Skip to content

સાહિત્ય અને સંગીત પ્રેમી મીરાં મહેતા–પી. કે. દાવડા

એપ્રિલ 15, 2016

Mira Mehta

કેલિફોર્નિયાના Bay Area માં રહેતા ભારતિયોએ બે વર્ષ પહેલા સાહિત્ય અને સંગીતની એક અભૂતપુર્વ પ્રેમી મહિલાને ભારે હૈયે વિદાય આપી. નામ હતું મીરાં મહેતા.

મીરાં બહેનનો જ્ન્મ ભાવનગરમાં ૧૨મી નવેમ્બર, ૧૯૪૧ ના થયેલો. પિતા બાલકૃષ્ણ ત્રિવેદી ન્યાયતંત્ર સાથે જોડાયલા હતા અને માતા શાંન્તિલાબહેન શિક્ષણક્ષેત્ર સાથે. પિતા આગળ જતાં ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટીસ બનેલા અને માતા શાળાના પ્રિન્સીપાલ.

મીરાંબહને ભારતમાં Sociology માં M.A. કર્યા બાદ Law College માંથી LLB ની ડીગ્રી મેળવેલી. Sociology ના અભ્યાસ દરમ્યાન એક સો થી વધારે વિધવાઓના જીવનનો ગહન અભ્યાસ કરી અને એમના જીવનમાં સુધાર લાવવાનું લક્ષ્ય બનાવ્યું હતું. LLB ના અભ્યાસ બાદ રીઢા ગુનેગારો સાથે કામ કરી, એમને સમાજની મુખ્ય ધારામાં પાછા કેમ વાળવા એ દિશામાં કામ કર્યું હતું.

૧૯૭૦ માં અમેરિકા સ્થિત સિવિલ એંજીનીઅર મહેન્દ્ર મહેતા સાથે એમના લગ્ન થયા. મીરાંબહેન લગ્ન કરી અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યના સાન ફ્રાંસિસ્કો શહેરમાં આવ્યા. ૧૯૭૧ માં એમની પુત્રી કલાનો જન્મ થયો, ત્યારે એમને કદાચ કલ્પના નહિં હોય કે એમને આંગણે જીવનભર અનેક કલાઓનો ઉછેર થવાનો છે. મીરાંબહેનના સદનશીબે મહેન્દ્રભાઈ પણ સાહિત્ય અને સંગીતના ચાહક નીકળ્યા, એટલે મીરાંબહેનના શોખ અને શક્તિ બેવડાઈ ગયા. આમ તો મીરાંબહેનનો સાહિત્યપ્રેમ કોલેજ કાળથી વિકસિત હતો. ગુજરાતિ સાહિત્ય પરિષદના જ્ઞાનસત્રમાં તેઓ અચૂક હાજર રહેતા. માત્ર ૧૯ વર્ષની ઉમરે એમણે એક નવલકથા “કલા-પ્રણય” લખી અને આ નવલકથાને નવોદિત લેખકોની સ્પર્ધામાં ત્રીજું ઈનામ મળેલું.

કલા એક વર્ષની થઈ ત્યારે મીરાંબહેનને અહીંના ન્યાય ખાતામાં પ્રોબેશન અધિકારી તરીકે નોકરી મળી. પુત્રીનો ઉછેર અને નોકરીની બેવડી જવાબદારીમાં સહાયરૂપ થવા, મીરાંબહેનના માતા-પિતા અમેરિકા આવ્યા, અને ત્યારબાદ અમેરિકામાં જ સ્થાયી થયા.

દસેક વર્ષ ન્યાયખાતામાં કામ કરી મીરાંબહેનને કંઈક વધરે કરવાની ઈચ્છા થઈ. એમણે ૧૯૮૪ માં California Bar ની અઘરી ગણાતી પરિક્ષા માટે અભ્યાસ કરી, એમાં સફળતા મેળવી. ત્યારબાદ એમણે કેલિફોર્નિયાની કોર્ટસમાં એડવોકેટ તરીકે પ્રેકટીસ શરૂ કરી. એમણે કુટુંબને લગતી કાનુની બાબતો, જેવી કે વીલ, ટ્રસ્ટ, પ્રોપર્ટીના વિવાદો, છૂટાછેડા અને બાળકોના હક્કોના રક્ષણ જેવા વિષયોમાં ધ્યાન કેંદ્રિત કર્યું. એ સમયે આ વિસ્તારમાં માત્ર બે કે ત્રણ સ્ત્રીઓ જ વકીલ તરીકે પ્રેકટીસ કરતી હતી. મીરાંબહેનનું ધ્યેય ખાસ કરીને સ્ત્રીઓને મદદરૂપ થવાનો હતો એટલે એમણે ઘણી બહેનોને પોતાના ખર્ચે એમના હક્ક અપાવેલા.

આ સમય દરમ્યાન એમની સામાજીક પ્રવૃતિઓ ઉત્તરોતર વધતી રહી અને એમનું ઘર Bay Area નું સંસ્કૃતિધામ બની રહ્યું. બહારગામથી કે ભારતથી કોઈ કલાકાર આવે તો એમને ઘરે રોકાતા, એમને રહેવાની ખાવા-પીવાની સગવડ ઉપરાંત એમના કાર્યક્ર્મો યોજવા, એમને શહેર અને આસપાસના જોવા લાયક સ્થળોએ લઈજવામાં આ મહેતા દંપતીને આનંદનો અનુભવ થતો.

૧૯૮૯ માં મહેન્દ્રભાઈને સેક્રેમેન્ટો અને ત્યારબાદ સાન ડિયેગો રહેવું પડેલું. ત્યાં પણ મીરાંબહેનની નાનીમોટી મહેફીલો સજતી, અને સાહિત્ય, સંગીત અને નૃત્યકલા પાંગરતી. ૨૦૦૬ માં Bay Area માં પાછા ફર્યા, અને ત્યાર બાદ જીવનના અંત સુધી મીરાંબહેને પાછું વળીને જોયાવગર કલા અને સંગીતમાં ઓતપ્રોત રહ્યા. એમનું ઘર Bay Area માં આવનારા કલાકારોનું સરનામું બની ગયું. કોઈપણ ભારતીય કલાકારને Bay Area માં પોતાની કલા ઉજાગર કરવી હોય તો મીરાંબહેનના ઘરના દરવાજા ખુલ્લા હતા. કેટલીયેવાર એમણે સાહિત્ય અને સંગીતના રસિયાઓને પોતાને ઘરે એકઠા કરી મહેફીલો જમાવેલી, કોઈપણ જાતના ખાસ કારણ કે પ્રસંગની આડ વગર.

મહેતા દંપતીએ આગેવાની લઈ, ૨૦૦ થી વધારે જાહેર જનતા માટેના કાર્યક્ર્મ યોજી, વક્તાઓ, કવિઓ, નૃત્યકારો અને સંગીતકારોને પોતાની કલા પ્રદર્શિત કરવાની સગવડ કરી આપેલી. આવા કાર્યક્રમોમાં ઉસ્તાદ અલી અકબર ખાં, પંડિત રવિશંકર, પંડિત નિખીલ બેનર્જી, ઉસ્તાદ ઝાકીરહુસેન, પંડિત સ્વપ્ન ચૌધરી અને પંડિત હરિપ્રસાદ ચોરસિયા જેવી મહાન હસ્તીઓ પણ સામીલ હતી. ગુજરાતી ગાયકો અને સંગીતકારોમાં પુરૂષોત્તમ ઉપાધ્યાય, રાસબિહારી અને વિભા દેસાઈ, અમર ભટ્ટ અને અન્ય ઘણાં લોકો સામીલ હતા. સાહિત્યકારોમાં ઉમાશંકર જોષી, મનુભાઈ પંચોલી, નિરંજન ભગત અને સુરેશ દલાલ અને બીજા અનેક લોકો શામીલ હતા.

૫ મી એપ્રીલ, ૨૦૧૪ ના મીરાંબેનના સ્વર્ગવાસના સમાચારથી Bay Area ના કલારસિકોમાં સોપો પડી ગયો. એમનું આતિથ્ય માણી ચૂકેલા કે એમની મદદથી કલાજગતમાં પા પા પગલી માંડેલા જ નહિં, પણ સમગ્ર ભારતીય સમાજના લોકો સ્તબ્ધ થઈ ગયા. એમની મહેમાનગતિ પામી ચૂકેલા અનેક કલાકારો અને સાહિત્ય અને સંગીતના પ્રેમીઓએ એમને ભારહૈયે વિદાય આપી. જે હાજર ન રહી શક્યા, એવા કલાકારોએ હ્રદયપૂર્વક સંદેશા મોકલ્યા.

ઉસ્તાદ ઝાકીર હુસેન અને એમની પત્ની એન્ટોનીયાએ સંદેશામાં લખ્યું, “ મારા કાર્યક્રમમાં મીરાંજીનો હસતો ચહેરો જોવાનો લહાવો હતો, હવે એની ખોટ સાલસે. હું, મારી પત્ની અને અમારૂં આખું કુટુંબ શોકાતૂર છે અને તમારી સાથ હમદર્દી દર્શાવે છે.”

કવિ શ્રી અનિલ જોષીએ શોક સંદેશામાં જણાવ્યું, “ યાદો તો માત્ર આપણે જેને ચાહીએ છીએ એમની સાથે આપણે શું હતા એ જ કહી શકે છે, પણ આપણે એકલા શું હશું, એ જાણવામાં મદદરૂપ થઈ શકે નહિં. જે આજે હૈયાત નથી, એમના પડઘા આપણા વિચારોમાં પડે છે અને આપણા વર્તનમાં વણાઈ જાય છે.”

શ્રી પુરૂષોત્તમ ઉપાધ્યાયે લખ્યું “કલાની દુનિયામાં મીરાંબહેનનો ફાળો ક્યારેય નહિં ભૂલાય. એમનો કલાકારો, સંગીત અને સાહિત્ય પ્રત્યેનો ઉત્સાહ અજોડ હતો.”

શ્રીમતિ વિભા દેસાઈએ મકરંદ દવેના શબ્દો ટાંકતાં લખ્યું છે,

“અમે તો જઈશું અહીંથી, પણ અમે ઉડાડ્યો ગુલાલ રહેશે,

ખબર નથી શું કરી ગયા, પણ કરી ગયા તે કમાલ રહેશે.”

શ્રી અરવિંદ કનસલે લખ્યું છે,

“ ચંદ લોગ દુનિયા મેં યું મિલતે હૈ,

દિલમેં જગહ કર લેતે હૈ,

ઈસ જહાંસે કૂચ કરકે ભી,

દિલમેં બસર કરતે.”

હ્રદયમાંથી નીકળેલી આવી તો અનેક શ્રધ્ધાંજલી મીરાં બહેનને અર્પણ થઈ હતી.

 

 

 

 

Advertisements
No comments yet

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: