કંટેન્ટ પર જાઓ

ગુજરાતી સાહિત્યનો ફલાયઑવર – મૃગેશ શાહ

ફેબ્રુવારી 5, 2009

વડોદરાનાં મૃગેશ શાહનાં કામનો ચાહક તો હું શરુઆતથી જ હતો કારણ કે હંસની જેમ એ મોતી શોધતા અને ચણતા..રોજ નાં બે લેખ મન ને પ્રસન્ન કરીદે તેવા તે મુકે અને કોમ્પ્યુટર વાતચીતમાં(chatting)  કાયમ વિનયપુર્વક વહેવાર્..તેથી કેમ છો પુછવlનો વહેવાર શરુ થયેલો…જે કાળક્રમે મૈત્રીમાં પરિણમ્યો..

રીડ ગુજરાતી અને મૃગેશ શાહ એક સીક્કાની બે બાજુ છે તેને છુટા પાડવા મથુ તો પણ ન પડી શકે તેવી તેમની આભા છે..ગુજરાતી ભાષાનાં બ્લોગરોને માથે ગુજરાતી ભાષાને એક્વીસમી સદીમાં લઈ જવાની જવાબદારી જે સમજે છે અને એવુંજ જવાબદારી ભર્યુ તેમનુ વલણ એમના આ લેખમાં છે તેથી બહુ સમય ન લેતા તેમના અનુભવો તેમના શબ્દો માં માણીયે

mrugesh-shah-read-gujarati14

(આદરણીય શ્રી વિજયભાઈ શાહનો પ્રેમાગ્રહ હતો કે જલ્દી થી જલ્દી મારે રીડગુજરાતી વિશે કંઈક લખીને મોકલી આપવું, પરંતુ સંજોગોવશાત તે ઠેલાતું ગયું અને જ્યારે અનુકૂળતા સાંપડી ત્યારે મનમાં એમ થયું કે રીડગુજરાતી વિશે વાત કરવી એના કરતાં એના પાયામાં રહેલી મુખ્ય બાબતો કે એના દષ્ટિકોણ વિશે વિચારવું વધારે યોગ્ય રહેશે. તેથી મનમાં ઊઠતી કેટલીક અંતરંગ બાબતોને ધ્યાનમાં લઈને રીડગુજરાતી સાથેની મારી આ યાત્રાના અનુભવો કે અનુભૂતિ રૂપે જે સહજ લખાયું તે આપ સૌ વાચકો સામે પ્રસ્તુત કરું છું.)

જો કોઈ એમ પૂછે કે રીડગુજરાતીનો એક જ વાક્યમાં પરિચય આપવો હોય તો તમે કઈ રીતે આપો ? તો હું એમ કહેવાનું પસંદ કરીશ કે ‘રીડગુજરાતી એટલે ગુજરાતી સાહિત્યનો ફ્લાયઑવર !’ આ ‘ફ્લાયઑવર’ શબ્દ એટલા માટે કારણ કે સાહિત્ય સુધી પહોંચવાના લાંબા-ટૂંકા અનેક રસ્તાઓ છે, પરંતુ ઈન્ટરનેટના માધ્યમનો આ રસ્તો આપણને ઓછા સમયમાં વધુ ઝડપથી સાહિત્ય સુધી પહોંચાડી શકે છે. કોઈ પુસ્તક દ્વારા, કોઈ વક્તવ્યદ્વારા કે પોતાના રસના વિષયને કેળવીને પણ વ્યક્તિ સાહિત્ય સુધીની યાત્રા કરી શકે પરંતુ જે અત્યંત વ્યસ્ત છે, જેની પાસે સમયનો અભાવ છે, જેને અનેક પ્રકારની જવાબદારીઓ છે તેવા આજના યુવાવર્ગને તો ફ્લાયઑવર જ સહેલો પડે !

હજી કદાચ વધારે સ્પષ્ટતાથી મારે રીડગુજરાતી વિશે કહેવું હોય તો એમ કહીશ કે રીડગુજરાતી એટલે કશું જ નહિ ! માધ્યમની મહત્તા તેના ઉદ્દેશ કરતાં વધારે ન હોવી જોઈએ. થાળીમાં જે વસ્તુ પીરસાય છે તેને આરોગીને જ વ્યક્તિ તંદુરસ્ત રહી શકે છે, થાળીની પ્રશંસા કરીને નહિ. તે રીતે સાહિત્ય જે માધ્યમ દ્વારા આપણને પ્રાપ્ત થાય તેના પ્રતિ આપણો આદર જરૂર હોય પરંતુ તેના વખાણ એટલી હદ સુધી ન થવા જોઈએ કે મૂળ વિષય જ ભૂલાઈ જાય. અહીં સવાલ છે સાહિત્ય દ્વારા જીવનના શાશ્વત મુલ્યો તરફ વિચાર કરીને તેને આત્મસાત કરવાનો. રીડગુજરાતીના ગુણગાન ગાવામાં જો એ બાબત ચુકાઈ જાય તો એના જેવી મોટી ખોટ એકેય ન ગણાય ! કારણ કે કાળાંતરે કોઈ માધ્યમ શાશ્વત રહેતું નથી. ભગવાન વેદવ્યાસે જે હસ્તપ્રતમાં લખ્યું હશે એ કંઈ આજે આપણે જોઈ શકતા નથી. પરંતુ એ જે લખાયું એની શુદ્ધતમ ભાવનાની અસરો એટલી દુરોગામી બની કે સદીઓના સદીઓ સુધી તે ભૂલી શકાય તેમ નથી. વર-કન્યાનો મેળાપ કરાવીને ગોરમહારાજે સમય આવે વચ્ચેથી ખસી જવું જોઈએ, તે રીતે સાહિત્યનું જે કોઈ માધ્યમ હોય તેણે વાચક અને સર્જકને મેળવવામાં નિમિત્ત માત્ર બનીને રહેવું જોઈએ. એમાં જ તેનું ગૌરવ છે. રીડગુજરાતીને હું આ દષ્ટિએ જોવાનો વધારે પ્રયત્ન કરું છું. ફોક્સ આપણું સાહિત્ય તરફ હોવું જોઈએ, રીડગુજરાતી તરફ નહિ.

