કંટેન્ટ પર જાઓ

ડો. કિશોર મોદીની સાહિત્ય સાધનાની સ્મરણિકા

નવેમ્બર 6, 2009

ડો. કિશોર મોદીનું અને તેમના ભત્રીજા દીલીપ મોદીની ઘણી બધી વાતો પ્રીતમ લખલાણી તેમજ યોગેન્દ્રભાઇએ કરી હતી અને તે સમય દરમ્યાન તેમને ઇ મેલ દ્વારા ગુજરાતી સાહિત્ય સંગમ માં પરિચય મોકલ્વા તેમને જણાવ્યું હતું પરંતુ સમયની બલિહારી કે તે ઘણા સમયે શક્ય બન્યું. તેમણે લખેલા સમય દરમ્યાન તો હું પણ સારાભાઇ કેમિકલ્સમાં હતો પણ જેનું જ્યાં મળવાનું નિશ્ચિંત હોય ત્યાં જ મળાય ના ન્યાયે હમણા ફરી વાત થઇ અને તેમની વાતોથી જણાયું કે દુનિયા ખુબજ નાની છે અને સમાન રસ ધરાવતા વડીલ મિત્રો જરૂર મળે જ છે. તો ચાલો આજે માણીયે ડો કિશોર મોદી ની સાહિત્ય સાધના

 

kishor modi
            

૧૯૫૪માં હું હાઇસ્કૂલમાં આવ્યો ત્યારથી મારો સાહિત્ય પ્રત્યે લગાવ શરૂ થયો.એ અરસામાં મારા ભાઇ શ્રી.નગીન મોદીની ટૂંકી વાર્તા અને નવલકથા ચાંદની,આરામ અને સવિતામાં છપાતી તે હું વાંચતો. હાઇસ્કૂલના વર્ષો દરમિયાન ‘કુમાર’,’મિલાપ’ અને ‘ઊર્મિ અને નવરચના’ જેવાં સામયિકોના સંપર્કમાં આવ્યો. ‘કુમાર’માં સોનેટો વાંચી જતો.એ વર્ષોમાં મને ગુજરાતીમાં વ્યાકરણમાં પદચ્છેદ,અલંકાર અને છંદ વગેરે પ્રશ્નમાં પૂરા ગુણ મળતા.જ્યારે હું દસમા ધોરણમાં આવ્યો ત્યારે ‘સરોજ’ નામક માસિક માટે મને કાવ્ય મોકલવાનું આમંત્રણ મળ્યું,અને ઉપજાતિ છંદમાં રચાયું પહેલું મંગલાષ્ટક.તેની ચોથી અને આઠમી પંક્તિ હતી- बलीयसी केवलमीश्वरेच्छा . આમ સંસ્કૃત પ્રત્યેનું મારું માન પ્રગટ થયું. પછી વિજ્ઞાનમાં જવાને કારણે આ બધું પરદા પાછળ ધકેલાઇ ગયું. ૧૯૬૬ના પીએચ.ડીના વર્ષોમાં હાઇકુનો મહિમા હતો.એટલે મેં પણ હાઇકુ લખ્યાં ને ‘ઊર્મિ અને નવરચના’માં પ્રગટ થયાં.પાછળથી શ્રી.હર્ષદેવ માધવના આગ્રહથી સંસ્કૃતમાં હાઇકુ લખ્યાં અને સંગ્રહમાં પ્રકાશિત કર્યાં.

              પીએચ.ડી. થઇ ૧૯૭૧માં હું સારાભાઇ રિસર્ચ સેન્ટરમાં સિનીયર સાયન્ટીસ્ટ તરીકે જોડાયો ત્યારે મેં મારા મિત્ર શ્રી.યોગેન્દ્ર જાની સાથે વૈજ્ઞાનિકોના જીવનચરિત્ર લખવાનું શરૂ કર્યું. આમ ૧૯૭૩-૧૯૭૬ના ગાળામાં વૈજ્ઞાનિકોના જીવનચરિત્રની પાંચ પુસ્તિકા પ્રગટ થઇ.અહીં નવરાશના સમયે મારા મિત્ર શ્રી.હેમંત ત્રિવેદી શાયરીઓ બોલતા અને અમે આનંદથી વધાવતા.न अविष्यो धीमताम  એ ન્યાયે મને ગઝલ પર હાથ અજમાવવાનો વિચાર આવ્યો અને મારા ભત્રીજા શ્રી.દિલીપ મોદી સાથે અભ્યાસ કરી રમલ ૧૧ અક્ષરી છંદમાં ગઝલ લખી ‘કવિલોક’પર મોકલી અને મુ.શ્રી.ધીરુભાઇ પરીખે અહોભાવથી પ્રગટ કરી અને હું ઓછો ઓછો થઇ ગયો.આમ હું ગઝલકાર બન્યો.જો કે એ પહેલાં અછાંદસ રચના ‘કવિલોક’માં સ્થાન પામી હતી. પણ ગઝલના છંદોની સાચી સમજણ તો શ્રી.મનહરલાલ ચોકસીના સાંનિધ્યમાં મળી.મેં હાઇકુ,તાન્કા,અછાંદસ,સોનેટ,મોનોઇમેજ એમ લગભગ બધાં પ્રકારમાં સર્જન કર્યું છે પણ તેમાં ગઝલ સવિશેષ છે.એ જ અરસામાં મેં સુરતી બોલીમાં કાવ્ય લખ્યું અને શ્રી.ભગવતીકુમાર શર્માને બતાવ્યું અને એમણે આ પ્રકાર તમારો Forte બની શકે એવા લખાણથી હું ખૂબ પ્રોત્સાહિત થયો.પછી કેટલાંક સૂરતી કાવ્યો ‘ગુજરાતમિત્ર’ દૈનિકમાં પ્રગટ પણ કર્યાં.વળી પૂણેથી પ્રગટ થતા ‘પ્રતિષ્ઠા’ માસિકની ગઝલ હરીફાઇમાં મને તૃતીય ઇનામ મળતા ઉત્સાહમાં ઓર વધારો થયો.૧૯૭૬માં મેં શ્રી.ધૃતિ મોદી સાથે પ્રભુતામાં પગલાળ માંડ્યાં.એમને પણ કોલેજકાળમાં કવિતામાં ઇનામ મળ્યું હતું અને એઓ એમ.એ.સંસ્કૃત સાથે ગોલ્ડમેડાલિસ્ટ થયેલા એટલે મારે તો જાણે સોનામાં સુગંધ મળી જેવું થયું.

             ૧૯૮૩માં ગુજરાતી સાહિત્ય અકાદમીની સહાયથી પહેલો ગઝલસંગ્રહ ‘જલજ’ પ્રગટ થયો.તેના વિશે શ્રી.હરિકૃષ્ણ પાઠકની પ્રોત્સાહનજનક નોંધ પત્રરૂપે મળી.૧૯૯૧માં ‘વિરાટ વિજ્ઞાનીઓ’ નામક બે પુસ્તકો ફરીથી પ્રગટ થયાં.૧૯૯૩માં અમેરિકા આવવાનું થયું.અહીં શ્રી.પ્રીતમ લખલાણીનો નિકટતમ પરિચય થયો.આ દરમિયાન બે ગઝલસંગ્રહ પ્રગટ થયાં-‘ મધુમાલિકા’ અને ‘મોહિની’.’મોહિની’ વિશે પોતાની કોલમમાં શ્રી.ચિનુ મોદીએ લખી પ્રોત્સાહન પૂરું પાડ્યું.વળી અહીં અમેરિકાનિવાસી લેખક-વિવેચક શ્રી.મધુસૂદનભાઇ કાપડિયાના સંસર્ગમાં આવવાનું સદનસીબ પ્રાપ્ત થયું અને એમણે સાહિત્યક્ષેત્રે કશુંક નવું કરવું જોઇએ એવું મનમાં ઠસાવ્યું.પરિણામરૂપે સુરતી કાવ્યો લખાયાં અને ખૂબજ ઊમળકાથી એ કાવ્યો શ્રી.સુમનભાઇ શાહે ‘ખેવના’માં અને શ્રી.કિશોરસિંહ સોલંકીએ ‘શબ્દસર’માં પ્રસિધ્ધ કર્યાં.૨૦૦૮માં ‘એઇ વીહલા’ નામે સૂરતી કાવ્યસંગ્રહ પ્રગટ થયો.એટલામાં ‘ગુજરાત ટાઇમ્સે’ કવિતા હરિફાઇ યોજી અને શ્રી.સુધીર પટેલની ગઝલ પ્રથમ અાવી.૧૯૭૮-૧૯૮૫ના વર્ષો દરમિયાન (હનીફ સાહિલ,દિલીપ મોદી,ચતુર પટેલ,કિશોર મોદી સંપાદિત) ‘રચના’ અનિયતકાલિક એમની ગઝલ પ્રગટ થયેલી તે મને યાદ આવ્યું અને શ્રી.સુધીર પટેલને શોધી કાઢ્યા.અને એમણે પુન: લેખનની શરૂઆત કરી એ મારા આનંદની પરિસીમા હતી.’એઇ વીહલા’ પ્રગટ થયા પછી સૂરતી બોલીમાં ગઝલ લખી અને એમાંની કેટલીક ગઝલો શ્રી.રશીદ મીરે ‘ધબક’માં પ્રગટ કરી.હાલમાં ‘એક લીલી પળ અતીતની’,(શિષ્ટ ગઝલો),’અંઇ વખતની લીલીહૂકી વાત છે'(સૂરતી ગઝલો)અને’નામ મારું ટહુકાતું જાય છે'(વૃત ગઝલો) નામક સંગ્રહના પ્રકાશનમાં પ્રવૃત છું તે સહેજ.
             

  * ડો.કિશોર મોદી
               *જન્મસ્થળ: કનસાડ,જિલ્લો સૂરત,ગુજરાત.
               *જન્મતારીખ: ૨૩મી ઓક્ટોબર,૧૯૪૦
               *પદવી:પીએચ.ડી.,એફ.આઇ.સી.,કોવિદ (સંસ્કૃત)
               *શોખના વિષયો:સાહિત્ય,સંસ્કૃત,જ્યોતિષ
                             પ્રકાશન
               *વિજ્ઞાનની વિભૂતિઓ ૧૯૭૩ અપ્રાપ્ય
               *જલજ ગઝલસંગ્રહ ૧૯૮૩ રચના પ્રકાશન,૧૦,નવનિર્માણ સોસાયટી,ટિમલિયાવાડ,સૂરત-૩૯૫ ૦૦૧
               *વિરાટ વિજ્ઞાનીઓ ૧૯૯૧ અપ્રાપ્ય
               *મધુમાલિકા ગઝલસંગ્રહ ૧૯૯૫ પ્રાપ્તિસ્થાન ઉપર પ્રમાણે
               *મોહિની   ગઝલસંગ્રહ ૨૦૦૫ પ્રાપ્તિસ્થાન ઉપર પ્રમાણે
               *એઇ વીહલા સૂરતી કાવ્યસંગ્રહ ૨૦૦૮ પ્રાપ્તિસ્થાન ઉપર પ્રમાણે
               હાઇકુ:

    ગળે માટલું,
 ભીંજાય પનિહારું,
    બુઝારું કોરું.

               કેટલાંક શે’રો:
                      

                       કેસૂડાંની ઝંખનાના શ્વાસમાં,
                       પાનખરમાં બે પગે ચાલો તમે.
               
                       જૂઇથી મઘમઘ થતી તારી ગલી,
                       એક બે વાતો પવનમાં આવશે.

                       ધૂળની ચપટી લઇ પગલું ગયું,
                       આંગણાને ચાલવાનું મન થયું.

                       દુનિયા તો એમ ચાલતી રહેવાની, શું કહું ?
                       વાર્તા કરી કરી સતત થાકેલ મડા વિશે.

                      – અને છેલ્લે એક ગઝલ

                                     આવશું રે

 
      આવશું રે એ હૃદયરત ધ્યાન લઇને,
                       પળ ઊભી સાયુજ્યની ભગવાન લઇને.

  આવશું રે કૈં ઉદાસીની ક્ષણોમાં,
                       મોરલાનો કંઠ જાજરમાન લઇને.
                     

 આવશું રે સાવ પતઝડની પછીતે,
                      બ્હારના સંદર્ભનું આહ્વાન લઇને.
                     

 આવશું રે સૂની શેરી લઇ સડક પર,
                      શબ્દના પદઘોષનું સંધાન લઇને.
                    

  આવશું રે ષોડશીની આંખમાંથી,
                      નીકળેલી મુગ્ધ પળની તાન લઇને.
                     

આવશું રે બાગ ભીતરનો સજાવી,
                      મ્હેકતા ઉચ્છવાસમાં ઇન્સાન લઇને.
                     

આવશું રે પોત ભાષાનું ખભે લઇ,
                      શત સૂરજ થઇ શબ્દનું વરદાન લઇને.
                              કિશોર મોદી

Advertisements
4 ટિપ્પણીઓ leave one →
 1. Amrut (Suman) Hazari permalink
  નવેમ્બર 7, 2009 1:11 એ એમ (am)

  Thank you,Shri Vijay Shah. You are doing a very important and valuable work of printing poet’s biography in his/her own words. I am happy that Dr.Kishore Modi, has been one of the invited ones. He is my brother-in-law. Dhruti Modi ( Bhagavati Manilal Hazari )is my sister. Kishore’s literary taste had encouraged me more to contribute to Gujarati Sahitya. In India, I had written for Sandesh, Gujarat Samachar, Navchetan and Science Reporter. In America, I write for Tiranga-in-New Jersey (Published from Iselin, New Jersey) and also for Gujarat Darpan, a free Gujarati monthly being published from Iselin, New Jersey.
  Dr.Kishore is coming from a “Sahityic Family”. Dr.Nagin Modi is his Brother and Dr.Dilip Modi is his nephew.

  Your activity is valuable and provides service to Gujarat and Gujarati Sahitya.
  Thanks.
  Amrut(Suman)Hazari

 2. sudhir patel permalink
  નવેમ્બર 13, 2009 12:48 એ એમ (am)

  Very pleased to read your complete biography.
  Sudhir Patel.

 3. P Shah permalink
  નવેમ્બર 24, 2009 9:54 એ એમ (am)

  તમારા વિશે વાંચીને ખૂબ આનંદ થયો.

 4. Raghavani Neha permalink
  ઓક્ટોબર 9, 2012 7:28 એ એમ (am)

  I MUCH LIKE IT

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: