કંટેન્ટ પર જાઓ

ડો.અદમ ટંકારવી ને એનાયત થયેલ આઈ.એન.ટી.નો પ્રતિષ્ઠિત કલાપી એવોર્ડ

ઓગસ્ટ 16, 2011

શત શત અભિનંદન!

(સૌજન્ય:મુંબઈ સમાચાર -15ઑગસ્ત 2011,અને ‘બઝ્મે વફા’)

આઈએનટીનો પ્રતિષ્ઠિત કલાપી અૅવોર્ડ  જેમને એનાયત થયેલ છે એ અદમ ટંકારવી મૂળ ભરૂચ પાસેના ટંકારિયા ગામના. મુંબઈની જયહિન્દ કૉલેજમાં બી.એ. અને સુરતની એમ.ટી.બી. કૉલેજમાં અંગ્રેજી સાથે એમ.એ. કરીને ત્યાંની જ જીવનભારતી સ્કૂલમાં પાંચ વર્ષ શિક્ષક તરીકે નોકરી કરી. એ પછી વલ્લભવિદ્યાનગરમાં ૨૧ વર્ષ અંગ્રજીના વ્યાખ્યાતા તરીકે કામ કર્યું. ૧૯૯૧માં બ્રિટનની સ્કૂલમાં હેડ ટીચર તરીકે નોકરી મળતાં ત્યાં જ સ્થાયી થયા. એ પછી ત્યાંની પ્રેસ્ટન કૉલેજમાં લેકચરર તરીકે પણ જૉબ કરી. અત્યારે નિવૃત્ત જીવન ગાળતા ટંકારવી સાહેબે પહેલી ગઝલ પંદર વર્ષની વયે લખી હતી. તેમના આઠ ગઝલસંગ્રહ બહાર પડ્યા છે.

ગુજરાતી ભાષા પરત્વે ઊંડી નિસબત ધરાવતા અને તેના લુપ્ત થવા વિશે ચિંતા વ્યક્ત કરતાં તેઓ કહે છે,

ગુર્જરી વ્યવહાર શોધું છું, ધાણીફૂટ બોલનાર શોધું છું,

જડી છે એક લાવારિસ ભાષા, હું એનો દાવેદાર શોધું છું,

ગુજરાતીમાં લખી છે એક ગઝલ, ને હવે વાંચનાર શોધું છે.

ગુજરાતી પ્રેમ વિશેનો તેમનો આ શેર પણ સરસ છે

ગુર્જરીના કોડ પૂરા થઈ ગયા, લ્યો ગઝલના હાથ પીળા થઈ ગયા.

રણકો અને ટંકારના કવિ_ અદમ ટંકારવી

નામ : આદમ મૂસા ઘોડીવાલા
ઉપનામ : અદમ ટંકારવી
જન્મસ્થળ: ટંકારીઆ,તા.જિ.ભરૂચ
અભ્યાસ: પી.એચ.ડી. વ્યવસાય :શિક્ષક
શોખ: લેખન,વાંચન
પ્રકાશનો: સબંધ,નખશિખ(સંપાદન),ગઝલોની ચોપડી ,ગુજરાતી ગઝલ બ્રિટિશ યુનિવર્સિટિમાં એક વર્ષ,એમ.એમ.પટેલ,સાહિત્યનું અધ્યાપન.
અન્ય પ્રવૃત્તિ: બ્રિટનની શિક્ષણ પ્રથાનો અભ્યાસ,સમાજના પ્રવાહોનો અભ્યાસ.
વલ્લભવિદ્યાનગર(જિ.આણંદ)માં બાવીસ વર્ષ સુધી ઈંગલીશ લેંગ્વેજ ટીચીંગના નિષ્ણાત પ્રોફેસર તરીકે સેવા કરતા રહ્યા. 1991માં રાજીનામું આપી ઈંગ્લેંડ ગયા.પૂરા ધાર્મિક ,ઓછી જરુરિયાતો,ઓછી પરોજણમાં માનાનારા ઓલિયા ફકીર ,પૂરા તાત્વિક અને ચિંતનના જીવ.સુફીવાદની વિચાર સરણી ધરાવનાર.,સાદી સરળ અને સહજ સફાઈદાર અભિવ્યક્તિમાં માનનારા આ ગઝલકારની ગઝલોનું ઊંડાણ અને સંકુલ અર્થ જગત અચરજ પમાડે તેવું છે.
એમની ‘ગઝલોની ચોપડી’ ને ‘જયંત પાઠક પૂરસ્કાર ‘અકાદમીનું બીજું ઈનામ તથા પરિષદનું ‘દિલીપ મહેતા ગઝલ પારિતોષક’મળ્યાં છે. બાટલી ખાતે ગુજરાતી રાઈટરસ કલબે પણ એમને સનમાન્યાછે.
.અદમ ટંકારવીનાં પ્રકાશનો અને પારિતોષક:
ગઝલ સંગ્રહ સબંધ 1971
ગઝલોની ચોપડી 1997
ગુજરાતી સાહિત્ય પરિષદ પારિતોષક
ગુજરાતી સહિત્ય અકાદમી દ્રિત્ય પારિતોષક
જયંત પાઠક કવિતા પુરસ્કાર
ગુજલિશ ગઝલો 2001
રિઝામણું 2003
અમેરિકા રંગ ડોલરિયો 2004
સાહિત્ય સ્વરૂપ:
ગુજરાતી ગઝલ 1991
પ્રવાસ:
યસ ઈંગ્લેંડ નૉ ઈંગ્લેંડ 1985 અમેરિકામાં હોવું એટલે…2001
શિક્ષણ:
બ્રિટિશ યુનિવર્સિટીમાં એક વરસ 1983
સાહિત્યનું અધ્યાપન 1990 (ડૉ.મણિલાલ પટેલ સાથે) જીવન શૈલી
સેલ્ફ વૉચિંગ(અસ્માં યાકુબ સાથે)
સમ્પાદન:
નખશિખ (હરીશ મીનાશ્રુ,રાજેન્દ્ર જાડેજા,જયેન્દ્ર શેખડી વાળા સાથે)1977
એચ.એમ.પટેલ 1999
1વિ1 સામાયિક (અજીત ઠાકોર,રાજેન્દ્ર જાડેજા સાથે) 1980 _1990
હાલનું સરનામું:
Mr.Adam Tankarvi
200 Halliwell road
Bolton Lancashire
BL1 3QJ
U.K.

મળીએ અદમભાઈને.

—– મુખ્ય શોખ:

વાચન, કવિતા સર્જન, પ્રવાસ અને ગમતી વ્યક્તિઓ સાથે ગોષ્ઠિ.

પ્રિય સાહિત્યિક કૃતિ :

મર્ચન્ટ ઓફ વેનિસ, ધ વેસ્ટલેન્ડ, સૌરાષ્ટ્રની રસધાર, મરીઝનો સંગ્રહ ‘આગમન’, રમેશ પારેખનું ‘છ અક્ષરનું નામ’ અને રૂમીનું ‘મષ્નવી’.

પ્રિય લેખકો:

શેક્સપિયર, ઝવેરચંદ મેઘાણી, જ્યોતીન્દ્ર દવે અને રતિલાલ બોરીસાગર

પ્રિય કવિ :

વર્ડઝવર્થ, ટી.એસ.એલિયટ, રમેશ પારેખ અને આધુનિક કવિમાં હરીશ મીનાશ્રુ. જુલી બોડન નામની અંગ્રેજ કવિયત્રીની કવિતા પણ ગમે છે. એની કવિતાઓનો ગુજરાતી અનુવાદ મેં કર્યો છે, જેનું નામ છે ‘અહીંથી’.

પ્રિય સંગીત અને સંગીતકાર:

ફિલ્મી ગીતો તો સૌથી વધુ પ્રિય. યુવાનીમાં તો એ જ ગમતાં. હવે ગઝલ સાંભળવી વધારે ગમે છે. સમય મળે ત્યારે નુસરત ફતેહઅલીખાં અને બેગમ અખ્તરને સાંભળું છું.

મનગમતી ફિલ્મો :

વીસેક વર્ષથી ફિલ્મ જોવાનું જ બંધ કર્યું છે. બધામાં એક જેવી ફોર્મ્યુંલા હોવાથી હવે કુતૂહલ નથી રહ્યું. છતાં જૂની દેવદાસ, પ્યાસા, મુગલ-એ-આઝમ ફિલ્મો ઘણી ગમી હતી અને અંગ્રેજીમાં ટેન કમાન્ડમેન્ટ્સ.

પ્રિય વાનગી:

મને સાદું જ ભોજન ગમે. જમવામાં મગ હોય ને શાક પાલકનું હોય તો બસ થઈ ગયું. ક્યારેક ગાંઠિયા અને બ્રિટનમાં રહું છું એટલે ત્યાંની ચિપ્સની મજા લઈ લઉં.

તમારે માટે સ્ટ્રેસબસ્ટર શું?

સ્ટ્રેસ થાય એવી કોઈ પ્રવૃત્તિ કરતો જ નથી. ટાઈમ મેનેજમેન્ટ બરાબર સમજું છું. છતાં ક્યારેક તાણ જેવું લાગે તો વાંચવા બેસી જાઉં એટલે તાણ દૂર.

પ્રિય પ્રવાસસ્થળ:

નાયગરા ફોલ્સ. શું ભવ્ય એની સુંદરતા છે! આદિલ મન્સુરી અને અમે મિત્રો છેલ્લે ત્યાં ગયા હતા ને ખૂબ મઝા કરી હતી. આદિલનો પ્રતિભાવ જોવાનીય મજા અલગ. બાકી, ભારતમાંય ઘણાં સૌંદર્યધામ છે. પણ ગુજરાતનું પાવાગઢ મને ઘણું ગમે.

મનગમતી સાંજ એટલે શું?

આમ તો ઘરમાં બેસીને વાંચવું જ ગમે પણ અમારા બ્રિટનમાં સાંજ જેવું લાગે જ નહીં. આખો દિવસ ધૂંધળો જ હોય. પણ ખુલ્લો દિવસ હોય ત્યારે હરિયાળાં વૃક્ષો વચ્ચે સાંજે લટાર મારવી ખૂબ ગમે.

પ્રેમ એટલે શું?

મારી ગઝલોમાં ઈશ્કેમિજાઝી-લૌકિક પ્રેમની અભિવ્યક્તિ ઘણીવાર થઈ છે. જેમકે એક શેર છે, એક તારું નામ લખતાં આવડ્યું, તે પછી તો સ્લેટ આ કોરી રહી. બીજો એક શેર છે, ને હવે તારા વિનાના મહેલ પર, ધૂળધાણીની ધજા ફરક્યા કરે. વર્ષો વીતતાં ઈશ્કેમિજાઝી પરથી ઈશ્કે હકીકી ગઝલ પર ધ્યાન કેનિ્દ્રત થયું. હવે લૌકિક સ્તરેથી હટીને પરમ તત્વ તરફની ગતિ અનુભવાય છે. પ્રેમની સર્વોચ્ચ કક્ષા!

જીવનસંગિની કેવી ગમે?

મારા જન્મ પહેલાં જ મારું લગ્ન ગોઠવાઈ ગયું હતું, હવે શું કહું તમને કે મને કેવી પત્ની ગમે? (હસીને કહે છે) મારી પત્ની મારાથી નવ મહિના મોટી છે. એ જન્મી ત્યારે એના પિતાએ મારા પિતાને કહ્યું કે તમારે ત્યાં દીકરો આવે તો આ બન્નેનાં લગ્ન કરશું. ને એમ જ થયું. સ્દનસીબે મને ગમે એવી જ મારી પત્ની છે એટલે લગન ટકી પણ ગયું. હું માનું છું કે બાહ્ય દેખાવ અગત્યનો નથી. માનસિક-ભાવનાત્મક વેવલેન્ગ્થ બરાબર હોય તો સંબંધ સચવાઈ જાય.

તમારે માટે સૌથી મૂલ્યવાન શું?

પરમતત્ત્વ સાથે સંવાદ રચાય અને માલિક રાજી થાય એવું જીવન જીવાય એ મારે માટે સૌથી અગત્યનું છે. દુનિયામાં રહીએ પણ દુનિયાના નહીં-અલિપ્ત રહીને કર્મ કરતાં રહેવાનું.

પુનર્જન્મમાં શું બનવાનું પસંદ કરો?

માનતો નથી. આ જન્મમાં જ જે કંઈ આત્મસુધારણા થઈ શકે એના પર ધ્યાન કેનિ્દ્રત કરવું છે.

એમની થોડી ગઝલનો રસાસ્વાદ પણ માણી લઈ એ.

લાભપાંચમ_અદમ ટંકારવી

આવુઁ એકદમ થૈ ગયુઁ.
હોવુઁ છમછમ થૈ ગયુઁ.

એક પળ અંખો મળી,
દર્દ કાયમ થૈ ગયુઁ.

પ્રિય તારુઁ બોલવુઁ
ખૂબ મોઘમ થૈ ગયુઁ.

કોઇનુઁ આવાગમન
જીવનુઁ જોખમ થૈ ગયુઁ.

શબ્દનુઁ બરછટપણુઁ
લ્યો મુલાયમ થૈ ગયુઁ.

એક પગલુઁ આંગણે
લાભપંચમ થૈ ગયુઁ.

એક હાલરડુઁ ‘અદમ’
અંતે માતમ થૈ ગયુઁ.

_ (રિઝામણુઁ-49)

આપું છું તંને.

એક ભવનું ભાથું આપું છું તને.
સંતનું સરનામું આપુંછું તને.

માણસો મર્યાની એમાં છે ખબર,
એક જુનું છાપું આપું છું તંને.

એક નાનો ઘાવ ને તેનો મલમ ,
એ ય ભેગા ભેગા આપું છું તંને.

સારા માણસની તને ક્યાં છે કદર,
એક લલ્લુ પંજુ આપું છું તંને.

જો બને તો એક તું ઉમેરજે,
નવ્સો ને નવ્વાણું આપું છું તને.

નાચવું જો હોય તારે તો પછી,
આંગણું યે સીધું આપું છું તંને.

કાનમાં કહી દઉં તને એક નામ,
જીવવાનું બહાનું આપું છું તંને.

લે ચલમ ને ચિપિયો ચુંગી ચિરાગ,
લે, અલખ અણ દીઠું આપું છું તંને.

વાયગ્રાની ભીખ માંગે છે

એક બહુમાળી આંખ કાઢે છે.
એક દેવળ બિચરું થરથરે છે.

કોની આઝાદી એમ પૂછો તો?
આ લીબર્ટી ય મોં વકાસે છે.

સ્હેજ ખોંખારો ખાય છે દાદા,
મુઠ્ઠી વાળી ન્યુયોર્ક ભાગે છે.

ટ્રેડ સેંટર ની બરોબર સામે,
એક હબસી મકાઈ વેચેછે.

આમ લાગેછે મેરિલિન મનરો,
આમ પટલાણી જેવી લાગે છે.

આ નપુંસક યુનાઈટેડ નેશન્,
લ્યો,વાયાગ્રાની ભીખ માંગે છે.

કોઇ ક્યાં દાદ ફાદ દે છે ‘અદમ’,
આ ગઝલ એટલી કયાં જામે છે.

(ન્યુયોર્ક 19 _8 _1999

Kaushik Amin
201-936-4927
kaushikamin@hotmail.com

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: