કંટેન્ટ પર જાઓ

અવંતિકા ગુણવંત (મહેતા) ની સુહાની જીવન સફર

સપ્ટેમ્બર 20, 2009

 

રીડ ગુજરાતીનાં મગેશભાઈ પાસેથી અવંતિકાબેન નાં સંપર્ક નંબરો મળ્યા અને મે તે દિવસે મારી ઓળખાણ આપતો અને એમનો પરિચય માટે ફોન કર્યો અને એક પ્રેમાળ સ્વસ્થ લખાણ લખતી લેખીકા સ્વરૂપે મોટીબેન મળ્યા.ચાલો તેમની વાતો તેમનાજ શબ્દોમાં માણીયે..

avantika-gunvant1

તે દિવસે ટેલીફોન પર ઘણી વાતો થઈ હતી, તેથી આપને મારો પૂરો પરિચય મળી જ ગયો છે. છતાં આપે પરિચય લખી આપવનું કહ્યું છે તેથી આ વધારાનું એક પાનું પુસ્તકોની સંખ્યા એવડી મોટી નથી કે પ્રભાવિત થઈ જવાય. જો કે છપાયેલાં લખાણો તારવવા બેસું તો હજી ખુશીથી બીજા પુસ્તકો પ્રકાશિત થઈ શકે, પણ થશે એ નો ભાર કોણ રાખે?

જોવા જઈએ તો હું, મારી માનસિકતા અને મારી જીવનવાર્તા કદાચ જુદી જાતના છે. સામાન્ય કરતાં જુદા.

મને કોઈ મહાત્વાકાન્ક્ષા નથી અને હતીય નહીં, હાએક સ્વપ્નું હતું , પ્રેમથી છલકાઈ જતું મધુર સુંદર ગૃહસ્થજીવનનું વર, ઘર, સંતાન આ બધું મને મળ્યું છે. કલ્પના કરતાંય વધારે સુંદર, મધુર.

પણ આ સુખ અનાયાસ નથી મળ્યું. કોઈને અનાયાસ સુખનો રાજમાર્ગ જડી જાય તો ય એ વ્યક્તિને શું અને કેટલું આપી જાય એ ચર્ચાનો વિષય છે.

મારા સુખની કેડી મેં જાતે કંડારી છે. એ કેડી પર ચાલતા  મારા હૃદયમનમાં જે પ્રકાશ પ્રગટ્યો તે ફેલાવવાના પ્રયત્ન રૂપે મેં હાથમાં કલમ પકડી અને એ ચાલ્યા જ કરી છે. એનું કારણ વાચકોનો પ્રેમ કલ્પી ન શકાય, માની ન શકાય એટલો પ્રેમ.

વાચકોએ મારા લખાણોને હૃદયના સાચા ઉમળકાથી વધાવ્યા, સ્વીકાર્યા, આમ મને પ્રોત્સાહન મળ્યા જ કરે છે. પ્રેમની બાબતે હું ખૂબ નસીબદાર છું, અને તેથી હું જીવંત છું, કલમમાંથી સરકતા લખાણો જીવંત છે. હૃદયસ્પર્શી છે.

મારો જન્મ એક ધન સમૃધ્ધ, સંસ્કારસમૃધ્ધ ઘરમાં થયો છે. સહજતાથી મળેલ સંસ્કાર વારસાએ મને દ્રષ્ટિ, દિશા અને ગતિ આપ્યા છે. એના વાર્સાના વિકાસે મારા મનને મહેકતું અને પ્રસન્ન રાખ્યું છે. આ બધા માટે ઇશ્વરનો આભાર માનું છું. હા, તંદુરસ્તીની દ્રષ્ટિએ હું નિર્બળ છું, જન્મ પહેલા ડૉક્ટરે કહેલું, બાળકના માથા માટે શંકા છે, કદાચ મગજ કોહવાયેકું છે. હું જન્મી, મગજ કોહવાયેલું ન હ્હતું. પણ આંતરડા, લીવર સાવ થર્ડક્લાસ. ખૂબ રીબાઉં, રડું, ઘરમાં સૌ પ્રાર્થના કરે, પ્રભુ, તારી માટી છે, તું પાછી લઈ લે. પણ હું જીવી… શું કરતી હતી હું મારા બાળપણમાં? ચોપડીઓથી રમતી હતી. ત્યારથી પુસ્તકો જ મારા સાથીદાર બન્યાં.

અરે, હું તો ખૂબ ઊંડાણમાં પહોંચી ગઈ. મારે તબક્કાવાર જીવન વર્ણવવાનું નથી. હં, તો એક કુદકો મારું ને યૌવનમાં પહોંચી જાઉં. મારા લગ્ન થયા ને જીવન સાવ પલટાઈ ગયું. વૈભવ, સગવડો, નિરાંત બધું દૂર દૂર જતું  રહ્યું. કઠોર વાસ્તવિકતાએ જીવનના બીજા સ્વરૂપનો પરિચય કરાવ્યો. વર્ષોના વર્ષો એ સંઘર્ષ ચાલ્યો. પણ એ આકરા વર્ષોમાં મુખ તો સૂર્ય તરફ જ હતું . એ તકલીફોએ મને અંત્ર્મુખ બનાવી., મને જાગ્રત કરી. કપરા સંજોગોમાં ય હૃદયમનમાં કોઈ ક્લેશ, કકળાટ કે ફરિયાદ ન ઉદભવ્યા. હતાશા ન આવી. મારી શ્રધ્ધા જાગ્રત થઈ. મારી માનો એ વારસો.. એ સમયે હું ગાતી, ડગમગતો પગ રાખ તું સ્થિર મુજ ’ –  ખરેખર પ્રભુએ મને સંભાળી લીધી. મારી જાતમાં ય શ્રધ્ધા પ્રગટી એ મારા બાપુજીનો વારસો . બાપુજીએ શૂન્યમાંથી એમની સૃષ્ટિનું સર્જન કર્યું હતું. પોતાની જાતમાં એમને પારાવાર શ્રધ્ધા. સંઘર્ષના આ વર્ષો દરમ્યાન જ્યારે જ્યારે જરૂર પડી છે ત્યારે ત્યારે કોઈ અગોચર ખૂણામાંથી મને સાથ સહકાર સાંપડ્યો છે. આમ જ મારા હૃદયમનની ક્ષિતિજો વિસ્તરી છે. હું આશાવાદી રહી શકી.

મેં જે જોયું, અનુભવ્યું એની વાત કરવાનું મન થયું. અને ૧૯૮૨ માં અખંડઆનંદથી આરંભ થયો. અને વાચકોને રસ પડ્યો. આજે હું જે કાંઈ છું એ મારા વાચકોના પ્રેમ અને પ્રોત્સાહનને કારણે . મારું લખાણ સાહિત્ય નથી કારણ કે એ કોઈ નિયમોનુસાર નથી લખાયું. એ સીધું હૃદયમાંથી લખાયું છે.

મારી વિપત્તિ મારી સંપત્તિ બની. ઉબડખાબડ અજાણ્યા માર્ગે જતાં ભલે હું ઘવાઈ, શરીરથી કિંમત ચૂકવી પણ મારી આંતરિક સમૃધ્ધિમાં તો વૃધ્ધિ જ થઈ છે. આ એવી સમૃધ્ધિ છે કે વહેંચો એમ વધે. એણે તો મને મારી પોતાની ઓળખાણ કરાવી. લાગે છે કે ઇશ્વરે મારા માટે જે કાર્ય નિર્માણ કર્યું છે, એ મને હાથ લાગી ગયું છે તેથી ચોપાસ પ્રકાશ જ પ્રકાશ છે. મને બધું સારું, શુભ, મંગલ લાગે છે. જીવન સફર સુહાની રહી.

વિજયભાઈ, મારા જીવનમાં બનેલા બનાવો મારા લખાણોમાં ક્યાંક ને ક્યાંક આલેખાયાં છે, મારી વાત હું નિખાલસતાથી જેવી છે તેવી કહી દઉં છું આટલું બસ ને?

થેંક યુ, મારી વાત કહેવાની મઝા આવી..

 

                                                       –   અવંતિકા ગુણવંત

અવંતિકા ગુણવંત

જન્મ તારીખ   –  ૧૭ ફેબ્રુઆરી ૧૯૩૭

સ્થળ અમદાવાદ

શૈક્ષણિક કારકિર્દી મેટ્રીક ૧૯૫૨

 બી.એ. ૧૯૫૬ અંગ્રેજી મુખ્ય વિષય  સાયકોલોજી ગૌણ સાથે

 એમ.એ. ૧૯૬૦ ગુજરાતી (મુખ્ય) સંસ્કૃત ગૌણ

વ્યવસાયિક કારકિર્દી રસરંજન  બાલ અઠવાડિકનું સંપાદન  ૧૯૬૧ થી ૧૯૬૯

 બાલ ભારતી પ્રકાશન  – ધોરણ ૧ ૨ ૩ ના ગણિત ઇતિહાસ ભૂગોળ પર્યાવરણના પુસ્તકોનું  લેખન અને પ્રકાશન  ૧૯૬૯ થી ૧૯૭૫

કટાર લેખન ૧ જન્મભૂમિ પ્રવાસી (મુંબઈ)  વાસ્તવની વાટે ૧૯૯૨ થી ૨૦૦૫

                ૨ મુંબઈ સમાચાર (મુંબઈ) આંગણાની તુલસી  ૨૦૦૫ થી ચાલુ છે.

                ૩  ફૂલ છાબ ( રાજકોટ)    સંસારચક્ર   ૧૯૯૮ થી ૨૦૦૬

                ૪ સૌરાષ્ટ્ર સમાચાર  (ભાવનગર) સંસારચક્ર ૨૦૦૧ થી ૨૦૦૫

                ૫ હલચલ અઠવાડિક (કલકત્તા) સંસારચક્ર  ૧૯૯૩ થી ચાલુ છે.

                ૬ સાંવરી   પાક્ષિક  (કલકત્તા) સંસાર   ૨૦૦૧ થી ચાલુ છે.

                ૭ શ્રી   સ્ત્રીઓનું અઠવાડિક    ગૃહગંગા    દસ વર્ષ સુધી.

                ૮ આરપાર    અઠવાડિક    મુ. પો. અમેરિકા   ૨૦૦૪ થી ૨૦૦૫ સુધી ૨૦૦૬ થી સપ્તપદીના સૂર 

                ૯  અખંડઆનંદ  માસિક    ગૃહગંગાને તીરે     ૧૯૮૨ થી

 

ગુજરાત ટાઈમ્સ, કુમાર, જનકલ્યાણ, નવચેતન, માનવમાં અવારનવાર. 

 

 

 

પારિતોષિક

૧  સંસ્કાર પરિવાર તરફથી સંસ્કાર પારિતોષિક

૨  ગુજરાત સાહિત્ય અકાદમી તરફથી માનવતાની મહેકને પારિતોષિક

૩ કુમાર ૧૯૮૨ માં અતિસ્નેહ વાર્તાને શ્રેષ્ઠ વાર્તા તરીકે

૪ નવચેતન તરફથી  

 • કેટલાંક લખાણો હિન્દીમરાઠી, તમિળ, ઉડિયામાં અનુવાદ
 • અભિનંદન ગ્રંથો અને ખાસ સંપાદનોમાં મારા લખાણોનો સમાવેશ. ,,,

તેમનો બ્લોગ : www.avantikagunvant.blogspot.com

અવંતિકાબેનના પુસ્તકોની યાદી 

[1] આપણી પ્રસન્નતા આપણા હાથમાં [2] ગૃહગંગાને તીરે. [3] સપનાને દૂર શું નજીક શું ? [4] અભરે ભરી જિંદગી [5] પ્રેમ ! તારાં છે હજાર ધામ [6] કથા અને વ્યથા [7] માનવતાની મહેક [8] એકને આભ બીજાને ઉંબરો [9] સહજીવનનું પ્રથમ પગથિયું [10] ત્રીજી ઘંટડી [11] હરિ હાથ લેજે [12] સદગુણદર્શન [13] ધૂપસળીની ધૂમ્રસેર [14] તેજકુંવર ચીનમાં [15] તેજકુંવર નવો અવતાર

તેમનો સંપર્ક : avantikagunvant@gmail.com

3 ટિપ્પણીઓ leave one →
 1. Dinesh Pandya permalink
  સપ્ટેમ્બર 23, 2009 5:22 પી એમ(pm)

  ઘણા વર્ષે હમણા “અખંડ આનંદ”નો સપ્ટેંબરનો અંક વાંચ્યો અને અવંતિકા ગુણવંત નો લેખ “બાપુજી, તમે સાંભળો છો?” વાંચ્યો. ગૃહગંગાને તીરેના બહુ લોકપ્રિય લેખિકાનો પરિચય સારો રહ્યો.
  આપણા કૌટુંબીક અને સામાજીક જીવનપર આવી અભ્યાસપૂર્ણ વાતોની બહુ સારી અસર પડે છે. લેખિકાને ત્થા તેમનો પરિચય કરાવનાર વિજયભાઈને અભિનંદન.

  દિનેશ પંડ્યા

 2. સપ્ટેમ્બર 30, 2009 1:34 પી એમ(pm)

  chiman patel to avantikagunvant, me
  show details 8:28 AM (2 minutes ago)

  Dear Avantiben and Gunvantbhai,

  Enjoyed reaing your “JIVAN JARMAR”.

  How are you both doing. It has been long time I talked to you both on phone.

  Please visit the following web site for my recent poem published.

  Vijaybhai is our very active member of of Guj. Sahitya Sarita literature group. He has many ideas and always inpired me to keep writing and publishing.

  http://kaayassor.wordpress.com
  http://www.chimanpatel.gujaratisahityasarita.org

  Keep in touch.

  With regards,

  Chiman Patel “CHAMAN”

 3. ફેબ્રુવારી 20, 2010 7:05 એ એમ (am)

  khub saras

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: