“શિકાગો આર્ટ સર્કલ”-નાં કવિ ડૉ દંપતિ અશરફ્ભાઇ ડબાવાલા અને મધુમતીબેન મહેતા
અશરફભાઇ અને મધુમતિબેન હ્યુસ્ટન ૨૦૧૧માં આવ્યા ત્યારનો આ લેખ લખવાનો હતો પણ તેનો યોગ હાલ શીકાગો જવાનું થયું ત્યારે આવ્યો. સમયની મારા મારી તો આમેય ડોક્ટર દંપતિને હોય જ પણ મારા ફોન નો તરત પ્રત્યુત્તર પણ આવ્યો અને બીજે દિવસે “ગે લોર્ડ રેસ્ટોરંટ”મા મળવાનું ભાવભર્યુ આમંત્રણ પણ મળી ગયુ. સામાન્ય રીતે રેણુ મારી સાથે આવે ત્યારે શાંત શ્રોતા નો પાઠ ભજવતી અને મેં પહેલો પ્રશ્ન પુછ્યો કે આપ આપના વ્યવસાયમાં આટલા વ્યસ્ત હો છતા કાવ્ય સર્જનમાં સમય કેવી રીતે કાઢી શકો છો? અને રેણુનો રસ જાગી ગયો..
ડો અશરફભાઇ બોલ્યા એવું કહેવાય છે કે “જે કવિતાને ચાળે ચઢ્યો તે કવિતા ન કરે ત્યાં સુધી તેને ચેન ના પડે પછીને ભલેને તે ડોક્ટર હોય કે (મારી સામે જોઇને હસતા બોલ્યા) શેર બ્રોકર”.અને અમે બધ્ધા હસી પડ્યા. મેં મધુમતિબેન ને પ્રશ્ન પુછ્યો કે “તમારા લગ્ન પહેલાનાં સંઘર્ષ લગ્ન કર્યાની ઘટના આમ તો સર્વ વિદિત છે પણ તમારે મોઢે તે કહો..”
” અશરફનું કુટૂંબ આમેય રાજવી કુટુંબ એટલે તેત્ને ત્યાં તો કોઇ વિરોધ નહોંતો.. મારા બાપુજીને સમાજની ધાસ્તી લાગે પણ એક દિવસ જ્યારે મેં પુછ્યું કે અશરફ જેવો સમજુ કોઇ બીજો મુરતીયો તમે અમરેલી ગામમાં બતાવો તો ખરા?”
“દીકરી તારી વાત તો સાચી છે..પણ..” કહી તેઓ અટકી ગયા.
લગ્ન પછી અશરફભાઇ કહે મને તો બધા હિંદુઓએ જમાઇ તરીકેનો માન અને મહોબત આપી છે કોઇએ ક્યારેય વિરોધ નથી કર્યો. જો કે તે વખતે રાજકીય વાતાવરણમાં ગરમી ક્યારેય આવી જાય અને રોજ ના સામાન્ય જન જીવનમાં તકલીફ ના પડે તેમાટે અમે પ્રેક્ટીસ મુંબઇમાં શરું કરી અને ત્યાંથી બાહરીન અને ત્યાંથી શીકાગો આવીને સ્થિર થયા.
અશરફ્ભાઇ શીકાગો આર્ટ સર્કલ છેલ્લા પંદરેક વર્ષથી ચલાવે છે અને માને છે કે દરેક કળા તેના મૂળસ્વરૂપે તો માતૃભાષાને સાચવતી હોય છે તેથી કાવ્ય ઉપરાંત તેઓ સંગીતનાં પણ પ્રોગ્રામો કરતા હોય છે.. હાલમાં હકારાત્મક વલણો ને કેળવતા વિષયો પર પણ સક્રિય થયા છે.
૧૯૭૦થી લખતા અશરફ ભાઇ કહે છે કે મધુ સાથે મૈત્રી થઇ ત્યારથી જ કવિતા અમારી વચ્ચે રહી હતી. ૧૯૭૦ થી ૧૯૭૯ સુધીથોડું થોડું લખાતું પણ પછી ૧૬ વર્ષ સુધી કશું જ ન લખાયુ. ૧૯૯૫માં કંઇક ન સમજાય તેવી ઉથલ પાથલો થઇ અને ” ફરી લવારો લઇને બેઠા અમે ટેરવા પર” સર્જાયુ
મધુ અમેય મારી પહેલી ભાવક અને વિવેચક.. એની સાથે જીવાતી જિંદગી કાવ્ય રુપે આવે તો ક્યારેક આસપાસનાં દર્દીઓનાં જીવનમાં થતી ઘટનાઓપણ તેમને લખવા મજબુર કરતી. જો કે ડૉ.ચીનુ મોદીનાં મતે અશરફ ગંભિર દાક્તર તરીકે ભલે તેની છાપ પાડે પણ છે મહામશ્કરો અને લાગણીઓથી ભર્યો ભર્યો. પોતાના વહાલથી અમેરિકાની ભૂમિમાં વસતા અનેક ગુજરાતીઓનાં હ્રદયને ભીંજવતા આ યુગલને યજમાન ત્સરીકેનું નોબલ પારિતોષીક ચીનુ મોદી એ અર્પણ કર્યુ છે.
એક પુરાકલ્પન જોઇએ
શું મહાભિનિષ્ક્રમણ? ને શું વળી આ બુધ્ધતા?
સઘળું છોડીને ઘર તરફ પાછા વળો તો બહુ થયું.
અશરફભાઇને મળેલા ઇનામો અને પારિતોષિકોની નોંધ વાચકોની જાણ ખાતર.
પ્રથમ કાવ્યસંગ્રહ ” ધબકારાનો વારસ “ને ગુજરાતી સાહિત્ય પરિષદનું પારિતોષિક અને ગુજરાત રાજ્ય સાહિત્ય અકાદમીનો પુરસ્કાર. તથા ભાવનગર અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં એમ.એ નાં અભ્યાસક્રમમાં પાઠ્યપુસ્તક તરીકે પસંદ પામેલ છે.
ગઝલ સર્જન માટે વિખ્યાત નાટ્ય સંસ્થા દ્વારા “કલાપી એવૉર્ડ”
ગુજરાતી લીટરરી અકાદમી ઑફ નોર્થ અમેરિકાનું “ચુનીલાલ વેલજી પારિતોષિક”
દ્રષ્ટિ મીડીયા, શિકાગો, યુ.એસ.એ.દ્વારા લાઇફ ટાઇમ એચીવમેંટ એવૉર્ડ.
સુરેશ દલાલ અશરફ્ભાઇ વિશે લખે છે કે “અશરફ ડબાવાલાની કાવ્ય સૃષ્ટિ એક એવા ઉંબરાનો પરિચય આપે છે જે ઉંબરા પર મુકેલો એક દીવો છે. આ દીવો બે બાજુ પ્રકાશ ફેંકે છે .એક બાજુનાં પ્રકાશમાં નર્યા આનંદનું અજવાળુ છેતો બીજી બાજુનાં પ્રકાશમા ધુમ્મસીયો વિષાદ છે.”
મધુમતી બેન વિશે વાત કરવાની હોય અને ભજ ગોપાલમ યાદ ના આવે તેવું ના બને અને હ્યુસ્ટનમાં તેમણે રજુ કર્યુ હતુ તે યાદ.રુબરુ મળ્યા ત્યારે હસતા હસતા તેમણે ઘણી વાતો કરી કે જેમાં સર્જકતાનું ઉંચેરું ઇંદ્રધનુષ્ય આધ્યાત્મિકતાને સહારે દીપતુ દેખાય.ગઝલ અને ગીતો તેમની કલમે કોઇ પણ ગામ ગોકીરો કર્યા વીના હૈયે ઉગેલી વાત્ને રજુ કરી દે છે.
જાત ફરતે સભ્યતાનીકાંચળી દેખાય છે
કોઇ પણ ચહેરો નથી બસ આરસી દેખાય છે.
તેઓ રુદ્રાક્ષને આધ્યાત્મનું પ્રતિક માને છે. તેમના કાવ્ય સંગ્રહ “નામ તારું રુદ્રાક્ષ પર” નાં નિવેદનમાં લખે છે કે મારું પ્રિય નામ રુદ્રાક્ષ ઉપર લખી દઇને આખા વિશ્વ સાથેસંકળાઇ જતી હોય તેમ મને લાગે છે.
એક પણ કાગળ બચ્યો નહિ આખરે,
નામ તારુંમેં લખ્યું રુદ્રક્ષરે.
ગીતો લખવા પાછળ તેમની અંતર્યાત્રા તેમની જાતને ઓલખવાની ઝંખના અને વિશ્વ ચૈતન્ય સાથે ઐક્ય અનુભવવાની અદમ્ય ઇચ્છા ભાગ ભજવે છે. તેઓની કવિતા તેમની જેમ જ બીન્દાસ્ત છે અને મહદ અંશે એક જ બેઠકમાં લખાઇ જતી હોય છે. તેઓ કહે છે કે મારી દુનિયા ભાવનાની, રંગોની, ફુલોની,મહેંકની અને આનંદની દુનિયા છે. એ દુનિયામાંજ્યારે કોઇ ખાસ શબ્દ ઉમેરાય છે ત્યારે ગીત ગઝલનું સર્જન થાય છે. જે શબ્દોનાં વાઘા પહેરીલોકો સુધી પહોંચેઅને તેમની લાગનીઓ ઢંઢોળેત્યારે સર્જન નો આનંદ અનેક ગણો વધતો જણાય છે.
તેમનો કાવ્ય સંગ્રહ “નામ તારું રુદ્રાક્ષ પર” ૭૫ જેટલી ગઝલો અને ગીતોનો સંગ્રહ છે