કંટેન્ટ પર જાઓ

ડો. ધીરુભાઈ ઠાકર-સારસ્વતસાધનાનો પ્રકાશ • કુમારપાળ દેસાઈ

જૂન 27, 2012

આગામી ૨૭મી જૂને ગુજરાતી વિશ્વકોશના દ્રષ્ટા અને સ્રષ્ટા ડૉ. ધીરુભાઈ ઠાકર ૯૫મા વર્ષમાં પ્રવેશશે. શિક્ષણનિષ્ઠા, સાહિત્યનિષ્ઠા અને નાટ્યનિષ્ઠાને કારણે જાણીતા ડૉ. ધીરુભાઈ ઠાકરે આચાર્યપદેથી સાઠમા વર્ષે નિવૃત્તિ લીધી. એ પછી એમની નિષ્ઠા-ત્રિવેણીમાં વિશેષભાવે એમની એક ચોથી નિષ્ઠાનો ઉમેરો થયો તે વિશ્વકોશ-નિષ્ઠાનો ! આયુષ્યના ૬૭મા વર્ષે એમણે વિશ્વકોશનું ભગીરથ કાર્ય શરૂ કર્યું. શ્રી સાંકળચંદભાઈ પટેલના હૂંફાળા સાથ-સહકારથી એમના આ વિશ્વકોશના યજ્ઞનો પ્રારંભ થયો. એકાદ વર્ષમાં તો સાંકળચંદભાઈએ વિદાય લીધી, પરંતુ અમેની ભાવના ધીરુભાઈ માટે મજબૂત પીઠબળની બની રહી. ધીરુભાઈ હંમેશાં વિશ્વકોશની પ્રવૃ્ત્તિને જગન્નાથના રથ સાથે સરખાવે છે. એના આરંભથી જ એમને અનેક તેજસ્વી વિદ્વાન લેખકોનો આ કાર્યમાં સાથ મળતો રહ્યો – પછી એ વિદ્વાનોમાંથી કોઈ યુનિવર્સિટીના કુલપતિ હોય, કોઈ પોતાના ક્ષેત્રના નિષ્ણાત હોય, કોઈ કવિ કે મૅનેજમેન્ટ-નિષ્ણાત હોય, આચાર્ય કે અધ્યાપક હોય કે પછી કોઈ ડૉકટર હોય-પણ એ સહુ કોઈ વિશ્વકોશના આ યજ્ઞમાં પોતપોતાની રીતે સમિધ અર્પવા લાગ્યા.

જુદા જુદા વિષયના તજ્જ્ઞો અને અધ્યાપકોની ધીરુભાઈ ખોજ કરતા જ રહે અને કોઈ વિદ્વાન મળે એટલે એમને પ્રેમપૂર્વક બોલાવે અને સ્નેહથી આ કામમાં જોડી દે. વિશ્વકોશને સમાજના કોઈ એક જ વર્ગનો નહીં, પણ તમામ વર્ગનો સહયોગ મળ્યો – સંતો, શ્રેષ્ઠીઓ, વિજ્ઞાનીઓ, ઉદ્યોગપતિઓ વગેરેનો અને ધીરે ધીરે એનો વ્યાપ વધતાં સમાજસેવકો તથા ગ્રંથાલયનિષ્ણાતોએ પણ વિશ્વકોશમાં પોતાનું યોગદાન આપ્યું.

એના ૨૫મા ગ્રંથ માટે જૂનાગઢની કૃ્ષિ યુનિવર્સિટીના મદદનીશ ગ્રંથપાલશ્રી કાંતિલાલ ઠાકરે પાંચ લાખ રૂપિયાની રકમ આપી; એટલું જ નહીં, પણ આયુષ્યના અંતિમ વર્ષમાં જ્ઞાનવર્ધક ગ્રંથશ્રેણી માટે બીજા પાંચ લાખ રૂપિયા આપ્યા. આમ, વિશ્વકોશની પ્રવૃ્ત્તિની સુવાસ એવી ફેલાતી રહી કે ચોમેરથી ઉમળકાભર્યો સહયોગ મળવા લાગ્યો.

ધીરુભાઈ પાસે કામ કરવું એટલે સતત ખડે પગે રહેવું પડે. એ એકેય કામ ભૂલે નહીં અને જે કામ ગઈકાલે સોંપેલું હોય તે આજે થયું કે નહીં, એ પૂછવાનું – તેનો હિસાબ લેવાનું કદી ચૂકે નહીં / એમની આવી ચિવટને પરિણામે જ ટૂંકા ગાળામાં ‘ગુજરાતી વિશ્વકોશ’નો પ્રકલ્પ પૂરો થઈ શક્યો.

હૃદયરોગના હુમલાને કારણે હૉસ્પિટલના ICCU યુનિટમાં સૂતાં સૂતાંયે તેઓ સંસ્થાનાં બાકીનાં કામોની સૂચના આપતા રહ્યા એવું બન્યું છે. ક્યારેક વિદેશ જવું પડ્યું હોય તો ત્યાંથી પણ વખતોવખત ફોન કરીને વિશ્વકોશ અંગેની કામગીરી યોજનાબદ્ધ રીતે બરાબર ચાલતી રહે તે જોવાનું તેઓ ચૂકતા નહીં. કોઈ અધ્યાપક કે કર્મચારીથી કામમાં વિલંબ થાય તો એને ઠપકો આપવાની એમની રીત પણ અનોખી. એની સાથે હસતાં હસતાં એવી રીતે વાત કરે કે પેલી વ્યક્તિને પોતાને કામમાં વિલંબ થયા બદલ ક્ષોભ થાય અને તે પોતે જ પછી પોતાનું કાર્ય ઝડપથી પૂર્ણ કરીને ફરીથી એમની આગળ હાજર થઈ જાય.

એમના વિદ્યાર્થીઓ તરફ તો  એવો પ્રેમ કે ચંદ્રકાન્ત શેઠ એમ કહે કે આવતીકાલે હું નથી આવવાનો તો એમને ન ગમે. અમેરિકાથી આવતા મહેન્દ્રભાઈ અમીન કે પ્રાગજીભાઈ ભાંભી પાસે એ કલાકોના કલાકો બેસે, એમને માર્ગદર્શન આપે અને એ રીતે પ્રવીણ દરજી, મણિલાલ પટેલ જેવા વિદ્યાર્થીઓ આવે ત્યારે બધું કામ બાજુએ મૂકીને એની સાથે લાંબા સમય સુધી વાત કરે.

એમની નિ:સ્પૃહી વૃ્ત્તિનો વારંવાર અનુભવ થતો રહ્યો છે. કોઈ એમની બહુ પ્રશંસા કરે, તો હસતાં હસતાં કહે  કે “હું મૃ્ત્યુ પામ્યો હોઉં તેવું મને લાગે છે!” વળી તેઓ એક મૂર્તિકારની વાર્તા પણ ત્યારે યાદ કરે. એ મૂર્તિકાર સુંદર મૂર્તિઓ સર્જતો હતો. એણે પોતાના જેવી જ અનેક મૂર્તિઓ સર્જી હતી. યમરાજ જ્યારે એને લેવા આવ્યા ત્યારે એમને પણ ખ્યાલ ન આવ્યો કે આ બધી મૂર્તિકારની મૂર્તિઓ વચ્ચે એનો ઘડનાર મૂર્તિકાર કયો ! યમરાજે સહે તુક મૂર્તિકલાની પ્રશંસા કરવા માંડી એટલે તુરત જ પેલો મૂર્તિકાર બોલી ઊઠયો કે ‘આ મૂર્તિઓ તો મેં બનાવી છે’ અને યમરાજે તુરત જ અસલી મૂર્તિકારને ઉપાડી લીધો. આવી આવી વાતો કરી તેઓ પોતે પ્રશસ્તિથી પોતાને બચાવતા રહે છે.

વિશ્વકોશનાં વિવિધ સંકુલો સાથે દાતાનું નામ જોડવામાં આવે છે. ધીરુભાઈએ વિશ્વકોશના લલિતકલા કેન્દ્ર માટે દસ લાખ રૂપિયાનું દાન આપ્યું. મેં પૂછ્યું,  “આનું નામ ‘ડૉ. ધીરુભાઈ ઠાકર લલિતકલા કેન્દ્ર’ રાખીશું?” ત્યારે એમણે કહ્યું “નાં, આનું નામ તો ‘વિશ્વકોશ લલિતકલા કેન્દ્ર’ જ રાખવું.”

એક એક ગ્રંથનો વિમોચન સમારંભ થતો જાય અને એમનામાં નવા ઉત્સાહનો સંચાર થતો જોવા મળે. કયારેક એમ કહેતા કે ‘વૃ્દ્ધ દેહમાં આ ગ્રંથવિમોચનના અવસરથી નવી ચેતનાનો સંચાર થાય છે અને આગળ વધવાનો નવો ઉત્સાહ જાગે છે.’ કયારેક હસતાં હસતાં કહે પણ ખરા કે ‘કામનું આયોજન હજી ઘણાં વર્ષો જીવવાનું છે એ રીતે કરવું અને કામનો અમલ આવતીકાલે જીવતા નયે રહીએ તે રીતે કરવું,’

ધીરુભાઈનાં કેટલાંક કાર્યો સદાય યાદ કરાશે. ગુજરાતના સાવ છેવાડે આવેલી, રેલવેસ્ટેશનની પણ સુવિધા ન ધરાવતી મોડાસા જેવી અણદીઠી ભોમ પર ગ્રામીણ વિસ્તારની કૉલેજોને માટે આદર્શરૂપ શિક્ષણ-સંકુલનું સર્જન કર્યું. સર્જક અને  ચિંતક શ્રી મણિલાલ નભુભાઈ વિશેનું એમનું સાહિત્યક કાર્ય પંડિતયુગીન એક પ્રખર પ્રતિભાનું સર્વગ્રાહી અને સમતોલ દર્શન કરાવી રહે છે.

૧૯૪૨ ના આઝાદીના આંદોલન સમયે વિદ્યાર્થીઓ પર ગોળીબાર કરવા ઘસી જતા પોલીસ-અધિકારીને અટકાવવા જતાં એમણે ખાસ્સી ઈજા હિંમતપૂર્વક વહોરી લધેલી.

વળી વિશ્વકોશની પ્રવૃ્ત્તિની સાથોસાથ એમની સાહિત્યસર્જનની પ્રવૃ્ત્તિ પણ અનવરત ચાલતી રહી છે. ગુજરાતી સાહિત્યમાં વ્યક્તિગત રીતે ઇતિહાસ-લેખનના જે પ્રયત્નો થયા તેમાં કૃ્ષ્ણલાલ ઝવેરી, કનૈયાલાલ મુનશી, વિજયરાય વૈદ્ય અને અનંતરાય રાવળ પછીનો એક મહત્ત્વનો પ્રયોગ તે ધીરુભાઈ ઠાકરના ગુજરાતી સાહિત્યની વિકાસરેખાના પાંચ ખંડો છે. તે ખંડોનું નવસંસ્કરણ પણ એમનું ચાલતું રહેલું હોય છે. તેમણે ૨૦૦૦૯માં પાબ્લો નેરુદાના “Memoirs’ નો અનુવાદ શરૂ કર્યો, જે “સત્યની મુખોમુખ’ નામે તૈયાર થયો. એ અનુવાદ કરતી વેળા તેઓ કહેતા કે આ અનુવાદ પૂરો થશે ત્યાં સુધી તો હું જીવવાનો ‘હજી પાબ્લો નેરુદાનો અનુવાદ પૂરો થવામાં હતો ત્યાં તો ઘણાં વર્ષોથી એમના મનમાં સાહિત્યના કેટલાક વાદ-વિવાદોની ચર્ચા કરતું પુસ્તક આપવાની જે ભાવના ઘોળાતી હતી તે પુસ્તક તૈયાર કરવાનું શરૂ કરી દીધું અને હજી ૨૦૧૧માં એ પ્રગટ થાય ત્યાં તો ‘ગાંધીજી અને પાંચ સાક્ષરો’નું પસ્તક પણ આ વર્ષે આપણને આપ્યું, આવાં પુસ્તકો તૈયાર કરતી વેળાએ મહત્ત્વના એકેય સંદર્ભગ્રંથ જોવાનું તેઓ ચૂકે નહીં. કનૈયાલાલ મુનશીનું અંગ્રેજી પુસ્તક ‘ગુજરાત ઍન્ડ ઇટ્સ લિટરેચર’ મળતું નહોતું તો શ્રી દીપક મહેતા દ્વારા ફાર્બસ સભામાંથી તે મગાવીને જ રહ્યા.

૯૫મા વરસેય એમની સારસ્વતસાધનાનો દીપક જરાયે ઝાંખો થયો નથી, બલકે એ વધુ ને વધુ પ્રકાશ આપી આસપાસનાં સૌને પ્રેરણા, પ્રોત્સાહન અને માર્ગદર્શન આપતો રહે છે. જેમ કાવ્યપુરુષની આપણે ત્યાં કલ્પના થઈ છે, તેમ વિશ્વકોશપુરુષનીયે આપણે કલ્પના કરી શકીએ. એ પુરુષને ચરણે પોતાનું સર્વસમર્પણ કરીને ધન્ય થનાર ધીરુભાઈને આપણે વંદન કરીએ. પરમાત્મા એમને સર્વથા ને સર્વદા વધુ ને વધુ પ્રસન્નતા અર્પતા રહે એ જ સદ્ભાવના.

(સદ્દભાવ : “વિશ્વવિહાર”માંથી)

E mail Courtsey: Vipool Kalyani

મારુ સંભારણું

‘વિશ્વકોશ’ ની મુલાકાતે -મુ ડો. ધીરુભાઇ ઠાકર સાથે શ્રી વિજય શાહ, કવિ ડો.ચંદ્રકાંત શેઠ, શ્રી મંદાર જોગલેકર અને પદ્મશ્રી ડો. કુમારપાળ દેસાઈ

No comments yet

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: