કંટેન્ટ પર જાઓ

ન્યૂ જર્સીનો ઊર્મિલ પારસી કવિ – વિરાફ કાપડિયા

મે 29, 2016

Viraf Kapadia Ramesh P Poetry Award to V-2 

વિરાફ કાપડિયા                                               રામભાઇ ગઢવી અને મુરારી બાપુ સાથે વિરાફ ભાઇ

Poetry Award in Tampa-Niranjan Bhagat Announcing

નિરંજન ભગત “રમેશ પરેખ ઍવોર્ડ ” વિશે જાહેરાત કરતા

Poetry Award in Tampa-Niranjan Bhagat

નિરંજન ભગત પાસેથી “રમેશ પરેખ ઍવૉર્ડ” સ્વિકારતા વિરાફ ભાઇ

  

વિરાફ કાપડિયાઃ ટૂંક પરિચય

 

– કૃતિઓમાં કાવ્યો, વાર્તા, લેખો અગ્રગણ્ય સામયિકોમાં પ્રકાશિત; કાવ્યસંગ્રહ ‘આ કવિતા તેમને માટે’

– રમેશ પારેખ સાહિત્યિક પારિતોષિક 2010 માં પ્રાપ્ત.

– મધુસૂદન કાપડિયા લિખિત પુસ્તક ‘અમેરિકાવાસી સર્જકો’માં એમની રચનાઓ ઉપર મહત્ત્વનો સંપૂર્ણ લેખ.

– રચનાઓમાં ભારતીય સંસ્કૃતિ, પારસી કલ્ચર, અને અમેરિકન જીવનની સંયુક્ત અસર; અલગ ભાત પાડતાં વૈવિધ્યપૂર્ણ રજૂઆતવાળાં કાવ્યો

– ગુજરાતી, હિંદી, અંગ્રેજી/અમેરિકન ભાષા-સાહિત્યનો અભ્યાસ. ગમતી અંગ્રેજી કૃતિઓનાં રૂપાંતર/અનુવાદ

– મુંબઈમાં પારસી પરિવારમાં જન્મ, અમેરિકામાં ઇન્ડસ્ટ્રીઅલ એન્જિનિયરિંગમાં Master of Science કરીને સ્થાયી નિવાસ, વ્યવસાયે નિવૃત્ત ઇન્ફર્મેશન ટેક્નોલોજી કન્સલ્ટન્ટ.

સંપર્ક –vkapmail@yahoo.com

 

એમનાં થોડાંક કાવ્યો:

 

બચપની પરિચિત કવિતાઓ

 

ચાલતાં ચાલતાં કંઈ વધારે જ ચાલી ગયો,

ગામ-બહાર આવી ગયો.

ત્યાં ત્રિપથ-જૂથ પર વૃદ્ધિ પામેલા

મર્મર પરદાઓની પાલખી ઝુલાવતા

વીપિંગ વિલો વચ્ચે હસતું ઝરખ બેઠું હશે

એવી મનોમન રમત રમતો

૪૫ અંશનો વળાંક વળી ગયો.

 

યાદ આવી ગઈ આખેઆખી

શૈશવની નિશાળમાં શીખેલી

ન સાયાસ ક્યારેય કંઠસ્થ કરેલી

મનની ઊંડી તળેટીમાં વર્ષો લગી

કુંડળી  મારીને ગાઢ સૂતેલી

રિપ વેન વિઁકલ જેવી

વળી એક બીજી કવિતા.

 

અચાનક યાદીની ઝાડીમાં ઊછળતાં,

ચંચલ ઊડાઊડમાં, કૂદાકૂદમાં પડી જતાં

શૈશવે પરિશીલિત કાવ્યોનાં પતંગિયાં

આવે છે કદી

આયુષના ઉત્તરપ્રદેશનું ઉડ્ડયન કરીને,

પાંખો પર આબેહૂબ એ જ

આદ્ય અચંબાની નકશી ધરીને.

 

ખંડ ખંડ ઉડ્ડયન કરીને પધારતાં

મૉનાર્ક પતંગિયાં, સમ્રાટ પતંગિયાં, આવો.

પહેલાંની પરિચિત પેલી જાદુઈ ક્રીડા કરો

કલ્પના-પહાડની છાયામાં વાંકીચૂકી વિસ્તરેલી ખેતીમાં,

મારા મનની તળેટીમાં,

જ્યાં બીજાં કેટલાંય પતંગિયાં પણ

અસ્તવ્યસ્ત ઊડે આનંદની હેલીમાં.

સમગ્ર એ સંઘની હારોહાર

સુરધનુ પણ પાંખો પકડીને કરે વિહાર.

ને થોડી જ વાર, ભલેને બસ  થોડી જ વાર,

રંગો તમારા ભભકાદાર

ચેતવીને વર્જ્ય કરે

વાસ્તવનાં ચકલાંના ચંચુપ્રહાર.

 

(વીપિંગ વીલો − ભૂમિ સુધી નમતી ડાળીઓ શોભાવતું એક વૃક્ષ.  રિપ વેન વિંકલ − પ્રખ્યાત અમેરિકન વાર્તાનો નાયક જે દાયકાઓ સૂઈને ઊઠ્યા પછી જગતને આશ્ચર્યથી જોતો રહ્યો. મૉનાર્ક પતંગિયાં − પ્રતિવર્ષ 2000 માઇલ લાંબું માઇગ્રેશન કરતાં વિસ્મયકારી પતંગિયાં. એમના ચળકતા રંગો એ ભક્ષ તરીકે અરુચિકર હોવાની પક્ષીઓને ચેતવણી આપે છે.)

 

જર્સીની રાણી ને મન-મગન દેશના રાજાનાં લગન

(જર્સી સીટી રહેતા મિત્રને ઘેર લગ્નપ્રસંગ વખતે લખેલું હળવું ગીત)

 

એક હતી ભઈ રાણી તે તો જર્સીની ભઈ રાણી; એક હતા ભઈ રાજા તે મન-મગન દેશના રાજા;

ઓ સુલેમાન શરણૈવાળા, આવ અમારા આંગણમાં તું, જલ્દી જલ્દી વગાડ વાજાં !

એક દિવસ એ રાજાને બહુ લાગી ઠંડી,

રાજા બોલ્યા, “મારી પાસે નથી કોટ કે બંડી,

ઓ જર્સીની જરસીવાળી રાણી, શરદી

થાય મને, તું દઈ દે તારી જરસી જરીક જલદી. ”

રાણી બોલી મક્કમ વાણી, “મેરી જરસી નહીં દૂંગી.

કેવી વાત કરે રાજા, ક્યા બિન જરસી ઘૂમુંગી ?

તારી-મારી એક જ જરસી, આના હો તો આ જા ! ”

અને ત્યારથી જરસી જોડે દિલની ઉષ્મા-ખુશબૂ ઓઢે મગન દેશના રાજા, રે ભઈ લગન દેશના રાજા.

ઓ સુલેમાન શરણૈવાળા, આવ અમારા આંગણમાં તું, જલ્દી જલ્દી વગાડ વાજાં !

 

જીવન-કવિતા

 

આ ધોધ પડે તે જીવન જી,

ને નાદ અનહદ તે કવિતા રે.

આ ખગ ઊડ્યાં તે જીવન જી,

ને વિના શબદ તે કવિતા રે.

આ રેતનું રણ તે જીવન જી,

ત્યાં હરણ દોડતું, કવિતા રે.

આ અંક બિછાવ્યો, જીવન જી,

ત્યાં બાળ પોઢતું, કવિતા રે.

આ સાધુ ચલ્યો તે જીવન જી,

ભરી ભસ્મ અંગ તે કવિતા રે.

આ ઊતરે આરતી જીવનની,

ને બજત ઘંટ તે કવિતા રે.

આ ભુવન-માટલું જીવન જી,

ચુપ સમય ચૂએ તે કવિતા રે.

આ નજરું જુએ તે જીવન જી,

મારું ઉર ઊજવે તે કવિતા રે.

One Comment leave one →
 1. pragnaju permalink
  મે 29, 2016 6:01 પી એમ(pm)

  આ ભુવન-માટલું જીવન જી,

  ચુપ સમય ચૂએ તે કવિતા રે.

  આ નજરું જુએ તે જીવન જી,

  મારું ઉર ઊજવે તે કવિતા રે.
  પ્રેરણાદાયી

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: