મળવા જેવા માણસ-૫૦ (શ્રીમતિ પ્રજ્ઞાબહેન દાદભાવાળા)
પ્રજ્ઞાબહેનનો જન્મ ૧૯૫૭ માં રાજકોટમાં થયો હતો. એમના પિતા શ્રી જયંતિલાલને કોલેજના બે વર્ષ સુધીનું શિક્ષણ પ્રાપ્ત થયેલું, જ્યારે માતા અનસુયાબહેન પાંચ ધોરણ સુધી ભણેલા હતા. પિતા બ્રૂક બોન્ડ ટી કંપનીમાં નોકરી કરતા હતા.
પ્રજ્ઞાબહેનનું પ્રાથમિકશાળાનું શિક્ષણ મુંબઈની જાણીતી અમુલખ અમીચંદ ભીમજી વિવિધલક્ષી વિદ્યાલયમાં થયેલું. અહીં ભણતર ઉપરાંત બાળકોની પ્રતિભા નિખારવા, વિવિધ વિષયો શીખવવામાં આવતા, અને છઠા ધોરણ થી વિવિધ લાઈન પસંદ કરવા મળતી. આ શાળામાંથી પ્રજ્ઞાબહેને ૧૯૭૫ માં SSC પરીક્ષા પાસ કરી. SSC ની પરીક્ષા પાસ કરી, પ્રજ્ઞાબહેન મુંબઈની SIES કોલેજમાંથી ફિલોસોફી અને સાઈકોલોજી વિષય સાથે ગ્રેજ્યુએટ થયા.
કોલેજ કાળ દરમ્યાન એમણે કવિતાઓ લખી, જેમાની કેટલીક કુમાર માસિકમાં પ્રગટ થઈ. આ સમય દરમ્યાન જ એમણે SNDT યુનિવર્સીટીમાંથી પત્રકારિતાનો કોર્સ પણ કર્યો, અને એ દરમ્યાન હરીન્દ્ર દવે, સુરેશ દલાલ અને પ્રદીપ તન્ના જેવા નામી સાહિત્યકારોના સંપર્કમાં આવ્યા. આ ઉપરાંત એમણે જુદા-જુદા ઘણાં ક્ષેત્રોમાં અભ્યાસ કર્યો. જેવા કે કોમર્સિયલ આર્ટ, ફેશન ડીઝાઈનીંગ, નૃત્ય અને પછી બ્યુટી પાર્લરનો કોર્ષ. એકવાર પુરૂષોત્તમ ઉપાધ્યાયને હસ્તે સંગીત સ્પર્ધામાં ઈનામ પણ મેળવ્યું. ત્યારબાદ નાટક-સિનેમાના કલાકાર દીના પાઠકની દોરવણી નીચે અભિનય શિખવાનું શરૂ કર્યું, ત્યારે એક બે વાર રેડિયોમાં નાટકના પાત્રો પણ નિભાવ્યા. એમના પિતાએ એમની કારકિર્દી ઘડવામાં ખુબ મદદ કરી અને પ્રોત્સાહન આપ્યું, અને માતાએ ઘરકામની સમજ આપી.
૧૯૮૦ માં પ્રજ્ઞાબહેનના લગ્ન એક મોભાદાર દાદભાવાળા કુટુંબના સુપુત્ર શરદભાઈ સાથે થયા. શરદભાઈ વ્યવસાયથી Chartered Accountant છે. આધુનિક વિચારશ્રેણીવાળા આ કુટુંબમાં પ્રજ્ઞાબહેનને પોતાની આવડત અને શક્તિનો ઉપયોગ કરવાની પુરેપુરી છૂટ અને સગવડ હતી. નોકરી કે વ્યાપાર આ બે પર્યાયમાંથી પ્રજ્ઞાબહેને વેપારને પસંદગી આપી. વિમા એજંટ ના કામ ઉપરાંત એમણે ફેશન ડિઝાઈનીંગ અને મેન્યુફેકરીંગનું કામ ઘરમાંથી જ શરૂ કર્યું. આ કામ ખૂબ જ ધીરજ અને પરિશ્રમ માગી લે તેવું છે, પણ પ્રજ્ઞાબહેને ઉત્સાહ અને ખંતથી આ કામમાં સારી સફળતા મેળવી. સાડી, દુપટ્ટા વગેરે ઉપર જાતે ડીઝાઈન કરી તૈયાર કરેલા વસ્ત્રોનું પ્રદર્શન અને વેચાણ ગોઠવી સફળતા મેળવી. મોટા ઓર્ડર હોય ત્યારે કારીગરો રોકી, સમયસર માલ ગ્રાહકોને પહોંચતો કર્યો. લંડન જઈ ત્યાં પ્રદર્શન કરી ઓર્ડર લઈ આવતા, અને વસ્ત્રો સપ્લાય કરતા. આ બધા કામની વચ્ચે ૧૯૮૩ માં એમની પહેલી દિકરી નેહાનો અને ૧૯૮૬ માં એમની બીજી દિકરી ભૂમિકાનો જન્મ થયો હતો.
દિકરીઓને સારૂં શિક્ષણ મળે અને જીવનમાં પ્રગતી કરવાની તક મળે એટલે ૧૯૯૯ માં ગ્રીનકાર્ડ મેળવી પ્રજ્ઞાબહેન સહકુટુંબ અમેરિકા આવ્યા. એકવર્ષ સુધી અન્ય કામકાજને લીધે શરદભાઈ લંડનમાં રહ્યા।. લંડનમાં એક વર્ષ રોકાયા બાદ શરદભાઈ અમેરિકા આવ્યા અને એમને કેલિફોર્નિયામાં નોકરી મળી., એક વર્ષ એકલા હાથે ,બે દિકરીઓ સાથે પ્રજ્ઞાબહેન નોર્થ કેરોલીનામાં રહ્યા, અજાણી ધરતી અને અજાણ્યા લોકો અને તદન અલગ સંસ્કૃતિ માં American Way of Life સમજવાની મથામણમાં કરતા રહ્યા . કાર ચલાવતા શીખ્યા, બાળકોને શાળામાં દાખલ કર્યા, અને સાથે સાથે સેફ વે માં આઠ કલાક ઊભા રહીને કામ કરવાની નોકરી પણ કરી. આમ અહીં આવનારા બધાને જે સ્ટ્રગલ કરવી પડે છે તેવી સ્ટ્રગલ એમને પણ કરવી પડી. કેલીફોર્નીયામાં આવ્યા બાદ એમને બેંકમાં નોકરી મળી, જે એમણે છ-સાત વર્ષ સુધી જાળવી રાખી. બન્ને ની આવક હોવા છતાં ભાડાના એપાર્ટમેન્ટમાંથી પોતાના ઘર સુધી પહોંચવામાં સાત વર્ષ લાગ્યા।. શરદભાઈ અત્યારે ઇન્ડિયા કોમ્યુનીટી સેન્ટરમાં ડિરેક્ટર ઓંફ ફાઈનાન્સ તરીકે કામ કરે છે.
અમેરિકામાં આવ્યા બાદ પણ પ્રજ્ઞાબહેનનો તરવરિયો સ્વભાવ એમને પગવાળીને બેસવા દે એવું ક્યાં હતું? એમણે વૃધ્ધ નાગરિકોને માર્ગદર્શન આપવા અને મદદ કરવાની ટ્રેનીંગ લીધી, અને સમાજ સેવામાં લાગી ગયા. આ વિષય ઉપર એમણે અમેરિકાના રેડિયો જીંદગી ઉપરથી વાર્તાલાપ પણ આપેલો. વિદેશની ધરતી પર ભારતના પારંપારિક સાંસ્કૃતિ અને પારિવારીક સંસ્કારોને અવિરત ધબકતું રાખવા ડગલો” અને “બેય એરિયા ગુજરાતી સમાજ” આ બે ગુજરાતી સંસ્થાઓ Bay Area માં જાણીતી છે. ”DAGLO” એટલે Desi Americans of Gujarati Language Origin. ‘ડગલો’ સંસ્થા બે એરીઆ માં ગુજરાતી સાહિત્ય, સંગીત દ્વારા ભાષાને જીવંત રાખવાનો પ્રયત્ન કરી રહી છે. (કેલિફોર્નિયામાં સાન ફ્રાન્સિસ્કો અને એની આજુબાજુનો વિસ્તાર બેય એરીઆ કહેવાય છે). આ બન્ને સંસ્થાઓમાં પ્રજ્ઞાબહેન અને શરદભાઈ ખૂબ જ સક્રિય ભાગ ભજવી રહ્યા છે. છેલ્લા પાંચ વર્ષથી ગુજરાત ગૌરવ દિનની ઉજવણી માટે સંસ્થાના અગ્રણી કાર્યકર તરીકે પજ્ઞાબેન સાહિત્ય સભર સુંદર પ્રોગ્રામનું આયોજન કરે છે. ૨૦૧૪ માં એમણે રજૂ કરેલો કાર્યક્રમ “નરસૈંયો” એમની કલાકુશળતાનો પૂરાવો હતો. પ્રજ્ઞાબહેન બેય એરીઆમાં ‘પુસ્તક પરબ’ નું સંચાલન પણ સક્રિયરીતે સંભાળે છે. આમ માતૃભાષા જીવંત રાખી, કલા-સંગીત પ્રત્યેની અભિરૂચીને વાચા આપી, ગુજરાતી ભાષાની અસ્મિતાને જાળવવાનું અને ભાષાને ધબકતી રાખવાનું ખુબ જ સુંદર કાર્ય કરી રહ્યા છે.
(બેય એરિયા ગુજરાતી સમાજના વાર્ષિક કાર્યક્રમમાં ડાબીબાજુ શ્રી શરદભાઈ દાદભાવાળા, જમણીબાજુ શ્રીમતી પ્રજ્ઞાબહેન દાદભાવાળા, વચ્ચે મુખ્ય અતિથીઓ)
(બેઠકનું સંચાલન કરતા પ્રજ્ઞાબહેન)
છેલ્લા એક વર્ષથી એમણે મિલપીટાસમાં ગુજરાતીઓનો સાહિત્યમાં રસ જાણી લઈ, એમને મૌલિક લખાણ માટે ઉત્તેજન આપવા પુસ્તક પરબને નવું સ્વરૂપ આપી, “બેઠક” નામે એક પ્રવૃતિ શરૂ કરી છે. અહીં લેખક, પ્રેક્ષક, અને કલાકાર વચ્ચે સુંદર સેતુ બંધાય છે. દર મહિનાના છેલ્લા શુક્રવારે ગુજરાતીઓ ત્રણ કલાક માટે ભેગા થાય છે અને કોઈપણ એક વિષય ઉપર એમના મૌલિક વિચારો, લેખ અને કવિતા દ્વારા રજૂ કરે છે. બેય એરિયામાં ગુજરાતી ઉત્સવના સંચાલન માટે, અને ખાસ કરીને એમની વક્તૃત્વ કલા માટે પ્રજ્ઞાબહેનની ખૂબ જ પ્રસંશા થાય છે. જે વિષય ઉપર એમને બોલવાનું હોય છે એ વિષયનું તેઓ ઊંડું અધ્યયન કરે છે અને સચોટ માહિતી રજૂ કરે છે. સીનિઅર સિટિઝન ને પ્રેરણા આપવા, તેમના જીવનના વિવિધ પાસાઓને સ્પર્શતા તેમના અનુભવોને અભિવ્યક્તિ આપવા , તેમજ તેમની માતૃભાષાની ચાહતને વ્યક્ત કરવા, અને નવોદિત લેખક-કવિઓને પ્રોત્સાહન આપવા પ્રજ્ઞાબહેન “શબ્દોનું સર્જન” નામના બ્લોગનું સંચાલન કરે છે. એ સિવાય “ડગલો”, “બેય એરિયા ગુજરાતી સમાજ” ની પ્રવૃતિઓની માહિતી આપવા અને સીનીયર્સને માર્ગદર્શન કરતા બ્લોગ્સનું સંચાલન પણ કરે છે. અમેરિકામાં સ્થાયી વસવાટ માટે આવેલા ગુજરાતી કુટુંબોને અહીં મળતી સરકારી સગવડોની માહિતી આપી, એમને જોઈતી મદદ કરવા માટે પ્રજ્ઞાબહેન કાયમ ઉત્સુખ રહે છે. હું ગ્રીનકાર્ડ લઈ, કાયમી વસવાટ માટે અમેરિકા આવ્યો, ત્યારે મનેપણ પ્રજ્ઞાબહેનનું ઉપયોગી માર્ગદર્શન મળેલું. બેય એરિયાના જાણીતા ગુજરાતીઓ સાથે મારો સંપર્ક કરાવીઆપવામાં પણ પ્રજ્ઞાબહેનનો મોટો ફાળો છે. તમે પ્રજ્ઞાબહેનનો સંપર્ક pragnad@gmail.com માં કરી શકો છો.
-પી. કે. દાવડા
This indeed a life full of inspiration. My sweet salutes to her.