રીડગુજરાતી સાથેની મારી યાત્રા બે પ્રકારની છે : એક તો ‘અનુભવોની’ અને બીજી ‘અનુભૂતિની’ અથવા એમ કહીએ કે એક ‘બાહ્ય-દર્શન’ છે અને એક ‘આંતર-દર્શન’ છે. બાહ્ય-દર્શનમાં ઘટનાઓ છે, વ્યક્તિઓ છે, વિચારો છે અને વાસ્તવિકતાઓનો સામનો કરતા રહેવાનો સંઘર્ષ પણ છે. સાડાચાર વર્ષના આ ગાળામાં મુશ્કેલીઓ ન આવે એવું તો કેમ બને ! દિવસો તો એક સરખા ક્યારેય હોતા નથી. તેથી સ્વાભાવિક છે કે બધી જ પરિસ્થિતિઓમાંથી માર્ગ કાઢતા રહીને આગળ વધતા રહેવું પડે. આજનો શિક્ષિત વ્યક્તિ આયોજનબદ્ધ જીવે તો પણ એને ક્યારેક સમસ્યાઓનો સામનો તો કરવો જ પડે છે; તો પછી આ તો ‘ઑપન ઍર થિયેટર’ જેવું કાર્ય છે – એટલે એમાં ગમે ત્યારે વાવાઝોડું પણ આવે અને વરસાદેય પડે. પરંતુ આપણું કામ છે ચાલતા રહેવાનું… જે-જ્યારે-જેટલું શક્ય બને એટલું કરીને માર્ગ કાપતા જવાનું. સમસ્યાઓ ભિન્ન સ્વરૂપે આવતી જ રહેવાની… ક્યારેક ટેકનિકલ તો ક્યારેક આર્થિક તો ક્યારેક સામાજિક કે વળી સાવ અણધારી મુસીબતો ! મારો અનુભવ છે કે જો આપણો હેતુ શુદ્ધ હોય, આપણા દિલની ભાવના સાચી હોય તો સાતમે પાતાળેથીયે મદદ આવીને ઊભી રહે છે ! ઈશ્વરને ત્યાં ‘108 ઈમરજન્સી’ વિભાગ હંમેશા કાર્યરત હોય છે; એના માટે નંબર ઘુમાવવા જેટલીયે તસ્દી લેવાની જરૂર નથી પડતી. એ જાણે છે કે દરેક સમસ્યાનો ઉકેલ કઈ રીતે લાવવાનો છે.

એક સરસ અનુભવની તમને વાત કરું. એક વિદ્વાન સાહિત્યકારના સુપુત્રીએ એક પુસ્તકનું સંપાદન કર્યું હતું. એમાંનો એકાદ લેખ કોઈક સામાયિકમાં પ્રકાશિત થયો હતો. તેમાંથી મેં રીડગુજરાતી પર તે લેખ લીધો હતો. એ સમયે સામાયિકમાં તે સર્જકના સંપર્કની વિગતો આપવામાં નહોતી આવી, પરંતુ લેખ ખૂબ જ સુંદર હતો એટલે મને થયું કે જ્યારે નંબર મળશે ત્યારે ફોન કરીને એમને જાણ કરી દઈશ. બે-ત્રણ મહિના પછી એ પુસ્તક બજારમાં મળતું થયું. મેં ફોન નંબર લઈને તેમનો સંપર્ક કર્યો. સામે છેડેથી ધારદાર વક્તવ્ય શરૂ થયું ! ‘કોને પૂછીને તમે લેખ લીધો ?…. હજી તો પુસ્તક પ્રકાશિત હમણાં થયું અને તમે લેખ લઈ પણ લીધો ?…. તમે લોકો જ સાહિત્યનો દુરઉપયોગ કરો છો…. મોટા સામાયિકો પણ અમને પૂછયા વગર નથી લેતા અને તમે આ સાહસ કર્યું જ કેવી રીતે ?…. તમારી હિંમત જ કેમ કરીને થઈ ?…. આ તો ખરેખર ખોટી જ વસ્તુ છે…. જરાય ચલાવી ન લેવાય….’

મેં કહ્યું : ‘સારું મેડમ, એક કામ કરો હું તમને હમણાં જ મળવા આવું છું. આપણે બેસીને વાત કરીએ…’ એ પછી હું તરત એમને મળવા ગયો. એમને ઈન્ટરનેટ વગેરેનો કંઈ ખ્યાલ નહોતો પરંતુ જ્યારે મેં વિગતવાર સમજ આપી ત્યારે એ એટલા બધા પ્રસન્ન થઈ ગયા કે બીજા ચાર પુસ્તકો સામેથી આપ્યા ! – આવી બધી ઘટનાઓ બનતી જ રહે છે. તેનો અનુભવ કરતાં કરતાં જ આગળ વધવાની મજા છે. ઘણા લોકો એમ પણ કહે છે કે ‘રીડગુજરાતી તો પુસ્તકોમાંથી ઉઠાંતરી કરે છે…’, કોઈકને વળી એમ પણ લાગતું હશે કે ‘લોકોનું તમે લખો એમાં શું ધાડ મારી, જાતે સ્વરચિત કૃતિઓ મુકો તો ખરા !’ – જેને વિવાદ માટે વિષય જોઈએ તે કોઈપણ ક્ષેત્રમાંથી શોધી શકે છે. દુનિયામાં આવું ચાલ્યા જ કરે છે, એટલે તેની નવાઈ નથી. પરંતુ એક વાત સ્પષ્ટ રીતે સમજવી જોઈએ કે રીડગુજરાતીનું સ્વરૂપ ‘ઈ-સામાયિક’ પ્રકારનું છે તેથી સામાયિકમાં બધા જ લેખ એકલા તંત્રી લખતા નથી હોતા ! એમાં તો સંપાદન જ હોય, ભાઈ ! જે શુભ જ્યાંથી મળે ત્યાંથી લઈ લેવું અને તેને વાચકો સુધી પહોંચાડવું, એ સિવાય રીડગુજરાતીનો બીજો કોઈ ઉપક્રમ નથી. હેતુ કેવળ માનવ જીવનને સુખદ, પ્રસન્ન અને આનંદમય બનાવવાનો. સાહિત્ય દ્વારા સૌનું હિત સાધવાનો અને વાંચન, લેખન, મનન, ચિંતન દ્વારા આપણા આત્માને પુષ્ટ કરવાનો. એ સિવાય બીજો કોઈ ઉદ્દેશ નથી.

 

અનુભવો સુખદ પણ હોય જ ને ! દેશ-પરદેશના વાચકો સાથે વાર્તાલાપ, તેમનો અહોભાવ, તેમનો વાંચનપ્રેમ વગેરે જાણીને હૃદય ગદગદ થયા વગર રહે ખરું ? ઘણા બધા વાચકો રૂબરૂ મુલાકાતે આવતા રહે, અને તેમને મળીને અનેક નવી નવી વસ્તુઓ જાણવા મળે. પેઢીઓથી ચાલ્યો આવતો વાંચનનો ક્રમ કેવો વળાંક લે છે એનો ખ્યાલ આવે. ગ્રામ્ય વિસ્તારની સ્કૂલોમાં પ્રોજેક્ટર દ્વારા રીડગુજરાતી બતાવવામાં આવે, પરદેશમાં લોકો પ્રિન્ટ કાઢીને માતા-પિતાને લેખો વંચાવે, કોલેજના નોટિસબોર્ડ પર લેખો ડિસ્પ્લેમાટે મુકાય, નવયુવાનો પોતાની સ્વરચિત કૃતિઓ મોકલે, વિભિન્ન ધર્મના ગુરુકુળોમાં સાયં પ્રાર્થના પછી રીડગુજરાતી પર મુકાયેલા ઉત્તમ લેખોનું વાંચન થાય, નવરાશની પળોમાં ઑફિસના તમામ સ્ક્રીન પર વાર્તાઓ વંચાતી હોય, સરકારી ઑફિસોથી લઈને સચિવાલય સુધી કે પછી સાયન્સ સેન્ટર ઈસરો થી લઈને છેક નાસા સુધી તેમજ વિશ્વની મોટી મોટી તમામ મલ્ટીનેશનલ કંપનીઓમાં ખૂણે ખૂણે ક્યાંકને ક્યાંક કોઈ વાર્તા, પ્રવાસવર્ણન, હાસ્ય અને વિવિધ પ્રકારના વાંચનનો રોજેરોજ લાભ મેળવી શકે તેનાથી વધારે આનંદાયક વાત બીજી કઈ હોઈ શકે ! આ કોઈ રીડગુજરાતીનો ચમત્કાર નથી, સાહિત્યનો પ્રભાવ જ એવો છે કે જે તમને કોઈ પણ પરિસ્થિતિમાં નવી દષ્ટિ આપી શકે અને હ્રદયને પ્રસન્નતાથી ભરી દે.

 

આ તો થઈ અનુભવોની વાત ! પણ જીવનને પુષ્ટ કરતું પરિબળ તો ‘અનુભૂતિ’નું જ છે. અનુભૂતિ આંતર-દર્શન છે. જાત સાથે વાત કરવાની પ્રક્રિયા છે. હું એ વાત ભારપૂર્વક કહેવા માગું છું કે રીડગુજરાતીએ મને અનેક અનુભૂતિઓનો સ્પર્શ કરાવ્યો છે. નાની બાબતો પર ઊંડાણપૂર્વક વિચારવાની રીત શીખવાડી છે. કોઈ પણ ભૌતિક માધ્યમો વગર જીવનને સભર બનાવવાની ચાવી બતાવી છે. અને આ અનુભૂતિઓના બળને કારણે જ વિભિન્ન અનુભવો સામે ટકી શકાય છે. મોડી રાત્રિના નિરવ વાતાવરણમાં, બારી પાસે પલંગ પર સુતાં સુતાં શીતળ ચાંદનીમાં ક્યારેક વિનોબા તો ક્યારેક વિવેકાનંદ તો ક્યારેક રમણ મહર્ષિ તો ક્યારેક ગાંધીજી તો ક્યારેક ગાઢ અરણ્યના જંગલોની વાતો તો વળી ક્યારે તારકમહેતાના ટપુડાના પરાક્રમો –આ બધું વાંચતા મનમાં જે આંતરિક પ્રસન્નતા અને ભાવોની પુષ્ટિ થાય તે વર્ણવા માટે મારી પાસે શબ્દો નથી. એમ લાગે કે જાણે આપણે અંદરથી કશા જ પ્રયાસો વગર તૃપ્ત થઈ રહ્યા છીએ. એ અનુભૂતિ આગળ દુનિયાની તમામ દોલત ધૂળ બરાબર છે. લિયો તોલ્સતોયની ગરીબો પ્રત્યેની કરુણા તમને બેચેન કરી મૂકે, ગાંધીજીનું જીવન દર્શન તમારી નજર સામેથી ખસે જ નહીં, વિનોબાના વિચારો તમારી ઊંઘ ઊડાડી મૂકે…. – આ બધી અનુભૂતિની કોઈ સીમા નથી. આ તો કિનારે ઊભા રહીને સાગરનું વર્ણન કરવા જેવું થાય, બાકી તો મહીં પડ્યા એ જ મહાસુખ માણે. લોકો પૂછે કે રીડગુજરાતીથી તમને શું મળે ? – એમને કહેવા માટે મારી પાસે કોઈ જવાબ નથી, હું સ્મિત કરીને ચુપ થઈ જાઉં છું. એ સમજી શકે તો સમજી લે !

 

એકાદ વર્ષ પહેલાં એક સાહિત્યપ્રેમી વડીલનો ફોન આવ્યો હતો કે ‘ભાઈ, આ શું સાહિત્ય… સાહિત્ય માંડ્યું છે… એમ કંઈ સાહિત્યથી પેટ નહીં ભરાય… તમારે આ બધું છોડીને કંઈ કામધંધો શોધવો જોઈએ. જુવાનીમાં બે પૈસા કમાઈ લેવા જોઈએ…. અમે પરિષદોના ઓટલા ઘસીને થાકી ગયા તોય ઉદ્ધાર નથી થયો… આમાં કંઈ તમારો ઉદ્ધાર નહીં થાય… લોકોની વાહ વાહ પર તમારું પેટ નહીં ભરાય… વગેરે વગરે…’ એમની લાગણી હતી કે મારાથી ખોટો સમય ન વેડફાઈ જાય એટલે એમણે થોડા કડક શબ્દોમાં એમનો પ્રેમ મને બતાવ્યો. પરંતુ એમને મારો સ્થૂળ સંઘર્ષ જ દેખાયો હશે, અનુભૂતિને તેઓ નહીં સમજી શક્યા હોય એટલે કદાચ આમ બન્યું હશે. મને વડોદરા ક્રોસવર્ડના પેલા રણજિતભાઈની વાત યાદ આવે છે : ‘એમણે એમ કહ્યું કે લોકો અહીં પુસ્તકો લેવા આવે, પાના ફેરવે અને ખરીદીને જતા રહે. મને એ દેખાતું જ નથી. મને તો અહીં પુસ્તકોમાં જીવન દેખાય છે….’ – મને પણ એમ જ કહેવાનું મન થાય છે કે સાહિત્યમાં મને અહીં જીવન દેખાય છે. એને કૃપયા સ્થૂળ બાબતોથી માપવાની કોશિશ ન કરો. કોઈ પણ કલા એ અનુભૂતિની યાત્રા છે. એમાં આંતરરસની સૃષ્ટિનો જે સ્પર્શ થાય છે તેની આગળ હજારો નિષ્ફળતાઓ કબૂલ છે. કલા માત્ર અવ્યવસ્થા અને આયોજન મુક્ત રહેવાથી જ ઉદ્દભવે છે. કોઈ એમ કહે કે હું બધું જ ક્રમબધ્દ્દ આયોજન કરીને પછી લેખક બનું તો એ ક્યારેય લેખક નહીં બની શકે. ઑફિસની જેમ લખવા બેસવાનો કોઈ ટાઈમ હોતો નથી, એ તો પ્રવાહ અડધી રાત્રે ઉતરે તો એને ઝીલવા સર્જકે સજ્જ બનવું પડે. લેખનકલા, ચિત્રકલા અથવા તો કોઈ પણ કલાનું ક્ષેત્ર એક વિશાળ મેદાન જેવું છે. એમાં તો હાથ ખુલ્લા કરીને આભને આંબવા બસ દોડી પડવાનું. અતિશય બુદ્ધિમતા, પ્લાનિંગ અને આયોજન કરનાર વ્યક્તિ કદી સાચો સર્જક ન બની શકે. અહીં ‘સાચો’ શબ્દ અગત્યનો છે કારણ કે લેખો છપાવીને, પ્રોગ્રામો ગોઠવી, એવોર્ડ મેળવીને અને ક્રમબદ્ધ આયોજન કરીને પણ આજકાલ લેખક બની શકાય છે પરંતુ એમાં ‘સાચાપણું’ નથી હોતું. એમાં અનુભૂતિનું જગત શૂન્ય જ રહે છે; અને સૌથી મોટી ખોટ એની જ છે. હૃદયની અનુભૂતિથી નીકળેલો એક શબ્દ પણ સાહિત્ય બની શકે છે, જ્યારે પ્રસિદ્ધિ માટે લખાયેલા હજારો પાનાનાં પુસ્તકોને સાહિત્ય કહેવું કે કેમ તે એક પ્રશ્ન છે. પેલી વાર્તામાં ભગવાન બુદ્ધનું એક વાક્ય ‘તારું આત્યંતિક કલ્યાણ ઈચ્છતો હું જાઉં છું’ – એ વાક્ય સૌન્દરાનંદને એટલું બેચેન કરી ગયું કે એની રાતની ઊંઘ હરામ થઈ ગઈ અને બીજા દિવસની વહેલી સવારે એ બુદ્ધને મળવા પહોંચી ગયો. શબ્દ અને વાક્ય તો જ અસર ઉપજાવી શકે છે જો એની પાછળ અનુભૂતિનું બળ હોય, હૃદયનો ઉદાર ભાવ હોય, કશુંક શુભ કરવાની અદમ્ય ઈચ્છા હોય. જો આમ હોય તો જ સર્જક થવું સાર્થક છે. ભાષાને એવા સર્જકોની જરૂર છે જે સ્વ કરતાં ભાષા માટે વધારે કામ કરે.

 

  

રીડગુજરાતી જેની માટે જે હોય તે, પરંતુ મારા માટે તો એ માનસિક સ્નાન છે. એ મને રોજ તરોતાજા કરે છે. કશુંક નવું સ્પર્શ કરાવે છે. નવી ઊર્જા આપે છે. આખો દિવસ આપણે ભાતભાતના કામોમાં અટવાયેલા હોઈએ, અનેક ઘટનાઓ વચ્ચેથી પસાર થતા હોઈએ… એ બધા માટેનું બળ રીડગુજરાતી આપે છે. મારા માટે તો એ જાણે વટવૃક્ષનો વિસામો છે. તે માનસિક ખોરાક છે. કદાચ આવો અનેક વાચકોનો પણ અનુભવ છે. વળી, હોવું પણ એમ જ જોઈએ. જીવન વિશેની સમજ સાહિત્ય નહીં આપે તો કોણ આપશે ? સાહિત્યએ અત્યારે મનોરંજન કરતાં જીવનને વ્યવસ્થિત ગોઠવવાની ભૂમિકા ભજવવાની વધારે જરૂર છે. રીડગુજરાતીના માધ્યમ દ્વારા એવા સાહિત્યનો સ્પર્શ કરાવવો તેવો એક વિનમ્ર પ્રયાસ છે. આ બધી જ બાબતો કહેવા છતાં હજી હું બરાબર કહી નથી શક્તો કે રીડગુજરાતી મારે માટે શું છે… એની માટે તો મારે નેતિ… નેતિ.. નેતિ… એમ જ કહેવું પડે. કોઈ બાળક શું માતાનું વર્ણન કે એના ગુણો ક્યારેય ગાઈ શકે ? એની માટે તો એના હૃદયનો ભાવ એ જ એની ભાષા છે. રીડગુજરાતી બાબતે મારી અનુભૂતિ કંઈક આવી જ છે. મારી પાસે એની માટે કોઈ શબ્દો નથી.

 

રીડગુજરાતી ક્યારે થયું, કેમ બન્યું, કેવી રીતે બન્યું અને એણે શું સિદ્ધિઓ પ્રાપ્ત કરી એ બધી બાબત મહત્વની નથી. મહત્વનું એ છે કે એનાથી આપણા જીવન તરફની આપણી દષ્ટિમાં કેટલો બદલાવ આવ્યો. એનો આપણે શું ઉપયોગ કર્યો તે મહત્વનું છે. આપણા જીવનની કોઈ નબળી બાજુને આપણે સમજતા થયા હોઈએ તો રીડગુજરાતીનો પ્રયત્ન સફળ. કોઈક નવો વિચાર પ્રાપ્ત કરીને આપણે જીવનના યોગ્ય પથ પર ગતિ કરી શક્યા હોઈએ તો આપણું વાંચવું વસૂલ થઈ ગયું. આપણો સમય સાર્થક થયો. વિનોબાજીને કોઈએ પૂછ્યું કે આ ‘ગીતા પ્રવચનો’ પુસ્તક્ની એક લાખ નકલો વેચાઈ ગઈ… ત્યારે તેમણે કહ્યું કે આંકડાની વાત છોડો. સંખ્યાઓનું મહત્વ નથી. એની એક નકલથી પણ તમને કેટલો ફાયદો થયો ? એનો વિચાર કરો. તેથી રીડગુજરાતી પર અનેક લેખો મુકાયા, અસંખ્ય લોકોએ મુલાકાત લીધી એ બધું ઠીક પણ મહત્વ છે તેના દ્વારા પ્રાપ્ત થયેલા વિચારને અમલમાં લાવવાનું.

 

કહેવાય છે કે અતિ ખાનારો જ વહેલો મરે છે, ભૂખ્યો રહેનારો નહીં. કુટુંબનિયોજનની જેમ સાહિત્યનું પણ નિયોજન હોવું જ જોઈએ. બે લેખો બસ. વાંચનો અતિરેક એ વાંચન ન કર્યા બરાબર છે. અતિશય વાંચવું એ મગજમાં ખાલી માહિતી ભરવા જેવું છે. વાંચન તો ત્યારે પુષ્ટ બને છે જ્યારે થોડુંક વંચાય, વિચારાય અને એના પ્રમાણે જીવન ગોઠવવાનો પ્રયત્ન કરાય. રીડગુજરાતી માટે મેં આ પાયાની બાબત સ્વીકારી છે. જે આવ્યું એનો ઢગલો ખડકી દેવો એમાં કોઈ સમજદારી નથી. સમાજમાં વાંચન ઘટવાનું આ પણ એક કારણ છે કે અતિશય સામે પ્રવાહે સ્નાન કરી શકાતું નથી. એ તો તમને તાણી જાય છે ! મને આદરણીય ધીરુબહેન પટેલની એક વાત યાદ આવે છે, જે મારા મનમાં હંમેશા રહી ગઈ છે. એમણે એમ કહ્યું કે જ્યારે તમે એક લેખ લખો છો ત્યારે તમે અનેક વાચકોની હજારો મિનિટો વ્યસ્ત કરો છો. જો તમે એમને કશુંક સારું આપી ન શકતા હોય તો એમના કિંમતી જીવનની આટલી બધી મિનિટો વેડફવાનો તમને અધિકાર નથી.

 

બીજી એક બાબત છે ગુણવત્તાની, પરંતુ અત્રે એટલું ધ્યાન રાખવું ઘટે કે ગુણવત્તા એટલે જડતા નહીં. કોઈ પણ સામાયિકને પોતાનું સ્વરૂપ હોય એ રીતે રીડગુજરાતીને પણ એનું એક સ્વરૂપ છે. એમાં શિષ્ટ અને જીવનપ્રેરક લેખો જ સમાવી શકાય તેવી એક મર્યાદા છે પરંતુ આ મર્યાદાનો અર્થ એવો નથી કે બધું ઊંચું સાહિત્ય જ સ્થાન મેળવી શકે. એક દરવાજો નવોદિત માટે પણ હોવો જોઈએ. એક બારી નવસર્જકો માટે પણ રહેવી જોઈએ. કદાચ આ પ્રયત્ન બધા જ સામાયિકો કરશે તો ગુજરાતી ભાષાને નવાસર્જકો આસાનીથી મળી રહેશે. તમે તમારું સ્વરૂપ અકબંધ રાખો પરંતુ એને એટલું જડ ન બનાવી દો કે એમાં નવોદિતની કૃતિની આપણે બસ ખામીઓ જ કાઢ્યા કરીએ ! હું જાણું છું કે ઘણીવાર નવોદીત સર્જકોની કૃતિઓમાં છંદના ઠેકાણા નથી હોતા, ભાષા-શબ્દ અને તેની રચના પણ બરાબર નથી હોતી, પણ તેથી શું ? એને પોતાની ભાષામાં લખવાનું કંઈ મન થયું એ જ મોટી વાત નથી ? એની રચના જેવી હોય તેવી સ્વીકારાવી જ જોઈએ. એકવાર એને પ્રોત્સાહન મળે એટલે એની મેળે ગાડી આગળ ચાલે. ઉગતા છોડને મૂળમાંથી ઉખેડવાની ભૂલ ન થવી જોઈએ. મારો તો એવો અનુભવ રહ્યો છે કે કૉલેજના એક વિદ્યાર્થીએ રચેલી રચના આખા કેમ્પસમાં બધાને વંચાવે, નોટિસબોર્ડ પર મુકાય એનાથી અનેક લોકો લખતા થાય અને એમાંથી મોડે મોડે આપણને સમજાય કે સ્પર્ધામાં ઉત્કૃષ્ટ નીવડે એવી કેટલીક ઉત્તમ કૃતિઓ પણ આપણને નવયુવાનો પાસેથી મળી રહી છે. ભાષા માટે શું કરવું એની પર વ્યાખ્યાનો અને લેખનો બહુ થાય છે, પણ તે માટે આ નવયુવાનોની જેવી છે તેવી કૃતિઓ સ્વીકારવાની હિંમત થાય છે ખરી ? હું તો એમ સ્પષ્ટ પણે માનું છું કે રીડગુજરાતીનું સ્વરૂપ કાલે બગડતું હોય તો આજે બગડી જાય, પણ કોઈક કશું લખવાનો પ્રયત્ન કરી રહ્યું હોય તો એને અવશ્ય સ્થાન મળવું જોઈએ. જેને જેટલી નિંદા કરવી હોય તે કરી લે. કોઈ બાળક ઘૂંટણિયા કાઢ્યા વગર કે પડ્યા વગર ચાલતા શીખતું નથી. આપણા સામાયિકનો માપદંડ એટલો ઊંચો ન હોવો જોઈએ કે આપણને બાળસર્જકો દેખાય જ નહિ !

 

ટૂંકમાં કહું તો જીવનપ્રેરક સાહિત્ય એ આજના સમયની માંગ છે. એ સાહિત્ય એ જ મને વિચારવાની નવી દષ્ટિ આપી છે. અરે ! એમ જ કહો ને કે નવો જન્મ આપ્યો છે. અમારા ઘરમાં પુસ્તકો અને સામાયિકો તો આવતા રહેતાં. વાંચનનો શોખ ઘરમાં બધાને પરંતુ વિશેષરૂપે બધું જ છોડીને કેવળ સાહિત્યને ખોળે જ જીવન પસાર કરવું – એવી ક્ષમતા તો કેવળ ઈશ્વર જ આપી શકે. સાથે માતાપિતાના આશીર્વાદ અને દરેક બાબતમાં તેમનો સહયોગ તો ખરો જ. હું તો એમ માનું છું કે અસ્તિત્વ કે નિયતિની કૃપાથી મને સાહિત્યના ખોળે રહેવાનું સદભાગ્ય સાંપડ્યું એ મારે મન જીવનની સૌથી ધન્ય ક્ષણો છે. એ જીવનને માલામાલ કરી દે છે. જીવનના કોઈ અભાવ, અભાવ રહેતા જ નથી. હવે જે થવાનું હોય તે થાય… એમ વિચાર કરતાં મને કવિ શ્રી સુન્દરમની આ સુંદર પંક્તિઓ યાદ આવે છે, જેને પ્રસ્તુત કરીને વાતને પૂરી કરું.

 

થાય થવાનું જે કાંઈ હોય તે

મન ભરીને થાય,

આભની મારી કોયલ એનું

દિલ ભરીને ગાય.

આપણે સાબૂત હોઈએ, બાવડાં તરવાને તૈયાર,

સાગર ગાંડો થાય ભલે, એને આપણે કરશું પાર.

 

 

15 ટિપ્પણીઓ leave one →
 1. ફેબ્રુવારી 6, 2009 3:46 પી એમ(pm)

  મૃગેશભાઈ, ઘણા વખતથી તમારી અને રીડગુજરાતીની વાત તમારા પાસેથી જાણવાની ઈચ્છા હતી. તમને આ શુભકાર્ય માટે ખુબ ખુબ શુભેચ્છાઓ.

  રેખા સિંધલ

 2. Vinod Patel permalink
  ફેબ્રુવારી 7, 2009 2:20 એ એમ (am)

  Truly, articles in readgujarati are life changing. Thank you Mrugeshbhai, for your non-stop service to gujarati literature.

  Vinod Patel, USA

 3. Hiral Thaker "Vasantiful" permalink
  ફેબ્રુવારી 7, 2009 4:00 એ એમ (am)

  રીડગુજરાતી વંચાતુ રહે અને સાહિત્ય આચરણમાં મુકાતુ રહે તેવી શુભેચ્છાઓ.

  રીડગુજરાતી વાચક .

 4. યશવંત ઠક્કર permalink
  ફેબ્રુવારી 7, 2009 3:48 પી એમ(pm)

  મૃગેશભાઈનું કામ બોલે છે. બોલતું રહેશે. એમની રજૂઆતમાં રહેલી સાદગી અને સરળતા મનને સ્પર્શી ગયાં. ધન્યવાદ.

 5. ફેબ્રુવારી 7, 2009 7:15 પી એમ(pm)

  થાય થવાનું જે કાંઈ હોય તે, મન ભરીને થાય.

  આભની મારી કોયલ એનું, દિલ ભરીને ગાય.

  આપણે સાબૂત હોઈએ, બાવડાં તરવાને તૈયાર,

  રીડગુજરાતી વંચાતુ રહે ને, સાહિત્ય આચરણમાં મુકાતુ રહે all bloggers.

  તેવી શુભેચ્છાઓ.

  Rajendra

  http://www.yogaeast.net

  http://www.bpaindia.org

 6. ફેબ્રુવારી 8, 2009 1:03 એ એમ (am)

  થોડું લખવાનું રહી ગયું હતું તે અહીં ઉમેરુ છું. મૃગેશભાઈ વિષેનો લેખ વાંચી મને યાદ આવ્યું કે મારો ગુજરાતી ભાષા પ્રત્યેનો પ્રેમ ફરી જાગૃત કરવામાં રીડ ગુજરાતીનો પણ ઘણો મોટો ફાળો છે.

  મને ગુજરાતી બ્લોગમાં કઈક લખવા માટેની પ્રથમ સ્ફૂરણા મળી હોય તો તે મૃગેશભાઈના રીડગુજરાતી બ્લોગ પર થી. અહીં ઘણા ગુજરાતી વિદ્યાર્થીઓને ગુજરાતી બ્લોગ્સ બતાવું ત્યારે હમેંશા રીડગુજરાતીથી શુભ શરૂઆત કરૂં છું. વિદ્યાર્થીઓના મુખ પરની વિસ્મયતા નિહાળીને અનોખો આનંદ આવે છે. એક ગુજરાતી પણ માત્ર અંગ્રેજીમાં જ લખી શકતાં એક વિદ્યાર્થી એ મને જણાવેલું કે ‘મારા મમ્મી પપ્પાએ મને ગુજરાતી શીખવાડ્યું હોત તો કેવું સારું થાત?’ એ વિદ્યાર્થી આપણા ભારતમાં જ મોટો થયો હતો અને વધુ અભ્યાસ માટે અમેરિકા આવ્યો હતો. રીડગુજરાતી પરથી દેશી-હિસાબ ડાઉનલોડ કરીને એને આપ્યો ત્યારે ખૂબ ખૂશ થયો હતો.

 7. ફેબ્રુવારી 8, 2009 12:40 પી એમ(pm)

  મૃગેશભાઈએ ખૂલ્લા દિલે પોતાની સાહિત્ય પ્રત્યેની પ્રીતિ વિશે વાતો કરી તે માણવાની મજા આવી. નર્મદે જેમ કલમને ખોળે માથું મૂક્યું હતું તેમ મૃગેશભાઈએ પણ સાહિત્યના ખોળે માથું મૂક્યું છે. આવા વિરલાઓ હોય પછી ગુજરાતી સાહિત્યના ભવિષ્યની ચિંતા શું?

 8. ફેબ્રુવારી 10, 2009 6:15 એ એમ (am)

  very good article.
  અંતરના ભાવોને ખુબ સુંદર રીતે અભિવ્યક્ત કર્યા છે. એમના વિચારોમાં ઘણાંને પોતાના ભાવોનું પ્રતિબિંબ દેખાતું હશે. મૃગેશભાઈ, કીપ ઈટ અપ.

 9. Janakbhai permalink
  ફેબ્રુવારી 11, 2009 4:09 એ એમ (am)

  Lakh Lakh Salam Mrugeshbhai.

 10. ફેબ્રુવારી 11, 2009 6:07 એ એમ (am)

  શ્રી મૃગેશભાઈ શાહને માવજીભાઈના શતઃ શતઃ પ્રણામ.

  -માવજીભાઈ મુંબઈવાળા

  http://www.mavjibhai.com

 11. ફેબ્રુવારી 11, 2009 6:16 એ એમ (am)

  શ્રી વિજયભાઈ અને શ્રી મૃગેશભાઈ બન્નેને સાહિત્યનો આટલો સરસ સંગમ અમારા જેવા વાંચકો માટે સુગમ બનાવવા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ અને આભાર.

  -માવજીભાઈ મુંબઈવાળા
  (http://www.mavjibhai.com)

 12. ફેબ્રુવારી 16, 2009 6:53 પી એમ(pm)

  Jay Gurudev,

  Wish you all the best Murgeshbhai,

  Nice to know about you here.

  ખરેખર સાચા અર્થમાં જ્ઞાન યજ્ઞની
  આજના યુગની જરૂરીયાતમાં મહત્વનું યોગદાન છે.

  આ કાર્યને વધુમાં વધુ લોકોને લાભ લઈને
  જીવનમાં ચિંતન, મનન, અને આચરણમાં લાવે શુભેચ્છા સહ

  Kantilal Karshala

  http://gaytrignanmandir.wordpress.com

 13. kishor acharya permalink
  ઓક્ટોબર 24, 2013 11:15 એ એમ (am)

  jay jay garvi gujarat
  khub khub abhinandan Mrugeshbhai

Trackbacks

 1. મૃગેશભાઈનું અવસાન… | વિજયનું ચિંતન જગત-
 2. મૃગેશ શાહ | શબ્દોનુંસર્જન

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: