભાસ-આભાસ છે, વિદાય પામેલાં માતા-પિતા સાથેનો સંવાદ છે, અતીતનું અજવાળું છે અને પીડાનું અંધારું પણ છે. તેને તમે કોઈ ચોક્કસ સ્વરૂપમાં બાંધી ના શકો તેવું આ પુસ્તકનું કાઠું-રૂપ છે.
એક પિતા-પુત્રનો સંવેદનશીલ સંબંધ અને એ સંબંધની અનેક સૂક્ષ્મ સંવેદનાઓ આ પુસ્તકમાં છે.
એકવીસમી સદીની નિયતિ છે કે લાખો માતા-પિતા પોતાનાં સંતાનોથી વિમુખ થઈ ગયાં છે, અળગાં થઈ ગયાં છે. આવો અલગાવ ક્યારેક કેટલો મોટો લગાવ હોય છે તેની આ રસપ્રદ કથા છે. આપણે વતન ઝૂરાખાની ઘણી વાતો-વાર્તાઓ વાંચી છે, સાંભળી છે. તેમાં આ શિરમોર છે. માતા-પિતાના ઝૂરાપાને શબ્દો દ્વારા શ્રેષ્ઠ રીતે વ્યક્ત કરતો આ નિબંધસંગ્રહ ગુજરાતી ભાષા-સાહિત્યને સમૃદ્ધ કરશે તે નક્કી.
તુલસીપત્ર :
વિયોગની તીવ્ર અભિવ્યક્તિ ક્યારેક મિલન કરતાં પણ વધારે સુખકર બનતી હોય છે.

 https://www.facebook.com/ramesh.tanna.5/posts/10154534123572893

 

Advertisements
3 ટિપ્પણીઓ leave one →
  1. ફેબ્રુવારી 23, 2017 6:14 પી એમ(pm)

    Reblogged this on સહિયારું સર્જન – ગદ્ય.

  2. ફેબ્રુવારી 24, 2017 1:54 પી એમ(pm)

    અદભૂત જીવનકથા. ગમી ગઈ.

  3. માર્ચ 25, 2017 9:54 એ એમ (am)

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: